બે શબ્દ અને એક એક્સપ્રેશનઃ બસ, વાત પૂરી થઈ ગઈ સાહેબ

30 June, 2022 01:01 PM IST  |  Mumbai | JD Majethia

સરિતા જોષી જેવાં દિગ્ગજ ઍક્ટરને આ વાત લાગુ પડે છે અને તેમણે એ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ દ્વારા વધુ એક વાર પુરવાર પણ કરી દીધું કે તેઓ ખરા અર્થમાં પદ્મશ્રી છે. આપણે બધા નસીબદાર છીએ કે આપણને તેમની ઍક્ટિંગ જોવાનો લહાવો મળે છે

સરિતા જોષી

રસકવિ રઘુરાજ બ્રહ્મભટ્ટે નૃત્યનાટિકા પર એક પ્રોગ્રામ બનાવેલો જેમાં હું અને સરિતાબહેન બન્ને હતાં. હું રંગલો બન્યો હતો અને સરિતાબહેન રંગલી બન્યાં હતાં. ત્યાંથી પાછા ફરતાં ગાડીમાં અમારી વચ્ચે વાત થઈ અને ‘થૅન્ક યુ કોકિલા’નો જન્મ થયો અને પછી તો કેટકેટલું કામ તેમની સાથે કર્યું.

આપણી વાત ચાલી રહી છે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના કાસ્ટિંગ અને એ દરમ્યાન પડેલી જહેમતની. સિરિયલ હોય, ફિલ્મ હોય કે પછી નાટક હોય; કાસ્ટિંગ બહુ અઘરું કામ છે, કારણ કે આ એક સહિયારું સર્જન છે એટલે કોઈને એક ઍક્ટર ગમે તો બીજા ચારને એ ગમે નહીં અને બીજા ચારને ગમે તો એ ઍક્ટર એ કૅરૅક્ટરમાં જચતો ન હોય. કાસ્ટિંગ બહુ અઘરી પ્રક્રિયા છે અને એટલે મને એમાં મજા આવતી હોય છે.

‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની લીડ ઍક્ટ્રેસ, તેનાં બાળકો અને મોટા દીકરાની ગર્લફ્રેન્ડ પસંદ કરી લીધા પછી આવ્યું શોમાં દેખાડવામાં આવતી ચાલનાં પાત્રોનું કાસ્ટિંગ.  

અમે જે ચાલ દેખાડી છે એના માલિક બાપોદરા છે. આ બાપોદરા બધાને ભાડે રૂમ આપે છે. તે સ્વભાવનો કચકચિયો છે. કંજૂસ પણ ખરો અને એકેએક પાઈનો હિસાબ રાખે એવો. પુષ્પા અને તેને નાની-નાની વાતે લપ થાય, પણ એ લપ ઑડિયન્સને મજા કરાવે એવી છે. ઘરમાં કુકિંગ કરવાનું છે, પણ ગૅસની લાઇનમાં કોઈ પ્રૉબ્લેમ છે અને પુષ્પાના ઘરમાં ચૂલો સ્ટાર્ટ નથી થતો. વાત પડતી મૂકે એ પુષ્પા નહીં. પુષ્પા તો ચોગાનમાં જ રસોઈ બનાવવા બેસી જાય છે અને એ રસોઈ બનાવવા માટે તે ચૂલો બનાવે છે. ચૂલા માટે તે લાકડાંની પણ અરેન્જમેન્ટ કરી લે છે. આ લાકડું કયું છે ખબર છે? બાપોદરા જેના પર નિયમિત બેસતો એ સ્ટૂલ. હા, પુષ્પા સ્ટૂલ તોડીને એનો ઉપયોગ ચૂલો સળગાવવામાં કરે છે. આ બાપોદરાના રોલ માટે અમે ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર જયેશ બારભાયાને કાસ્ટ કર્યો. ઘણા વખતથી જયેશ સાથે કામ કરવાની ઇચ્છા હતી. તેને પણ બહુ ઇચ્છા હતી, પણ તેને લાયક સારો રોલ મળતો નહોતો. જોકે ફાઇનલી રોલ મળ્યો અને અમે તક ઝડપી લીધી. બાપોદરાની પત્નીના રોલમાં તુલિકા પટેલ છે. તુલિકા સુપર્બ ઍક્ટ્રેસ તો આ તુલિકા અને જયેશની જે દીકરી બને છે એ કૅરૅક્ટર ગુજરાતી છે, પણ સ્ક્રીન પર નિભાવે છે એ કલકતાની છે. હા, એ કૅરૅક્ટર એટલે પ્રાર્થનાનું પાત્ર જે કરે છે ઇન્દ્રાક્ષી.

અમે નવો શો કરીએ છીએ એવી ખબર પડી એટલે તે અમને મળવા આવી. તેનું ઑડિશન લેવાયું, બહુ સારી લાગી; પણ પછી વિચાર આવ્યો કે તેને કલકત્તાથી અહીં બોલાવીને સેટલ કરવા કરતાં બહેતર છે કે આપણે કોઈ ગુજરાતી છોકરીને જ બોલાવી લઈએ. વાત પ્રૅક્ટિકલ પણ હતી એટલે અમે તો લાગી પડ્યા બીજી હિરોઇન શોધવામાં. બહુ, બહુ, બહુ શોધી; પણ તેના જેવું કોઈ મળ્યું નથી એટલે ફાઇનલી ઇન્દ્રાક્ષીને જ કાસ્ટ કરવામાં આવી. પ્રાર્થનાનો ચિરાગ સાથેનો આખો લવ-ટ્રૅક છે, બહુ સરસ છે એટલે જેમ-જેમ સ્ટોરી આગળ વધશે એમ-એમ તમને આ કૅરૅક્ટર ગમવા માંડશે. 

ચાલના બીજા કૅરૅક્ટર વિશે કહું. મહેન્દ્રનું પાત્ર છે એમાં અમીષ તન્ના છે. આ અમીષ પણ ગુજરાતી રંગભૂમિથી જ આવે છે. અમીષનો દીકરો ગોલુ છે. ગોલુના પાત્રમાં જે છોકરો છે તેને વર્ષો પહેલાં મેં ડાન્સના એક શોમાં જોયો હતો. એ છોકરો રિયલ લાઇફમાં ડાઉન-સિન્ડ્રૉમથી સફર થાય છે. સુપર્બ ઍક્ટર છે તે. તમે તેની એનર્જી જોશો તો આભા રહી જાઓ. યાદ રાખજો અને જો હું ભૂલી ગયો હોઉં તો તમે મેઇલ કરીને મને યાદ કરાવજો કે આપણે એ છોકરા પર એક આખો આર્ટિકલ કરવો છે. 

કોકિલાના પાત્રમાં નડિયાદથી ધરા જાનીને બોલાવી. ધરા ઘણી ગુજરાતી સિરિયલ કરી ચૂકી છે અને સારી ઍક્ટ્રેસ છે. માનસી છે તો આશાના ખૂબ મહત્ત્વના પાત્રમાં. તેની મા-સાસુના રોલમાં. અનુરાધા નામની એક બહુ સરસ કલાકાર છે ભાવનાના પાત્રમાં. તેના હસબન્ડના પાત્રમાં હેમાંગ છે. બહુબધા કલાકારો છે એટલે કદાચ હું કોઈને ભૂલી જતો હોઉં તો એ અને તમે બધા મને માફ કરજો. નીલિમાના પાત્રમાં બહુ જ સરસ નીલમ કરીને ઍક્ટ્રેસ છે. આ નીલિમાના હસબન્ડનું કૅરૅક્ટર જબરદસ્ત વાયલન્ટ છે. એની શું વાર્તા આવે છે અને એ વાર્તા કેવી રીતે આખી ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ને આગળ વધારે છે એ જોવાની તમને બહુ મજા આવશે.

રાધાકાકુનું એક પાત્ર છે એ બહુ મજાનું કૅરૅક્ટર છે. રાધાકાકુ ખાલી વાતો સાંભળે છે પુષ્પાની. તમે જો આ ​સિરિયલ જોવાની ચાલુ કરી દીધી હોય તો તમને આ રાધાકાકુ સાથે મેળાપ થઈ ગયો હશે. એક લાંબી સોલોલોકી પુષ્પા બોલે, બે-ત્રણ કે ચાર મિનિટ સુધી પુષ્પા બોલ્યા જ કરે અને એ પછી રાધાકાકુ બે જ શબ્દો બોલે પણ એટલું મહત્ત્વનું પાત્ર છે કે અમે મૂંઝવણમાં મુકાયા કે કોને કાસ્ટ કરીએ. 

બહુ લાંબી મથામણ અને વિચારણા પછી મેં મારા હંમેશાંના મોસ્ટ ફેવરિટ, સૌથી પ્રિય એવાં સરિતા જોષી, સરિતાબહેનને ફોન કર્યો. વાત આગળ વધારતાં પહેલાં કહું કે હું તેમને ‘બેન’નું જ સંબોધન કરું છું.

સરિતાબહેનને રોલ વિશે સમજાવતાં મેં કહ્યું કે બેન આમાં લેન્થ નથી, પણ એનું મહત્ત્વ બહુ છે તો તમે કરશો આ પાત્ર. 

તેમને મેં કૅરૅક્ટર સમજાવ્યું અને એ સમજાવ્યા પછી કહ્યું કે આ બધામાં તમારાં રીઍક્શન બહુ મહત્ત્વનાં બનવાનાં છે, જે પુષ્પાથી ઉપર જવા જોઈએ અને એ એ જ કરી શકે જે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતું હોય. આપણું જે લીડ કૅરૅક્ટર છે એનાથી પણ ઉપર અને એ આખા પાત્રને ચાર ચાસણી લગાડી દે એવો કલાકાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈએ અને જ્યારે આવું પ્રભાવશાળી વ્યક્તિત્વ શોધવાનું હોય તો પછી સરિતાબહેન સિવાય બીજું કોઈ યાદ ન આવે. મારી આખી વાત સાંભળીને સરિતાબહેને જે એક વાક્ય કહ્યું એ એક વાક્યએ મને શેર લોહી ચડાવી દીધું.

‘જેડી, તને ના કહી ન શકાય. તું તો મારા દીકરા જેવો છે ને હૅટ્સ ઑફ તો મારું પોતાનું પ્રોડક્શન છે. હા જ પાડવાની હોય મારે...’

સાવ સાચી વાત સરિતાબહેન, આ તમારું જ પ્રોડક્શન છે અને મારી દિલથી ઇચ્છા છે કે આજીવન તમારી સાથે કામ કરું. સરિતાબહેન સાથે કામ કરવું એ મારું સદ્ભાગ્ય છે. નાનો હતો ત્યારથી હું તેમને જોતો આવ્યો છું. ‘સંતુ રંગીલી’ અને બીજાં જે કોઈ નાટકો આવતાં એના ફોટો હું પેપરમાં જોતો. સરિતાબહેનના ફોટો છપાય તો હું એ જોઉં અને સમજણો થયો પછી તેમના આર્ટિકલ વાંચુ. તમે એમ કહી શકો કે સમજણો થયો ત્યારથી જ હું તેમનો ફૅન હતો. તેમનાં ઘણાં બધાં નાટકો વિશે સાંભળ્યું જ હતું અને એ પછી મને મોકો મળ્યો તેમની સાથે કામ કરવાનો. 

રસકવિ રઘુરાજ બ્રહ્મભટ્ટે નૃત્યનાટિકા પર એક પ્રોગ્રામ બનાવેલો જેમાં હું અને સરિતાબહેન બન્ને હતાં. હું રંગલો બન્યો હતો અને સરિતાબહેન રંગલી બન્યાં હતાં. ત્યાંથી પાછા ફરતાં ગાડીમાં અમારી વચ્ચે વાત થઈ અને ‘થૅન્ક યુ કોકિલા’નો જન્મ થયો અને પછી ‘બા, બહૂ ઔર બેબી’ અને કેટકેટલું કામ તેમની સાથે કર્યું. ફૉરેનની ટ્રિપ પણ કરી અને અહીં પણ અમે સાથે પુષ્કળ ફર્યા. મારી ઇચ્છા છે કે સરિતાબહેન સાથે કરેલી એ તમામ ટ્રિપ પર એક આખું પુસ્તક લખવું અને હું એ કરીશ પણ ખરું. જોકે અત્યારે એ પુસ્તક વિશે વાત કરતાં પહેલાં વાત કરીએ રાધાકાકુની, તો સરિતાબહેનના બે શબ્દો કે બે એક્સપ્રેશન આખો સીન ભરી દે છે. એ પહેલા જ એપિસોડમાં જોઈને લોકોએ ખૂબબધા ફોન કર્યા સરિતાબહેનને. સરિતાબહેને મને પણ કહ્યું કે જેડી તું કહેતો હતો એ વાત સાચી છે, લોકોએ ફોન કર્યા કે સરિતાબહેન શું રોલ કરો છો. 

આપણાં બધાનાં સદ્નસીબ છે કે સરિતાબહેન જેવાં ઍક્ટર સાથે આપણે આજની રંગભૂમિ, ટીવી અને ફિલ્મો જોઈએ છીએ. આપણા જ બધાનાં નસીબ કે તેમના જેવાં દિગ્ગજ કલાકાર આપણને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં જોવા મળે છે. સરિતાબહેન અને ટીમના દરેકેદરેક મેમ્બરનો આભાર કે આપણને બધાને તે એકસાથે જોવા મળે છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi JD Majethia