ખરો ધર્મ તો ઈશ્વરનો પણ મોહતાજ નથી

17 October, 2021 11:56 AM IST  |  Mumbai | Kana Bantwa

વિશ્વમાં માત્ર સંપ્રદાયો જ બચ્યા છે ત્યારે વિશાળ દૃષ્ટિ ધરાવતા સાધુપુરુષોની જગતને જરૂર છે જે ધર્મને એના મૂળ સ્વરૂપમાં રજૂ કરી શકે

ખરો ધર્મ તો ઈશ્વરનો પણ મોહતાજ નથી

બાઇબલની એક કથા છે, ટાવર ઑફ બેબલની. પ્રલયકાળના પૂર પછી પૃથ્વીવાસીઓ એકઠા થઈને પૂર્વ તરફ ચાલ્યા અને સિનાઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક એવો વિશાળ ટાવર બનાવવાનું નક્કી કર્યું જેની ટોચ છેક સ્વર્ગ સુધી પહોંચતી હોય. તે તમામ માનવીઓ એક જ ભાષા બોલતા હતા એટલે એકબીજાને સમજી શકતા હતા. બેબલ ટાવર બંધાવા માંડ્યો એટલે ઈશ્વર એને જોવા માટે સ્વયં પૃથ્વી પર આવ્યા. આખી માનવજાતને એક જ ભાષા બોલતી સાંભળીને ઈશ્વરે કહ્યું કે માનવજાતને બેબલ ટાવર બાંધતી અટકાવવા માટે અને વિશ્વભરમાં ફેલાવવા માટે તેમને અલગ-અલગ ભાષા બોલતા કરી દેવા જોઈએ. અને ઈશ્વરે માણસોને અલગ-અલગ ભાષા બોલતા કરી દીધા. તેઓ હવે એકબીજાની વાત સમજી શકતા નહોતા એટલે ટાવર બનાવવાનું કામ અટકી ગયું અને માણસો આખી પૃથ્વી પર ફેલાઈ ગયા. તેમની અલગ-અલગ ભાષાઓ થઈ.
સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ માધવપ્રિયસ્વામી સાથે ધર્મ અને સંપ્રદાયોના ભેદ વિશે છારોડી ગુરુકુળમાં વિશદ ચર્ચા કરવાનો અવસર મળ્યો ત્યારે તેમણે આ કથા ટાંકી. તેમણે એક સરસ અવલોકન આપ્યું : ‘અધ્યાત્મ બીજ છે, ધર્મ વૃક્ષ છે અને સંપ્રદાયો એમની ડાળીઓ છે.’ સંસ્કૃતના વિદ્વાન અને શાસ્ત્રીની ઉપાધિથી વિભૂષિત એટલે તેમણે સંપ્રદાયની વ્યાખ્યા આપી કે સમ + પ્ર + દાય, એટલે જ્ઞાનનો વારસો જાળવે તે સંપ્રદાય.
વિસ્તૃત સ્વરૂપમાં ધર્મ
સામાન્ય રીતે સંપ્રદાયોના વડાઓ, પંથપુરુષો પોતાના ફિરકાને સર્વોચ્ચ ગણાવવાની લાયમાં ધર્મની અસલ વિભાવનાને ભૂલી જાય છે અથવા છુપાવે છે અથવા સમજતા જ નથી. ભાગ્યે જ એવા કોઈ સંપ્રદાયના મુખિયા નીકળે જે ધર્મને વિસ્તૃત સ્વરૂપમાં જોઈ શકતા હોય, સમજી શકતા હોય. માધવપ્રિયસ્વામી આવી રૅર વ્યક્તિઓમાંના એક છે. ગુરુકુળ પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના એક ફાંટાના વડા હોવા છતાં તેમની દૃષ્ટિ વિશાળ છે, ધર્મ અંગેની સમજ ગહન છે. આજે જ્યારે ધર્મનો લોપ થઈ ગયો છે અને વિશ્વમાં માત્ર સંપ્રદાયો જ બચ્યા છે ત્યારે વિશાળ દૃષ્ટિ ધરાવતા સાધુપુરુષોની જગતને જરૂર છે જે ધર્મને એના મૂળ સ્વરૂપમાં રજૂ કરી શકે અને એની પુન:સ્થાપના કરી શકે. જો ધર્મની સમજ હશે તો માણસ સંકુચિત નહીં હોય, ધર્મની સમજ હશે તો વાડાબંધી નહીં હોય. સંપ્રદાયોની ઉપર ધર્મને મૂકી આપનાર, એને ઉચ્ચ સિંહાસને બેસાડી આપનાર લોકોની અત્યારે વિશ્વ રાહ જોઈ રહ્યું છે. સામાન્ય માણસના મનમાં ધર્મ એટલે વિવિધ સંપ્રદાયો એવું ઠસી ગયું છે. એમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે. સંપ્રદાયોના અનુયાયી ભલે બની રહે, એની પણ ઉપયોગિતા છે. જોકે ધર્મને સમજે, ધર્મને જાણે માણસ માનવી બનશે
ધર્મ-સંપ્રદાયની ભેળસેળ
ધર્મ અને સંપ્રદાયની આપણે ભેળસેળ કરી નાખી છે. ધર્મ બહુ વિસ્તૃત વિભાવના છે. એ વ્યક્તિગત પણ છે અને સામૂહિક પણ. સંપ્રદાય એ ચોક્કસ રિલિજિયસ માન્યતા ધરાવતા લોકોનાં જૂથ છે. તેમના પોતાના દેવ, ઈશ્વર, પૂજા, વિધિ, નિયમો અને વિચારધારા હોય છે. ધર્મ આવાં તમામ બંધનોથી મુક્ત છે. ધર્મ કોઈ એક જૂથનું પ્રતિનિધિત્વ ન કરી શકે અથવા કોઈ એક જૂથ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરી શકે. શરૂઆતમાં ધર્મ શબ્દ સદાચારી જીવન જીવવાની રીત માત્ર હતો. પછીથી ધર્મ નિયમોમાં બંધાવા માંડ્યો. આચાર નક્કી થવા માંડ્યા. ઉપનિષદના વખતમાં ધર્મમાં જડતા આવવા માંડી હતી એનો દાખલો શ્વેતકેતુની કથામાં મળે છે. એ સમયે લગ્નસંસ્થા નહોતી. કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે સમાગમ કરી શકતો. એક વખત શ્વેતકેતુ પોતાનાં માતા-પિતા સાથે બેઠા હતા ત્યાં એક પરિવ્રાજક આવ્યો અને શ્વેતકેતુની માતાને સમાગમ અર્થે લઈ જવા માંડ્યો. શ્વેતકેતુ આ જોઈને અકળાયા અને પિતાને કહ્યું કે આ માણસ મારી માતાને લઈ જાય છે અને તમે રોકતા પણ નથી. ત્યારે ઉદ્દાલક અથવા આરુણી ઋષિએ જવાબ આપ્યો કે ધર્મ પ્રમાણે હું રોકી શકું નહીં; કારણ કે નિયમ એવો છે કે સ્ત્રી ગાયની પેઠે સ્વતંત્ર છે, કોઈ પણની સાથે સમાગમ કરી શકે. આ પછી શ્વેતકેતુએ લગ્નપ્રથા શરૂ કરાવી અને સ્ત્રીઓ પતિ સિવાય અન્ય સાથે ન જઈ શકે એવા નિયમ બનાવ્યા. મુદ્દો અહીં ધર્મમાં આવેલી જડતાનો તો છે જ. ઉપનિષદ સમય સુધીમાં ધર્મનો અર્થ નિયમ, વ્યવસ્થા એવો થવા માંડ્યો હતો એ પણ છે. 
સંભવામિ યુગે યુગે
મહાભારતકાળ સુધીમાં ધર્મનો અર્થ વધુ બદલાયો. કદાચ વધુ જડ પણ થયો. મહાભારતમાં વારંવાર એવું કહેવાયું છે કે ધર્મ સૂક્ષ્મ છે. મહાભારતનાં મોટા ભાગનાં પાત્રો છટકબારી તરીકે ધર્મનો ઉપયોગ કરી લે છે. ધર્મથી બંધાયેલા ભીષ્મ દ્રૌપદી સાથેના વ્યવહારનો વિરોધ નથી કરતા. ધર્મથી બંધાયેલા ધર્મરાજ ફરીથી જૂગટું રમવાની ના નથી પાડતા. આ સમયમાં ધર્મ નિયમોની બેડીઓ જેવો બની ગયો હતો એટલે કૃષ્ણએ પોતાના અવતારકાર્ય અંગે કહ્યું છે કે ધર્મ સંસ્થાપનાય, ધર્મની પુન:સ્થાપના માટે હું યુગે યુગે અવતાર લઉં છું. મહાભારતમાં બે વાક્યો વારંવાર કહેવાયાં છે : ‘યતો કૃષ્ણ તતો જય’ અને ‘યતો ધર્મ તતો જય’. મહાભારતકાળમાં ધર્મ કેટલો હાલકડોલક થઈ ગયો હશે કે એની પુન:સ્થાપના માટે કૃષ્ણે અવતાર લેવો પડ્યો. ફરીથી હવે, અત્યારે ધર્મ નામશેષ છે, સંપ્રદાયો જ સર્વોપરી છે. જેને આપણે ધર્મો તરીકે ઓળખીએ છીએ તેw હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, સિખ, બૌદ્ધ, જૈન, પારસી વગેરે હકીકતમાં સંપ્રદાયો છે. આપણે એવો ભ્રમ વિકસાવી લીધો કે નાના ફિરકા એટલે સંપ્રદાય અને મોટા ફિરકા એટલે ધર્મ. હકીકતમાં જેટલા ફિરકા છે તે તમામ સંપ્રદાય છે. ફાંટા એટલા સંપ્રદાય. સાચો ધર્મ પૂજા પદ્ધતિ, ઈશ્વરના નામકરણ, ગ્રંથો અને ઉપાસના-સ્થળોથી મુક્ત હોય.
ધારયતિ ઇતિ ધર્મ
ધારયતિ ઇતિ ધર્મ. મતલબ કે જેના આધારે બધું ટકી રહ્યું છે તે ધર્મ. ધર્મના આઠ પ્રકાર કહ્યા છે. યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ. આમાંના પ્રથમ ચાર પ્રકારનું આચરણ દંભ કરીને કરી શકાય છે, પાછળના ચાર માટે માણસે બદલાવું પડે છે. એમાં દંભ કે છેતરપિંડી શક્ય નથી.  વેદનો ધર્મ જ્ઞાનના સહારે ઊભેલો ધર્મ હતો અને જ્ઞાન-આધારિત હોવાથી સામાન્યજનો માટે દુષ્કર બનતો ગયો એટલે સ્મૃતિઓ રચાઈ. સ્મૃતિનો ધર્મ પણ દુર્બોધ લાગવાથી પુરાણો રચાયાં. પુરાણોમાં ધર્મ સ્થૂળ થયો. પુરાણોનો ધર્મ જ્ઞાનપ્રધાન નહીં, ભક્તિપ્રધાન છે.
  નારદે ભક્તિસૂત્રમાં કહ્યું છે, પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન કરાવે તે ધર્મ. વશિષ્ઠ મુનિ કહે છે, પિંડ અને બ્રહ્માંડનું ઐક્ય એટલે ધર્મ. શાંડિલ્ય કહે છે, ભક્તિભાવ સાથે પરમને પિછાણવો એ ધર્મ. શંકરાચાર્ય કહે છે, આત્માને જડમાંથી ચૈતન્યમાં લાવવો એ ધર્મ. પ્લેટો કહે છે, ઈશ્વરને જાણવો એ ધર્મ. સૉક્રેટિસના મતે વ્યાપકમાં વ્યાપકને જાણવો એ ધર્મ. ઍરિસ્ટોટલ કહે છે, આત્માને પૂર્ણ રીતે જાણવો એ ધર્મ. શ્લાવરમેકર નામનો એક વિદ્વાન ધર્મને પૂર્ણ પરાધીનતા કહે છે અને હેગલ નામનો અન્ય ફિલસૂફ પૂર્ણ સ્વાધીનતા કહે છે (બંને સાચા છે અને બંનેનો અર્થ એક છે). જેટલાં મસ્તિષ્ક એટલી વ્યાખ્યાઓ. વાસ્તવમાં ધર્મની કોઈ એક વ્યાખ્યા હોઈ પણ ન શકે. મને ગમતી ધર્મની એક વ્યાખ્યા પદ્મપુરાણે આપી છે : યથાર્થ જ્ઞાન કરાવે તે ધર્મ.

માધવપ્રિયસ્વામીએ ધર્મ અને સંપ્રદાય વિશે એક સરસ અવલોકન આપ્યું : ‘અધ્યાત્મ બીજ છે, ધર્મ વૃક્ષ છે અને સંપ્રદાયો એમની ડાળીઓ છે.’

ધર્મ અને ઇશ્વર

ખરો ધર્મ તો ઈશ્વરનો પણ મોહતાજ નથી. આપણે બંનેને કસોકસ જોડી દીધા છે એટલે ગરબડ થઈ છે. ધર્મની વિશાળ વ્યાખ્યામાં તો નાસ્તિક પણ ધાર્મિક છે. માધવસ્વામી સાથેની ચર્ચામાં એક મજાનો મુદ્દો પણ નીકળ્યો : હિન્દુ ધર્મમાં તો નાસ્તિક પણ હિન્દુ છે. જે ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો એ માણસ પણ હિન્દુ હોઈ શકે. આપણે કપિલ મુનિ કે ચાર્વાક જેવા નાસ્તિક મતવાદીઓને પણ ઋષિ ગણ્યા છે, હિન્દુ જ ગણ્યા છે. આવા સાંખ્યના આચાર્યોને પણ હિન્દુ ગણવાનો અર્થ જ એ થાય કે હિન્દુ ધર્મ પણ ઈશ્વરનો મોહતાજ નથી. એ દૃષ્ટિએ જોઈએ તો હિન્દુ સંપ્રદાયની વ્યાખ્યામાંથી બહાર નીકળીને ધર્મની વ્યાખ્યામાં પ્રવેશી જાય છે.

columnists kana bantwa