હર્ડ ઇમ્યુનિટી: આપણે એ બાબતમાં વિચાર કરવો કે કલ્પના કરવી અશક્ય, અસંભવ છે

09 May, 2021 11:24 AM IST  |  Mumbai | Manoj Joshi

પૉપ્યુલેશન જે પ્રકારનું છે એ પ્રકારના દેશમાં જો વૅક્સિનેશનના કાર્યક્રમોને સફળ બનાવવા હોય તો માત્ર અને માત્ર હિટલરશાહી જ કામ લાગી શકે

ફાઈલ તસવીર

આપણે ત્યાં અત્યારના તબક્કાને હર્ડ ઇમ્યુનિટીની દૃષ્ટિએ જોવામાં આવે છે, પણ એ શક્ય નથી. આજે અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા સુવિકસિત દેશોની સાથોસાથ ઇઝરાયલ જેવા દેશો પણ હર્ડ ઇમ્યુનિટી વિશે નિરાંતે વિચારી રહ્યા છે, પણ આપણે એ દિશામાં વિચારી શકીએ એમ નથી  અને એનું ખાસ કારણ જો કોઈ હોય તો એ છે આપણો વૅક્સિનેશન પ્રોગ્રામ.

વૅક્સિનની બાબતમાં આપણે બહુ ધીમા છીએ અને એમાં પણ આપણી વસ્તી. પૉપ્યુલેશન જે પ્રકારનું છે એ પ્રકારના દેશમાં જો વૅક્સિનેશનના કાર્યક્રમોને સફળ બનાવવા હોય તો માત્ર અને માત્ર હિટલરશાહી જ કામ લાગી શકે. ડિસિપ્લિન સાથે આગળ વધવું પડે અને એ ઉપરાંત આપણે સૌએ એ ડિસિપ્લિનને ફૉલો પણ કરવી પડે. જો વાત સાચી હોય તો આપણે ત્યાં વૅક્સિનેશનના જે આંકડા બહાર આવે છે એ શરમજનક છે. અઢી ટકા જેટલા દેશવાસીઓ સુધી વૅક્સિન હજી સુધી પહોંચી શકી છે અને એમાં પણ આપણે ૧ તારીખથી દેશનો એક બહોળો અને મોટો વર્ગ પણ વૅક્સિનેશન માટે ખુલ્લો મૂકી દીધો છે. વૅક્સિનેશનના આખા કાર્યક્રમને આપણે સહજ રીતે સમજવો પડશે. જ્યારે એક વયના વર્ગને પણ આપણે સામેલ નથી કરી શકતા એવા સમયે વૅક્સિન માટે બીજા બહોળા વર્ગને ખુલ્લો કરવાનો કોઈ અર્થ સરતો નથી. જુઓ તમે, આજે કેવી પરિસ્થિતિ થઈ છે.

૧૮થી વધુ વયના લોકોને વૅક્સિન આપવાનું શરૂ કર્યું એટલે વૅક્સિનના ઓછા ડોઝને લીધે આપણે વૅક્સિનેશનનો પ્રોગ્રામ ૪પથી વધુ વયના લોકો માટે બંધ કરવો પડ્યો. આજે જુઓ તમે, અનેક શહેરો એવાં છે જ્યાં મોટી વયના લોકોના વૅક્સિનના સેકન્ડ ડોઝ અટકાવી દેવા પડ્યા છે. એ લોકો સેકન્ડ ડોઝ માટે ધક્કા ખાય છે અને તેમને સેકન્ડ ડોઝ મળી નથી રહ્યો, કારણ કાં તો વૅક્સિન નથી અને કાં તો વૅક્સિન ૧૮થી વધુ વયના લોકોને આપવાની છે. આમાં ક્યાંથી આપણે હર્ડ ઇમ્યુનિટીની દિશામાં આગળ વધી શકીએ.

હર્ડ ઇમ્યુનિટીના કેટલાક પાયાના સિદ્ધાંતો છે. આ પાયાના સિદ્ધાંત મુજબ જો તમે હર્ડ ઇમ્યુનિટી લગાડવા માગતા હો તો તમારે ત્યાં ઓછામાં ઓછા ૬૦થી ૭૦ ટકા લોકો કોઈ ને કોઈ રીતે વાઇરસના સંપર્કમાં આવી ગયા હોવા જોઈએ. આ લોકોમાં વૅક્સિન લીધેલા લોકો પણ આવી ગયા અને બીમારીને મહાત આપીને પાછા આવી ગયા હોય એવા લોકો પણ આવી ગયા. બીમારીને મહાત આપીને પાછા આવેલા લોકોમાં પણ સ્વાભાવિક રીતે આ વાઇરસને હરાવવાની તાકાત આવી ગઈ હોય છે, તો વૅક્સિનથી તો એ તાકાત આવવાની જ છે, પણ જો તમે ઇન્ડિયાનો વિચાર આ દિશામાં કરશો તો આપણે હજી માત્ર અઢી ટકા પર ઊભા છીએ. અઢી ટકા લોકોને વૅક્સિન મળી છે અને માંડ એટલા લોકોએ આ બીમારીને મહાત આપી છે. આમાં હર્ડ ઇમ્યુનિટીનો સિદ્ધાંત પણ તમે ક્યાંથી લાગુ કરી શકવાના છો.

આપણે વૅક્સિન માટે ભાગવું પડશે. ભાગવું પડશે અને જે કોઈ બાકી છે એને ભગાડવા પડશે, તો સાથોસાથ આપણે વૅક્સિન પહોંચાડવાની બાબતમાં પણ વધારે ઝડપ પકડવી પડશે. દેશ વિકાસના રસ્તે દોડતો થઈ ગયો હતો ત્યારે વિકાસના માર્ગ પર આવેલી આ કોરોના નામની અડચણને હવે કોઈ પણ ભોગે આપણે ભગાડવી છે, ભૂલતા નહીં.

columnists manoj joshi