ઉત્તર પ્રદેશ : મંદિર-મસ્જિદ પર મોંઘવારી ભારે પડશે?

19 December, 2021 02:57 PM IST  |  Mumbai | Raj Goswami

ભાજપના સ્ટાર પ્રચારક તરીકે બીજાં રાજ્યોમાં જતા યુપીના મુખ્ય પ્રધાન યોગી પોતાના જ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી શકે એમ નથી. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી બહુ જ મહત્ત્વનો ગઢ હોવાથી મોદી-શાહ પણ કોઈ ચાન્સ લેવા માગતા નથી અને એટલે જ...

પ્રતીકાત્મક તસવીર

ભાજપના સ્ટાર પ્રચારક તરીકે બીજાં રાજ્યોમાં જતા યુપીના મુખ્ય પ્રધાન યોગી પોતાના જ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી શકે એમ નથી. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી બહુ જ મહત્ત્વનો ગઢ હોવાથી મોદી-શાહ પણ કોઈ ચાન્સ લેવા માગતા નથી અને એટલે જ આ શિયાળો આખો મોદીજી ઉત્તર પ્રદેશના વાતાવરણમાં સતત ગરમાટો સર્જે એવી પ્રવૃત્તિઓ કરતા રહેવાના

રાજ ગોસ્વામી
feedbackgmd@mid-day.com
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં ૧૨ નવેમ્બરે વારાણસીમાં ભાજપના કાર્યકરોની એક બેઠકને સંબોધતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘ભાજપના દરેક કાર્યકરે ઓછામાં ઓછા ત્રણ પરિવારો પાસેથી વોટ મેળવવાની કોશિશ કરવી જોઈએ. ઉત્તર પ્રદેશની જીત ૨૦૨૪ માટે દરવાજો ખોલશે. આ કોઈ સાધારણ ચૂંટણી નથી.’ 
આ બેઠકના ૧૫ દિવસ પહેલાં લખનઉમાં ભાજપના સભ્યપદ અભિયાનમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે એની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે ૨૦૨૪માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનના શપથ લેવડાવવા હોય તો ૨૦૨૨માં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવા પડશે. 
કોરોનાની મહામારીમાં ઉત્તર પ્રદેશ સરકારના વહીવટને લઈને યોગીની ઘણી ટીકા થઈ હતી અને કાયદો-વ્યવસ્થાની અનેક ઘટનાઓમાં પોલીસની જોહુકમી પણ રોષનું કારણ બની હતી. ત્યારથી એવી ગુસપુસ ચાલતી હતી કે યોગી સામે જનતામાં આક્રોશ છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોગીને પીઠબળ પૂરું પાડ્યું પછી ભાજપે યોગીના નેતૃત્વમાં જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. 
અમિત શાહનું વિધાન એ હકીકતની સાબિતી છે કે ઉત્તર પ્રદેશ દિલ્હીની ખુરશી માટે કેટલું મહત્ત્વનું છે. એટલા માટે જ નરેન્દ્ર મોદી દર અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં હોય છે અને ચૂંટણીની અચારસંહિતા લાગુ થાય ત્યાં સુધીમાં તો તેમની આવનજાવન (અને ઘોષણાઓ) વધી જવાની છે. 
૧૬ નવેમ્બરે વાયુ સેનાના હેલિકૉપ્ટરમાં સવાર થઈને આવેલા મોદીએ અહીં પૂર્વાંચલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. યુપીને જીતવા માટે પૂર્વાંચલ ચાવીરૂપ છે. ૨૦૧૭માં ભાજપે આ વિસ્તારમાં ૧૬૫માંથી ૧૧૫ બેઠકો અંકે કરી હતી (રાજ્યની કુલ વિધાનસભા બેઠકો ૪૦૩ છે).
૧૫ નવેમ્બરે તેમણે ૭૦૦ કરોડના કાશી-વિશ્વનાથ મંદિર પરિસરનું ઉદ્ઘાટન કર્યું, શિવલિંગની પૂજા કરી અને ગંગામાં ડૂબકી લગાવી એ કોઈ રાષ્ટ્રીય તહેવારથી ઓછી ઘટના નહોતી. અનેક કૅમેરાઓ સાથે તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થયું હતું. 
ઉત્તર પ્રદેશમાં ભાજપના તગડા મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઊભરેલી સમાજવાદી પાર્ટીને અખિલેશ યાદવે એટલા માટે જ તંજ કર્યો હતો કે ચૂંટણીના સમયે ભાજપને મંદિરો યાદ આવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ એ જ લાગ જોઈને નિવેદન કર્યું હતું કે અયોધ્યાની જેમ જ મથુરામાં શાહી ઈદગાહના સ્થાને ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. 
સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો છે કે અયોધ્યાને છોડીને દેશના કોઈ પણ ધાર્મિક સ્થળમાં હવે ફેરફાર નહીં કરાય. એમ છતાં મૌર્ય જેવા ભાજપના એક વરિષ્ઠ નેતા આવું નિવેદન કરે એ બતાવે છે કે પક્ષ આગામી ચૂંટણીમાં હિન્દુત્વનો ઝંડો જ ઊંચો રાખવા માગે છે. જાણકારો કહે છે કે ભાજપ પાસે રાજ્યના વિકાસ કે અન્ય મુદ્દાઓ પર કહેવા જેવું કશું નથી.
યુપીમાં ભાજપ નર્વસ છે? 
જ્યાં સુધી સંખ્યાની વાત છે ત્યાં સુધી ભાજપને ૨૦૧૯ની ચૂંટણીમાં રાજ્યના ૫૦ ટકા વોટ મળ્યા હતા એટલે સત્તામાં વાપસીને લઈને પક્ષ ઘણો આશ્વસ્ત છે, પરંતુ છેલ્લાં અઢી વર્ષમાં એવાં અનેક રાજકીય-આર્થિક પરિબળો પેદા થયાં છે જેના કારણે સંખ્યાની વધઘટને લઈને પક્ષમાં ચિંતાનું મોજું છવાયું છે. 
પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો, કોરોનાના કારણે નબળી પડેલી અર્થવ્યવસ્થા, મહામારીમાં ઑક્સિજન અને અન્ય સુવિધાઓના અભાવમાં મોટી સંખ્યામાં થયેલાં મૃત્યુ, રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચનારી આપરાધિક ઘટનાઓ અને ખેડૂત આંદોલનને કારણે યોગી આદિત્યનાથ સરકાર વિરોધી મૂડનો સામનો કરી રહી છે. પંચાવન કૅમેરાઓની નજર સામે મોદીજી ગંગામાં ડૂબકી લગાવે એ માત્ર શ્રદ્ધાની વાત નથી, મતદારોને રીઝવવાની કોશિશ છે. 
આ અઠવાડિયે એક રાષ્ટ્રીય મીડિયા જૂથના હિન્દી અખબારે ઉત્તર પ્રદેશના લોકોનો મત જાણવા માટે સોશ્યલ મીડિયા મારફત પોલ કરાવ્યો હતો. એમાં સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે યુપી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારા મનમાં સૌથી અગત્યનો મુદ્દો કયો હશે? સવાલની સાથે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા : મોંઘવારી, બેરોજગારી, મંદિર-મસ્જિદ અને ઉત્તમ સ્કૂલ-હૉસ્પિટલ. 
જવાબમાં લોકોને અગત્યનો મુદ્દો મોંઘવારી લાગ્યો હતો. ૨૯.૮ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ મોંઘવારીના મુદ્દે જ મતદાન કરશે.
બીજો મહત્ત્વનો મુદ્દો બેરોજગારીનો હતો. ૨૮.૧ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ બેરોજગારીને ધ્યાનમાં રાખીને મતદાન કરશે. ત્રીજા નંબરે ઉત્તમ શિક્ષણ અને સ્વાસ્થ્યવ્યવસ્થા હતી. ૨૩.૨ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ સારી સ્કૂલ અને હૉસ્પિટલ માટે મતદાન કરશે. મંદિર-મસ્જિદને ૧૮.૯ ટકા મત મળ્યા હતા. 
આ જ કારણ છે કે ભાજપે યોગીના નામે નહીં પણ મોદીના નામે ચૂંટણી જીતવા કમર કસી છે. પશ્ચિમ બંગાળમાં જેટલા આત્મવિશ્વાસ સાથે ભાજપ ઊતર્યો હતો એના પ્રમાણમાં યુપીમાં થોડા ડર સાથે તે મત માગી રહ્યો છે. બંગાળમાં આ જ યોગીને પ્રચારમાં ઉતારીને હિન્દુ મતો મેળવવાની ગણતરી ઊંધી પડી હતી. આ વખતે તો યોગીની પરીક્ષા ખુદના જ ઘરમાં છે.
ડરનું કારણ બીજું પણ છે. યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીઓ પહેલાં હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત તેર રાજ્યોમાં ૨૯ વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો માટે થયેલી પેટાચૂંટણીમાં ભાજપને ધક્કો વાગ્યો હતો. 
તમને યાદ હોય તો એ પરિણામો આવ્યા પછી તરત જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો કર ઓછો કરી નાખ્યો હતો, જેના પગલે અનેક રાજ્યોએ ભાવ ઘટાડ્યા હતા. પેટાચૂંટણીનાં પરિણામો પહેલાં લગાતાર ભાવ અને લોકોનો રોષ બન્ને વધી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર એને નજરઅંદાજ કરતી હતી.
કૃષિ આંદોલન
ત્રણ કૃષિ કાનૂનોને લઈને વડા પ્રધાનનો અચાનક યુ-ટર્ન પણ યુપી (અને પંજાબ)ની ચૂંટણીને લઈને જ હતો. છેલ્લા એક વર્ષથી ત્રણ કૃષિ કાનૂનોની વાપસીની માગણી કરી રહેલા પંજાબ-હરિયાણાના ખેડૂતોનું અંદોલન સ્વતંત્ર ભારતનો સૌથી લાંબો સંઘર્ષ હતો અને એની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ હતી.
સરકારે ખેડૂતોને ઘરે પાછા મોકલવા માટે મંત્રણાઓથી લઈને જોર-જબરદસ્તી સુધીના તમામ સામ-દામ-દંડ-ભેદ અપનાવ્યા હતા, પણ ખેડૂતો ટાઢ-તડકો-વરસાદ સહન કરીને દિલ્હીની સરહદે બેસી રહ્યા હતા. સરકાર એનાથી કેટલી વિચલિત હતી એની સાબિતી અમિત શાહના ડેપ્યુટી અજય મિશ્રા ટેની હતા. એક સંમેલનમાં તેમણે આંદોલનકારી ખેડૂતોને ‘દો મિનિટ મેં’ સીધા કરી દેવાની ધમકી આપી હતી. 
એના થોડા દિવસ પછી તેમના પુત્ર આશિષ મિશ્રાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને સીધા કરી દેવા તેમના પર જીપ ચડાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતોનાં અને પછીથી ભડકેલી હિંસામાં એક પત્રકાર સહિત ચાર ખેડૂતોનાં મોત થયાં હતાં. હવે આશિષ મિશ્રાને પ્રધાનમંડળમાંથી બરખાસ્ત કરવાની માગણીને લઈને વિપક્ષો અને ખેડૂતો સરકારને ઘેરી રહ્યા છે.
ખેડૂત આંદોલનનો પ્રભાવ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાસ્સો છે. મેઘાલયના ભાજપ નૉમિનેટેડ રાજ્યપાલ સત્યપાલ મલિક તો સાર્વજનિક રીતે અને ખાનગીમાં સરકારને કહી ચૂક્યા હતા કે ખેડૂતોને મનાવી લેવામાં નહીં આવે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી ભાજપ સાફ થઈ જશે. 
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ વર્ગનું પ્રભુત્વ છે અને આંદોલનમાં પંજાબ-હરિયાણાના જાટ સમાજનું મજબૂત સમર્થન હતું. ૨૦૧૪ની અને ૨૦૧૯ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતમાં આ જાટ સમુદાયની ભૂમિકા હતી. 
ત્યાંની વીસ જેટલી બેઠકો પર જાટ વોટ નિર્ણાયક છે. આ વખતે જાટ લોકો ભાજપથી નારાજ હતા. ખેડૂતોએ આ પ્રદેશમાં વિશાળ મહાપંચાયતો કરી હતી. કૉન્ગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ આ વિસ્તારમાંથી જ તેમના પ્રચારના શ્રીગણેશ શરૂ કર્યા હતા. 
અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળ વચ્ચે સમજૂતી થવાનું એક કારણ આ જાટ વોટ છે. આ વિસ્તાર લોકદળનો ગઢ મનાય છે, પરંતુ ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯માં પિતા-પુત્ર અજિત અને જયંત ચૌધરીને ભોંય ચટાડી દીધી હતી.
પશ્ચિમ ઉત્તર પ્રદેશે આટલું મોટું આંદોલન પહેલાં ક્યારેય જોયું નહોતું. મોદીએ ૧૪ સપ્ટેમ્બરે પશ્ચિમ યુપીના અલીગઢ જિલ્લામાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. એ પ્રસંગે ૪૦ મિનિટના પ્રવચનમાં તેમણે ૧૭ વખત જાટ રાજાનું નામ લીધું હતું અને આ પ્રદેશની અવગણવા કરવાનો વિપક્ષો પર આરોપ મૂક્યો હતો. 
એક બીજી અગત્યની વાત એ છે કે આ વખતે ખેડૂત આંદોલનમાં હિન્દુ-મુસ્લિમ એક થઈ ગયા છે. પશ્ચિમ યુપીમાં મુઝફ્ફરનગર જિલ્લો ૨૦૧૩નાં કોમી-દંગલો માટે બદનામ છે અને ભાજપે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો. આ વખતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એ ખાઈ પૂરી દીધી હતી. પાંચમી સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં યોજાયેલી મહાપંચાયતમાં ટિકૈતે ‘અલ્લાહો અકબર, હર હર મહાદેવ’નો નારો આપ્યો હતો. એ બેઠક યોજતાં પહેલાં હાઇવે પર આવેલી આઠ મસ્જિદોએ ખેડૂતોને રહેવા ખોલી નાખી હતી. 
પશ્ચિમ યુપીમાં મુસ્લિમોના બાવીસ ટકા મત છે. તોફાનો પછી અહીં મુસ્લિમો માયાવતીના બહુજન સમાજની શરણમાં ગયા હતા. તેમને લાગતું હતું કે બહુજન સમાજ જ ભાજપનો મજબૂત વિકલ્પ છે. આ વખતે માયાવતી ઘણા સમયથી ચૂપ છે અને સંકેત એવા છે કે તે અંદરખાને ભાજપ સાથે છે. ભાજપની એક વ્યૂહરચના મુસ્લિમોના મતોને વહેંચી નાખવાની છે.
મોદી મૅજિક ચાલશે?
આ પૃષ્ઠભૂમિમાં ભાજપના બે દાવ સમજવા જોઈએ. એક, ત્રણ કૃષિ કાનૂનોને પાછા ખેંચવાનું વડા પ્રધાનનું અસાધારણ પગલું અને ચૂંટણીપ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઊતરવાનો નિર્ણય. કૃષિ કાનૂનોને પાછા લેવાના તેમના નિર્ણયથી તેમના સમર્થકો પણ અચંબિત થઈ ગયા હતા, કારણ કે ૧૧ મહિના સુધી તેમણે મચક આપી નહોતી અને છેલ્લે તો ખેડૂતોને પણ ખાતરી થઈ ગઈ હતી કે આ લડાઈ લાંબી ચાલશે.
જોકે મોદી હોશિયાર ચૂંટણીબાજ છે. તેમને જનતાની નાડ પારખતાં સારી રીતે આવડે છે. એ માટે ન તો તેઓ મીડિયા પર આધાર રાખે છે કે ન તો તેમની આસપાસના ચમચાઓ પર. ચૂંટણીમાં કેવી રીતે ઊતરવું એની તેમની પાસે અનુભવથી નીપજેલી સમજ છે. તેમણે પોતાની જીદ અને ઇમેજની ચિંતાને બાજુએ મૂકીને ખેડૂતો સામે શસ્ત્રવિરામ કર્યો હતો, કારણ કે તેમને એ અંદાજ આવી ગયો હતો કે યુપીની ચૂંટણીમાં નુકસાન થઈ શકે એમ છે. 
બીજું, ભાજપના અન્ય મુખ્ય પ્રધાનોની સરખામણીમાં યોગી આદિત્યનાથનું સ્તર ઘણું ઊંચું છે. ભાજપમાં તે મોદી અને અમિત શાહ પછીના સૌથી કદાવર નેતા મનાય છે. યોગી ખુદ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોની વાપસી માટે સ્ટાર પ્રચારક બનીને જાય છે. 
એ દૃષ્ટિએ જોવા જાવ તો યુપીની ચૂંટણી તેઓ એકલા હાથે લડવા જોઈતા હતા, પરંતુ મોદી-શાહ અને સંઘને ખબર છે કે રાજ્યમાં યોગી વિરુદ્ધ એક દબાયેલો ગણગણાટ છે. એ અવાજને શાંત કરવા માટે જ યુપીમાં મોદીની શાનદાર યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેમણે ગોરખપુર, સુલતાનપુર, વારાણસી, ઝાંસી, ગ્રેટર નોઇડા અને બલરામપુરમાં યોજનાઓ ખુલ્લી મૂકી છે. આ મહિનાના અંત સુધી તેઓ વધુ ચાર વખત મુલાકાત લેવાના છે. 
ઉત્તર પ્રદેશમાં આ વખતે શિયાળો ખાસ્સો ગરમ રહેવાનો છે, જેથી દિલ્હીને ઠંડી ન લાગે. 

સમાજવાદ વિરુદ્ધ રામરાજ્ય
૧૮ ડિસેમ્બરે વિધાનસભામાં એક ચર્ચામાં ભાગ લેતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘દેશને રામરાજ્યની જરૂર છે, સમાજવાદ કે સામ્યવાદની નહીં.’ એ તંજ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી પર હતો. એનો જવાબ વાળતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે સમાજમાં સૌના માટે ભેદભાવ વગર અને સમાનતાથી નિરંતર કામ કરતા રહેવું એ જ સમાજવાદ અને રામરાજ્યનો મૂળ સિદ્ધાંત છે. ‘રામરાજ્યનો પર્યાય જ સમાજવાદ છે,’ એમ તેમણે કહ્યું હતું. 
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપ્રચારની રૅલીઓને જો સંકેત માનીએ તો અખિલેશ યાદવ ભાજપના મજબૂત હરીફ તરીકે ઊભર્યા છે. તેઓ પૂરા રાજ્યમાં વિજયયાત્રા કરી રહ્યા છે અને તેમની સભામાં જબ્બર ભીડ ભેગી થઈ રહી છે. યુપીએ ભૂતકાળમાં ભાજપ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કૉન્ગ્રેસ એમ ચાર ખૂણે ચૂંટણીઓ જોઈ છે જેમાં થોડા મતોની આમતેમ હેરફેરથી હાર-જીત નક્કી થતી હતી. 
આ વખતે બહુજન અને કૉન્ગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયાં છે અને મુખ્ય સ્પર્ધા ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે. ચારકોણીય ચૂંટણીમાં ભાજપને હંમેશાં ફાયદો રહ્યો છે, કારણ કે એની જે વફાદાર હિન્દુ વોટ બૅન્ક છે એ તો એની પાસે સલામત રહે છે અને અન્ય જાતિઓના વોટ બાકીની પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. 

columnists raj goswami