વૅક્સિન જવાબદારી : બનાવો લિસ્ટ અને દેશને સુરક્ષિત બનાવવાના મિશનમાં મચી પડો

10 May, 2021 12:45 PM IST  |  Mumbai | Manoj Joshi

કોની વૅક્સિન બાકી છે અને કોણ વૅક્સિન લેવાનું ટાળે છે એની ખબર પડશે તો તમે તમારા પરિવારજન, આપ્તજનને કોરોના સામે મક્કમ થવા માટે સમજાવવાનું કામ કરી શકશો.

GMD Logo

હા, આ જ કરવું પડશે હવે આપણે. જો આપણે અઢી ટકા લોકોને જ હજી વૅક્સિન આપી શક્યા હોઈએ અને આજે પણ આપણે વૅક્સિન માટે લોકોને સમજાવવા જવું પડતું હોય તો બહેતર છે કે આપણે વૅક્સિનને એક જવાબદારી ગણીને આગળ વધવાનું અને એ જવાબદારી નિભાવવાના કામે લાગવું પડશે. વૅક્સિન લેવી એ અંગત જવાબદારી છે, પણ વૅક્સિન લેવડાવવી એ સામાજિક જવાબદારી છે અને આપણે હવે સામાજિક જવાબદારીની દિશામાં અગ્રીમ પગલાં લેવાં પડશે. આ પગલાં શું કામ આપણે લેવાં જોઈએ એવી જો મનમાં દલીલ થતી હોય તો કહેવાનું કે વૅક્સિન નહીં લેનાર વ્યક્તિ તમારે માટે પણ જોખમી છે. તમે વૅક્સિન લઈ લેશો પણ જે વૅક્સિનથી દૂર રહેશે એ સંક્રમણ ફેલાવવાનું કામ યથાવત્ રીતે ચાલુ રાખશે અને જો એવી વ્યક્તિ તમારી આજુબાજુમાં હશે તો એનાથી તમારું જોખમ વધશે. ભૂલતા નહીં, વૅક્સિન લેવાથી ક્યારેય બીમારી જતી નથી, પણ એનાથી તમે એ બીમારી સામે સુરક્ષિત થતા હો છો અને કોરોનાની વૅક્સિન પણ તમને ડૅમેજ અને મૃત્યુના ભયથી સુરક્ષિત કરે છે. વૅક્સિન નહીં લેનારો આવીને તમને સંક્રમિત કરી જ શકે અને જો સંક્રમિત ન થવું હોય તો આપણે પણ વૅક્સિન લેવાતી રહે એ દિશામાં જાગ્રત બનીને જવાબદારીપૂર્વક કામ કરવું પડશે. ભૂલવું નહીં, દરેક કામ સરકાર એકના શિરે નથી હોતું. કેટલાક કામમાં પ્રજાએ પણ જોડાવું અનિવાર્ય હોય છે.
વૅક્સિન લેવી એ અંગત જવાબદારી છે, પણ વૅક્સિન લેવડાવવી એ સામાજિક જવાબદારી છે અને આપણે સૌએ આ જવાબદારી તરફ હવે ધ્યાન આપવાનું છે. બહુ લાંબું કશું નથી કરવાનું. તમારા ઓળખીતા-પાળખીતા, તમારાં સગાંવહાલાંઓનું એક લિસ્ટ બનાવો અને એ લિસ્ટને એક વાર ચકાસી લો કે બધાએ વૅક્સિન લીધી છે કે નહીં. એવું પણ બને કે એ લિસ્ટમાં કોઈ એવું પણ હોય જેને વૅક્સિન માટે રજિસ્ટ્રેશન કરતાં ન ફાવતું હોય. ટેક્નૉલૉજી સાથે તેનો ઘરોબો ન હોય કે પછી અંગ્રેજી સાથે પનારો ન પડતો હોય તો એવી વ્યક્તિને રજિસ્ટ્રેશન કરાવવા જેવી બેઝિક જવાબદારી તમે ઉપાડી લો અને ધારો કે વૅક્સિન માટે કોઈના મનમાં નીરસતા હોય તો એ નીરસતા દૂર કરવાની સામાજિક જવાબદારી તમે ઉપાડી લો. 
૧૦૦ વ્યક્તિ, દરેક વ્યક્તિ જો બ૦૦ વ્યક્તિની જવાબદારી ઉપાડી લે તો જરા વિચારો કે સરકારનું કામ કેટલું આસાન થઈ જાય. કબૂલ કે આપણે ત્યાં વૅક્સિનનો જથ્થો એ પ્રમાણમાં નથી પણ સાથોસાથ આપણે એ પણ કબૂલ કરવું પડશે કે વૅક્સિન લેવાની બાબતમાં પણ આપણે ત્યાં નીરસતા છે જ અને છે જ. જો એ દૂર થશે તો સરકારે પણ આપોઆપ વૅક્સિન માટે જાગ્રત થવું પડશે. ભલે એ પછી ક્યાંયથી પણ વ્યવસ્થા કરે. ઇમ્પોર્ટ કરીને વૅક્સિન લાવે કે પછી આપણે ત્યાં એનું પ્રોડક્શન વધારે, પણ આપણે દર વખતે સામેના પક્ષનો વાંક કાઢીને ઊભા રહી જઈએ એના કરતાં તો બહેતર છે કે આપણે પણ આપણી જવાબદારી સમજીને આપણો મોરચો વધારે મક્કમ કરીએ. વૅક્સિન લેવા પાત્ર વ્યક્તિઓની યાદી બનાવીને આજે જ મચી પડો. કોની વૅક્સિન બાકી છે અને કોણ વૅક્સિન લેવાનું ટાળે છે એની ખબર પડશે તો તમે તમારા પરિવારજન, આપ્તજનને કોરોના સામે મક્કમ થવા માટે સમજાવવાનું કામ કરી શકશો.

columnists manoj joshi