તમારાં લાડ પોતરાંને બગાડે છે?

પલ્લવી આચાર્ય | Feb 06, 2019, 12:41 IST

દીકરા-વહુ હોય કે દીકરી-જમાઈ ચોક્કસ એવું ફીલ કરે છે. ગ્રૅન્ડ ચિલ્ડ્રનનો પક્ષ લેવો એ ખોટાં લાડ છે? આમાં હકીકત શું છે? આ સમયનો તકાજો છે કે પછી બીજું? એક્સ્પર્ટ્સને મળી આ સમસ્યાનો તાગ લઈએ.

તમારાં લાડ પોતરાંને બગાડે છે?
પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ)માં રહેતા ૭૫ વર્ષના ચંદ્રકાંત ભટ્ટની ૩ વર્ષની પૌત્રીને પ્લેગ્રુપમાં મૂકી છે. તેની વયનાં બધાં બાળકોને તેમના પેરન્ટે પ્લેગ્રુપમાં મૂક્યાં છે એટલે તેને પણ પ્લેગ્રુપમાં મૂકવી પડે એ સ્વાભાવિક છે. ચંદ્રકાંતભાઈ અને તેમનાં પત્ïની પણ માને છે કે સમય પ્રમાણે હવે આ બધું કરવું પડે, પણ અંદરખાને તેમને ચોક્કસ લાગે છે કે આવડી નાની છોકરીને વળી શું સ્કૂલમાં મોકલવાની! તેને બૅગ લઈને જવું પડે, વળી તેને પ્રોજેક્ટ આપે એ કરવા પણ પડે એમ જણાવતાં ચંદ્રકાંતભાઈ કહે છે, ‘રમવાના દિવસોમાં તેમને ખભે દફ્તર લઈને ઊપડી જવું પડે. અમે જે રીતે અમારા છોકરાઓને ઉછેર્યા છે એના કારણે આ બાબત હવે અમને ન ગમે. અમે એમ જ માનીએ કે આવડાં નાનાં બાળકોએ તો હજી લખોટીઓ જ રમવાની હોયને! અનુભવોને કારણે ઘરમાં વડીલો જે સલાહ આપે એમાં તથ્ય હોય છે એ વાત મારાં દીકરા-વહુ પણ માને છે. તેમને પણ અમારી વાત સાચી લાગે છે, પરંતુ જમાના પ્રમાણે તેમને પણ ચાલવું પડે છે. જો એમ ન કરે તો તેમનાં સંતાન પાછળ પડી જશે એવું તેમને લાગે છે. નાનાં બાળકો પર ભણવાનું પ્રેશર થતું હોય કે વધુપડતા શિસ્તનો આગ્રહ બચ્ચાંઓ પર લાદવામાં આવી રહ્યો હોય ત્યારે જો દાદા-દાદી એમાં વચ્ચે પડે તો લગભગ ૯૦ ટકા વડીલોને તેમનાં સંતાનો તરફથી એ વાક્ય સાંભળવું પડતું હોય છે કે ‘તમે તેની સાઇડ લઈને તેને બગાડો છો!’

આવું કેમ થાય છે એનો સચોટ જવાબ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મોહિત શાહ પાસે છે. તેઓ કહે છે, ‘સામાન્ય રીતે એવું બનતું હોય છે કે બાળકનાં મમ્મી-પપ્પા તેને કોઈ વસ્તુ કરવાની ના પાડે છે અને ગ્રૅન્ડ પેરન્ટ કહેશે કંઈ વાંધો નહીં અને એ વસ્તુ તેને કરવા દે છે. આ સિચુએશનમાં બાળકોને નથી દાદા-દાદી ખોટાં લાડ કરતાં કે નથી મા-બાપ તેમના બાળક માટે વધુ કડક હોતાં, પણ હકીકત એ છે કે બાળકો બાબતે પેરન્ટ અને ગ્રૅન્ડ પેરન્ટ વચ્ચે કમ્યુનિકેશન ગૅપ અને ડિફરન્સ ઑફ ઓપિનિયન છે.’

આ સંદર્ભે વિલે પાર્લેમાં દીકરા અને વહુ રહેતા ૬૫ વર્ષના ગિરીશ શાહ કહે છે, ‘મારી પૌત્રીને તેની મમ્મી ધમકાવતી જ રહે છે. તેની મમ્મી ટીચર છે. હું મારી વહુને કહું કે તેને થોડીક વાર રમવા માટે જવા દો, પણ તે પણ શું કરે? આજના કૉમ્પિટિશનના જમાનામાં ચાલી રહેલી રેસમાં તેને પણ તેના બાળકને દોડાવવું પડે! આ સિચુએશન જ એવી પેદા થઈ છે કે બે પેઢીના ઓપિનિયન ટકરાય અને ઝઘડો થાય જ. હું મારી પૌત્રીને એમ સમજાવું કે જો બેટા, કોઈ કૉમ્પિટિશન હોય તો તારે ચોક્કસ પાર્ટ લેવાનો અને તારું બેસ્ટ પર્ફોર્મ કરવાનું, પણ એવું નહીં વિચાર કે તું ફર્સ્ટ જ આવીશ. હું આ કહું એ એક રીતે સત્ય છે, પણ આજની સિચુએશન જોતાં મારી વહુને ચોક્કસ લાગે કે એવું કહીને દાદા તેને ઓછી મહેનત કરવા કહે છે. આનું કારણ છે કે આજના કૉમ્પિટિશનના જમાનામાં પેરન્ટ બાળકોને એ જ શીખવે છે કે તારે ફર્સ્ટ જ આવવાનું છે. આમને આમ આજે બાળકોનું બાળપણ બરબાદ થઈ રહ્યું છે.’

છોકરું ઘરમાં દાદા-દાદી સાથે રહેતું હોય અને તેઓ તેની સાથે ગુજરાતીમાં વાત કરે, બચ્ચાને ભીંડાનું શાક નથી ભાવતું તો દાદી તેને જે શાક ભાવે છે એ બનાવી આપે, દીકરો-વહુ જૉબ પરથી કંટાળીને આવ્યાં હોય ત્યારે તેમનું નાનું બાળક કોઈ વાતે કકળાટ કરતું હોય તો તેને ચૂપ કરવા તે માગતું હોય એ ચીજ દાદા-દાદી આપે, બાળકને રમવા જવું હોય, હોમવર્ક કરવાનો તેની પાસે ટાઇમ હોય અને તો પણ તેની મમ્મી જવા ન દેતી હોય ત્યારે છોકરું દાદા-દાદીને ફરિયાદ કરે અને રમવા જતું રહે. આવું થાય ત્યારે ગ્રૅન્ડ પેરન્ટ પર તેમના બાળકને બગાડવાનો આરોપ આવે છે.

સાઇકોલૉજિસ્ટ પૂર્વી જાદવ આ વિશે એક સવાલ પૂછતાં કહે છે, ‘બાળકને બગાડવાની ડેફિનિશન શું છે? બગાડવું એટલે શું? એનો તો કોઈ સવાલ જ નથી. ગ્રૅન્ડ પેરન્ટની સિચુએશન એવી હોય છે કે તેમના સમયમાં તેઓ પોતાનાં બાળકોને તેઓ ઇચ્છે એટલો પ્રેમ કરી નહોતા શક્યા. હવે તેઓ ફ્રી છે તો પોતરાંને શું કામ પ્રેમ ન કરે?’

પોતાના પૉઇન્ટને વધુ ક્લિયર કરતાં પૂર્વી કહે છે, ‘આ સિચુએશન જનરેશન ગૅપ અને રિયલિટી ડિમાન્ડની છે. જનરેશન આગળ વધે એમ ડિમાન્ડ અને સપ્લાય એકબીજાને મળી નથી શકતા. બાળક નાનું હોય ત્યારે તેના ઉછેરમાં અને લાડપ્યારમાં આપણે કઈ ચીજો ગુમાવી છે એની ખબર દાદા-દાદી થઈએ ત્યારે જ પડે છે અને એની પૂર્તિ પૌત્રમાં કરવા જઈએ તો જનરેશન ગૅપ અને કમ્યુનિકેશનના અભાવે બાળકને બગાડો છો જેવી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ સર્જા‍ય છે. ’

જો બે પેઢી સાથે બેસીને નક્કી કરે કે બાળકને આપણે આવી રીતે ઉછેરવું છે તો વડીલોને પણ ન લાગે કે તેમનાં સંતાનો પોતાનાં બાળકો માટે કંઈ વધારે જ કરી રહ્યાં છે અને સંતાનોને પણ ન લાગે કે તેમનાં મા-બાપ જૂની રીતે ચાલે છે કે બાળકોને ખોટાં લાડ કરે છે. આમાં વધુ એક હકીકતનો ઉમેરો કરતાં ડૉ. મોહિત શાહ કહે છે, ‘પેરન્ટ અને ગ્રૅન્ડ પેરન્ટના ડિફરન્ટ ઑફ ઓપિનિયનનો બાળકો ભારે ઍડ્વાન્ટેજ લઈ લે છે. એથી જો કમ્યુનિકેશન ગૅપ ન હોય તો તેઓ ઍડ્વાન્ટેજ લઈ જ ન શકે.’

આ સમસ્યાનો ઉકેલ એક જ છે એમ જણાવતાં ડૉ. મોહિત કહે છે,

‘દાદા-દાદીની અને તેમનાં સંતાનોની પોતાનાં બાળકોને મોટાં કરવાની રીત અલગ-અલગ છે, કારણ કે પેઢી બદલાઈ છે. સમય બદલાય એમ બધું બદલાય. જૂની વાતોને વળગીને બેસી ન રહેવાય. ઘણા વડીલો એટલા રિજિડ હોય છે કે પોતાની વાતને વળગી જ રહે અને ત્યારે ટકરાવ થાય છે. એ જ રીતે યુવાનો પણ સમજે કે દાદા-દાદી જે કહે છે એ અનુભવનો નિચોડ હોય છે, એને રિસ્પેક્ટ કરો. આમ બન્ને પેઢી જો ઍડ્જસ્ટ કરે, એકબીજાના ઓપિનિયન માને તો બાળકોના ઉછેરમાં આજે બખેડા થઈ રહ્યા છે એ ન થાય.’

અનુભવોને કારણે ઘરમાં વડીલો જે સલાહ આપે એમાં તથ્ય હોય છે એ વાત મારાં દીકરા-વહુ પણ માને છે પરંતુ જમાના પ્રમાણે તેમને પણ ચાલવું પડે છે. જો એમ ન કરે તો તેમનાં સંતાન પાછળ પડી જશે એવું તેમને લાગે છે - ચંદ્રકાંત ભટ્ટ, બોરીવલી

આ પણ વાંચો : વડીલો હવે વધુ ખર્ચા કરતા થયા છે?

હું મારી પૌત્રીને એમ સમજાવું કે જો બેટા, કોઈ કૉમ્પિટિશન હોય તો તારે ચોક્કસ પાર્ટ લેવાનો અને તારું બેસ્ટ પર્ફોર્મ કરવાનું, પણ એવું નહીં વિચાર કે તું ફર્સ્ટ જ આવીશ. જોકે આજની સિચુએશન જોતાં મારી વહુને ચોક્કસ લાગે કે દાદા તેને ઓછી મહેનત કરવા કહે છે - ગિરીશ શાહ, વિલે પાર્લે

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK