વડીલોમાં પણ વધી રહી છે મોબાઇલની લત

Published: Jun 26, 2019, 11:31 IST | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ | મુંબઈ

તમે એક વાત નોટિસ કરી હશે કે બાળકો, યુવાનો અને મહિલાઓ જ નહીં, વડીલો પણ હવે મોબાઇલના ઍડિક્ટેડ થઈ રહ્યા છે. આ બાબત તેમને જીવનની કેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી જાય છે એની આજે વાત કરીશું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

કુણાલ આજે તેની સાથે બનેલી એક ઘટનાથી ખૂબ ડિસ્ટર્બ હતો. રસ્તામાં જ તેણે વિચાર્યું કે આ બાબતે તે ઘરે જઈને પાપા સાથે થોડી ચર્ચા કરશે તો સારું લાગશે. કુણાલ ઘરે આવ્યો ત્યારે તેના પિતાજી તેમના મોબાઇલ ફોનમાં એટલા મશગૂલ હતા કે કુણાલ ઘરે આવ્યો એ પણ તેમણે નોટિસ ના કર્યું. કુણાલ બૂટ કાઢી એના રૂમમાં ચાલ્યો ગયો... પિતાજી સાથે વાત કરવાનો કોઈ ચાન્સ જ ના રહ્યો.

૬૫ વર્ષના પ્રવીણભાઈ આજકાલ મોબાઇલમાં એટલા ખૂંપેલા રહે છે કે એને લઈને આ વીકમાં ૩ વાર એવું બન્યું કે તેઓ પૌત્રને સ્કૂલમાં લેવા જવામાં લેટ પડી ગયા. હવે આ કામ તેમની પુત્રવધૂએ પ્રવીણભાઈનાં પત્ની સવિતાબહેનને સોંપ્યું હોવાથી સવિતાબહેન પર એક વધુ કામનો બોજ આવી ગયો છે. મોબાઇલમાં મચેલા હોવાથી હવે તેઓ તેમના પૌત્રને રોજ બપોરે વાર્તાઓ કહેતા હતા એ પણ નથી કહેતા.

૭૦ વર્ષના એક અંકલ રોજ એક છોકરા પાસે મસાજ કરાવતા હતા. એક વાર અજાણતા એ છોકરાના પ્રાઇવેટ પાર્ટને અંકલનો હાથ લાગી ગયો હતો, પણ પછી બીજી વાર તેમણે જાણી જોઈને તેના પ્રાઇવેટ પાર્ટને હાથ લગાવ્યો. છોકરાએ આ અંગે વાંધો ના લીધો એટલે અંકલે એક વાર છોકરા સાથે સંબંધ કરવાની હિંમત કરી. હવે દર અઠવાડિયે એ છોકરાને બોલાવે છે અને મોબાઇલ પર જોયેલી ઇમેજીનરી બાબતો અપ્લાય કરે છે.

મોબાઇલનું ઍડિક્શન દરેક વયની વ્યક્તિ માટે માનસિક, શારીરિક અને સોશ્યલી નુકસાનકારક છે જ, પણ વડીલો માટે તે વધુ નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે વય વધવાની સાથે તેમની શારીરિક ક્ષમતા નબળી પડી હોય છે એમાં ઓર વધારો થાય છે, જેથી તેઓ કેટલીક વાર ગંભીર બીમારીમાં પટકાય છે

આંકડા શું કહે છે?

આજકાલ વડીલો પણ યુવાનોની જેમ મોબાઇલમાંથી માથું ઊંચું કરતા જ નથી, જમવા બેસે ત્યારે પણ! આ બાબત વધુ ચિંતાજનક છે. સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકના જણાવ્યા મુજબ તેના યુવાન યુઝર્સની સંખ્યા હવે ઓછી થઈ રહી છે, પણ એની સામે ૫૫થી વધુની વયના યુઝર્સનો રાફડો ફાટ્યો છે. તેમના આંકડા જણાવે છે કે આ પ્લૅટફૉર્મના ૫૫-૬૫ પ્લસના યુઝર્સનો આંકડો આ વરસમાં લગભગ ૬.૫ મિલિયનને આંબશે.

વડીલો ફોનમાં શું જુએ છે?

ફેસબુક, યુટ્યુબ, વૉટ્સઍપ તેઓ વધુ જુએ છે. કેટલાક વડીલો દૂર રહેતાં તેમનાં સંતાનો સાથે વાત કરવામાં અને તેમના ફોટા જોવામાં ઉપયોગ કરે છે. યુટ્યુબ પર વિડિયો જુએ છે. ગેમ્સ રમે છે. આશ્ચ્રર્યજનક હકીકત એ છે કે વડીલોમાં ફેસબુક વાપરવાનું ચલણ વધુ છે.

ઍડિક્શન એટલે શું? વડીલોને તેનું ઍડિક્શન કેમ થાય છે?

કોઈ પણ નવી અને એક્સાઇટિંગ વસ્તુ આપણે જોઈએ ત્યારે આપણા મગજમાં ડોપામાઇનનો સ્ત્રાવ વધે છે જે આપણને ફીલગુડ કરાવે છે અને વારંવાર તે કરવાનું મન થાય છે. ઇન્ટરનેટ અને એમાંય મોબાઇલ ડિવાઇસ દર સેકન્ડે નવી વાતો પ્રોવાઇડ કરતું જ રહે છે અને વ્યક્તિ એ જોવા લલચાય છે. આમ એક સમયે એની લત થઈ જાય છે. કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ નિષ્ઠા દલવાની ઍડિક્શનનો અર્થ સમજાવતાં કહે છે. ‘ઍડિક્શન મતલબ મન અને તનનું કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ થવું તે. મોબાઇલના ઍડિક્શન માટે જવાબદાર કારણોમાંનું એક છે હવે બજારમાં તે સસ્તા મળે છે અને ઇઝીલી મળે છે. બીજું રિટાયર્ડ એજમાં પણ હવે લેટેસ્ટ સ્માર્ટ ફોન હોવો એ સ્ટેટ્સ સિમ્બૉલ બન્યું છે. વડીલોને મોબાઇલની લત એટલા માટે પણ લાગે છે કે તેમની એકલતાને દૂર કરવાનું આ સૌથી સરળ અને હાથવગું સાધન છે. વ્યસ્ત રહેવા માટે ઍક્ટિવિટી કરો તો બહાર જવું પડે, લોકોને મળવું પડે, પણ આમાં આ કામ પણ સરળ થઈ પડે છે. અને આમ વડીલો એમાં વધુ ને વધુ ખૂંપતા જાય છે અને તેના ઍડિક્ટ થઈ જાય છે.”

મોબાઇલનું ઍડિક્શન વડીલોની હાલત કેવી કરે છે?

મોબાઇલનું ઍડિક્શન કોઈ પણ વયની વ્યક્તિ માટે નુકસાનકારક છે જ, પણ વડીલો માટે વધુ છે, કારણ કે વય વધવા સાથે વડીલોની તન-મનની ક્ષમતાઓ ઘટે છે

એમાં મોબાઇલનું ઍડિક્શન ઓર વધારો કરે છે. તે બે રીતે અસર કરે છે; ફિઝિકલ અને બિહેવિયરલ.

ફિઝિકલી કેવી અસર થાય છે?

મોબાઇલનું રેડિયેશન મગજને ડૅમેજ કરે છે. મોબાઇલના કારણે મગજની ઍક્ટિવિટી ઓછી થઈ જાય છે. અગાઉ ફોનનંબર યાદ રાખતા હતા, હવે તે ફોનમાં જ હોવાથી યાદ નથી રાખવા પડતા. મગજની ઍક્ટિવિટી ઓછી થવાથી એની ક્ષમતા ઘટે છે.

મોબાઇલના રેઝ નર્વ્સ સિસ્ટમને ડૅમેજ કરે છે.

ડિપ્રેશન અને ઊંઘની સમસ્યા થાય છે.

મોબાઇલ ફોબિયા થઈ જાય એટલે કે મોબાઇલ હાથમાં ના હોય તો વ્યક્તિ પોતાને ઇન્સિક્યૉર ફીલ કરે, બેચેની અને ગભરામણ થઈ આવે.

મોડે સુધી મોબાઇલ જોતા રહેવાથી આંખોને તકલીફ થાય ક્યારેક આંખનું કૅન્સર થઈ શકે. ઊંઘ આવે જ નહીં અથવા તો આવવામાં તકલીફ થાય તેથી દિવસે થકાવટ લાગે.

સાંભળવાનું ઓછું થઈ જાય છે.

ચાલવા વગેરેની ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી થવાથી શરીર પર તેની ખરાબ અસર થાય.

વડીલોને આમ પણ અલ્ઝાઇમર હોય છે અથવા તો પ્રી-અલ્ઝાઇમર સ્ટેજ હોય છે તેથી અલ્ઝાઇમરની તકલીફ વધી જાય છે.

આંખોમાં બળતરા અને ડોકમાં દર્દ થઈ આવે.

બિહેવિયરલ ઇફેક્ટ

વ્યક્તિ મટીરિયલિસ્ટિક બની જાય.

ઇમ્પલ્સિવ બની જાય, મતલબ એને બધી જ વસ્તુઓ જોઈએ જ.

વધુપડતી અને બિનજરૂરી ખરીદી કરે.

આત્મવિશ્વાસ ઓછો થઈ જાય,

ઇન્ટર-પર્સનલ કૉન્ફ્લિક્ટ મતલબ સામેની વ્યક્તિ વિશે ખોટી ધારણા કરી લેવા લાગે.

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ગિરીશ પટેલનું કહેવું છે કે મોબાઇલના ઍડિક્ટેડ થવાથી વડીલો પણ એમાંથી નેગેટિવ વધુ શીખે છે. એટલું જ નહીં, વિડિયોમાં જોયેલી ઇમેજનરી સ્ટોરી રિયલમાં ઍપ્લાય કરવા લાગે જે બાબત તેમના પોતાના માટે અને સમાજ માટે પણ વધુ ખતરનાક છે.

આ પણ વાંચો : દાદાજી, તમે પણ?

ઘણી વાર આને લઈને વડીલોનું સેક્સ્યુઅલ બિહેવિયર ઍબ્નોર્મલ થઈ જાય, એટલું જ નહીં, વિકૃત પણ થઈ જાય છે, એમ જણાવતાં ડૉ. ગિરીશ પટેલ કહે છે, ‘અગાઉના સમયમાં માહિતી મેળવવાના અત્યારના જેવા સોર્સ નહોતા, તેથી ગલઢેરા પુરુષો સાથે બેઠા હોય ત્યારે સેક્સની ડંફાસભરી વાતો કરતા પણ અત્યારે જે મળી રહ્યું છે એને લઈને વિકૃતિ આવી રહી છે. એથીયે વધુ એ કહેવાનું કે આને લઈને માણસમાં હોમોસેક્સ્યુઆલિટીની ઇચ્છા પણ પેદા થાય છે, જે બાબતો વ્યક્તિ અને સમાજ બંને માટે ખતરનાક સાબિત થાય છે.’

મોબાઇલના ઍડિક્ટ થયેલા વડીલો ઘરની સિમ્પલ જવાબદારી પણ નથી નિભાવતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK