કાર-પાર્કિંગની સમસ્યાથી તમે પણ ત્રાસી ગયા છો?

02 August, 2021 11:17 AM IST  |  Mumbai | Ruchita Shah

પાર્કિંગમાંથી કાર કાઢવાની બાબતમાં મુંબઈગરાઓ પણ કંઈ ઓછા ટૅલન્ટેડ નથી. કાર-પાર્કિંગમાં માસ્ટરી ધરાવતા અને અહીંની પાર્કિંગની સમસ્યાથી કંટાળેલા લોકોના અનુભવો જાણીએ

મયૂર દવે

તાજેતરમાં ન્યુ યૉર્કમાં એક યુવાને ખીચોખીચ જગ્યામાં પાર્ક કરેલી ગાડી સિફતપૂર્વક બહાર કાઢી એનો વિડિયો વાઇરલ થયો છે. જોકે પાર્કિંગમાંથી કાર કાઢવાની બાબતમાં મુંબઈગરાઓ પણ કંઈ ઓછા ટૅલન્ટેડ નથી. કાર-પાર્કિંગમાં માસ્ટરી ધરાવતા અને અહીંની પાર્કિંગની સમસ્યાથી કંટાળેલા લોકોના અનુભવો જાણીએ

ઘરનીા જેમ ગાડી પણ હવે ઘણા લોકો માટે જરૂરિયાત બની ગઈ છે. જોકે મુંબઈ જેવા ગીચ શહેરમાં ગાડી હોવી એ ઘણીબધી રીતે પડકારજનક છે. પહેલાં તો મુંબઈના રસ્તાઓ, મુંબઈનો ટ્રાફિક અને મુંબઈની ગીચતાને કારણે ક્યાંય પણ જતાં પહેલાં ગાડી પાર્ક કરવા મળશે કે નહીં એ વિચારવાનું. કાર-પાર્કિંગની કુનેહને દર્શાવતો એક વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. ન્યુ યૉર્કના એક યુવાને આગળ અને પાછળ લગભગ અડીને ઊભી હોય એ‌ સ્થિતિમાંથી પોતાની કાર સ્માર્ટ્લી બહાર કાઢી હતી. ગાડીના શોખીન હોય છતાં કાર-પાર્કિંગની બાબત તેમને ત્રાસરૂપ લાગતી હોય એવા ઘણા લોકો તમે પણ જોયા જ હશે. કાર અને પાર્કિંગના આવા જ અનુભવો માટે કેટલાક પુરુષો સાથે અમે વાત કરી અને જે જાણવા મળ્યું એ અહીં પ્રસ્તુત છે. 
અજબ પાર્કિંગ છે અમારું
બોરીવલીના દૌલતનગર વિસ્તારમાં રહેતા રાહિલ ઝવેરીની કાર પાર્ક કરવાની આવડત છેલ્લાં ત્રણ વર્ષમાં સુધરી છે. એનું શ્રેય તેઓ તેમના જ બિલ્ડિંગમાં તેમને મળેલી પાર્કિંગ-સ્પેસને આપે છે. રાહિલ કહે છે, ‘પાર્કિંગ પણ એક આર્ટ છે. જો એ ન આવડે તો તમારી કે અન્યની ગાડી ઠોકી દેવાની પૂરેપૂરી સંભાવના રહે છે. અત્યારે જ્યાં રહેવા આવ્યો એ પહેલાં ગાડીના પાર્કિંગની બાબતમાં હું બહુ સિરિયસ નહોતો. જોકે અહીં મને જે પાર્કિંગ-સ્પેસ મળેલી એમાં સ્લોપ પર ગાડી સીધેસીધી ચડાવવી પડે અને એમાં પણ વચ્ચે એક ઝાડ આવે છે જેમાં પણ ગાડીને આજુબાજુમાં અથડાવાની પૂરેપૂરી સંભાવના રહે છે. ગાડી જો બહાર કાઢવી હોય તો પૂરેપૂરી રિવર્સમાં ગેટમાંથી બહાર કાઢવી પડે. શરૂઆતમાં મેં પણ એકાદ-બે વાર મારી જ ગાડીને ઠોકી દીધી હતી. એ પછી અમારે ત્યાંના સિક્યૉરિટી ગાર્ડે મને ટ્રિક શીખવાડી અને ધીમે-ધીમે હાથ બેસી ગયો. જોકે હમણાં ગયા અઠવાડિયે જ મારા એક મિત્રને ગાડી જોઈતી હતી. હું ઑફિસે હતો એટલે તેને કહ્યું કે ઘરેથી ચાવી લઈને કાઢી લે. 
મિત્રને પણ કાર ચલાવવાનો ખાસ્સો અનુભવ છે અને ઘણાં વર્ષોથી ડ્રાઇવ કરે છે. જોકે તે વીસથી પચ્ચીસ મિનિટ મથ્યો, પરંતુ ગાડી બહાર ન કાઢી શક્યો. છેલ્લે કંટાળીને ચાવી ઘરે આપીને રિક્ષામાં જ પોતાના કામ માટે ગયો.’
કાર ચલાવવાના શોખીન રાહિલના કેટલાક મિત્રો આના કરતાં પણ ભયંકર અનુભવ લઈ ચૂક્યા છે. તે કહે છે, ‘મારા છ મિત્રોનું ગ્રુપ સાપુતારા રોડ ટ્રિપ પર ગયેલું. એવામાં એક સરસ મજાનો રોડ લઈને કાર આગળ-આગળ ચલાવતા ગયા. રસ્તો એકદમ સાંકડો. એક બાજુ ખાઈ અને બીજી બાજુ પહાડ. છેલ્લે એક પૉઇન્ટ પર તેમણે જોયું કે રસ્તો પૂરો થઈ રહ્યો છે અને આગળ ખાઈ હતી. એટલે કે તેઓ ડેડ એન્ડ પર હતા. હવે રસ્તો એવો જોરદાર કે યુ ટર્ન તો શક્ય જ નહોતો. લગભગ દોઢ કિલોમીટર સુધી અધ્ધરશ્વાસે તેઓ રિવર્સમાં ગાડી ચલાવતા રહ્યા અને થોડીક જગ્યા મળી ત્યાં યુ ટર્ન લઈ લીધો. કારનો શોખ હોય અને ડ્રા‌ઇવિંગ જેમનું પૅશન હોય તેમને આવા એક હીં, અનેક અનુભવો થઈ ચૂક્યા હોય છે.’
પોતાની ગાડી કરતાં કૅબ વાપરું
કાંદિવલીમાં રહેતા અને પ્રિન્ટિંગનું કામ કરતા મયૂર દવેએ પોતાની કારનો ઉપયોગ ઘરથી ઑફિસ અને ઑફિસથી ઘર પૂરતો મર્યાદિત કરી દીધો છે. ઑફિસ પણ એટલા માટે કે બન્ને કાંદિવલીમાં જ છે. મયૂરભાઈ કહે છે, ‘ગાડી જરૂરિયાત હોવા છતાં એનો વપરાશ નાછૂટકે ઓછો કરી દીધો છે. એક નહીં અઢળક એવા અનુભવો થયા છે જેમાં ગાડીને કારણે ત્રાસદાયક પરિસ્થિતિમાં મુકાયા હોઈએ. આપણે ત્યાં પાર્કિંગ સાચું-ખોટું થાય એ વાત જવા દો, પણ પાર્કિંગ મળી જાય એ જ મોટી વાત છે. કદાચ વધુપડતું લાગે, પરંતુ હું તો કહીશ કે સદીઓથી મુંબઈના રસ્તાઓની બૂમાબૂમ ચાલુ છે. રસ્તાઓ સુધારવાના વાયદાઓ સેંકડો વાર થયા છે, પરંતુ સુધર્યા નથી. બીજું, પ્લાનિંગ વિના બનેલું શહેર હોવાને નાતે જ્યાં હોવું જોઈએ ત્યાં પાર્કિંગ નથી. હવે મારે જ્યાં જવું છે એના એક કિલોમીટરના રેડિયસમાં જો પાર્કિંગ ન આવતું હોય તો હું ગાડી ક્યાં પાર્ક કરું? કિલોમીટર પહેલાં પાર્ક કરીને પછી ચાલતો જાઉં આગળ? તો પછી ગાડીનો અર્થ શું? વ્યવસ્થા ક્યાં છે આમાં? છેલ્લાં થોડાંક વર્ષોથી તો જોકે મેં ગાડીને બદલે ભાડાની કૅબ કરવાનું જ શરૂ કરી દીધું છે.’
આવું શું કામ કર્યું એની પાછળનું કારણ આપતાં મયૂરભાઈ કહે છે, ‘પાર્કિંગની બાબતે સૌથી વધુ ત્રાસ થયો હતો એ કિસ્સો તમને કહું. એક હોટેલમાં એક સંબંધીના વેડિંગના પ્રસંગમાં ગયો હતો. ત્યાં વેલે પાર્કિંગ હતું. ચાવી તમારે એ હોટેલના કર્મચારીને આપવાની હોય જે તમારા વતી કાર પાર્ક કરી આવે. અમે એમ જ કર્યું. લગભગ દોઢેક કલાક પછી પાછા આવ્યા તો પેલી વ્યક્તિ જેણે કાર પાર્ક કરી હતી એની શિફ્ટ પૂરી થઈ હોવાને કારણે તે ઘરભેગી થઈ ગઈ હતી. તેના બદલે જે વ્યક્તિ હતી તેને મારી ગાડી જ ન મળે. લગભગ અડધો કલાક તો મેં શાંતિથી રાહ જોઈ, પણ કોઈ જવાબ નહીં. જેણે ગાડી પાર્ક કરી હતી તેને આ લોકો ફોન લગાવી રહ્યા હતા, પણ સામેથી કોઈ ફોન ન ઉપાડે. અડધો કલાક પછી મારો પિત્તો ગયો. પોલીસની ધમકી વગેરે આપી એ પછી તેમણે શોધખોળમાં ઝડપ કરી. જોકે એ પછી પણ એક કલાકે છેક દોઢ કિલોમીટર દૂર સૂમસામ જગ્યાએ પાર્ક કરેલી મારી ગાડી મળી અને મને ચાવી હાથમાં આપી. આવી અંધારી ગલીમાં પાર્ક થયેલી કાર તૂટે કે એમાંથી કોઈ સામાનની ચોરી થાય તો જવાબદારી કોની એનો તેમની પાસે કોઈ જવાબ નહોતો. જોકે આ હૉરિબલ ઇન્સિડન્ટ પછી મેં નક્કી કર્યું કે બહાર જવું હોય, ફરવા જવું હોય તો ઘરની ગાડી નહીં પણ ભાડાની ગાડી જ લેવાની જેથી પાર્કિંગમાં મગજમારી ન થાય.’

 આપણે ત્યાં પાર્કિંગ સાચું-ખોટું થાય એ વાત જવા દો, પણ પાર્કિંગ મળી જાય એ જ મોટી વાત છે. મારે જ્યાં જવું છે એના એક કિલોમીટરના રેડિયસમાં જો પાર્કિંગ ન આવતું હોય તો હું ગાડી ક્યાં પાર્ક કરું?  

આમણે તો કંટાળીને ગાડી જ વેચી દીધી

‘સી’ વૉર્ડની ગીચતાથી તો લગભગ દરેક મુંબઈકર વાકેફ જ છે. આખી જિંદગી ભુલેશ્વર પાસેની ફણસવાડીમાં કાઢનારા ભરત વીરજી શાહ આનાથી અજાણ્યા નથી. ભરતભાઈ તો ટ્રાફિક અને પાર્કિંગની અવ્યવસ્થાથી એવા ત્રાસ્યા હતા કે તેમણે છેલ્લે કંટાળીને ગાડી જ વેચી નાખી. ન વેચું તો શું કરું એવા મનના આક્રોશને વ્યક્ત કરતાં ભરતભાઈ કહે છે, ‘રોજ પાર્કિંગને લઈને સમય બગાડવાનો અને ખોટું પાર્કિંગ કરવા માટે ટેવાયેલા લોકો સાથે બોલાચાલીમાં પડવાનું. આખા દિવસને બગાડવાનો. ‘સી’ વૉર્ડ આખો ગીચ એરિયા છે. ચાલવા માટે પણ જગ્યા નથી ત્યાં ગાડી ચલાવવાનું કામ જ અઘરું અને એમાં પણ લોકો ખોટી રીતે પાર્ક કરીને જતા રહે એટલે આપણે તેમની ગાડી નીકળે ત્યાં સુધી રાહ જોવાની. ગાડીવાળાની જેમ ટૂ-વ્હીલરવાળા તો તેમનાથીયે બદતર રીતે પાર્કિંગ કરવા માટે વિશેષ કૌશલ ધરાવે છે. અહીં રહેવાને કારણે અગડમ્-બગડમ્ સ્થિતિમાં ઊભી હોય એ પછી પણ ગાડીને બહાર કાઢવાની આવડત મારામાં પણ આવી ગઈ, પરંતુ એ ધીરજ ખૂટી એટલે ગાડી વેચી કાઢી. ઓલા, ઉબર જેવી અઢળક કૅબ-સર્વિસ છે. એમને જરૂર હોય ત્યારે બોલાવી લેવાના. કોણ આ રોજની મગજમારીમાં પડે? હકીકત કહું છું કે ન્યુ યૉર્કના જે વિડિયોની તમે વાત કરો છો એવા વિડિયો ‘સી’ વૉર્ડમાં તો રોજેરોજ તમને લાઇવ જોવા મળશે.’

columnists ruchita shah