વડીલો ખાસ ધ્યાન રાખો, તમારો ફોન જ તમારું બૅન્ક-અકાઉન્ટ સાફ ન કરી નાખે

03 July, 2019 10:56 AM IST  |  મુંબઈ ડેસ્ક | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

વડીલો ખાસ ધ્યાન રાખો, તમારો ફોન જ તમારું બૅન્ક-અકાઉન્ટ સાફ ન કરી નાખે

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

મુંબઈના એક સિનિયર સિટિઝને દિલ્હી જવા માટે ઍરઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ ઑનલાઇન બુક કરી. કોઈક કારણસર તેમનું જવાનું કૅન્સલ થયું એટલે તેમને ટિકિટ કૅન્સલ કરવી હતી. ઑનલાઇન ટિકિટ કૅન્સલેશન માટે તેમણે ઘણી ટ્રાય કરી પણ ટિકિટ કૅન્સલ ન થઈ શકી. તેથી તેમણે ઍરલાઇનના કસ્ટમર કૅર નંબર પર કૉન્ટૅક્ટ કર્યો ત્યારે તેમને ત્યાં હાજર એક્ઝિક્યુટિવે એક મોબાઇલ નંબર આપ્યો અને ત્યાં કૉન્ટૅક્ટ કરવા કહ્યું. પેલા વડીલે આપેલા મોબાઇલ નંબર પર કૉન્ટૅક્ટ કર્યો તો સામેની વ્યક્તિએ તેમના બૅન્ક-અકાઉન્ટ નંબર અને ડેબિટ કાર્ડની માહિતી તેમને વાતોમાં વાળી, વિશ્વાસમાં લઈને મેળવી લીધી. આ ૧૦ મિનિટની વાતમાં વડીલના મોબાઇલ પર ૩થી ચાર ઓટીપી આવ્યા જેને પેલી વ્યક્તિએ સિફતથી વડીલ પાસેથી મેળવી લીધા અને વડીલને ધરપત આપી કે સાંજ સુધીમાં તેમની ટિકિટ કૅન્સલ કરવાના રીફન્ડના પૈસા તેમના અકાઉન્ટમાં જમા થઈ જશે. જેવો ફોન પૂરો થયો કે તરત જ વડીલને મેસેજ મળ્યા કે તેમના અકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા છે. અહીં બની શકે કે વડીલે જે કસ્ટમર કૅર સર્વિસનો નંબર લીધો હતો એ ઓરિજિનલના બદલે ફેક હોઈ શકે.

૮૨ વર્ષના એક વડીલને એક ફોન આવ્યો અને કહે કે તમે જરૂરી કેવાયસી સબમિટ નથી કર્યું તેથી તમારું બૅન્ક-અકાઉન્ટ બ્લૉક થઈ ગયું છે. સામેવાળાએ તેમની પાસેથી અકાઉન્ટ-નંબર અને ડેબિટ કાર્ડની વિગતો માગી. વડીલે એ શૅર કરી પછી તેમના અકાઉન્ટમાંથી ૧૫ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. એ પછી આ વ્યક્તિએ બીજા દિવસે પણ ફોન કરીને વડીલને કહ્યું કે બૅન્કના સર્વરમાં પ્રૉબ્લેમ હોવાથી તમારા અકાઉન્ટમાંથી ભૂલથી ડેબિટ થઈ ગયા છે. તેથી બધી વિગતો ફરી આપો જેથી બૅન્ક તમારું ટ્રાન્ઝેક્શન રિવર્સ કરી શકે. આમ પેલી વ્યક્તિએ વડીલના અકાઉન્ટમાંથી બીજા દિવસે ૫૦ હજાર ઉપાડી લીધા.
આ અને આવા અનેક કિસ્સા વડીલો સાથે બનતા રહે છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનો વધવાની સાથે હવે ભારતમાં ફાઇનૅન્શયલ સાયબર ક્રાઇમ વધવા લાગ્યા છે અને એનો સૌથી વધુ શિકાર વડીલો અને સ્ત્રીઓ થઈ રહ્યાં છે એવું આ ફીલ્ડના સર્વેનું કહેવું છે.

સાઇબર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટ્સનું માનવું છે કે તાજેતરમાં વાઇઝિંગ તરીકે ઓળખાતી ટ્રિકના ફ્રૉડ સાઇબર ક્રાઇમમાં સૌથી વધુ થઈ રહ્યા છે. આનો શિકાર મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ અસિસ્ટન્ટ વિવેક પણ થયા હતા. આ લોકોનો ટાર્ગેટ વધુ સિનિયર સિટિઝનો હોય છે. ફોન કરી રહેલી વ્યક્તિ બૅન્કનો એક્ઝિક્યુટિવ હોવાનું જણાવી સિક્યૉરિટી પર્પઝ માટે અથવા તો વેરિફિકેશન માટે પૂછી રહ્યા છે એમ કહીને તમારી પાસેથી સિફતથી બૅન્ક-અકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ નંબર વગેરે જેવી ખાનગી માહિતી કઢાવી લે છે. ઘણી વાર રિવૉર્ડ પૉઇન્ટ માટે, ગિફ્ટ અથવા તો મની ઑફર કરીને માહિતી મેળવી લે છે. એક્સપર્ટ્સનું ત્યાં સુધી માનવું છે કે આ લોકો ફુલફલેજ કૉલ સેન્ટરો ચલાવતા હોય છે અને પોલીસ જ્યારે તેમની ઑફિસ પર રેઇડ પાડે ત્યારે તેમને ત્યાંથી એવા એમ્પ્લૉઈ જ મળે જેઓ બૅન્ક તરફથી ઑપરેશન્સ ચલાવતા હોય. આમ ઘણા કેસમાં ગુનો આચરતા લોકોને પકડવાનું મુશ્કેલ થઈ જાય છે.

ઇન્ટરનેટથી અજાણ લોકો આ પ્રકારના ક્રાઇમનો શિકાર બને, પણ માની ન શકાય એવી વાત એ છે કે જાણકાર લોકો પણ એનો શિકાર બની રહ્યા છે. ગુનો આચરનારા પૂરી તાલીમ લીધેલા હોય છે અને કામ કરતા લોકોને કામની વચ્ચે આવા ફોન આવે એટલે પૂરી ખાતરી કરવાનો સમય તેમની પાસે નથી હોતો. વળી સિનિયર સિટિઝનો ટેકસૅવી નથી હોતા. ક્રિમિનલ ખાસ કરીને બીજા સ્ટેટના લોકોને જ ટાર્ગેટ બનાવે છે.

કેવી રીતે બચશો આનાથી?

સાઇબર ક્રાઇમ સાથે કામ કરી ચૂકેલા અને હાલ સ્પેશ્યલ બ્રાન્ચ CID -1 સાથે બોરીવલીમાં કામ કરી રહેલા પોલીસ-ઑફિસર મુકુંદ પવાર સાઇબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું એની માહિતી આપે છે.
એટીએમ અને ડેબિટ કાર્ડ તથા ઓટીપી વિશે બૅન્ક અવારનવાર તમને જે માહિતી આપે છે, જે વૉર્નિંગ આપે છે એને ફૉલો કરો.
અજાણી કોઈ પણ વ્યક્તિનો કૉલ ન લેવો જોઈએ, કારણ કે એ લોકો તમારી વાત ટેપ કરી લે છે અને તેમને જે માહિતી જોઈતી હોય એ તમારી પાસે બોલાવે છે.
તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અકાઉન્ટ-નંબર વિશે કોઈને ન જણાવો.
તમારો પિન નંબર કોઈને પણ ન આપો, ફૅમિલી મેમ્બરને પણ નહીં એટલું જ નહીં; વારે-વારે એ ચેન્જ કરતા રહો.
ઑનલાઇન કોઈ પણ વ્યવહાર કરતાં હો ત્યારે જે ઓટીપી મળે છે એ કોઈની સાથે શૅર ન કરો.
મેઇલ પર કે મેસેજ પર મળતી કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક ન કરો. એમ કરવાથી તમારો ફોન હૅક થવાની સંભાવના રહે છે અને એને લઈને તમારા પરિવાર, તમારા બૅન્ક-અકાઉન્ટ સહિતની માહિતી તેઓ મેળવી લે છે.
ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં કોઈ પણ અજાણી વ્યક્તિની મદદ ન લો કે કોઈના હાથમાં પણ એ ન આપો.
તમારું બૅન્ક-અકાઉન્ટ બંધ થઈ ગયું છે, તમારી દીકરો દીકરી, પિતા, માતા કે કોઈ પણને અકસ્માત થયો છે ને તે હૉસ્પિટલમાં છે એવો કોઈ ફોન આવે તો ગભરાયા વિના ચકાસણી કરો.
બૅન્કમાં તમારું કામ જાતે જ કરો. કોઈ તમને કહે કે લાવો તમારું ફૉર્મ ભરી આપું તો એમ નહીં જ કરવાનું.
એટીએમ વાપરો ત્યારે આજુબાજુવાળો કોઈ ન હોય એ જુઓ અને પૈસા કલેક્ટ કરો પછી ધીરજ રાખીને સ્ક્રીન મૂળ સ્વરૂપ પર આવે પછી જાઓ. પાછળવાળો તમારી માહિતીને મેમરાઇઝ કરી શકે છે.
કોઈ પણ ફિશિંગ ઈ-મેઇલનો એટલે કે તમને ઇનામ લાગ્યું છે કે તમે લોટરી જીત્યા છો જેવાનો રિસ્પૉન્સ ન આપવો.
હોટેલ, દુકાન, મૉલ કે કોઈ પણ પેમેન્ટ થતું હોય ત્યારે કાર્ડ તમારી નજર સામે હોય એ જોવું.
કોઈ પણ નાણાકીય વ્યવહાર વખતે ફોન પર વાત ન કરવી.
અજાણ્યા ટેમ્પરરી એટીએમ મશીન પર કાર્ડ સ્વાઇપ ન કરવું.
નવું કાર્ડ મળે તો જૂનું બ્લૉક કરાવો અને ડિસ્ટ્રૉય કરો.
ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે તમારો પિન નંબર ન રાખો. એને યાદ રાખો અથવા તો એવી સીક્રેટ જગ્યા પર લખી રાખો જે કોઈના હાથમાં ન આવે.
સ્લિપને એટીએમના સ્થળે નાખવાની ભૂલ ન કરો.

આ પણ વાંચો : વડીલોમાં પણ વધી રહી છે મોબાઇલની લત

સાઇબર ક્રાઇમનો શિકાર બનો ત્યારે શું કરશો?

તરત પોલીસ કમ્પ્લેઇન્ટ ફાઇલ કરો, કારણ કે અહીં પણ સમય મહત્ત્વનો છે.
તમને જે કોઈ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા છે એની માહિતી પોલીસને આપો.
તમારાં બધાં કાર્ડ બૅન્કમાં જઈ બ્લૉક કરાવી લો.
લોકલ સાઇબર સેલમાં પણ કમ્પ્લેઇન્ટ કરો.

columnists