કૉલમ : આજા મેરી ગાડી મેં બૈઠ જા

15 May, 2019 11:41 AM IST  |  | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

કૉલમ : આજા મેરી ગાડી મેં બૈઠ જા

રાજેન્દ્ર ગાંધી

વડીલ વિશ્વ

બ્રિટનનાં રાણી એલિઝાબેથ ૯૩મા વર્ષે પણ પોતાની કાર જાતે હંકારે છે એવો ફોટો તાજેતરમાં અખબારોમાં છપાયો હતો. મુંબઈમાં પણ ઘણા વડીલો પોતાની કાર જાતે ડ્રાઇવ કરતા હોય છે. વ્યક્તિ જો ટ્રાફિકના નિયમો મુજબ ફિટ હોય તો કોઈ પણ વયે ડ્રાઇવિંગ કરી શકે છે. જોકે અહીં ટ્રાફિકને લગતી કેટલીક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે.

અંધેરી-વેસ્ટમાં લોખંડવાલામાં રહેતા ૯૧ વર્ષના પ્રવીણભાઈ સંઘવી કાર હંમેશાં જાતે જ ડ્રાઇવ કરે છે. તેઓ રિટાયર્ડ છે, પણ સિનિયર સિટિઝનોની અનેક ઍક્ટિવિટીઓ સાથે સંકળાયેલા છે. સિનિયર સિટિઝનો માટેની સંસ્થા ‘વડલો’ની ઑફિસ અંધેરી-ઈસ્ટમાં હોવાથી તેઓ રોજ પોતાની કાર લઈને ‘વડલો’માં જાય છે. એટલું જ નહીં વડીલો માટેની સંસ્થા ‘સમન્વય’ ઉપરાંત જૈન સોશ્યલ ગ્રુપો સાથે પણ તે સંકળાયેલા હોવાથી એના કાર્યક્રમો અટેન્ડ કરવા માટે પણ તેઓ મુંબઈમાં જ્યાં જવું હોય ત્યાં પોતાની કાર લઈને જ જાય છે. કાર ડ્રાઇવિંગ બાબતે તેઓ હજુ એટલા કૉન્ફિડન્ટ છે કે મુંબઈ બહાર જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકે. જોકે હવે બહાર જવાનું થાય ત્યારે સંતાનો સાથે હોય એટલે તેમને કાર ડ્રાઇવ નથી કરવા દેતા છતાં પણ લોનાવલા તો જઈ આવે જ છે.

‘યુવાનીમાં ડ્રાઇવિંગ કરતા હતા ત્યારે અને આ ઉંમરે કાર ડ્રાઇવ કરો એમાં શો ફર્ક લાગે?’ જવાબમાં પ્રવીણભાઈ કહે છે, ‘૩૦ વર્ષ પહેલાં ગાડી ચલાવવાની જે મજા હતી એવી હવે નથી. અત્યારે ગાડી સ્ટ્રેસમાં ચલાવવી પડે છે. ક્યારે કઈ દિશામાંથી કયું વાહન આવી ચડશે એ કહી જ ના શકાય. આજે બધાને ક્યાંક ને ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય છે. લોકોને ટ્રાફિકની સેન્સ જ નથી. ૧૯૫૫માં મેં પહેલી વાર લાઇસન્સ લીધું હતું, મતલબ કે ૬૦ વર્ષથી હું ગાડી ચલાવું છું.’

‘યુવાનીમાં તમે ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા હશો, એટલી જ સ્પીડ હજુ પણ છે?’ પ્રવીણભાઈ કહે છે, ‘અમારા ઘરે નિયમ છે કે ચોક્કસ મર્યાદાથી વધુ ફાસ્ટ ડ્રાઇવિંગ નહીં કરવાનું. શરૂઆતથી અમે કલાકના ૬૦-૬૫થી વધુ સ્પીડમાં ગાડી નથી ચલાવતા. હું પણ નહીં ને મારા છોકરાઓ પણ નહીં.

તમારી કાર આગળ કોઈ પણ દિશામાંથી કોઈ પણ વાહન ક્યારે આવી ચડે એ કહી જ ના શકાય.’ ટ્રાફિકની આ સમસ્યાનો ઇશ્યુ અમે આરટીઓ અને ટ્રાફિક પોલીસ આગળ ઉઠાવ્યો છે, એમ જણાવતાં પ્રવીણભાઈ કહે છે, ‘ટ્રાફિક પોલીસ વ્યક્તિ સિગ્નલ કે નિયમ તોડ્યા પછી પકડે છે એના કરતાં ટ્રાફિકના નિયમો લોકો પાળે એનું ધ્યાન રાખો તો સારું.’

૮૫ વર્ષ પછી પ્રવીણભાઈએ તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવ્યું છે. જો દિવસે અને રાતે બરાબર દેખાતું હોય, કાને બરાબર સાંભળતું હોય અને ફિઝિકલ હેલ્થ સારી હોય તો કોઈ પણ ઉંમરે ડ્રાઇવિંગ કરી શકાય એવું પ્રવીણભાઈનું કહેવું છે. તેઓ પોતાની નજીકમાં રહેતા મિત્રોને પોતાની સાથે કારમાં લઈ જાય છે.

‘એક સમયે હું ફાસ્ટ ડ્રાઇવર હતો, પણ હવે મોડરેટ છું,’ એમ જણાવતાં ૭૫ વર્ષના રાજેન્દ્ર ગાંધી કહે છે, ‘હું ૧૪ વર્ષનો હતો ત્યારથી કાર ચાલવું છું. હવે વધુમાં વધુ અંધેરી, પાર્લા, સાંતાક્રુઝ અને બાંદરા સુધી જ કારમાં જવાનું થાય છે. હવે હું લૉન્ગ ડ્રાઇવ પર નથી જતો. પહેલાં ગર્લ ફ્રેન્ડ સાથે લૉન્ગ ડ્રાઇવ પર બહુ જતો હતો. હવે તો મુંબઈ બહાર પણ ખાસ નથી જતો. દોઢ વર્ષ પહેલાં ઉમરગામ ગયો હતો. જોકે આજે પણ મુંબઈથી અમદવાદ જવું હોય કે લોનાવલા જવું હોય તો ચોક્કસ જઈ શકું. આજે પણ ૨૦૦ કિલોમીટર નૉનસ્ટૉપ જઈ શકું છું.’

ટ્રાફિક જૅમની સમસ્યાના કારણે રાજેન્દ્રભાઈ ઑટોમૅટિક કાર વાપરે છે, જેથી ટ્રાફિકમાં તકલીફ ઓછી પડે. આજના સમયમાં ડ્રાઇવિંગ કરવું ટફ કેમ છે એનું કારણ આપતાં તે કહે છે, ‘અગાઉ ટ્રાફિક ઓછો હતો એટલે કાર ડ્રાઇવ કરવાનું ગમતું હતું, પણ હવે ટ્રાફિક વધારે હોવાથી ચીડ ચડે છે. બીજું રિક્ષાવાળાઓ અને ટૂ-વ્હીલર ચલાવવાવાળાઓનો ત્રાસ એટલો બધો છે કે ના પૂછો વાત. તેઓ અચાનક ક્યાંયથી પણ આવી જાય એવા સંજોગોમાં અકસ્માત થઈ શકે છે અને હવે આ ઉંમરે અકસ્માત કરવો પરવડે નહીં. બાકી હેલ્થની દૃãક્ટએ હું ફિટ છું. તેથી કાર ડ્રાઇવ કરવામાં કોઈ વાંધો નથી.’

મોટા ભાગે કારમાં રાજેન્દ્રભાઈ એકલા જ હોય છે. સન્ડે હોય તો વાઇફ સાથે હોય. તેઓ ક્લબ જવું હોય, મંદિર જવું હોય, વસઈ-વિરારમાં આદિવાસી સ્કૂલોના કાર્યક્રમ માટે જવું હોય તો કાર લઈને જાય છે. તેઓ પોતાની કાર હંમેશાં પોતે જ ડ્રાઇવ કરે છે. તે કહે છે, ‘મને ડ્રાઇવર કદી ફાવ્યો જ નથી, ઊલટાનું ડ્રાઇવર હોય તો હું ટેન્શનમાં આવી જાઉં છું. હું ટ્રક પણ ચલાવી શકું છું, કારણ કે એક સમયે અમારો બ્રિક્સનો ધંધો હતો, મારી પાસે છ ટ્રકો હતી. મારે પહેલી વાર લાઇસન્સ લેવાનું હતું ત્યારે આરટીઓ અધિકારીએ મને મહાલક્ષ્મી નજીક કૅડબરીનું ચઢાણ ચઢાવવા કહ્યું હતું. લાઇસન્સ આપતાં પહેલાં તે મને કહે, તુમ ફસ્ર્ટ ટાઇમ ડ્રાઇવર નહીં હો યે પક્કા!

આજે કેટલાક લોકો પોતાના વાહનની હેડલાઇટનું સ્થાન ચોક્કસ નિયમના બદલે જરા વધુ ઉપર લે છે ત્યારે હાઇવે પર કાર ચલાવતાં હેડલાઇટનો પ્રકાશ જે રીતે આંખોને આંજી દે છે તે ડિસ્ટર્બિંગ હોય છે એમ જણાવતાં અંધેરી-ઈસ્ટમાં રહેતા ૭૫ વર્ષના નિરંજનભાઈ વસાણી કહે છે, ‘આંખને આંજી દેતી લાઇટોના પ્રૉબ્લેમને લીધે જ હું રાત્રે હાઈવે પર વાહન ચલાવવાનું પ્રીફર નથી કરતો. મુંબઈ બહાર જવાનું થાય ત્યારે પણ સાંજે ૫ વાગ્યે જે શહેર હોય કે ગામડું ત્યાં હૉલ્ટ કરી લઉં છું. ડ્રાઇવિંગ લાઇસન્સ મેં ૨૦૧૬માં જ રિન્યુ કરાવ્યું છે. આજે ૨૦૨૧ સુધી વૅલિડ છે. ૭૦ વર્ષ પછી દર પાંચ-પાંચ વર્ષે લાઇસન્સ રિન્યુ થાય છે, અને એ સમયે તમારી આઇ સાઇટ, રિફ્લેક્ટર કેવાં છે, સમય પર તમે બ્રેક મારી શકો છો કે નહીં, કેટલે દૂર સુધીનું તમને દેખાય છે, સિગ્નલ્સનું બરાબર જ્ઞાન છે કે નહીં અને સિગ્નલ્સ બરાબર દેખાય છે કે નહીં વગેરે ચકાસવામાં આવે છે.’

ડ્રાઇવિંગ બાબતે નિરંજન વસાણીની એક જ ફરિયાદ છે કે ‘હવે લોકોમાં ટ્રાફિક સેન્સ રહી નહીં હોવાથી રૉન્ગ ડિરેક્શનમાંથી ક્યારે પણ વાહન આવી જાય છે, જેને લઈને બહુ તકલીફ પડે છે. શરૂઆતથીજ હું કલાકના ૬૦-૬૫ કિલોમીટરથી વધુ સ્પીડે વાહન નથી ચલાવતો.’

અગાઉ નિરંજનભાઈ લાંબું ડ્રાઇવિંગ કરતા હતા, પણ હવે કોઈ સાથે હોય તો જ જાય છે. ૧૦ વર્ષ પહેલાં તો મુંબઈથી ગુજરાત જ નહીં, સાઉથમાં પણ તેઓ કાર લઈને ગયા હતા. પહેલાંના સમયમાં કાર ડ્રાઇવિંગ અને અત્યારના ડ્રાઇવિંગ કરવામાં કેવો ફર્ક છે એની વાત કરતાં નિરંજનભાઈ કહે છે, ‘અગાઉ સિગ્નલ્સ ઓછા હતા. હાલ સિગ્નલ્સ વધુ છે. કાર પણ વધુ એફિશ્યન્ટ છે, ટ્રાફિક સિસ્ટેમૅટિક છે છતાં આજે લોકોને ટ્રાફિકના કાયદાના ઉલ્લંઘનનો ડર નથી લાગતો. આજે લોકોને રોડ પર ઉતાવળ બહુ હોય છે. બધાને જલદી પહોંચી જવું હોય છે, તેથી મારા જેવા મોડરેટ સ્પીડમાં ગાડી ચાલાવે ત્યારે લોકો ઇરિટેટ થાય છે. અને ક્યારેક ખરી-ખોટી સુણાવે પણ ખરા, પરંતુ આ રીતે જો કોઈ વધુ હૉર્ન મારવા લાગે તો હું એની સામે જ ગાડી લાવીને ઊભી રાખી દઉં. આમ આવા લોકોને આજે સાનમાં સમજાવી દેવું પડે છે. અહીં હૉકિંગ અલાઉડ નહીં હોવા છતાં લોકો હૉર્ન મારવા મંડી પડે છે.’

જો તમે માનસિક અને શારીરિક રીતે ફિટ હોવ ત્યાં સુધી કાર ડ્રાઇવ કરી શકો છો એમ જણાવતાં આરટીઓ કન્સલ્ટન્ટ હસન શેખ કહે છે, ‘જો તમને ૨૫થી ૩૦ મીટર દૂર સુધી દેખાતું હોય, હાથ-પગ મજબૂત હોય અને સ્ટિયરિંગ પર કંટ્રોલ રાખી શકતા હોવ, ઉપરાંત આરટીઓની એક્ઝામમાં પાસ થાઓ તો કોઈ પણ એજ પર તમે ડ્રાઇવિંગ કરી શકો છો.’

આ પણ વાંચો : કૉલમ : હાલતાં ને ચાલતાં વડીલોને અડબડિયું કેમ આવે છે?

વયના કારણે વડીલોમાં આવેલા સ્વભાવગત ફેરફારના કારણે કેવી સમસ્યા સર્જા‍ય છે એની વાત કરતાં હસન શેખ કહે છે, ‘વય વધવાની સાથે વડીલોમાં ચીડિયાપણું આવી જાય છે. એના કારણે રોડરેજ વધી જાય છે. બીજું આ લોકો બહુ સ્લો ચલાવતા હોવાથી યુવાનો કેટલીક વાર ઇરિટેટ થાય છે. આજે લોકો ટેન્શનમાં ડ્રાઇવિંગ કરતા હોય છે, એવામાં વડીલો જો હૉર્ન ના સાંભળે તો સમસ્યાઓ થાય છે, પરંતુ વડીલો માટે સેફ ડ્રાઇવિંગ કરવું બહુ જ જરૂરી છે.’

columnists