આ ભાઈએ ભેખ લીધો છે વાઇફને સાજી કરવાનો

14 February, 2019 11:34 AM IST  |  | પલ્લવી આચાર્ય

આ ભાઈએ ભેખ લીધો છે વાઇફને સાજી કરવાનો

શિવજી અને રાધા ખેતાણી

આજે એક એવા પુરુષની વાત કરવી છે જેણે બ્રેઇન હૅમરેજનો ભોગ બનેલી વાઇફની સેવા કરવા માટે પોતાનો કામધંધો છોડી દીધો, પોતાની જિંદગીને પણ ભુલાવી દીધી છે. આજે જ્યારે માનવીય સંબંધો તકલાદી બનતા જાય છે ત્યારે વાંચીએ પ્રેમ, નિષ્ઠા અને સમર્પણમાં પુરુષ કયા સ્તર પર જઈ શકે એની પ્રેરક દાસ્તાન

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલી આયુર્વેદિક હૉસ્પિટલમાં વ્હીલચૅર પર બેઠેલાં રાધાબહેનને સાંજે તેમના પતિ હૉસ્પિટલના ખુલ્લા પ્રાંગણમાં લઈ આવ્યા છે. આખો દિવસ રૂમમાં અકળાઈ જવાય એટલે અન્ય દરદીઓની જેમ તેમનો પણ આ નિત્યક્રમ છે. ૪૮ વર્ષનાં રાધાબહેન બે મહિનાથી અહીં ઍડ્મિટ છે અને હજી ૩ મહિના રહેશે. તેમની સાથે તેમના પતિ રહે છે. રાધાબહેનની હાલત એવી છે કે તેમના મોઢા પર માખી બેસે કે હાથ પર મચ્છર કરડે તો જાતે ઉડાવી નથી શકતાં એટલું જ નહીં, એ માટે ઇશારો કરીને પણ કોઈને કહી શકે એમ નથી. તેમનો પગ કે હાથ વ્હીલચૅરમાંથી બહાર નીકળી જાય તો પાછો ત્યાં નથી લઈ શકતા. ચાર જણની મદદથી તેમના પતિ તેમને વ્હીલચૅરમાંથી ઊભાં કરવાની ટ્રાય કરે છે ત્યારે દાંડીમાંથી તૂટી ગયેલો છોડ કેવો નમી પડે એમ તે નમી પડે છે અને તેમને ફરી વ્હીલચૅરમાં ગોઠવી દેવાં પડે છે. ખસી ગયેલાં તેમનાં કપડાં સરખાં કરી મોઢામાંથી આવતી લાળને પતિ રૂમાલથી લૂછી લે છે.

૫૦ વર્ષના આ ભાઈનું નામ છે શિવજી ખેતાણી. તેઓ છેલ્લા ચાર વર્ષથી પોતાનો રોજગાર-ધંધો છોડીને, બાળકોની સંભાળને પણ બાજુ પર રાખીને ૨૪ કલાક વાઇફની સેવામાં લાગ્યા છે એટલું જ નહીં, પોતાની જિંદગીને પણ વાઇફ માટે હોમી દીધી છે. પત્નીને સાજી કરવા દરબદર હૉસ્પિટલોમાં ફરે છે શિવજી ખેતાણી. તેમનાં પત્ની રાધાબહેન છેલ્લાં પાંચ વર્ષથી પોતાની જાતે શરીરનું કોઈ પણ અંગ હલાવી નથી શકતાં. તેમને એક દીકરી અને બે દીકરા છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં છે, જે આફ્રિકામાં પતિ સાથે છે. ૧૯ વર્ષનો મોટો દીકરો સિવિલ એન્જિનિયરિંગનું ભણે છે અને નાનો દીકરો નાઇન્થમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં રહીને ભણે છે.

જીવનને ગંભીર અને આઘાતજનક મોડ આપનારા એ દુ:ખદ દિવસની વાત કરતાં શિવજી કહે છે, ‘૨૦૧૩ની ૧૩ ડિસેમ્બરે મારી દીકરીનાં લગ્ન હતાં. લગ્નની તૈયારી પત્ની રાધાએ બરાબર કરી. પ્રસંગ સારી રીતે એન્જૉય કર્યો, પણ દીકરીને વળાવી આવ્યા પછી તે થોડી સૂનમૂન થઈ ગઈ હતી. કોઈની સાથે ઝાઝી વાત નહોતી કરતી, પણ પછી તરત બહેનની દીકરીનાં લગ્ન હોવાથી અમે બધા એની ધમાલમાં પડી ગયા હતા. લગ્ન પત્યાં એના બીજા દિવસે સાંજે પરિવાર માટે રાધાએ જમવાનું બનાવ્યું. બધાં સાથે જમ્યા પણ ખરાં, પણ થોડી વારમાં તેને મૂંઝારો થવા લાગ્યો. અસ્વસ્થતા લાગતાં તે સોફા પર બેઠી, પણ સારું ન લાગ્યું તો ઉપરના માળે બેડ પર સૂવા માટે ગઈ. જોકે મૂંઝારો વધુ લાગતાં ત્યાંથી તરત નીચે આવી ગઈ. ત્યાં જ એક વૉમિટ થઈ. અમે તાત્કાલિક હૉસ્પિટલ જવા રવાના થયાં, પણ ઘરના આંગણમાં જ ફરી વૉમિટ થઈ. રાધા ગાડીમાં બેઠી, પણ એ જ ઘડીએ તેનું આખું શરીર લાકડા જેવું થઈ ગયું. ૨૦ મિનિટમાં જ અમે હૉસ્પિટલ પહોંચ્યાં. આ સમયે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.’

તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર ચાલુ કરી દીધી, પણ બીજા દિવસે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પ્ય્ત્ રર્પિોટમાં આવ્યું કે નાના મગજનું હૅમરેજ છે, અહીં નસ ફાટીને સિક્કા જેટલો લોહીનો ધબ્બો થયો છે. ડૉક્ટરોએ કહ્યું કે અમે કોશિશ કરીએ, બાકી કેસ અમારા હાથમાં નથી. ૪ દિવસ રાધાબહેનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં. ખોરાક આપવા પેટમાં કાણું કરી નળી એન્ટર કરી અને શ્વાસ માટે ગળામાં. દીકરીની વિદાયનું દુ:ખ તેમણે કોઈ સાથે શૅર ન કર્યું અને સહી પણ ન શક્યાં અને ઊંચા બ્લડ-પ્રેશર તથા કૉલેસ્ટરોલના કારણે તેમના મગજની નસ ફાટી ગઈ.

સ્ટર્લિંગ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી તેમને ભુજની હૉસ્પિટલમાં ૧૩ દિવસ રાખ્યાં, પણ આ કેસમાં હવે કોઈ ઇલાજ બચ્યો ન હોવાથી તેમને ઘરે લઈ જવા અને ઘરે સારવાર કરવા ડૉક્ટરે જણાવ્યું. શિવજી કહે છે, ‘સક્શન મશીન, ફિઝિયોથેરપી માટેનાં મશીનો, બ્લડ-પ્રેશર માપવાના સાધન સહિત દોઢ લાખ રૂપિયાનાં બધાં જ સાધનો ઘરે વસાવ્યાં.’

ખોરાક માટે જે નળી નાખી હતી એ કાઢી લીધી અને ઘરવાળાઓની સેવા શરૂ થઈ. ફિઝિયોથેરપીની સારવાર પણ શરૂ કરી, પણ કોઈ ફેર જણાતો નહોતો એટલે બિદડાની સર્વોદય હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા અને અહીં બે વર્ષ સુધી સારવાર લીધી. તેઓ ખાવાનું હવે થોડું-થોડું મોઢેથી ઉતારવા લાગ્યાં. ખર્ચ વધુ થતો હોવાથી ડૉક્ટરે જ સજેસ્ટ કર્યું કે ઘરે કસરત કરાવો.

શિવજીનો ભુજમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો. ધંધો ધમધોકાર ચાલતો હતો, પણ પત્નીની બીમારીના એક વરસ પછી તેમણે ધંધો છોડી દેવાનો બહુ આકરો નર્ણિય લીધો; કારણ કે બે બાજુ ધ્યાન રાખવામાં કોઈને ન્યાય નહોતા આપી શકતા. જીવનની આ આકરી ઘડીને વર્ણવતાં શિવજી કહે છે, ‘કામ ન છોડવા માટે બધાએ ઘણું સમજાવ્યું, પણ હું કામ પર ધ્યાન આપી શકતો નહોતો અને બીજી બાજુ મેં એ પણ જોયું કે પથારીવશ પત્નીની સારવાર માટે રાખેલા માણસો વાઇફની સારી રીતે સંભાળ કરી શકતા નહોતા. સવારે તેને ઉઠાડવી અને બ્રશ કરાવવાથી લઈને દિવસમાં અનેક વાર શૌચ કરાવવા સુધીનું બધું જ કામ કરવું પડતું હતું. એ સમયે હું મારી આ પરિસ્થિતિ સામે ટક્કર લેવામાં હારી જવા લાગ્યો. બહુ રડ્યો, પણ મારા દિલનો એક જ અવાજ હતો કે મારી પથારીવશ પત્ની માટે મારું પહેલું કર્તવ્ય છે અને મારે જ એ નિભાવવાનું છે. જો હું એ નહીં નિભાવું અને આ વ્યક્તિ, જે મારાં બાળકોની મા છે, તેની સેવામાં કચાશ કરીશ તો કાલે હું મારાં બાળકોને શું જવાબ આપીશ? આમ પત્નીની બીમારીના એક વર્ષમાં મેં મારો ધંધો સમેટી લીધો.’

અત્યાર સુધીમાં ૪૦-૫૦ લાખ રૂપિયા શિવજીએ પત્નીની સારવાર માટે ખર્ચી નાખ્યા છે અને ધંધો સમેટી લેવાના કારણે લગભગ ૩૫ લાખ રૂપિયાનું નુકસાન ગયું એ છોગામાં. શિવજીએ નક્કી કરી લીધું કે જે નુકસાન થયું એ થયું, એને રોવાનું નહીં. આગળ વધતા જવાનું. તેમની આ માનસિક સ્થિતિમાં ભારે સધિયારો આપ્યો સ્વામીનારાયણના સંતે. આ પ્રસંગની વાત કરતાં તેઓ કહે છે, ‘શરૂઆતમાં હું બહુ રડ્યો. ઘર કેવી રીતે ચાલશે, દવાનો ખર્ચ કેવી રીતે નીકળશે વગેરે બહુ ચિંતા થતી હતી. સંતાનો ભણે છે તેમને કેવી રીતે સાચવીશ વગેરે વિચારીને હું દુ:ખી થઈ ઊઠતો. મારા હસતા-રમતા પરિવાર સાથે આ શું થયું એવા વિચારો આવતા, પણ સ્વામીજીએ સાંત્વના આપી કે ચિંતા ન કર, ભગવાન તને સંભાળશે. એ પછી હું બહુ બદલાઈ ગયો. શાંત થઈ ગયો. આમ તો હું એટલો ગુસ્સાવાળો હતો કે સાઇટ પર લોકો મારાથી થરથરતા હતા, પણ હવે હું શાંત થઈ ગયો છું મને ગુસ્સો નથી આવતો. ગુરુએ મને સમજાવ્યું કે કર્મનું આ બંધન છે એ ભોગવવું જ પડે. એ પછી હું સત્સંગ તરફ વળી ગયો છું.

શિવજીના આ ઉમદા વિચારને ટેકો આપવા અને એને અમલી બનાવવામાં ભરપૂર સાથ આપ્યો તેમના મિત્રોએ અને પરિવારે. તેમના મિત્રોએ તેમને કહ્યું કે તું પત્નીની પૂરી સેવા કર, બાકીની ચિંતા અમે જોઈ લઈશું. આજ સુધી તેમના મિત્રો જુદી-જુદી હૉસ્પિટલોની માહિતી લઈ આવવી અને તેમને ત્યાં પહોંચાડવા તથા ખર્ચ ઉપાડવા સહિતની બધી મદદ કરે છે. મોટા દીકરાને શિવજીની મા સંભાળે છે અને નાનો દીકરો સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ભણે છે એટલે તેની ચિંતા નથી.

આ પણ વાંચો : તમારાં લાડ પોતરાંને બગાડે છે?

રાધાબહેન બધું સાંભળે છે, પણ એનો રિસ્પૉન્સ માત્ર હસીને અથવા રડીને જ આપી શકે છે. પાંચ વર્ષની સેવા પછી હવે તેઓ ન સમજાય એવી રીતે હા અને નાનો અસ્પક્ટ ઉચ્ચાર કરી શકે છે. સ્વાર્થથી લથબથ આ સંસારમાં આટલીબધી ધીરજ, આટલીબધી નિષ્ઠા અને આટલુંબધું સમર્પણ કોણ દાખવી શકે? શિવજીનો સંસાર હવે માત્ર અને માત્ર રાધાની આસપાસ જ આટોપાઈ ગયો છે, મોટા ભાગનો સમય હૉસ્પિટલોની હડિયાપાટી, રાધા સાથે હૉસ્પિટલમાં રહેવું અને તેની સેવા કરવામાં જ જાય છે. વ્હીલચૅરમાં પણ તે વાઇફને લઈને સમય મળે ત્યારે જુદા-જુદા સ્થળે ફરવા જાય છે. શિવજીને આશા છે કે એક દિવસ રાધા ફરી હતી તેવી થઈ જશે અને કિલ્લોલ કરતો પોતાનો સંસાર પાછો આવશે. એ આશામાં તેઓ રાધાની તન, મન ને ધનથી સેવા કરી રહ્યા છે.

columnists valentines day