ડ્રમ અને વાંસળીની અનોખી જુગલબંદી

07 May, 2021 03:38 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જૈન સાધુ ભગવંતોના સામૈયા, વરઘોડો અને દીક્ષા સમારોહ જેવા પ્રસંગોમાં બૅન્ડવાજાંનું અનોખું મહત્ત્વ છે. મહારાજશ્રીની નિશ્રામાં શરૂ થયેલા આવા જ એક બૅન્ડ સાથે જોડાઈને કાંદિવલીનો અર્પિલ શાહ વાંસળી વગાડતાં તેમ જ મોટો ભાઈ હેમિલ શાહ સ્નેર ડ્રમ વગાડતાં શીખ્યો

ડ્રમ અને વાંસળીની અનોખી જુગલબંદી

પાલિતાણાની અઘરી જાત્રા અને ચોવિહાર કર્યા બાદ રાત્રે ભાવનામાં બૅન્ડ વગાડવા જેટલી શરીરમાં તાજગી અને ઊર્જા ધરાવતા કાંદિવલીના બે ભાઈઓ અર્પિલ અને હેમિલ શાહ સંગીતની નોખી પ્રતિભા ધરાવે છે. દીક્ષા સમારોહ, વરઘોડો અને સામૈયામાં નાનો ભાઈ વાંસળી વગાડે તો મોટો ભાઈ સ્નેર ડ્રમ. આજથી લગભગ છ વર્ષ પહેલાં કાંદિવલી (ઈસ્ટ)માં મહારાજશ્રીની નિશ્રામાં શરૂ થયેલા બૅન્ડમાં જોડાઈને બન્નેએ આ મહારથ હાંસલ કરી છે. ખાસ કરીને ૧૧ વર્ષનો અર્પિલ નાકથી વાંસળી વગાડવામાં ઉસ્તાદ છે. સંગીતમાં રસ કઈ રીતે જાગ્યો, નાક વાટે વાંસળી વગાડવાની કળા કઈ રીતે વિકસાવી તેમ જ હાલમાં તેઓ શું કરે છે એ જાણવા માટે મળીએ ભાઈઓની આ બેલડીને. 
અંતરની પ્રેરણા થઈ
જૈન સાધુ ભગવંતોના સામૈયા, મહાવીર જન્મ વાંચન, ભાવના તેમ જ અન્ય પ્રસંગોમાં મોટી સંખ્યામાં શ્રાવિકો જોડાતા હોય છે. સામૈયું એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે એ દરમિયાન માર્ગ પર બૅન્ડ વગાડવાનું મહત્ત્વ છે. વરઘોડો નીકળે ત્યારે આ બૅન્ડ જોવાની અમને બહુ મજા પડતી એમ જણાવતાં ૧૬ વર્ષનો હેમિલ કહે છે, ‘જૈન ધર્મમાં કહે છે કે સંગીત શીખવાથી જ્ઞાન ચડે છે. સામાન્ય રીતે દરેક વિસ્તારમાં સાધુ ભગવંતોના સામૈયામાં આગળ વાંસળી અને પાછળ સ્નેર ડ્રમ વગાડવા માટે બાળકોનું બૅન્ડ હોય છે. ૨૦૧૬ સુધી કાંદિવલી (ઈસ્ટ)માં કોઈ બૅન્ડ નહોતું. વરઘોડા માટે મલાડથી દહિસર વિસ્તારનાં બૅન્ડવાજાં બોલાવતા હતા. મહારાજશ્રીની નિશ્રામાં અહીં પોતાનું બૅન્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતાં પેરન્ટ્સે અમને તાલીમ લેવા મોકલ્યા. વાસ્તવમાં પેરન્ટ્સ સંગીતપ્રેમી છે. તેઓ હંમેશાંથી ઇચ્છતા હતા કે અમે બન્ને ભાઈઓ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં શીખીએ. અમારા એરિયામાં મ્યુઝિકના કોઈ ક્લાસ નહોતા અને એ વખતે અમારી ઉંમર પણ ઘણી નાની હતી તેથી તેઓ નજીકમાં ક્લાસ ખૂલે એની રાહ જોતા હતા. એવામાં બૅન્ડ શરૂ થતાં અંતરની પ્રેરણા થઈ.’ 
 બૅન્ડ જૉઇન કરનારાં બાળકોને સ્નેર ડ્રમ અને વાંસળી બન્ને પ્રકારનાં સંગીતવાદ્યો શીખવાનો ઑપ્શન આપવામાં આવે છે. થોડા દિવસના ઑબ્ઝર્વેશન પછી બાળકોને તેમના રસ અને ટૅલન્ટ પ્રમાણે ફ્લુટ અને ડ્રમમાં ડિવાઇડ કરી દેવામાં આવે છે. આગળ વાત કરતાં હેમિલ કહે છે, ‘અમને બન્ને વાદ્યો વગાડી જોવાનું કહેવામાં આવ્યું હતું. ઑર્કેસ્ટ્રામાં વાગતાં હોય એવાં ઇન્સ્ટ્રુમેન્ટ મને અટ્રૅક્ટ કરે છે. સ્નેર ડ્રમ આવું જ વાદ્ય હોવાથી એ વગાડતાં શીખવામાં રસ પડ્યો અને એમાં મહારથ હાંસલ કરી. જ્યારે અર્પિલને ફ્લુટ પસંદ પડી. આ રીતે સંગીત સાથે પ્રથમ પરિચય થયો.’ 
નાકથી નવકાર મંત્ર
એક દિવસ સાંજના સમયે અર્પિલ રૂમમાં બેસીને વાંસળીવાદનની પ્રૅક્ટિસ કરતો હતો. નવકાર મંત્રના સૂરથી ભાવવિભોર થઈ તેનાં મમ્મી મનીષાબહેને જોયું તો દીકરો નાકથી વાંસળી વગાડતો હતો. આ જોઈ તેઓ આશ્ચર્ય પામી ગયાં, કારણ કે બૅન્ડમાં જોડાયાને હજી આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ થયા હતા. પહેલાં તો તેમને થયું કે સર પાસેથી શીખ્યો હશે, પરંતુ જ્યારે દીકરાએ કહ્યું કે જાતે ટ્રાય કરી ત્યારે તેઓ વધુ નવાઈ પામ્યાં. પેરન્ટ્સના રીઍક્શનને યાદ કરતાં અર્પિલ કહે છે, ‘મને કોઈએ શીખવાડ્યું નહોતું. એમ જ રમત-રમતમાં નાકથી વગાડવાની ટ્રાય કરી તો સરસ સૂર નીકળ્યો. જોકે પેરન્ટ્સને વિશ્વાસ ન બેઠો એટલે તેમણે બૅન્ડમાં સરને પૂછતાછ કરી જોઈ. સરે કહ્યું કે અમે નથી શીખવાડ્યું, આ તો બૉર્ન ટૅલન્ટ અને ગૉડ ગિફ્ટ છે. ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયા. બીજા દિવસે ક્લાસમાં બધાની સામે નાકથી વાંસળીવાદન કરવાનું કહ્યું. નાકથી નવકાર મંત્ર વગાડતાં હું એક જ દિવસમાં શીખ્યો હતો. પાલિતાણાની ભાવનામાં વાંસળી વગાડવી ખૂબ ગમે છે.’
બૅન્ડમાં અંદાજે ૭૦ જેટલાં બાળકો છે, પણ બહારગામ જવાનું હોય ત્યારે અર્પિલ અને હેમિલ ફર્સ્ટ ચૉઇસ. તેમની આગવી પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક જગ્યાએ દીક્ષાના વરઘોડામાં તેમને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. વલસાડ, વાપી, કર્જત, મહાવીર ધામ, જીવદયા ધામ જેવાં અનેક સ્થળોએ તેઓ ઓવરનાઇટ જઈ આવ્યા છે. સામાન્ય રીતે વરઘોડામાં અને ભાવનામાં અર્પિલ મોઢેથી જ વાંસળી વગાડે છે. જોકે સમયની અનુકૂળતા હોય અથવા શ્રાવકોની ડિમાન્ડ પર નાકથી વાંસળીવાદનની તક ઝડપી લે. કોઈક વાર બૅન્ડના સર સમક્ષ નાકેથી વાંસળી વગાડીને ગીતો સંભળાવે. સંગીત માટેનો તેમને લગાવ એવો કે થાક પણ ન લાગે. ચાલીને પાલિતાણાની જાત્રા અને ચોવિહાર પછી રાતની ભાવનામાં દોઢ કલાક સુધી તેઓ ડ્રમ અને ફ્લુટ વગાડી શકે છે.

તાલીમ માટે તૈયાર

સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માગતી ભાઈઓની આ બેલડીને ફિલ્મી સંગીતનો પણ જબરો શોખ છે. અર્પિલને કોઈ પણ ફિલ્મી ગીત વગાડવાનું કહો તો પાંચથી સાત મિનિટના અભ્યાસ બાદ વાંસળી વડે સૂર રેલાય. અનેક ગીતો નાકથી પણ વગાડીને બતાવે છે. તેમના પપ્પા શ્રેયસભાઈ કહે છે, ‘અમારા ઘરમાં સંગીતનો બધાને શોખ છે પણ કોઈએ તાલીમ નથી લીધી. બાળકોમાં જૈન ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય એવા હેતુથી તેમને બૅન્ડમાં મોકલ્યા હતા. ત્યાં ગયા બાદ બન્ને દીકરાઓનો સંગીતપ્રેમ જોઈ અમે ગદગદ્ થઈ ગયાં છીએ. આજકાલનાં બાળકો નાનપણથી જ પ્રતિભાશાળી હોય છે. બસ, તેમને પ્લૅટફૉર્મ મળવું જોઈએ. હાલમાં બૅન્ડની પ્રવૃત્તિ બંધ છે પણ ઘરમાં રહીને પ્રૅક્ટિસ કરી શકે એ માટે હેમિગલને મોટું ડ્રમ વસાવી આપ્યું છે. તેઓ દરરોજ એક કલાક પ્રૅક્ટિસ કરે છે. એક વાર પરિસ્થિતિ થાળે પડે પછી અર્પિલ વાંસળીવાદનમાં આગળ વધે અને હેમિેલ વિવિધ પ્રકારના સાઉન્ડ ધરાવતાં ડ્રમ શીખે એ માટે બાકાયદા તાલીમ માટે મોકલવાનાં છીએ.’

 અમારા એરિયામાં મ્યુઝિકના કોઈ ક્લાસ નહોતા અને એ વખતે અમારી ઉંમર પણ ઘણી નાની હતી તેથી તેઓ નજીકમાં ક્લાસ ખૂલે એની રાહ જોતા હતા. 
એવામાં બૅન્ડ શરૂ થતાં અંતરની પ્રેરણા થઈ. - હેમિલ શાહ

Varsha Chitaliya columnists