ઘડપણમાં બાળપણ તાજુ કરવું હોય તો શું કરશો?

14 August, 2019 11:35 AM IST  |  મુંબઈ ડેસ્ક | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

ઘડપણમાં બાળપણ તાજુ કરવું હોય તો શું કરશો?

પ્રતીકાત્મક તસવીર

કંઈ જ નહીં તમારા સ્કુલના મિત્રો સાથે ખોવાયેલો સંપર્ક પાછો જોડી દો. અનેક અભ્યાસો કહે છે કે મિત્રો મનના જ નહીં, તનના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. બુઢાપો જ્યારે ખાલીપા તરફ લઈ જઈ રહ્યો હોય ત્યારે નાનપણની મિત્રતા એ ખાલીપાને શ્રેષ્ઠ રીતે ભરી શકે છે. સ્કૂલમાં સાથે ભણતા મિત્રો સાથેનો સંબંધ તરોતાજા થઈ જાય ત્યારે કેવો જલસો પડી જાય એ આ વડીલોને જ પૂછી જુઓ

વડીલ વિશ્વ

ઘણા અભ્યાસો અને સર્વેક્ષણો કહે છે કે મિત્રો તમારા મનના જ નહીં, તનના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. મિત્રો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તમે બીમાર હો તો સાજા થવામાં મદદ કરે છે. તમારી યાદશક્તિને તેજ રાખે છે એટલું જ નહીં, મિત્રોના સથવારે તમે લાંબું જીવી શકો છો. દોસ્તો હોય એવા વડીલોને તેમની બીમારીઓ વધુ સતાવતી નથી એ પ્રૂવ થયેલી હકીકત છે.

યુવાનીમાં મિત્રોની જેટલી જરૂર હોય છે એનાથી વધુ જરૂર ઘડપણમાં હોય છે. ઘડપણમાં મિત્રો તમારાં તનમનની તંદુરસ્તી માટે દવાનું કામ કરે છે. આ વયે તમે તમારી જવાબદારીઓથી નિવૃત્ત થઈ ગયા હોવાથી મિત્રતાને પાળવા-પોષવા માટે પણ ભરપૂર સમય હોય છે.

આજે મુંબઈના એવા લોકોને મળીએ જેમને સ્કૂલ મિત્રોને મળવામાં વરસોનાં વહાણાં વાઈ ગયાં હતાં, પણ હવે પાછા સ્કૂલમાં હતા એથી પણ વધુ પાકા મિત્રો બની ગયા છે.

૫૭ વર્ષે મિત્રને મળીને જે આનંદ મળ્યો એવો ક્યાંય નથી મળ્યો
કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં જ હાલ રહેતા ૬૬ વર્ષના રાજેશ પારેખ અને નલિન ભુતા ૫૭ વર્ષ પછી મળ્યા ત્યારની તેમની અનુભૂતિ અદ્ભુત હતી. એને વર્ણવતાં રાજેશ પારેખ કહે છે, ‘નલિનને મળીને હું જે એક્સાઇટેડ હતો, મને જે આનંદ મળ્યો હતો એવો મને ક્યાંય નથી મળ્યો. આ ફીલિંગ શબ્દોમાં વર્ણવવી અઘરી છે. હવે તો અમે ફોન અને વૉટ્સઍપ પર તો રોજ મળીએ છીએ અને લગભગ રોજ સાંજે મળવાની ટ્રાય પણ કરીએ છીએ. મળીએ ત્યારે અમે ધંધાપાણી સિવાયની બધી જ વાતો કરીએ છીએ.’

આ બન્ને મિત્રો ૬-૭ વર્ષથી કાંદિવલીમાં મહાવીરનગરમાં જ રહેતા હોવા છતાં આઠેક મહિના પહેલાં ૫૭ વર્ષ પછી એકબીજાને મળ્યા તદ્દન ફિલ્મી ઢબે. આ કિસ્સો બયાન કરતાં નલિન ભુતા કહે છે, ‘કમલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની નજીકની ગલીમાં મારું આઇસક્રીમ પાર્લર છે. અમારે ત્યાં એક સૅન્ડવિચવાળાની સૅન્ડવિચ અહીં ફેમસ છે. તેની પાસે એક દિવસ રાજેશ સૅન્ડવિચ લેવા આવ્યો હતો. હું મારી દુકાનમાં હતો અને મારી રાજેશ પર નજર પડી તો મને લાગ્યું કે આ રાજેશ પારેખ જ છે. મેં તેને બોલાવ્યો. તેણે મને ઓળખ્યો નહીં. પછી મેં કહ્યું, નલિન ભુતા અને પછી તો તે જે જોરથી મને ગળે વળગ્યો એ થ્રિલ હજી પણ મારામાં અકબંધ છે. તે મને મારા પગ પરથી ઓળખી ગયો (નલિન ભૂતાને બચપણથી પગમાં તકલીફ છે). હવે તો અમે રોજ મળી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ.’

રાજેશ પારેખ અને નલિન ભુતા એસવીપી સ્કૂલમાં થર્ડથી સાથે હતા, પણ આઠમાથી રાજેશે ટેક્નિકલ સબ્જેક્ટ લેવાના કારણે ક્લાસ અલગ થઈ ગયા. જોકે એસએસસી સુધી સાથે તો હતા જ. રાજેશ પારેખ જૂની વાતોને યાદ કરતાં કહે છે, ‘અમે રોજ અમારું ટિફિન શૅર કરતા. શક્કરપારા, ચકરી, મેથીનાં મૂઠિયાં વગેરે સાથે બેસીને ખાવાની જે મજા હતી! સ્કૂલમાં છોકરીઓની રૉમાં બેસાડવાની મળતી પનિશમેન્ટથી લઈને બચપણની અનેક વાતો કરી, જે હજી ચાલુ જ છે. મને મારું બચપણ પાછું મળી ગયું હોય એવું લાગે છે. આ પછી તો અમે ફેસબુક અને વૉટ્સઍપ પરથી બીજા પણ દોસ્તો શોધી કાઢ્યા છે.’ ‍

આમ હવે રાજેશ અને નલિન ઉપરાંત બધા મિત્રોનું ગ્રુપ પરિવાર સાથે મળે છે ને મઝા કરે છે. રાજેશ પારેખ વર્કિંગ છે. ઇન્ટીરિયર માટે વપરાતી કાર્પેટ બનાવતી ઇન્ટરનૅશનલ કંપની માટે કામ કરે છે છતાં પણ મિત્રોને મળવાનો ચાન્સ મેળવી લે છે.

અમે ૩૧ વર્ષ પછી આજેય મળીએ તો એક થાળીમાં જ ખાઈએ
મરીન ડ્રાઇવમાં રહેતાં ૬૫ વર્ષનાં નલિની કોઠારી અને અંધેરીમાં રહેતાં મીનાક્ષી ભટ્ટ આ બે સ્કૂલ ફ્રેન્ડ મુંબઈમાં રહેતાં હોવા છતાં ૩૧ વર્ષ પછી મળ્યાં. નલિની મહેતા હવે નલિની કોઠારી અને મીનાક્ષી દવે જે હવે ભટ્ટ છે તે ઘાટકોપરની કે.વી.કે. સ્કૂલમાં સાથે હતાં એની વાત કરતાં નલિની કહે છે, ‘સિક્સ્થથી એસએસસી સુધી અમે એક બેન્ચ પર બેસતાં. મીનાક્ષી હંમેશાં પહેલો નંબર આવતી. સ્કૂલમાં અમારી દોસ્તી એટલી પાકી હતી કે અમે એક થાળીમાં જમતાં હતાં. ટિફિનમાં તે ઢોકળાં કે કંઈ પણ લાવે અમે એક થાળીમાં જમતાં હતાં એમ હવે પણ સાથે હોઈએ તો એક થાળીમાં જ જમીએ છીએ.’

એસએસસી એટલે કે ત્યારના ઇલેવન્થમાં ૧૯૭૧માં અમે સાથે હતાં, પણ એ પછી છૂટાં પડી ગયા તે ૨૦૦૨માં મળ્યાં એમ જણાવતાં મીનાક્ષી ભટ્ટ કહે છે, ‘અમે હંમેશાં છેલ્લી બેન્ચે બેસતાં. બન્નેને વાંચવાનો શોખ એટલે અમે અમારી બુકની વચ્ચે સ્ટોરી બુક મૂકીને વાંચતાં. મેં ઝુનઝુનવાલા કૉલેજમાં બીએસસી માટે ઍડ્મિશન લીધું અને નલિનીએ નિર્મલા નિકેતન કૉલેજમાં હોમ સાયન્સ માટે ઍડ્મિશન લીધું.’

એસએસસી પછી નલિનીનો પરિવાર ગરોડિયાનગરમાં શિફ્ટ થયો. બેયની કૉલેજ અલગ થઈ ગઈ. બન્ને પોતપોતના કામમાં વ્યસ્ત થઈ ગયાં અને સંપર્ક તૂટી ગયો. મોબાઇલ ફોન નહોતા અને બન્ને પોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ.

૧૬ વર્ષ પહેલાં નલિનીને તેની એક ફ્રેન્ડ મળી ત્યારે મીનાક્ષી વિશે વાત થઈ અને તેણે કહ્યું કે મીનાક્ષી તેને ગ્રાન્ટ રોડની ભાજીગલીમાં કોઈ વાર મળે છે. નલિનીની આ ફ્રેન્ડનું તો ડેથ થયું છે, પણ તેણે મીનાક્ષીનો નંબર આપ્યો પછી મેં મીનાક્ષીનો કૉન્ટૅક્ટ કર્યો એમ જણાવતાં નલિની કહે છે, ‘અને પાછાં અમે હતાં એવા ફ્રેન્ડ બની ગયાં. હવે અમે અમારા હસબન્ડ મળીને ચારેય સાથે ફરીએ છીએ ને પિકનિક પણ મનાવીએ છીએ. એકબીજાના ઘરે જઈએ, સારામાઠા પ્રસંગમાં એકબીજાની પડખે રહીએ છીએ.’

જાડી થઈ ગયેલી મારી ફ્રેન્ડને હું ઓળખી જ ન શકી : પ્રવીણા ઠક્કર
અંધેરી (ઈસ્ટ)માં રહેતાં ૬૭ વર્ષનાં પ્રવીણા ઠક્કર અને તેમની ફ્રેન્ડ જયશ્રી બાબલા સ્કૂલ ફ્રેન્ડ હતાં. એસએસસી પછી છૂટાં પડી ગયા પછી ૩૦ વર્ષે મળ્યાં. જયશ્રી કે જેને અમે જયી કહેતાં હતાં તે હાલ દારેસલામ છે એમ કહી વાતની શરૂઆત કરતાં પ્રવીણાબહેન કહે છે, ‘અમે કચ્છમાં એસએસસી સુધી સાથે ભણતાં હતાં. એ પછી હું મુંબઈ આવી અને જયી લગ્ન કરીને દારેસલામ જતી રહી અને અમારો સંપર્ક તૂટી ગયો. ૧૦ વર્ષ પહેલાં આર્ય સમાજના એક ફંક્શનમાં અમે ૩૦ વરસ પછી મળ્યાં ત્યારે હું જયીને ઓળખી જ ન શકી, કારણ કે તે ખૂબ જાડી થઈ ગઈ હતી. પહેલાં તે ખૂબ પાતળી હતી.’

પ્રવી‍ણાબહેન રેગ્યુલર સાંતાક્રુઝના આર્ય સમાજમાં જાય છે. એક વાર એક અવૉર્ડ સમારંભમાં જયીનો ભાઈ તેમને ત્યાં મળ્યો, કારણ કે તેમના પરિવારના કોઈને અવૉર્ડ મળવાનો હતો એટલે તે ત્યાં આવ્યો હતો. અહીં જયીના ભાઈએ પ્રવીણાબહેનને કહ્યું કે જયી આવવાની છે. આ દિવસે જયી તેમને મળી અને બે બહેનપણીઓએ કલાકો વાતો કરી. એ પછી દારેસલામ જઈને જયીએ દિવાળી પર પ્રવીણાબહેનને ગ્રીટિંગ કાર્ડ મોકલાવ્યું હતું, પણ તેમણે રિસ્પૉન્સ ન આપ્યો અને પાછો સંપર્ક તૂટી ગયો.

બન્ને પોતાના કામ અને સંસારમાં બિઝી થઈ ગયાં.
એ પછી પાંચ વર્ષ પહેલાં પાછી પ્રવીણાબહેનને જયીની યાદ આવી. પ્રવીણાબહેને કાંદિવલીમાં રહેતી તેની બહેનના ઘરે ફોન કર્યો. એ જાણવા કે જયી શું કરે છે. પ્રવીણાબહેને જયીની બહેનના ઘરે ફોન લગાવ્યો તો સાશ્ચર્ય ફોન જયીએ લીધો! તે મુંબઈમાં આવી હતી અને ત્યારે તે તેની બહેનના ઘરે જ હતી. એ પછી જયી તેના દીકરાની વહુ અને ગ્રાન્ડ ડૉટરને લઈને પ્રવીણાબહેનના ઘરે આવી અને પાછી તેમની દોસ્તી વહેવા લાગી. લાસ્ટ ડિસેમ્બરમાં તે ઇન્ડિયા આવી હતી એમ જણાવતાં પ્રવીણાબહેન કહે છે, ‘તેના પતિનું બાયપાસ ઑપરેશન થયું ત્યારે તે અહીં આવી હતી અને હું ત્યારે તેની સાથે હતી. હવે અમારી રેગ્યુલર વાતો થાય છે. ફરી સ્કૂલ જેવી જ ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. તેના પુત્રની જનોઈ હતી તો અમે સાથે હતાં ને મારા ઘરે પણ કંઈ હોય તો અમે સાથે હોઈએ છીએ. તેને પણ બે દીકરા છે અને મારે પણ બે દીકરા છે. બન્ને પરણેલા છે.’

બાકી બધા મિત્રો ૧૪ વર્ષ પછી મળ્યા, પણ દુબઈ રહેતો એક મિત્ર બાવીસ વર્ષ પછી મળ્યો
અમે પહેલાં સીપી ટૅન્ક વિસ્તારમાં કુંભારવાડામાં રહેતા હતા. જૂની વાતોને વાગોળતાં મલાડમાં રહેતા ૬૭ વર્ષના નયન મર્ચન્ટ કહે છે, ‘મારા મિત્ર નરેન્દ્ર શાહ અને હું ઇન્ટર કૉમર્સ સુધી સાથે હતા. કુંભારવાડામાં તે અમારી સામે જ રહેતા હતા. અમે ડાયરેક્ટ પહેલાં નહોતા મળ્યા, અમારા એક ફ્રેન્ડ હર્ષદ શાહને અમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ એકનો નંબર મળ્યો અને તેમણે અમારા બધા મિત્રોને શોધી કાઢ્યા એમાં હું ને નરેન્દ્ર શાહ પણ મળી શક્યા.’

૧૪ વર્ષ પછી મળેલા સાત ફ્રેન્ડનું હવે તો એક ગ્રુપ બની ગયું છે અને એ હવે કોઈના પણ ઘરે સારો કે ખોટો કોઈ પણ પ્રસંગ હોય, હાજર રહે છે. ફૅમિલી સાથે મહિને એક વાર મળે છે. મહાબળેશ્વર, માથેરાન વગેરે જગ્યાએ સાથે પિકનિક કરે છે અને દોસ્તી પાછી એન્જૉય કરે છે. હમણાં જ આ ગ્રુપ મહાબળેશ્વર અને માથેરાન જઈ આવ્યું.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

વાલ્કેશ્વરમાં રહેતા હર્ષદ શાહ, નરેન્દ્ર શાહ, ડૉ. કિરણ, ગિરીશ શેઠ, ગિરીશ પટેલ, જિતુભાઈ અને નયન મર્ચન્ટ આ સાતે ફ્રેન્ડ જ નહીં; હવે તેઓ ફૅમિલી સાથે મળે છે. હમણાં જિતુભાઈના દીકરાનાં લગ્ન હતાં તો ૩ દિવસ સુધી આ મિત્રો પરિવાર સાથે તેમના ઘરે જ હતા.

આ સ્કૂલ મિત્રોની દોસ્તી પાછી મહોરી ગઈ છે.

columnists