કૉલમ : હાલતાં ને ચાલતાં વડીલોને અડબડિયું કેમ આવે છે?

પલ્લવી આચાર્ય | Apr 03, 2019, 10:31 IST

ઘડપણમાં પડી જવાથી જો થાપાનું ફ્રૅક્ચર થાય તો ઘણા લોકો માટે તે ઘાતક પણ બની જાય છે. ઘણા સંશોધનોનું કહેવું છે કે ૬૦ પ્લસ ૨૫ ટકા લોકોમાં પડવાની તકલીફ હોય છે

કૉલમ : હાલતાં ને ચાલતાં વડીલોને અડબડિયું કેમ આવે છે?
પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

પડી જવું એ વડીલોમાં ભલે સામાન્ય વાત હોય, પણ તે છે બહુ ડૅન્જરસ બાબત. દર પાંચમાંથી એક વડીલને પડવાના કારણે હાડકામાં ફ્રૅક્ચર કે માથામાં ઈજા જેવી ગંભીર ઇન્જરી થાય છે એવું ‘ધ સેન્ટર ફૉર ડિસીસીઝ કંટ્રોલ’નું કહેવું છે. વારંવાર પડી જવાની અસર વડીલોની ઍક્ટિવિટી પર થાય છે. પડવાના ડરને કારણે તેમનું હલનચલન ઓછું થઈ જાય છે. અમેરિકાની સિનિયર સિટિઝન માટે ચાલતી જર્નલના આંકડા કહે છે કે ૪૦ ટકા સિનિયરો વરસમાં એક વાર તો પડે જ છે. અને એમાંથી અડધા લોકોને થાપાનું ફ્રૅક્ચર થઈ જાય છે, જેમાંથી કેટલાક ૧ વરસમાં મૃત્યુ પામે છે અને જે સાજા થાય છે એમાંથી ૫૦ ટકા લોકો પહેલાં જેવા થઈ જ નથી શકતા. સ્ત્રીઓમાં પડી જવાના કારણે ફ્રૅક્ચર થવાનું વધુ કૉમન છે. ૬૦ પ્લસ પછી ૨૫ ટકા લોકોને પડવાનું જોખમ હોય છે. તેઓ એક વાર પડે પછી તેના પડવાના ચાન્સ ડબલ થઈ જાય છે. પડવાના કારણે તેમનું વાગવાનું રિસ્ક વધી જાય છે.

મુંબઈના જાણીતા ન્યુરો-સર્જ્યન ડૉ. આશિષ મહેતા માણસને સંતુલિત રાખતી શરીરની રચના અને વડીલોના પડી જવા માટેનું કારણ સરળ ભાષામાં સમજાવતાં કહે છે, ‘માનવનો ઉત્ક્રાન્તિ ક્રમ જુઓ. ચાર પગા જાનવરમાંથી તે બે પગવાળા હોમો સેપિયન્સમાં પરિવર્તિત થયો ત્યારે માનવશરીરની સંરચનામાં આમૂલ પરિવર્તન આવ્યું. ધરતીથી ૬ ફૂટ ઉપર ગતિરહિત અથવા ગતિસહિત સંતુલન જાળવવા ૩ મુખ્ય અંગોનું વિસ્તૃત સર્જન થયું. એક નાનું મગજ, બીજું બન્ને કાનમાં આવેલી સેમી સર્ક્યુલર કેનાલ અને ત્રીજું લવચીક છતાં સક્ષમ સંતુલિત કરોડરજ્જુ. આ ત્રણેય અંગોએ સાથે મળી શરીરનું સંતુલન જાળવવાની જવાબદારી ઉપાડી લીધી છે. મગજથી શરૂ થઈને આ ત્રણે અંગો દ્વારા આપણા હાથ-પગના સ્નાયુઓને કમાન્ડ પહોંચે છે. હવે જો આ ત્રણેમાં કંઈ ગરબડી સર્જા‍ઈ, આ લિંકમાં ક્યાંય પણ રુકાવટ આવે તો કુદરતે સંતુલન માટે રચેલી ચૅનલમાં ગરબડ પેદા થાય છે અને સંતુલનની પ્રક્રિયા ડગમગી જાય છે, જેમ કે આપણો પગ ઊબડખાબડ જમીન પર પડે ત્યારે આ સંવેદના આપણા પગના સ્નાયુઓ કરોડરજ્જુ દ્વારા આપણા મગજને પહોંચાડે છે અને મગજ જમીન પર સંતુલન જાળવવાનો સંદેશ સ્નાયુઓને કાન તથા નાના મગજની સંડોવણી સાથે પહોંચાડી દે છે અને હાથ કે પગ એ રીતે રીઍક્ટ કરે છે. ઘણી વાર ઉંમરના કારણે પગની સંવેદનાના સિગ્નલમાં ગરબડ ઊભી થવાથી તે મગજ સુધી પહોંચતા જ નથી અથવા તો અધૂરા પહોંચે છે. હાથ કે પગના સ્નાયુની સંવેદનાએ સિગ્નલ આપ્યા, પણ તે વ્યવસ્થિત રીતે ના પહોંચવાથી મગજની પ્રતિક્રિયા અજુગતી થાય છે. આ જ રીતે મોટા અથવા નાના મગજમાં ખરાબી થવાથી પગના સ્નાયુએ શું કરવું એ માટેના સિગ્નલ મોકલવામાં મગજ થાપ ખાઈ જાય છે. આવું કાનમાં પણ થઈ શકે છે. પગના સ્નાયુઓની ખરાબી આદેશો તથા સંદેશાઓનું સંકલન વ્યવસ્થિત રીતે કરવા સક્ષમ નથી રહેતા. આ કારણે વ્યક્તિ પડી જાય છે. માણસ બે પગે ચાલે છે અને જે સંતુલન જાળવે છે એમાં સ્નાયુઓ, કરોડરજ્જુ, કાનમાં આવેલી સેમી સર્ક્યુલર કૅનાલ અને મગજ બધાનું કામ સુસંગત રીતે તાલમેલ જાળવીને સાથે થાય છે ત્યારે જ વ્યક્તિ સંતુલિત રહી શકે છે. આમાં ક્યાંય પણ ગરબડી થઇ તો સંતુલન જતું રહે છે.’

ડૉ. આશિષ મહેતા વડીલો કેમ પડી જાય છે એનું કારણ આપતાં વધુમાં કહે છે, ‘સાઇકૉલૉજિકલી કન્ફ્યુઝ્ડ વ્યક્તિના સંતુલનમાં ગરબડ થઈ શકે છે. બીજું આંખે ઓછું દેખાતું હોય, પગના સાંધામાં તકલીફ હોય, ન્યુરોલૉજિકલ બીમારી હોય, હૃદયમાં પ્રૉબ્લેમ હોય તો આ બધી વસ્તુઓ પણ વ્યક્તિના સંતુલનની પ્રક્રિયામાં કૉન્ટ્રિબ્યુટ કરે છે અને એ તકલીફ વડીલ વ્યક્તિના પડી જવામાં કારણભૂત બને છે.’

વડીલોના પડવા માટેનાં કેટલાંક બહુચર્ચિત અને સામાન્ય કારણો જોઈએ

માણસના શરીર પાસે એવી શક્તિ છે કે તે અસંતુલિત સંજોગોમાં આવી જાય તો શરીરને સંતુલિત કરી શકે છે. યુવાનીમાં આ ક્ષમતા વધુ હોય છે, ઉંમર વધતાં શરીરની આ ક્ષમતા ઘટતી જાય છે. બીજું બીમારીના કારણે અથવા કોઈ દવાઓની આડઅસરના કારણે પણ આ ક્ષમતા ક્ષીણ થતી જાય છે. વડીલોના પડી જવાનાં કારણો કેટલાંક જનરલ હોય છે તો કેટલાંક પર્સનલાઇઝ પણ હોય છે તેથી એનો યોગ્ય તાગ મેળવી એ રીતે તેનો ઉપચાર કરવો જોઈએ.

વડીલોના પડવા માટેના મુખ્ય ત્રણ કારણ છે. એક છે હેલ્થને લગતું કારણ, જેમાં બૅલૅન્સનો પ્રૉબ્લેમ, વીકનેસ, લાંબા સમયની બીમારી, આંખોમાં તકલીફ અથવા દવાઓની સાઇડ ઇફેક્ટ કારણભૂત હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ કારણ જુદાં હોય છે. બીજું કારણ એન્વાયર્નમેન્ટને લગતું છે. ઘરમાં કોઈ કારણસર પગ લપસી જાય અને પડી જવાય, વરસાદમાં પડી જવાય, વધુ પવન હોય ને પડી જવાય, બહાર ગયા હોય ને ચંપલના કારણે પડી જવું વગેરે. ત્રીજું કારણ છે અચાનક અને ઑકેશનલ ઇવેન્ટ. અચાનક પગમાં કંઈ આવી જવું, કોઈનો ધક્કો વાગવો, ઠોકર વાગવાથી પડી જવું વગેરે. આ ઉપરાંત કેટલાંક પર્સનલાઇઝ્ડ કારણો છે કે ડાયાબિટીઝવાળી વ્યક્તિને કોઈ વાર બ્લડશુગર લો થઈ જાય, લાંબા સમયથી ડાયાબિટીઝ ધરાવતા લોકોના પગ જૂઠા થઈ જાય છે. ઉપરાંત બ્લડપ્રેશર સહિતની બાબતો પણ વડીલોને તેમના પગ પર ઉભા રહેવા પર, તેમના બૅલૅન્સને અસર કરે છે. શરીરની તાકાત ઘટી જાય એ બાબત પણ પડી જવાના કારણમાં હોય છે. પહેલાં જેવી તાકાત વય વધે તેમ નથી રહેતી. ૩૦ પછી મસલ્સની તાકાત ઘટતી જાય છે. મસલ્સ વીક થવા મતલબ શરીરની તાકાત ઘટવી.

શરીરની ઘણી સિસ્ટમ ભેગી થઈને તમને ઊભા રાખવામાં, સંતુલન જાળવવામાં અને ચાલવામાં મદદ કરે છે. આ વ્યવસ્થાઓમાં ગરબડી પછી તે દવાઓની સાઇડ ઇફેક્ટના કારણે કે એજના કારણે કે કોઈ બીમારીના કારણે થાય છે ત્યારે વ્યક્તિનું સંતુલન ખોરવાય છે.

વય સાથે આંખની શક્તિ ઓછી થાય છે. વિઝન એક એવી બાબત છે જે તમને બેલેન્સ રાખવામાં અને માર્ગમાં જે આડખીલીઓ હોય એનાથી દૂર જવા મદદ કરે છે. નજર ધૂંધળી થઈ જાય ત્યારે માર્ગમાં શું આવ્યું છે તે સ્પષ્ટ નથી થતું અને પડી જવાય છે.

શરીરની ફ્લેક્સિબિલિટી વય વધતાં ઘટે છે. આ સમયમાં હેલ્થ પણ વીક હોય છે આ બન્ને કારણે ખાસ કરીને થાપાની અને એંકલની મુવમેન્ટ ઓછી થાય છે, એમાં લચીલાપણું ઓછું થઈ જાય છે. આ કારણે પણ પડી જવાય છે. આ વયમાં ચાલવા ને ઊભા રહેવાની ક્ષમતા ઘટી જાય છે એ કારણે પણ પડી જવાય છે. એટલું જ નહિ, કન્ટિન્યુ ચાલવાનું મન નથી થતું, એ માટેની તાકાત નથી રહી હોતી અને બૅલૅન્સના રહેવાથી ડર પણ ઘર કરી જાય છે.

આ પણ વાંચો : કૉલમ : દાદા-દાદી તમને હવે શું ચિંતા?

જો તમને અંધારામાં ચાલવામાં તકલીફ પડે, ઊબડખાબડ જમીન પર ચાલવામાં તકલીફ પડે, દાદરો ઊતરતાં કે ચડતાં ડર લાગે ત્યારે સચેત થઈ જવું જોઈએ એમ કહેતાં ડો. આશિષ મહેતા કહે છે, ‘સંતુલન ગુમાવતાં હોય એવું લાગે ત્યારે તરત ડૉક્ટરને મળી સમસ્યાના જડ સુધી પહોંચવું અત્યંત આવશ્યકે છે. ઊગતી કે બીમારીને ડામવી જોઈએ. જો તરત ડોક્ટર પાસે નહીં જાઓ તો સારવારમાં બહુ લેટ થઇ જશે અને કોઈ ફાયદો નહીં થાય.’

કેવી રીતે બચશો

ઘરમાં દાદરની બન્ને સાઇડ રેલિંગ બેસાડો, જેથી પકડીને ચડી શકાય

લપસી પડે એવી જગ્યા પર અન્ટિસ્કીડ મેટ્રેસ રાખો.

ઘરનું ફ્લોરિંગ લપસી ના પડો એવું રાખો.

સાબુ કે શૅમ્પુ પડ્યા હોય એવી જગ્યા પર જવાનું ટાળો.

ટોઇલેટમાં બને બાજુ પકડવાનું પ્રોવિઝન રાખો.

રાત્રે નાઇટલૅમ્પ રાખો.

વધુ ટ્રાફિકવાળા એરિયામાં જવાનું ટાળો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK