જ્યારે સાથ છૂટે જીવનસાથીનો

20 March, 2019 11:31 AM IST  |  | પલ્લવી આચાર્ય

જ્યારે સાથ છૂટે જીવનસાથીનો

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

જીવનની ઢળતી વયમાં જીવનસાથીની જરૂર વધુ હોય છે, કારણ કે સંતાનો તેમના માળામાં ગોઠવાઈ ગયાં હોય છે અને રહ્યાં હોય છે માત્ર પતિપત્ની. એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનવાના સમયમાં જોડીમાંથી એક અનંતના માર્ગે પ્રયાણ કરે ત્યારે એવું લાગે કે જીવનમાંથી બધું ઝૂંટવાઈ ગયું, પણ ના એવું નથી હોતું. જમાનો જોઈ ચૂકેલા વડીલો બહુ સરળતાથી આ ખોટને પચાવી લે છે. તેમને લાગે છે ઇટ્સ પાર્ટ ઑફ લાઇફ! આ સમયની વડીલોની મનોદશાને અહીં વાંચવાનો પ્રયત્ન કર્યો છે. - પલ્લવી આચાર્ય

એકલતા ખૂબ લાગે પણ... 

બોરીવલી વેસ્ટમાં રહેતાં ૭૬ વર્ષનાં રેખા મહેતાને પતિ રજનીકાંતભાઈ મહેતાનો સાથ નવ મહિના પહેલાં આવેલા અધિક મહિનામાં જ છૂટી ગયો. રેખાબહેનને ત્રણ દીકરીઓ છે, જેઓ પરણીને સાસરે છે. તેમની એક દીકરી અમેરિકામાં છે. પતિના જવાથી રેખાબહેન એકલાં થઈ ગયાં છે, પણ તેમણે પોતાના મનને ભગવાનની સેવામાં વધુ ઓતપ્રોત કરી દીધું છે. હવે તેમણે પોતાની જિંદગીને અલગ રીતે મોલ્ડ કરી છે. જિંદગીના આ ફેઝ વિશે વાત કરતાં રેખાબહેન કહે છે, ‘પતિના ગયા પછી એકલતા ખૂબ લાગે, અમે જ્યાં જઈએ ત્યાં સાથે જતાં હતાં. પહેલાં હું રોજ તેમની સાથે હવેલી જતી હતી, પણ હવે એકલી થઈ જવાથી નથી જતી. એકલા થવાથી ખાવા-પીવામાં મજા નથી રહી, એકલા માટે શું બનાવવું એ જ સમસ્યા થઈ જાય છે, પણ મેં એક હકીકત સ્વીકારી લીધી છે કે ઇટ્સ અ પાર્ટ ઑફ લાઇફ! જવાવાળાની પાછળ કોઈ જતું નથી. તેને જીવવું જ પડે છે તેથી મેં મારી જાતને ઘણી મોલ્ડ કરી લીધી છે.’

રેખાબહેને પોતાનું મન ભગવાન સહિતની અલગ-અલગ પ્રવૃત્તિઓમાં પરોવી લીધું છે. તેઓ કહે છે, ‘એકલી થયા પછી મેં લાલા (કૃષ્ણ ભગવાન)ની સેવા વધારી દીધી છે. ભગવાનમાં મને ભરોસો છે. હું વ્રજમાં જાઉં તો પણ લાલાને સાથે લઈ જાઉં છું. મારા દિવસને જાતજાતની પ્રવૃત્તિઓમાં બિઝી કરી નાખ્યો છે. પોતાનું એક ગ્રુપ બનાવી લીધું છે, તેથી સાંજે બેત્રણ કલાક તેમની સાથે બેસું, કિટી પાર્ટીમાં જાઉં છું, ગ્રુપ સાથે પિકનિક પર જાઉં છું. ત્રણેક વાર માથેરાન જઈ આવી. મંદિરે જાઉં, થોડો સમય મોબાઇલમાં પસાર કરું, જેમાં યુ-ટ્યુબ ને વૉટ્સઍપ પર આવતાં વ્યાખ્યાનો સાંભળું, રાત્રે ટીવીમાં ન્યુઝ અને સિરિયલો જોઉં અને ઊંઘ આવે ત્યાં સુધી વ્યાખાનો સાંભળું છું.’ - રેખા મહેતા

મિત્રો બને તારણહાર 

ઘાટકોપરમાં રહેતા ૮૧ વર્ષના રશ્મિન તન્નાને પત્ની સુમનબહેનનો સાથ ૨૭ વર્ષ પહેલાં છૂટી ગયો હતો. તેમનું લગ્નજીવન ૨૫ વર્ષ ચાલ્યું. રિટાયર્ડ થવામાં ચાર વર્ષ બાકી હતાં ત્યારે તેમનો દીકરો એન્જિનિયર થયો. દીકરી પણ સાયન્સમાં માસ્ટર થઈ. સંતાનોનાં લગ્ન કર્યાં. તેઓ રિટાયર્ડ થાય એ વર્ષે જ તેમનો દીકરો અમેરિકા ગયો. અહીં તેઓ એકલા રહે છે. છેલ્લાં ૧૮ વર્ષથી છ મહિના અમેરિકા રહી આવે છે.

પત્નીના ગયા પછીનાં વર્ષોની વાત કરતાં રશ્મિનભાઈ કહે છે, ‘જે વ્યક્તિ સાથે જિંદગીનાં ૨૫ વર્ષ ગાળ્યાં એના ગયા પછી એકલું તો લાગે જ. શરૂઆતમાં બહુ ફીલ થતું હતું, પણ મારા પર સંતાનોની જવાબદારી હતી. હું કામમાં બિઝી થઈ ગયો. પરિવારે ફરી લગ્ન કરવા મને કહ્યું, પરંતુ મારે મારાં સંતાનો માટે એ નહોતું કરવું. દીકરો-વહુ અમેરિકા ગયા પછી અહીં એકલો છું. ગયા વર્ષ સુધી હજી હું બાલ્કન-જી-બારી નામની સંસ્થામાં ટ્રેઝરર હતો. આમ થોડી પ્રવૃત્તિઓ કરતો હતો, હવે રિટાયર્ડ છું. મિત્રો સાથે સમય પસાર કરું. હરુંફરું છું અને મારી રીતે જીવું છું. કોઈ ગ્રુપ સાથે નથી જોડાયો, પણ મિત્રો બહુ છે.’

હવે તેમની એકલતામાં થોડો વધારો થયો છે આમ જણાવતાં રશ્મિનભાઈ કહે છે, ‘મારા કેટલાક મિત્રો પણ ચાલ્યા ગયા છે. જોકે મિત્રો સાથે સારું લાગે છે. કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં બિઝી રહું છું. છેલ્લાં ૧૭ વર્ષથી હું ઘરે ટિફિન મગાવીને જમતો હતો, પણ હવે પારસધામમાં જમવા જાઉં છું. સાંજે દૂધ અને ફ્રૂટ કે બ્રેડ-બિસ્કિટ એવું કંઈ લઉં. બહાર જમવાનું મન થાય તો એ પણ જમું. મિત્રોની સોબતમાં સારી રીતે જિંદગી પસાર કરું છું.’ - રશ્મિન તન્ના

નિષ્ણાતો શું કહે છે?

જીવનસાથી ગુમાવનારા વડીલોની એકલતાને જસ્ટિફાય કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રવિ અભયંકર કહે છે, ‘કોઈ એક વ્યક્તિ સાથે તમે ૪૦-૫૦ વર્ષ રહો ત્યારે તેની સાથે લાગણી બંધાઈ જાય. તેના ગયા પછી સ્વાભાવિક છે એકલતા લાગે. સ્ત્રીઓ અને પુરુષોમાં પુરુષોને પત્નીના ગયા પછી એકલતા વધુ લાગે છે એનું કારણ એ છે કે તેઓ રોજિંદા જીવનમાં મોટા ભાગનાં કામોમાં પત્ની પર ડિપેન્ડન્ટ હોય છે, તેથી તે જાય ત્યારે તેઓ કકડભૂસ થઈ જાય છે. બીજું પુરુષો રિટાયર્ડ થાય પછી તેમની પાસે ખાસ કામ નથી હોતું, જેથી બિઝી રહી શકે. આ વયે સંતાનો પોતાના કામમાં વ્યસ્ત હોય છે. રજાના દિવસે વાત કરી શકે, બાકી સૌ પોતપોતાના કામમાં બિઝી હોય છે. સ્ત્રીઓનું આવું નથી હોતું. તેઓ બાળકો અને ઘરના લોકોના કામમાં કે પોતાની કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય છે. બીજું જીવનસાથી જતો રહે ત્યારે માણસે કોઈ ને કોઈ ગ્રુપ સાથે કે કામમાં બીઝી થઈ જવું જરૂરી છે, નહીં તો ડિપ્રેશનનો શિકાર બની બેસે છે.’

જીવનસાથી ગુમાવ્યા પછીની એકલતા સ્ત્રી અને પુરુષમાં અલગ નહીં, પણ વ્યક્તિ કેવી છે એના પર નિર્ભર હોય છે, એ સમજાવતાં સાઇકોથેરપિસ્ટ ડૉ. ગીતાંજલિ સક્સેના કહે છે, ‘વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. ફિઝિકલ સેક્સ્યુઅલ, ઇમોશનલ સેક્સ્યુઅલ અને સોમનેબુલિસ્ટ (Somnabulist). ફિઝિકલ સેક્સ્યુઅલ પ્રકારના લોકો, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, પાર્ટનર સાથે બહુ અટૅચ હોય છે. તેથી તેઓ પાર્ટનર સિવાય ના રહી શકે, તેમને પાર્ટનર જોઈએ જ. એકલા થઈ જવાથી તેઓ ગુસ્સો કરે, વાત-વાતમાં ચિડાઈ જાય, ઇમ્પલ્સિવ બની જાય છે. આ લોકો પાર્ટનરના ગયા પછી વધુ ધ્યાન સંબંધોમાં જ શોધે છે, બાળકો, ઘરના લોકોમાં કે મિત્રો સાથેના સબંધો વધુ ગાઢ કરે છે. ઇમોશનલ સેક્સ્યુઅલ પ્રકારના લોકોનો પોતાની લાગણીઓ - ઇમોશન્સ પર ભારે કંટ્રોલ હોય છે. તેઓ પાર્ટનરના ગયા પછી ભાંગી પડે એવું ના થાય. તેમનું વધુ ફોકસ પોતાની કરીઅર કે શોખ કે બીજી કોઈ વસ્તુમાં હોય છે. જીવનસાથી કરતાં પણ તેમનું વધુ ફોકસ પોતાની કરીઅર પર હોય છે, જીવનસાથીનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ તેમના માટે નથી હોતું. આવા લોકો જીવનસાથી ગુમાવ્યા પછી બેથી ત્રણ કિલો વજન પુટ ઓન કરે છે. ત્રીજા પ્રકારના લોકો સોમનેબુલિસ્ટ છે, જેઓ બૅલૅન્સ પ્રકારના હોય છે, જેઓ પાર્ટનરને મિસ કરે અને ન પણ કરે. એકલા થયા પછી જીવનને સારી રીતે સંભાળી લઈ શકે છે.

જીવનસાથી ગયા પછીની સિનિયર સિટિઝનોની એકલતાને સાઇકોલૉજિકલી રજૂ કરતાં ડૉ. ગીતાંજલિ કહે છે, ‘સામાન્ય રીતે વય વધવા સાથે પતિ-પત્ની એકબીજાની વધુ નજીક આવે છે. તેઓ લડે ઝઘડે, પણ છતાં એકબીજાની સાથે હોય છે. તેમની યુનિટી વધે છે. આ ઉંમરે સંતાનો તેમના કામમાં પરોવાઈ ગયાં હોવાથી તેઓ બન્ને એકલાં હોય છે. તેમને લાગે કે આપણે બન્ને જ એકબીજાની સાથે છીએ. અગાઉ વાઇફનું ફોકસ તેનાં સંતાનો તરફ વધુ હોય છે, પણ બાળકો મોટાં થયા પછી તે બદલાઈને એકબીજા પર થઈ જાય છે. આ કારણે પાર્ટનર જાય ત્યારે તેમને બહુ ધક્કો લાગે છે. પતિ અને પત્નીમાં પતિ વાઇફને વધુ મિસ કરે છે, કારણ કે હવે પત્ની તરફથી આવતાં પ્રેમ, કાળજી અને માવજત નથી રહ્યાં હોતાં. આપણે ત્યાં પત્નીઓ પતિને બહુ માથે ચડાવીને રાખે છે, તેમની બધી વાતોનું એટલું ધ્યાન રાખ્યું હોય છે કે પતિ સંપૂર્ણ ડિપેન્ડન્ટ બની ગયા હોય છે. પુરુષને બાળક હોય ત્યારે મધરની અને તેના ગયા પછી વાઇફની બહુ જરૂર હોય છે. આમ પુરુષ પત્નીના ગયા પછી વધુ ડિસ્ટર્બ થાય છે, જ્યારે સ્ત્રીઓ જીવનસાથી ગયા પછી પોતાની જાતને સંભાળી શકે છે. તેઓ પોતાનું કામ પોતે જ કરે છે. બીજું સ્ત્રીઓનું અટૅચમેન્ટ રિલેશનશિપ કરતાં બાળકોમાં વધુ હોય છે, કારણ કે બાળકો પણ તેને વધુ ફોકસ કરતાં હોય છે.’

આ એક સત્ય છે એને સ્વીકારીને ચાલવું પડે

કાંદિવલી વેસ્ટમાં રહેતા ૬૫ વર્ષના ડૉ. દિલીપ જોશીને પત્ની ઉર્વશીનો સાથ ત્રણ વર્ષ પહેલાં છૂટી ગયો. દિલીપભાઈનું ક્લિનિક કાંદિવલીમાં છે. તેઓ ભારે બિઝી હોય છે. તેમનો દીકરો અને દીકરી ડૉક્ટર છે. પત્નીના ગયા પછી જીવનમાં વ્યાપેલા ખાલીપાની વાત કરતાં ડૉ. દિલીપભાઈ કહે છે, ‘ડેફિનેટલી એકલતા ફીલ થાય, સતત એકલતા લાગે. સન્ડે હોય, રજાનો દિવસ હોય કે બહારગામ ક્યાંય જવાનું હોય ત્યારે તો ખૂબ જ એકલું લાગે. બીજું મારા કેસમાં તો એવું થયું હતું કે ઉર્વશીના ગયા પછી મારે ઘર અને બહાર એમ બન્ને મોરચા સંભાળવા પડ્યા હતા. મારાં સંતાનોનું ભણતર પૂરું થવામાં હતું જે જોવાનું હતું.’ - ડૉ. દિલીપ જોશી

આ પણ વાંચો : કૉલમ : દાદાજી, તમારા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરશો? જેથી દીકરા પાસે માગવા ના પડે!

આ બધામાં દિલીપભાઈએ પોતાની જાતને કેવી રીતે સાંભળી? તેઓ કહે છે, ‘દુ:ખ ખૂબ થાય, પણ દુ:ખી થઈને તો કાયમ ના ચાલી શકાય, જિંદગી છે; લાઇફ હૅઝ ટુ ગો ઑન. કોઈ માણસ જલદી એક્ઝિટ લે તો કોઈ લેટ. માણસે એકલા જ આવ્યા ને એકલા જવાનું છે. જીવનનું આ સત્ય છે એને સ્વીકારીને ચાલવું પડે. આ મંત્ર મનમાં રાખીને મારે જીવવાનું છે એ મેં સ્વીકારી લીધું. પહેલેથી હું બહુ ઍક્ટિવ છું અને વધુમાં મારો પ્રોફેશન એવો છે કે હું બિઝી જ રહું છું. મને કોઈ પર આધાર રાખવો ગમતો નથી. હું સિનિયર સિટિઝન છું, પણ મને ઓલ્ડ લાગવું નથી ગમતું. મારું સિનિયર સિટિઝનનું કોઈ ગ્રુપ નથી, વડીલોની કંપની મને વધુ નથી ગમતી, જોકે સાવ વાત ના કરું એવું નથી, થોડી ઘણી વાતો કરું, પણ મને યંગ લોકોની કંપની ગમે છે, હું યુવાનો સાથે વાતચીત કરું છું. સાંજે હું રોજ ચાલવા જાઉં છું.’

columnists