કૉલમ : દાદાજી, તમારા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરશો? જેથી દીકરા પાસે માગવા ના પડે!

પલ્લવી આચાર્ય | Mar 13, 2019, 10:47 IST

રિટાયર્ડ થયા પછી સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે જે થોડા ઘણા પૈસા મળ્યા છે એને ઇન્વેસ્ટ ક્યાં કરવા? આમ થવા પાછળનું કારણ પણ છે. જો ઇન્વેસ્ટમેન્ટમાં ગફલત કરી તો લાખના બાર હજાર થઈને રહે અને કોર્ટકચેરીનાં ચક્કર કાપવાની હવે તેમનામાં હિંમત ના રહી હોય.

કૉલમ : દાદાજી, તમારા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરશો? જેથી દીકરા પાસે માગવા ના પડે!
પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

મલાડમાં રહેતા રાજા મણિલાલ શાહ વીજેટીઆઇ શૈક્ષણિક સંસ્થામાં એન્જિનિયરિંગના પોસ્ટ-ગ્રૅજ્યુએશન વિભાગના રિટાયર્ડ પ્રોફેસર છે. પ્લાસ્ટિક મોલ્ડ બનાવવાની અને પ્લાસ્ટિકની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવવાની ફૅક્ટરીઓ તેમને છે. મલાડમાં રહેતા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અને સરકારી સંસ્થા માઇક્રો સ્મૉલ મીડિયમ એન્ટરપ્રાઇઝના એક્સ ચેરમેન રાજા શાહ કહે છે, ‘રિટાયર્ડ થયા પછી મુખ્ય સમસ્યા એ હોય છે કે ભાવિની સલામતી માટે પૈસાનું રોકાણ ક્યાં કરવું? ઇન્વેસ્ટમેન્ટ કેવું કરવું, જે નિયમિત યોગ્ય વળતર આપે, જરૂર પડે ત્યારે રોકાણ પાછું લઈ શકાય અને જે પણ સ્કીમમાં રોકીએ ત્યાં પૈસા સલામત રહે. આમાં સગાંસંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનો જાત-જાતની સ્કીમ અને રોકાણ માટેના જાત-જાતના કીમિયા સૂચવે ત્યારે ઘણી વાર ગભરામણ થઈ આવે ને ક્યારેક ડર પણ લાગે. ઉપરાંત એ પણ ચિંતા રહે કે યોગ્ય સમય પર જો પૈસા ઇન્વેસ્ટ ના કરી શકાયા તો સગાંઓ મદદ માટે લાઇન લગાવશે. રિટાયર્ડ થઈએ ત્યારે આપણા પૈસા પર ઘણા લોકોની નજર હોય છે. બિઝનેસ કરતા હોઈએ તો રિટાયર્ડ થવાના સમયે એ પણ ચિંતા થાય કે બિઝનેસ હવે હાથમાં રહેશે કે નહિ?

રાજા શાહનું માનવું છે કે ઘડપણમાં પૈસાની મૂંઝવણ ના રહે એ માટે તમે કમાવાનું ચાલુ કરો એ દિવસથી જ મની પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ. ગોખલે કૉલેજના કૉમર્સ અને લૉના રિટાયર્ડ પ્રોફેસર ૬૭ વર્ષના કિશનભાઇ વાસા રિટાયર્ડમેન્ટ પછી ઇન્વેસ્ટમેન્ટ બાબતે વડીલોની મૂંઝવણ વિશે વાત કરતાં કહે છે, ‘આ સમયે વડીલોને ડર એ હોય છે કે જો કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે તો પ્રિન્સિપલ અમાઉન્ટ પણ જતી રહેશે, એટલું જ નહીં, આવું થાય તો બાયબૅક માટે એટલે કે કાનૂની રીતે પૈસા પાછા મેળવવાનો તેમની પાસે સમય અને શક્તિ બન્ને નથી હોતાં. વડીલોને એવી સ્કીમની જરૂર હોય છે, જેમાં વિથડ્રૉઅલ ઇઝી હોય, લૉકિંગ પિરિયડ ઓછો હોય તો કોઈ પણ સમયે પૈસાની જરૂર પડે તો કાઢી શકાય, અને સાથે રેગ્યુલર ઇન્ક્મ પણ આવતી રહે. સોના-ચાંદીમાં પૈસા રોકીએ, પણ એ લૉકરમાં પડ્યું જ રહે, જલદી અને વધુ વળતર ના મળે, છતાંય ભારતના લોકોમાં સોનું હોવું એ કૉન્ફિડન્સની વાત છે. ઉપરાંત વડીલોને એ પણ ડર હોય છે કે કોઈની સલાહ મુજબ આંધળા બનીને પૈસા રોકીશું ને તે ડૂબી જશે તો? આમાં સલાહ કોની લેવી?’

કિશનભાઈ એક સલાહ આપતાં કહે છે, ‘વડીલોએ બિલ્ડર કે ડેવલપરની સ્કીમમાં રોકાણ ના કરવું જોઈએ, કારણ કે એમાં આપણા પૈસાની કોઈ સેફટી નથી હોતી. એના કરતાં સરકારની કોઈ સ્કીમોમાં રોકાણ કરવું જોઈએ, અને એમાં લૉકિંગ પિરિયડ ઓછો હોય એને પસંદ કરવી જોઈએ.’

વડીલો રિટાયર્ડ થાય ત્યારે સૌથી પહેલી સમસ્યા તેમને એ લાગે છે કે ડેઇલી ઇન્ક્મ બંધ થઈ તો હવે ઘરનો અને પોતાનો ખર્ચ કેવી રીતે ચલાવવો! આ ઉપરાંત તેમને પોતાના પૈસાને લઈને અનેક સમસ્યાઓ સતાવે છે, જેમાંની એક છે રિટાયર્ડ થતી વખતે મળેલા રૂપિયા ઇન્વેસ્ટ ક્યાં કરવા? તેમને એવી કોઈ સ્કીમની તલાશ હોય છે કે જેમાંથી દર મહિને ફિક્સ આવક થાય, રૂપિયા સેફ રહે અને જરૂર પડે ત્યારે જેટલા જોઈએ એટલા રૂપિયા તાત્કાલિક લઈ શકાય. આ ઉંમરે તેઓ ઇન્વેસ્ટમેન્ટમાં પણ કોઈ રિસ્ક લઈ શકે એવી પોઝિશનમાં નથી હોતા. કોઈની સલાહ લેવા જાય ત્યારે તે વ્યક્તિ તેમને યોગ્ય સલાહ આપશે એવો ભરોસો નથી બેસતો, કારણ કે આ બાબતે ઘણા લોકો સાથે ચીટિંગ થતું પણ હોય છે. આ બધી બાબતોને લઈને તેઓ ભરપૂર કન્ફ્યુઝ હોય છે. વડીલોની આ મૂંઝવણનો ઉકેલ મેળવવાનો પ્રયાસ આજે આ ફીલ્ડના એક્સ્પર્ટ્સને મળીને કર્યો છે. તેમણે આપેલી ગાઇડલાઇન વડીલોને ઉપયોગી થઈ પડશે.’

પૈસાનું રોકાણ કરનારા વડીલો બે કૅટેગરીના હોય છે એમ જણાવતાં ફાઇનૅન્શિયલ પ્લાનર કલ્પેશ આશર કહે છે, ‘રિટાયર્ડ થનારા વડીલોમાં એક એવા લોકો છે, જેમની પોતાની મૂડી લિમિટેડ છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ લિમિટેડ છે. બીજા એવા લોકો છે, જેમની પાસે સારા એવા પૈસા છે, શરીરે સ્વસ્થ છે, પરિવાર અને સંતાનોની આવક પણ ભરપૂર છે. ઇન્વેસ્ટમેન્ટ માટે આ બન્ને કૅટેગરીના લોકોના પ્રોફાઇલ અલગ-અલગ હોવાના એ સ્વાભાવિક છે. આમ તમે ઇન્વેસ્ટમેન્ટ વિશે વિચારો ત્યારે સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનરને તમારો પ્રોફાઇલ જણાવવો જરૂરી છે. બીજું ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારું ભંડોળ સચવાઈ રહે, સિક્યૉર રહે અને એમાંથી રેગ્યુલર ઇન્ક્મ થતી રહે અને ફુગાવાના દરથી થોડુંક વધારે વળતર એમાંથી મળે એ જોવું જરૂરી છે. આ બાબત લિમિટેડ ભંડોળવાળા લોકોએ ખાસ ધ્યાન રાખવી પડે. બીજી કૅટેગરીના લોકો પાસે ઘણું ભંડોળ છે ત્યારે તેઓ એનો ગ્રોથ વધુ કેવી રીતે થાય એવું રોકાણ કરશે.’

વડીલ રોકાણકારોને એક સોનેરી સલાહ આપતાં કલ્પેશ આશર કહે છે, ‘પહેલી કૅટેગરીના લોકોએ પોતાની મૂડીમાંથી લગભગ ૮૦ ટકા રોકાણ સુરક્ષિત પ્રોડક્ટ, જે ગવર્નમેન્ટ અથવા રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા હેઠળ આવતી હોય; જેમ કે બૅન્ક એફડી, ટ્રિપલ રેટેડ કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝિટ અને ડેબ્ટ મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવું. બાકીની ૨૦ ટકા રકમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ગ્રોથ માટે મૂકી શકાય. અહીં રોકાણ કરો ત્યારે વધુપડતું રિસ્ક ના લો, ટ્રિપલ એ રેટિંગવાળી કંપનીઓમાં જ રોકાણ કરો. ૨૦ ટકા રકમ ઇક્વિટીમાં મૂકવી જરૂરી છે, કારણ કે એનાથી તમારી રકમને ગ્રોથનો ચાન્સ મળે છે.’

સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર ફોરમ શાહ વડીલોને સાવધાન કરતાં કહે છે, ‘વડીલોએ સંપત્તિ ગ્રો થાય એવું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ઇક્વિટીમાં રોકાણ સતર્ક રહી શકો તો બરાબર છે બાકી તે અવગણવું જોઈએ. વડીલોએ રોકાણ કરતી વખતે પોતાના પૈસાની સેફટી ખાસ જોવી જોઈએ. તેમને ઇન્વેસ્ટમેન્ટમાં ૩ બાબતોનું ખાસ ધ્યાન રાખવું કે રેગ્યુલર ઇન્ક્મ મળે, પૈસા સેફ રહે અને પૈસા ગ્રો પણ થાય. વડીલો માટે ઘણી સરકારી યોજનાઓ છે. બીજું વડીલોને વધુ જરૂર મેડિકલ સહાયની હોય છે, પણ જો તમે મેડિકલ ઇન્શ્યૉરન્સ ન લીધો હોય તો આ ઉંમરે એ ઓછા મળે અને મળે તો એનાં પ્રીમિયમ હાઈ હોય એથી જે કોઈ ઇન્ક્મ થતી હોય એમાંથી ચોક્કસ રકમ હેલ્થની ઇમર્જન્સી માટે અલગ રાખી દેવી જોઈએ, જેથી જરૂર પડે ત્યારે એ રકમ તમારી પાસે હોય. બીજું બૅલૅન્સ મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે. આમાં પૈસા રોકો તો ઇમર્જન્સીમાં તમારે જોઈતા હોય ત્યારે મેળવી શકો. તમારી રિક્વાયરમેન્ટ કેવી છે એ નક્કી કર્યા પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો.’

વડીલોને થોડી ટિપ્સ

રોકાણ કરતાં પહેલાં સર્ટિફાઇડ ફાઇનૅન્શ્યિલ પ્લાનરની અચૂક સલાહ લો. કોઈના કહેવાથી ગમે ત્યાં રોકાણ કરી લેશો તો તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ સામે રિસ્ક ઊભું થઈ શકે છે.

તમારી મૂડીને પહેલાં કૅટેગરાઇઝ્ડ કરો અને પછી એ રીતે પ્લાન કરીને ઇન્વેસ્ટ કરો.

ફિક્સેડ ડિપોઝિટમાં રોકાણ કરો ત્યારે લૉકિંગ પિરિયડ ઓછો રાખો, જેથી તમને જરૂર હોય ત્યારે પૈસા મળી શકે.

ઘડપણમાં જોઈતા પૈસાનું પ્લાનિંગ તમે કમાવાનું શરૂ કરો એ દિવસથી જ કરી લો.

વડીલો ક્યાં રોકાણ કરી શકે?

૧. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

ભારત સરકારની આ સ્કીમ ખાસ વરિષ્ઠ નાગરિકો માટે છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, જે પોસ્ટ ઑફિસ, નૅશનલ અને બીજી પ્રાઇવેટ બૅન્કોમાંથી પણ મળી શકે છે. ભારત સરકારની આ જૂની અને જાણીતી બચતયોજના વડીલો માટે છે. આ સ્કીમમાં તમારા પૈસા સલામત રહે છે. બધી નૅશનલાઇઝ્ડ બૅન્ક અને બીજી કો-ઑપરેટિવ મળીને કુલ 32 બૅન્કોમાં આ સ્કીમમાં રોકાણની સગવડ છે. આ સ્કીમમાં વધુમાં વધુ તમે ૧૫ લાખ રૂપિયા રોકી શકો, જેનું વ્યાજ વાર્ષિક તમને ૮.૭ ટકા ફિક્સ મળે. વ્યાજની રકમ દર ૩ મહિને મળે છે. જોકે આ અમાઉન્ટ ટૅક્સેબલ છે.

આ સ્કીમમાં ૫ વર્ષ સુધી તમે પૈસા ઉપાડી ના શકો, તમારા પૈસા લૉક થઈ જાય છે, પણ માંદગી કે એવી કોઈ ઇમર્જન્સી હોય તો તમે ઉપાડી શકો, પણ એની પેનલ્ટી લાગે.

આ પણ વાંચો : દીકરો તમારી પાછલી જિંદગી માટે બચાવેલી મૂડીમાંથી રકમ ઉધાર માગે તો?

આ સ્કીમમાં ૫ વર્ષ ઉપરાંત બીજાં પણ ૩ વર્ષ વધુ રોકાણ કરી શકો.

નૉર્મલ એટલે કે પહેલી કૅટેગરીના લોકો માટે સેફ અને રેગ્યુલર ઇન્ક્મ આપતી આ સ્કીમ છે. આ યોજનામાં પતિ-પત્ની બન્ને મળીને ૧૫-૧૫ લાખ એટલે કે ૩૦ લાખ રૂપિયા રોકી શકે છે.

૨. પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)

ગવર્નમેન્ટની આ યોજનામાં ૧૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો. ૬૦ વર્ષ તથા ઉપરના નાગરિકોને માસિક પેન્શનનો વિકલ્પ પસંદ કર્યા મુજબ ૧૦ વર્ષ ૮ ટકાનું વાર્ષિક વળતર મળે છે. જો દર મહિને વળતર ના લો અને વર્ષે લો તો વળતર ૮.૩ ટકા મળે છે. આ યોજના મુજબ વ્યક્તિ મહિને ૧૦ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે. આ યોજનામાં પતિ-પત્ની બંને મળીને ૧૫-૧૫ લાખ એટલે કે ૩૦ લાખ રૂપિયા રોકી શકે છે .

જો પૉલિસીધારક ૧૦ વર્ષમાં મૃત્યુ પામે તો તેના નોમિનીને પૉલિસીની ખરીદીની રકમ પરત મળે છે, અને જો ૧૦ વર્ષ જીવે તો મૂળ રકમ સાથે પેન્શનનો છેલ્લો હપ્તો પણ આપવામાં આવે છે. ક્રિટિકલ હેલ્થ જેવી ગંભીર પરિસ્થિતિમાં પૉલિસી સરેન્ડર કરવાથી ૯૮ ટકા રકમ પરત મળી જાય છે.

૩. ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ સેફ છે ને એમાંય બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં વધુ સેફ છે. આમાં જેટલા પણ દિવસ અને જેટલાં પણ વર્ષ માટે પૈસા મૂકવા માગો એ મૂકી શકો છો અને એ રીતે તમને એનું વ્યાજ મળે છે. સામાન્ય લોકો કરતાં સિનિયર સિટિઝનોને વ્યાજ વધુ મળે છે. વડીલોનું બૅન્ક એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ)માં રોકાણ હોવું જ જોઈએ. આ રોકાણના બે ફાયદા છે. પહેલું એમાં જ્યારે જોઈએ ત્યારે પૈસા મળી જાય અને બીજું એની સુરક્ષાનો માપદંડ સૌથી ઉત્તમ ગણાય છે.

પોસ્ટ ઑફિસની એક મન્થલી ઇન્ક્મ સ્કીમ છે. આ સ્કીમમાં તમે વ્યક્તિદીઠ ૧૦૦ રૂપિયાથી લઈને વધુમાં વધુ સાડા ચાર લાખ રૂપિયા રોકી શકો છો. એમાં લૉકિંગ પિરિયડ ૫ વર્ષનો છે, અને વ્યાજ ૭.૩ ટકા છે. આ સ્કીમમાં જૉઇન્ટ હોલ્ડર - સાથે નામ હોય તો ૯ લાખ રૂપિયા રોકી શકો છો.

પોસ્ટ ઑફિસની નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના ભારત સરકારની નાની બચત યોજના છે. આમાં ૧૦ રૂપિયાથી લઈને તમે ચાહો એટલા રૂપિયાનું સર્ટિફિકેટ લઈ શકો છો. આનો મૅચ્યોરિટી પિરિયડ ૫ વર્ષ છે અને ૮ ટકા વ્યાજ મળે છે. દોઢ લાખની રકમ સુધી ઇન્ક્મ ટેક્સમાં છૂટ મળે છે.

૪. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ

આપણને ખબર છે કે ઇક્વિટી મ્યુચ્યલ ફંડ પબ્લિક લિસ્ટેડ કંપનીઓના સ્ટૉક્સ કે શૅરમાં રોકાણ કરે છે, જયારે એ જાણવું જરૂરી છે કે એની સામે ડેબ્ટ ફંડ સરકારી અને પ્રાઇવેટ કંપનીઓની ફિક્સ ઇન્ક્મ સિક્યૉરિટીમાં, કૉર્પોર્ટેટ બૉન્ડ, સરકારી સિક્યૉરિટીઝ, ટ્રેઝરી બિલ, મનીમાર્કેટ ઇન્સ્ટુમેન્ટસ, ગવર્નમેન્ટ બૉન્ડ, કૉર્પોરેટ એફડી, બૅન્ક એફડી વગેરેમાં રોકાણ કરે છે. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં વળતર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં થોડું ઓછું મળે, પણ એમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં રિસ્ક પણ ઓછું રહે છે. આમાં ૩ વર્ષ પછી ટૅક્સેશન બૅન્ક એફડીની સરખામણીમાં ઓછું થતું હોય છે. આમાં ફાયદો એ છે કે મોટા ભાગનાં ડેબ્ટ ફંડમાં લૉકિંગ પિરિયડ નથી હોતો તેથી જ્યારે જોઈએ ત્યારે પૈસા પાછા મળી શકે છે.

૫. તમારી મૂડીની ૨૦ ટકા રકમ મ્યુચ્યુઅલ ફંડ અને શૅરમાર્કેટમાં જો અનુભવ હોય તો રોકો તો પૈસાનો ગ્રોથ મળે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ જો તમને રેગ્યુલર ઇન્ક્મ જોઈતી હોય તો સિસ્ટેમેટિક વિથડ્રૉઅલ પ્લાન (SWP) લઈ શકો છો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK