રેડિયો એટલે રેડિયો જ

13 February, 2020 11:55 AM IST  |  Mumbai Desk | રુચિતા શાહ

રેડિયો એટલે રેડિયો જ

રેડિયો

વડીલ વિશ્વ

કોઈએ બિનાકા ગીતમાલા સાંભળવા માટે પોતાની નોકરીથી હાથ ધોયા હતા તો કોઈએ લગ્ન કરવાની હા પાડી ફક્ત કરિયાવરમાં રેડિયો આપશો એ શરત સાથે. આવું પાગલપન એક જમાનામાં રેડિયો માટે હતું. જેમના માટે સમાચારથી લઈને ક્રિકેટની કૉમેન્ટરી અને હિન્દી-ગુજરાતી ગીતો અને નાટકોની દુનિયા સાથે જોડાવાનું રેડિયો એકમાત્ર માધ્યમ હતુંને જે આજ સુધી રેડિયો સાથે સમર્પિત ભાવે સંકળાયેલા છે એવા કેટલાક રિયલ રેડિયોપ્રેમીઓએ મિડ-ડે સાથે વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે વાત કરી અને શૅર કરી કેટલીક મમળાવવા જેવી રોમાંચિત કરનારી વાતો

આજે વર્લ્ડ રેડિયો ડે છે. આજના જમાનામાં હાથવગા મોબાઇલ અને FM ચૅનલોની ભરમાર વચ્ચે રેડિયોની અસલી મજા અદૃશ્ય થઈ છે. જોકે રેડિયો સાંભળવામાં કેવો જલસો કર્યો છે એની કહાણીઓ આપણા વડીલો પાસે સાંભળો ત્યારે રોમાંચિત થયા વિના રહેવાય નહીં. રેડિયો માટેનું આકર્ષણ આજની પેઢીને કદાચ એટલું નથી, કારણ કે તેમની પાસે મનોરંજનના અઢળક પર્યાયો છે. જોકે આગલી પેઢીને રેડિયો એટલે શું એવું પૂછો તો તેમની આંખની ચમક અને રોમાંચ કોઈક જુદી જ દુનિયાની સેર કરાવી દે. રેડિયોનો દબદબો કેવો હતો અને લોકોમાં એનું આકર્ષણ કેવું અકલ્પનીય હતું એની કેટલીક મજાની વાતો તમારી સમક્ષ આજે ‘વર્લ્ડ રેડિયો ડે’ નિમિત્તે પ્રસ્તુત છે. બનવાજોગ છે કે આ વાંચતાં તમે તમારા જીવનની પણ કેટલીક રળિયામણી યાદોમાં ખોવાઈ જાઓ.

નોકરી પછી, પહેલાં
બિનાકા ગીતમાલા

બોરીવલીમાં રહેતા ૬૯ વર્ષના રમેશ ગોસલિયાએ રેડિયોનો એ ગોલ્ડન ટાઇમ જોયો છે અને એને ભરપૂર માણ્યો પણ છે. રમેશભાઈ કહે છે, ‘અમે એ સમયે ભાંડુપમાં રહેતા. ચાલીસ રૂમની ચાલીમાં લગભગ ત્રણ ઘરોમાં રેડિયો હતા. ગીતો સાંભળવા માટે અમે બધા એક સમયે ભેગા થઈએ. જેના ઘરે રેડિયો હોય તેમની સાથે સંબંધો સારા રાખવા પડતા; કારણ કે તમારે મૅચ સાંભળવી હોય, સમાચાર સાંભળવા હોય કે ગીતો સાંભળવાં હોય એ લોકો સિવાય તમારી પાસે કોઈ પર્યાય ન હોય. મને સાચી મજા તો ત્યારે આવી જ્યારે ૧૯૫૬માં મારા મોટાભાઈનાં લગ્ન થયાં અને મારાં ભાભી કરિયાવરમાં રેડિયો લઈને આવ્યાં. મારા આનંદનો પાર નહોતો. અમારા ઘરે બધા નવી વહુ સાથે અમારા ઘરમાં આવેલો નવો રેડિયો જોવા આવ્યા હતા. એ પછી અમારા ઘરમાં મેળાવડો થયો હતો. એ રેડિયો અમે દસ વર્ષ પહેલાં સુધી સાચવ્યો હતો. મને યાદ છે કે દરિયાપારનો એક કાર્યક્રમ રાત્રે બે વાગ્યે આવતો તો હું રાતે બે વાગ્યે જાગીને પણ એ સાંભળતો. સવારે છ વાગ્યે રેડિયો ચાલુ થતો. રાતના અગિયાર વાગ્યે કે. એલ. સૈગલનું છેલ્લું ગીત વાગતું. બિનાકા ગીતમાલા માટે તો મને એટલું આકર્ષણ હતું કે નોકરી છોડી દેવાની નોબત આવી ગઈ હતી. મેં મારા સાહેબને કહ્યું કે બુધવારે હું સાંજે સાત વાગ્યે નીકળી જઈશ. મને કારણ પૂછ્યું તો મેં કહ્યું કે બુધવારે બિનાકા ગીતમાલા રાતે આઠ વાગ્યે શરૂ થાય છે. સાત વાગ્યે નીકળું તો આઠ વાગ્યા સુધી ઘરે પહોંચીને નાહીધોઈને તૈયાર થઈને શાંતિથી એ પ્રોગ્રામ રેડિયો પર સાંભળી શકું અને મારી ઑફિસમાં પહેલાં તો બધા હસી પડ્યા હતા. જોકે જ્યારે મેં ગંભીરતા સાથે કહ્યું તો મને કહેવામાં આવ્યું કે ભાઈ, એકાદ દિવસ કોઈ પ્રસંગમાં જવાનું હોય તો વહેલો જા એનો વાંધો નથી, પણ દર બુધવારે આવું નહીં ચાલે. છેલ્લે મેં એ નોકરી છોડી દીધી હતી.’

આ એ જમાનો હતો જ્યારે રમેશભાઈ જેવા અઢળક લોકો ઈશ્વરને સિનેમાનો ગેટકીપર બનાવ એવી પ્રાર્થના કરતા જેથી તેઓ શુક્રવારે પહેલા દિવસે સિનેમાનો શો જોઈ શકે.

રોટલી બનાવતાં, જમતાં, ભણતાં રેડિયો તો બાજુમાં જ હોય

મીરા રોડમાં રહેતાં યામિની અંજારિયા માટે તેમના પિતાજીએ રેડિયો લાવી આપ્યો હતો. યામિનીબહેન કહે છે, ‘જ્યારે મારા ઘરે રેડિયો આવ્યો ત્યારે મને લાગ્યું હતું કે મને કરોડ રૂપિયાની લૉટરી લાગી હતી. સાઇઝમાં મોટો અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતો એ પહેલો રેડિયો. મને યાદ છે કે હું ઘણી વાર બહાર જવાનું, કોઈના પ્રસંગમાં જવાનું ટાળતી; કારણ કે મને મારા ફેવરિટ કાર્યક્રમો મિસ ન કરવા હોય. બહુ નાની હતી ત્યારે રેડિયોની જ એક સ્પર્ધામાંથી મને રેડિયો જ ભેટ મળ્યો હતો. એ સમય એવો હતો જ્યારે મમ્મીને બહુ ચિંતા થતી કે લગ્ન પછી મારું શું થશે. બપોરે મહિલા મંડળનો પ્રોગ્રામ આવતો ત્યારે મારાં મમ્મી મને વાનગી વગેરેના કાર્યક્રમો સંભળાવતાં. રેડિયો મારા માટે સર્વસ્વ હતો. લગ્ન પછી તો જોકે મારા હસબન્ડને પણ રેડિયોનો શોખ હતો અને અમે બન્ને સાથે મળીને સાંભળતા. મારા હસબન્ડ પણ મારા માટે એક પૉકેટ રેડિયો લઈ આવ્યા હતા.’

યામિનીબહેનને આજે પણ જૂનાં ગીતો સાંભળવાનો અઢળક શોખ છે. રંગલો અને રંગલીનું નાટક હોય કે પછી રાતે પોણાનવથી સવાનવ દરમ્યાન રેડિયો સ્ટેશન પર ગુજરાતી કવિઓની કવિતાનો પ્રોગ્રામ હોય, બધેબધું સાંભળવાનું એ તેમનો નિયમ હતો. તેઓ કહે છે, ‘રેડિયોનું એ સ્થાન આજે પણ કોઈ લઈ શકે એમ છે જ નહીં. આજે હવે ગીતો સાંભળવા માટે તમારે માત્ર રેડિયો પર નર્ભિર રહેવાનું જરૂરી નથી રહ્યું. જોકે તેમ છતાં જેટલી મજા એ ઇન્તજારમાં હતી અને પ્રોગ્રામમાં કયું ગીત વાગશે એ જાણવાની ઉત્કંઠા હતી એ આજની પેઢીને નવાઈ લગાડે એવી હતી.’

ભાઈ-બહેન વચ્ચે આ કયું ગીત વાગ્યું એની ચર્ચા થતી

થાણેમાં રહેતાં ૬૬ વર્ષનાં ચારુ શાહને રેડિયોનું તેમના જીવનમાં શું સ્થાન છે એવું પૂછો તો તેમની પાસે શબ્દો ખૂટી પડે છે. ‘હા, ખરેખર હું રેડિયો પાછળ પાગલ હતી.’ એટલું કહીને ચારુબહેન ઉમેરે છે, ‘મારા ઘરે પહેલેથી જ રેડિયો હતો અને મને યાદ છે કે મારા ઘરે લોકોનો મેળાવડો જામતો અને આજુબાજુની ચાલીમાં રહેતા લોકો પણ આઠથી નવ બિનાકા ગીતમાલા સાંભળવા ભેગા થતા. અમે બધા એ દિવસે જમીને વહેલા પરવારી જઈએ અને ઘર ચોખ્ખું કરીએ જેથી લોકોને બેસવાની જગ્યા રહે. જોકે મારો શોખ જોઈને ક્યારેક મારા પિતા અકળાતા. હું ગીત સાંભળતી હોઉં અને તેઓ ગીતનું સ્ટેશન બદલી દે. હું રાતે સૂઈ જાઉં ત્યારે પણ રેડિયો મારી સાથે હોય. છેલ્લે પછી ઘરમાં ક્યારેક કકળાટ થતો કે આટલુંબધું રેડિયોનું આકર્ષણ છે તો મારું શું થશે? સાસરામાં રેડિયો નહીં મળે વગેરે-વગેરે. મારા પિતાજી પાસેથી ત્યારે મેં વચન લીધું હતું કે તમે મને કરિયાવરમાં રેડિયો આપશો તો જ હું લગ્ન કરીશ. મમ્મી પણ મારા પર ચિડાતી. અમે કાન માંડીને સાંભળતા કે હવે કયું ગીત વાગશે. ક્યારેક મારે બહાર જવાનું આવે તો હું મારા ભાઈને મારા વતી સાંભળવાનું કહી દેતી. ગીતો વાગતાં પહેલાં નામ બોલાય તો એમાં પણ અમે અમારાં નામ મોકલતાં. હું કે મારો ભાઈ બેમાંથી એક જણ તો ગીત સાંભળે જ. અમારી ચર્ચાનો વિષય પણ પછી કયું ગીત વાગ્યું એ રહેતો.’

આફ્રિકાથી પચાસ કિલોની ગૂણી ભરાય એટલા પત્રો આવતા

બાળપણથી જ રેડિયોના પ્રેમમાં રહેલા અને રેડિયો સાંભળીને મોટા થયેલા ચંદ્રકાન્ત વાઘેલાએ પોતાની આખી જિંદગી રેડિયોને જ સમર્પિત કરી દીધી એમ કહો તો ચાલે. તેમણે લગભગ ચાલીસ વર્ષ સુધી રેડિયોમાં પ્રોડક્શન અસિસ્ટન્ટ તરીકે નોકરી કરી છે જેમાં રેકૉર્ડિંગ, ડબિંગ જેવી પ્રોગ્રામિંગને લગતી અઢળક ડ્યુટી બજાવી છે. તેમણે રેડિયોનો એ ગોલ્ડન એરા પણ જોયો છે જ્યારે રેડિયોનો કોઈ પર્યાય નહોતો અને એ પછી મનોરંજનનાં અઢળક નવાં માધ્યમો પછી બદલાયેલી રેડિયોની દુનિયાને પણ નજીકથી જોઈ છે. તેઓ કહે છે, ‘અમે મુંબઈના ગુલાલવાડી વિસ્તારમાં રહેતા. હું સમજણો થયો ત્યારથી મને યાદ છે કે અમારા ઘરે રેડિયો હતો અને લગભગ ચોવીસે કલાક ચાલુ હોય. હિન્દી ગીતો, ગુજરાતી ગીતો, નાટકો, મહિલા મંડળના કાર્યક્રમો અને રાતે દરિયાપાર મિત્રો માટેના કાર્યક્રમો આવતા. એ સમયે રેડિયોમાં ત્રણ વિભાગો હતા. મુંબઈ એ, મુંબઈ બી મરાઠી, મુંબઈ એ હિન્દી. મારી હાજરીમાં બધા જ કાર્યક્રમો આવતા. સવારે સાત વાગ્યે સુગમ સંગીત શરૂ થાય. રેડિયો એટલા નહોતા, એથી નાના-નાના ગામમાં પંચાયતો લાઉડ સ્પીકર લગાવીને રેડિયો ચલાવતા હોય. અમે એ વખતે દરિયાપાર દોસ્તો માટે પ્રોગ્રામ કરતા. આફ્રિકા, એડન વગેરે સ્થળોએથી અડધો કલાકના પ્રોગ્રામને એક કલાકનો કરો, ફલાણું ગીત વગાડો જેવાં સૂચનો સાથેના કાગળો આવતા. મને યાદ છે કે પચાસ કિલોની ગૂણો ભરી-ભરીને કાગળો આવતા. આટલા કાગળો વાંચવાનો સમય પણ ન હોય. હું જ્યારે કામ કરતો ત્યારે મોરારજી દેસાઈનો ઇન્ટરવ્યુ લીધો હતો. રેડિયોને સાઠ વર્ષ થયાં ત્યારે મોરારજી દેસાઈને બોલાવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, ગુલાબદાસ બ્રોકર, બરકત વીરાણી, બહુરૂપીના કાર્યક્રમમાં કલ્યાણજી, મુકેશને બોલાવ્યા. અનુપ જલોટા ઘણી વાર આવી ગયા.’

આ પણ વાંચો : તમારાં લાડ પોતરાંને બગાડે છે?

ચંદ્રકાન્તભાઈ રેડિયોમાં કૉપિસ્ટ તરીકે જોડાયા હતા ત્યારે તેમનો પહેલો પગાર ૧૨૦ રૂપિયા હતો. રેડિયો માટેનો પ્રેમ જ તેમને રેડિયોમાં જ કામ કરવા તરફ ખેંચી ગયો હતો. મજાની વાત એ હતી કે રેડિયોના અનાઉન્સરને જોવા લોકોનો જમાવડો રેડિયોની ઑફિસની બહાર જામતો અને પ્રોગ્રામની પૉપ્યુલરિટીની અનોખી દુનિયાને તેમણે નજરોનજર જોઈ છે. FM = ફ્રીક્વન્સી મૉડ્યુલેશન

columnists ruchita shah