મળો 102 વર્ષના ખાવા-પીવાનાં શોખીન જમનાબહેનને

23 January, 2019 12:28 PM IST  |  | વર્ષા ચિતલિયા

મળો 102 વર્ષના ખાવા-પીવાનાં શોખીન જમનાબહેનને

પ્રતાકાત્મક તસવીર

વડીલ વિશ્વ 

ઉંમર અંદાજે 102 વર્ષની આસપાસ. જન્મસ્થળ મુંબઈ. ખાણી-પીણીનાં જબરાં શોખીન. આજથી લગભગ સત્યાશી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં. કંઠ સુરીલો. ઠાકોરજીની સેવામાં રચ્યાંપચ્યાં રહેવું ગમે. હજી ત્રણ વર્ષ પહેલાં મોતિયાનું ઑપરેશન થયું. શરીર અડીખમ પણ સ્વભાવ થોડો કંજૂસ. આ છે ચર્નીરોડના પ્રાર્થનાસમાજ વિસ્તારમાં રહેતાં જમના નેગાંધીની ઓળખ. વાંચીને આંખો પહોળી થઈ ગઈને? ચાલો ત્યારે મૂળ જામનગરના ખંભાળિયાના વતની હાલાઈ ભાટિયા જ્ઞાતિનાં જમનાબાઈને (ભાટિયા અને અન્ય કેટલીક જ્ઞાતિમાં ‘બા’ માટે ‘બાઈ’ શબ્દ વપરાય છે.) મળીને તેમના વિશે વધુ જાણીએ.

નક્કી સો વર્ષનાં?

આજથી એક શતક પહેલાં મોટા ભાગે બાળકનો જન્મ ઘરમાં થતો અને જન્મનો દાખલો રાખવાની કોઈ પ્રથા નહોતી તો તમને ઉંમરની કઈ રીતે ખબર પડી? આ પ્રશ્નનો જવાબ આપતાં જમનાબાઈના સૌથી નાના પુત્ર જગદીશભાઈ કહે છે, ‘તેમનો જન્મ અહીં જ થયો છે. બાઈએ અમને તેમના જન્મ અને લગ્નજીવન વિશેની ઘણી રસપ્રદ વાતો કરી છે. મુંબઈમાં એ વખતે પણ હૉસ્પિટલો હતી. મારાં દાદીમાને પ્રસૂતિની વેણ ઊપડી ત્યારે હૉસ્પિટલમાં લઈ જવા માટે એ સમયે મુંબઈની શાન ગણાતી ઘોડાગાડી બોલાવવામાં આવી હતી. બાઈનો જન્મ રસ્તામાં જ ઘોડાગાડીમાં થયો હતો. મારી ગણતરી મુજબ તેમની ઉંમર ૧૦૨ હોવી જોઈએ. અમે ત્રણ ભાઈઓ અને એક બહેન છીએ. 2001માં સૌથી મોટાભાઈ લીલાધરનું મૃત્યુ થયું ત્યારે તેઓ ૬૯ વર્ષના હતા. આજે તેઓ હયાત હોત તો 86 વર્ષના હોત. બાઈએ મને એક વાર કહ્યું હતું કે ત્યારના જમાના પ્રમાણે તેમનાં લગ્ન થોડાં મોડાં થયાં હતાં. લગ્ન વખતે તેમની ઉંમર પંદર વર્ષની હતી. બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેતાં તેમના માથે નાનાં ભાઈ-બહેનના ઉછેરની જવાબદારી આવી પડી હતી. તેમને પરણાવ્યા બાદ જ બાઈએ લગ્ન કર્યાં હતાં. આ રીતે કૅલ્ક્યુલેટ કરતાં તેમની ઉંમર સો વર્ષથી વધુ જ થાય. જોકે સરકારી દસ્તાવેજ મુજબ આ વર્ષના મે મહિનામાં તેમને ૧૦૦ વર્ષ થશે.’

આધારકાર્ડ કઢાવવા બાઈની સાથે હું ગઈ હતી એમ જણાવતાં જમનાબાઈનાં પુત્રવધૂ મીનાબહેન કહે છે, ‘અમારી પાસે તેમના જન્મનો કોઈ દાખલો નથી. આધારકાર્ડ કઢાવવું ફરજિયાત હોવાના કારણે હું તેમને લઈ ગઈ હતી. સેન્ટર પર ઊભાં-ઊભાં જ તેમનાં સંતાનોની ઉંમર, હિન્દુ કૅલેન્ડર અને તેમણે જણાવેલી તિથિ પ્રમાણે મારી રીતે ગણતરી કરી જન્મતારીખ લખાવી છે. લગ્ન વખતે તેઓ કેટલાં વર્ષનાં હતાં એનો મને ખાસ આઇડિયા નથી.’

મેરે સામનેવાલી ખિડકી મેં

તેમણે લવ-મૅરેજ કર્યાં છે. પ્રેમલગ્નની વાત આવી એટલે જમનાબાઈ થોડાં અચકાતાં અને શરમાતાં બોલ્યાં, ‘મારા એમની (એટલે કે તેમના પતિદેવની) કાપડની દુકાન હતી. સામેના મકાનમાં જ અમારું ઘર. બન્નેનો રસ્તો એક જ એટલે આવતાં-જતાં આંખો મળી અને લાગણીના તાંતણે બંધાયાં. પ્રૉપર મુંબઈમાં પહેલેથી જ ભાટિયાઓની વસ્તી ઘણી. એમાંય અમારું ઘર તો જ્ઞાતિના મકાનમાં જ. હવે આવી વાત છૂપી તો ન જ રહેને. બન્નેની જ્ઞાતિ એક હતી એટલે મારા ભાઈએ રાજીખુશીથી પરણાવી દીધાં. લગ્ન બાદ અમે દામોદર વાલજી બિલ્ડિંગમાં રહેવા આવી ગયાં. વર્ષોવર્ષ વીતી ગયાં અહીં જ રહીએ છીએ. સંતાનોનો જન્મ પણ અહીં જ થયો છે. આજે આર્થિક રીતે અમે ઘણાં સધ્ધર થયાં છીએ અને જગ્યા પણ મોટી છે, પરંતુ એમ સમજોને કે મારું સમસ્ત જીવન દસ બાય દસની સાંકડી જગ્યામાં જ વીત્યું છે. એ દિવસોને યાદ કરું છું ત્યારે વિચાર આવે છે કે જે મજા ખોબલા જેવડી રૂમમાં આવતી હતી એવો આનંદ વિશાળ જગ્યામાં નથી આવતો.’

શીરો અને ભજિયાં

જમનાબાઈના મોઢામાં એક પણ દાંત નથી અને ચોકઠું ફાવતું નથી એમ છતાં ભૂખ લાગે એટલે સૌથી પહેલાં ભજિયા યાદ આવે. ખાવામાં કોઈ કચાશ ન ચાલે એમ જણાવતાં તેઓ કહે છે, ‘જીભના ચટાકા પહેલેથી જ છે. રવાનો શીરો અને ભજિયાં બહુ ભાવે. ખાંડવી પણ અતિ પ્રિય છે. વાસ્તવમાં ઉંમરના કારણે મારી દિનચર્યા નાના બાળક જેવી થઈ ગઈ છે. ગમે ત્યારે સૂઈ જાઉં અને ગમે ત્યારે ઊઠી જાઉં. કોઈ ચોક્કસ સમય નથી. બીજું, જ્યાં સુધી કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી જમવા ન બેસું. ખાવાપીવા અને સૂવાનો સમય વારંવાર બદલાયા કરે એટલે ઘરના મેમ્બરો સાથે જમવાનો વારો બહુ ઓછો આવે છે. અડધી રાતે ઊંઘ ઊડે એટલે ભૂખ લાગે. એવા ટાણે કોઈને ઉઠાડવા કે નાસ્તાના ડબ્બા ફંફોળવા કરતાં ગરમાગરમ ખાંડવી, ભજિયાં અને શીરો બનાવી ખાઈ લઈએ તો જલસો પડી જાય.’

હમણાં થોડા સમયથી બાઈએ રસોડામાં જવાનું ઓછું કરી નાખ્યું છે, પણ તેમના લાડકા જમાઈ આવે ત્યારે તો અચૂક જાય એમ જણાવતાં મીનાબહેન કહે છે, ‘મારી દીકરી દિવ્યા અને જમાઈ મેહુલકુમાર માટે તેમને અતિશય લાગણી છે. તેઓ જ્યારે પણ આવે બાઈ રસોડામાં જઈને ખાસ જમાઈ માટે શીરો બનાવે. પાછાં પૂછે પણ ખરાં કે કેવો બન્યો છે? બીજું કંઈ ખાવું હોય તો કહેજો, ફટાફટ બની જશે. મહેમાનોને આગ્રહ કરી જમાડવાનો તેમનો શરૂઆતથી જ નિયમ છે. જોકે રસોડામાં બહુ વાર ઊભાં રહે તો થાકી જાય છે તેથી બધા માટે ન બનાવે, પણ જરૂરિયાત પૂરતું બનાવી લે છે.’

ભજન અને પુરસ્કારો

જમનાબાઈએ ચાર પેઢી જોઈ છે. ૩૨ વર્ષ પહેલાં પતિનો સાથ ગુમાવી દીધો હતો. તેમનો વિશાળ પરિવાર છે. હાલ તેઓ જગદીશભાઈ અને તેમના પરિવાર સાથે રહે છે. બીજા નંબરના પુત્ર પુરુષોત્તમભાઈ પણ એ જ મકાનમાં રહે છે. દીકરી હિના સંપટનું સાસરું પણ કાલબાદેવીમાં જ છે. આમ બધાં નજીકમાં જ રહે છે. ભજન ગાવાનો ખૂબ શોખ છે. કંઠ પણ સુરીલો. છેલ્લાં ત્રણેક વર્ષથી ભજન કૉમ્પિટિશનમાં જવાનું બંધ કરી દીધું છે. એ પહેલાં તેઓ જ્ઞાતિની વિવિધ સ્પર્ધાઓમાં હોંશે-હોંશે ભાગ લેતાં. ભજન સ્પર્ધામાં ભાગ લેવા તેઓ બોરીવલી સુધી જતાં. ભજન માટે તેમને અનેક ઇનામો મળ્યાં છે.

આ પણ વાંચો : કાશ્મીર વિશે ભાગવતભાષ્ય

પૈસા ખર્ચતાં જીવ ન ચાલે

જમનાબાઈને કોઈ ગંભીર રોગ નથી. ઉંમરના કારણે હવે ઓછું સંભળાય છે, પણ મોબાઇલમાં સ્પીકર ઑન રાખો તો વાતચીત કરી લે છે. આ ઉંમરે આંખો તેજ છે. ચશ્માં નથી પહેરતાં. ઝાઝું ભણ્યાં નથી, પણ અખબાર વાંચવાનો શોખ ધરાવે છે. રોજ છાપું વાંચે. અખબારમાં આવતા ક્રૉસવર્ડ ઉકેલવાનો જબરો ક્રેઝ છે. વર્ષોથી કોયડા ઉકેલવાને કારણે તેમની યાદશક્તિ પણ સારી છે. હવે ચાલવામાં થોડી તકલીફ પડે છે એટલે હવેલીમાં જવાનું લગભગ બંધ કરી દીધું છે. ઘરમાં જ ઠાકોરજીની સેવા કરે. સ્વભાવ થોડો કંજૂસ હોવાથી મોતિયાનું ઑપરેશન કરાવવાની આનાકાની કરતાં હતાં. ત્રણ વર્ષ પહેલાં આંખમાં મોતિયો છે એવું નિદાન થતાં ડૉક્ટરે ઑપરેશનની સલાહ આપી, પણ તેઓ માનતાં નહોતાં. તેમનું કહેવું હતું કે હવે ઉપરવાળાનું તેડું ગમે ત્યારે આવશે, એવામાં કંઈ શરીર માટે પૈસા ન ખર્ચાય. ઘરના સભ્યો અને ડૉક્ટરે કહ્યું કે આ ઑપરેશન મફતમાં થાય છે ત્યારે માન્યાં. બીજા માટે પૈસા વાપરતાં અચકાય નહીં, પણ પોતાના શરીર માટે પૈસા ખર્ચતાં જીવ ઓછો ચાલે.

columnists