ઉદ્ધવનું સત્યવચન : જે દિશામાં જવું નહોતું એ દિશામાં હું આગળ વધ્યો, જે કરવાની જરૂર નહોતી

02 July, 2022 11:07 AM IST  |  Mumbai | Manoj Joshi

અત્યારના તબક્કે તો હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય ઑલમોસ્ટ નક્કી થઈ ગયું છે અને હવે એને કોઈ ચેન્જ કરી શકે એવું દેખાતું નથી

પ્રતીકાત્મક તસવીર

શિવસેનાસુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ બે-ત્રણ દિવસ પહેલાં જે સ્ટેટમેન્ટ કર્યું એ સ્ટેટમેન્ટમાં જે લાગણી છે એ લાગણી સૌકોઈએ સમજવી જોઈશે અને એક વખત બેસીને શાંતચિત્તે જાતને પણ એ જ વાત પૂછવી જોઈશે કે શું તમે પણ એ દિશામાં તો આગળ નથી વધતાને જે દિશામાં તમારે જવું નહોતું. ઉદ્ધવ ઠાકરે ક્યારેય સક્રિય રાજકારણમાં હતા જ નહીં. અફકોર્સ, તેમની વિચારધારા પૂરેપૂરી શિવસેનાને છાજે એવી અને પ્રખર હિન્દુત્વવાદની, પણ એમ છતાં તેઓ ક્યારેય ઍક્ટિવ પૉલિટિક્સમાં રસ નહોતા લેતા. ભાઈ રાજ ઠાકરેએ પાર્ટી છોડ્યા પછી ઉદ્ધવ પાસે રાજકીય ગતિવિધિઓમાં રસ લેવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો અને એટલે જ તેમણે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પણ મનમાં ક્યાંક ઊંડે-ઊંડે એવો ભાવ ખરો કે બીજેપી મોટા ભાઈની ભૂમિકા નિભાવશે અને શિવસેના મહારાષ્ટ્રમાં હંમેશાં બીજેપી સાથે રહેશે, પણ સમય જતાં પરિસ્થિતિ બદલાતી હોય છે એવી જ રીતે સમય જતાં શિવસેના-બીજેપી વચ્ચે મતભેદ ઊભા થયા અને પછી બધા માટે અહમની લડતનો આરંભ થયો.

અત્યારના તબક્કે તો હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય ઑલમોસ્ટ નક્કી થઈ ગયું છે અને હવે એને કોઈ ચેન્જ કરી શકે એવું દેખાતું નથી. બીજેપી સરકાર બનાવશે અને એ સરકારને એકનાથ શિંદે સાથે જોડાયેલા વિધાનસભ્યો સપોર્ટ જાહેર કરશે. આ સપોર્ટના બદલામાં બીજેપી ચોક્કસપણે એકનાથ શિંદે ગ્રુપને પણ પૉલિટિકલ પ્લૅટફૉર્મ આપશે અને આવતાં અઢી વર્ષ સુધી હવે આ આખી યુતિ મહારાષ્ટ્રમાં રાજ કરશે. જો મનની વાત કહું તો, બહુ સારું થયું છે કે પહેલાં અઢી વર્ષ દરમ્યાન કોઈ પ્રકારનો પ્રૉબ્લેમ નથી થયો અને જો દિલની વાત કહું તો, શિવસેના જે જગ્યાએ સપોર્ટ સાથે ઊભી રહી હતી એ જગ્યાનો અફસોસ હવે એકેએક સૈનિકોને મનોમન થશે જ થશે.

જે દિશામાં જવાની જરૂર નહોતી એ દિશામાં આગળ વધવું અને આગળ વધીને માઇલોનું અંતર કાપી નાખવું એ ક્યાંક ને ક્યાંક ભૂલ તો છે જ. જુનિયર ઠાકરેએ આ વાત ઍક્ટિવ પૉલિટિક્સ માટે કહી હોય તો પણ એ આપણી આંખ ખોલવાનું કામ કરે છે અને ધારો કે તેમણે આ વાત કૉન્ગ્રેસ અને પવાર-પાર્ટી માટે કહી હોય તો પણ આપણને સૌને લેસન આપી જાય એવી વાત છે. કોઈનો એવો સહકાર ન લેવો જેમાં તમારું મન ન માનતું હોય. આજ સુધારવા માટે ક્યારેય નીતિમત્તા સાથે બાંધછોડ કરવી નહીં અને બીજું લેસન, ક્યારેય એવું કામ કરવું નહીં જે કરવાની અનિચ્છાએ તમે દસકાઓ ખેંચી નાખ્યા હતા. ફાવટ હોવી કે ન હોવી એ દૂરની વાત છે, પણ મન નહીં હોય તો એક્સપર્ટ્સ હોવા છતાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકાતું નથી. ઉદ્ધવ ઠાકરેએ પોતાના કાર્યકાળમાં સર્વોત્તમ પરિણામ આપ્યું છે એ વાત તેમના હરીફો પણ સ્વીકારશે અને તેમના શત્રુઓએ પણ માનવી પડશે. કોવિડના સમયમાં તેમણે જે પ્રકારે મુંબઈ અને મહારાષ્ટ્રને પ્રોટેક્શન આપ્યું છે એ કાબિલ-એ-તારીફ છે અને જ્યારે પણ દેશ-દુનિયામાં કોવિડનું નામ નીકળશે ત્યારે ઉદ્ધવ ઠાકરેનું નામ અચૂક લેવાશે અને જ્યારે પણ શિવસેનાની સરકારની વાત નીકળશે ત્યારે-ત્યારે ઉદ્ધવસાહેબનું આ વાક્ય સૌકોઈને યાદ આવશે ઃ ‘જવું નહોતું એ દિશામાં હું આગળ વધ્યો.’

columnists manoj joshi