ટુ સર, વિથ લવ: પ્રોફેસરનો ઇમ્તિહાન

15 January, 2022 01:01 PM IST  |  Mumbai | Raj Goswami

જેમ ‘ટુ સર, વિથ લવ’ સિડની પૉટ્યરની કારકિર્દીમાં એક માઇલસ્ટોન ફિલ્મ ગણાય છે એવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે

વિનોદ અને તનુજા

જેમ ‘ટુ સર, વિથ લવ’ સિડની પૉટ્યરની કારકિર્દીમાં એક માઇલસ્ટોન ફિલ્મ ગણાય છે એવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’, ૧૯૭૩માં આવેલી ગુલઝારની ‘અચાનક’ અને ૧૯૭૪માં આવેલી મદન સિંહાની ‘ઇમ્તિહાન’

હૉલીવુડની ફિલ્મોના અશ્વેત હીરોમાં દંતકથા બની ગયેલા સિડની પૉટ્યરનું ૭મી જાન્યુઆરીએ ૯૪ વર્ષની વયે બહામાસમાં અવસાન થઈ ગયું. ૧૯૬૪માં ‘લિલીઝ ઑફ ધ ફીલ્ડ’ નામની ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ઑસ્કર અવૉર્ડ જીતનારો સિડની પહેલો અશ્વેત અભિનેતા હતો. 
એક અભિનેતા તરીકે નાગરિકતા અધિકાર અંદોલન દરમિયાન સિડનીએ એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે અમેરિકામાં નસ્લભેદને લઈને તનાવની સ્થિતિ હતી ત્યારે સિડનીએ કટ્ટરતા અને રૂઢિવાદને પડકારતી ફિલ્મોમાં કામ કર્યું હતું. એમાં ૧૯૬૭માં આવેલી ‘ગેસ હુ’ઝ કમિંગ ટુ ડિનર’ અને ‘ઇન ધ હીટ ઑફ ધ નાઇટ’ મહત્ત્વની ફિલ્મો હતી.
એ જ વર્ષે તેની ત્રીજી એક મહત્વની ફિલ્મ ‘ટુ સર, વિથ લવ’ આવી હતી. એ ફિલ્મમાં સામાજિક અને નસલીય મુદ્દાઓથી ખદબદતી લંડનની એક સ્કૂલમાં ભણતા ઉદ્દંડ છોકરાઓને એક આદર્શવાદી શિક્ષક કેવી રીતે સીધા રસ્તે લાવે છે એની કહાની હતી. એ ફિલ્મમાં ‘ટુ સર, વિથ લવ’ નામનું થીમ સૉન્ગ ગાનારી સ્કૉટિશ ગાયિકા લુલુ કહે છે, ‘સિડની મારા મિત્ર, મારા શિક્ષક અને મારા પ્રેરણામૂર્તિ હતા.’
આપણે ત્યાં અને બહાર શિક્ષકોના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બને છે. ‘ટુ સર, વિથ લવ’ એવી એક અનોખી ફિલ્મ હતી જેમાં સિડનીએ એક સંવેદનશીલ શિક્ષક તરીકે સ્કૂલના વિદ્યાર્થીઓ અને અભિનેતા તરીકે દર્શકોનો આદર મેળવ્યો હતો. 
એ ફિલ્મ પ્રેમમાં પડી જવાય એવી હતી. આપણો વિનોદ ખન્ના પણ પડી ગયો હતો. તેની ‘ઇમ્તિહાન’ યાદ છે? જો ફિલ્મ યાદ ન હોય તો કિશોરકુમારનું સદાબહાર ગીત ‘રુક જાના નહીં, તૂ કહીં હાર કે’ તો યાદ હશે જ. ‘ઇમ્તિહાન’નું એ ગીત એટલું જ લોકપ્રિય થયું હતું જેટલું ‘ટુ સર, વિથ લવ’ થયું હતું. ૧૯૭૪માં આવેલી અને તામિલ ફિલ્મ ‘નૂતૃક્કુ નૂરુ’ની રીમેક, ‘ઇમ્તિહાન’નો મૂળ પ્રેરણાસ્રોત સિડની પૉટ્યરની ‘ટુ સર, વિથ લવ’ હતી. જેમ ‘ટુ સર, વિથ લવ’ સિડની પૉટ્યરની કારકિર્દીમાં એક માઇલસ્ટોન ફિલ્મ ગણાય છે એવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’, ૧૯૭૩માં આવેલી ગુલઝારની ‘અચાનક’ અને ૧૯૭૪માં આવેલી મદન સિંહાની ‘ઇમ્તિહાન’.
‘દસ નંબરી’, ‘રાજા જાની’, ‘શરાફત’, ‘રાત ઔર દિન’ અને ‘બંદિશ’ જેવી ફિલ્મોમાં સિનેમૅટોગ્રાફી કરનાર મદન સિંહાએ બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; નૂતન અને મોહનીશ બહલની ‘યહ કૈસા કર્ઝ’ અને વિનોદની ‘ઇમ્તિહાન’.
આપણે ત્યાં સ્કૂલ-કૉલેજના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે અને એમાંય વિદ્યાર્થીઓના જીવનની સંવેદનશીલતા અને શિક્ષકના બોધપાઠ વચ્ચેના નાજુક સંબંધને ઉજાગર કરતી હોય એવી ફિલ્મો તો એથીયે ઓછી છે. થોડાં નામો : સત્યેન બોઝ નિર્દેશિત, અભિ ભટ્ટાચાર્ય અભિનીત ‘જાગૃતિ’ (આઓ બચ્ચોં તુમ્હે દિખાએં ઝાંખી હિન્દુસ્તાન કી...), રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ (ઇચક દાન બિચક દાના...), શમ્મી કપૂરની ‘પ્રોફેસર’ (આવાઝ દે કે હમેં બુલા લો...), ગુલઝાર-જિતેન્દ્રની ‘પરિચય’ (મુસાફિર હૂં યારોં, ના ઘર હૈ ના ઠિકાના...), મહેશ ભટ્ટ-નસીરુદ્દીન શાહની ‘સર’ (આજ હમને દિલ કા કિસ્સા તમામ કર દિયા...) અને આમિર ખાનની ‘તારે ઝમીન પર’ (દેખો ઇન્હેં યે હૈ ઓસ કી બુંદેં...)
આ બધામાં ‘ટુ સર, વિથ લવ’ની પ્રેરણાને ભૂલી જઈએ તો પણ ‘ઇમ્તિહાન’ ઘણાબધા અર્થમાં કૉલેજની વાસ્તવિકતાને મૌલિક રીતે પેશ કરવામાં સફળ રહી હતી. એ વર્ષે બૉક્સ-ઑફિસ પર તોતિંગ ફિલ્મોની સ્પર્ધા હતી. જેમ કે મનોજકુમારની ‘રોટી, કપડાં ઔર મકાન,’ રાજેશ ખન્નાની ‘પ્રેમ નગર,’ ‘આપ કી કસમ’ અને ‘રોટી,’ અમિતાભની ‘મજબૂર,’ દેવ આનંદની ‘અમીર ગરીબ,’ શશી કપૂરની ‘ચોર મચાએ શોર’ અને ધર્મેન્દ્રની ‘દોસ્ત.’ એ બધા વચ્ચે ‘ઇમ્તિહાન’એ પહેલા નંબરે ઇમ્તિહાન પાસ કર્યો હતો! 
એની વાર્તા કંઈક આવી હતી : પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના) એક સમૃદ્ધ બિઝનેસમૅન (મુરાદ)નો આદર્શવાદી દીકરો છે. સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાથી તે પિતાનો ધંધો સંભાળવાને બદલે આદર્શ મહાવિદ્યાલય નામની કૉલેજમાં ઇતિહાસ ભણાવવાનું કામ સ્વીકારે છે. પ્રમોદનું કામ એટલે અઘરું છે, કારણ કે ત્યાંના વિદ્યાર્થીઓ તોફાની અને અસભ્ય છે. છોકરાઓનો નેતા રાકેશ (રણજિત) છે. ક્લાસમાં પહેલા જ દિવસે રાકેશ તોફાન કરે છે અને પ્રમોદ તેનું સખત અપમાન કરે છે. 
પ્રમોદ છોકરાઓને સુધારવા પ્રયાસ કરે છે. એમાં કૉલેજના ચૅરમૅનની દીકરી રિટા (બિન્દુ) પ્રોફેસર તરફ આકર્ષાય છે. બીજી બાજુ, પ્રમોદનો ભેટો કૉલેજના પ્રિન્સિપાલની અપંગ દીકરી મધુ (તનુજા) સાથે થાય છે. મધુ એક પાઇલટના પ્રેમમાં હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ વિમાન અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું. એ આઘાતમાં મધુ ઘરની સીડીઓ પરથી ગબડી પડી હતી અને તેનો એક પગ કાયમ માટે તૂટી ગયો હોય છે.
પ્રમોદ મધુના જીવનમાં પ્રેરણા અને સકારાત્મકતા લાવે છે એટલે મધુ તેના પ્રેમમાં પડે છે. રીટાને બન્નેનો સંગાથ પસંદ નથી એટલે તે ઈર્ષ્યામાં આવીને પ્રમોદ પર જાતીય સતામણીનો આરોપ મૂકે છે. રાકેશ એમાં રીટાને સાથ આપે છે. કૉલેજના વિદ્યાર્થીઓને અચ્છા ઇન્સાન બનાવવા આવેલા પ્રોફેસર પ્રમોદના કૅરેક્ટરનો જ ઇમ્તિહાન શરૂ થાય છે. તેને હવે સર્વેની નજરમાં નિર્દોષ સાબિત થવાનું હોય છે. એમાં તે પાર ઊતરે છે અને ફિલ્મના અંતે મધુ સાથે જીવન વિતાવવા માટે તે કૉલેજ છોડીને ચાલ્યો જાય છે. 
રીટા અને મધુ જ નહીં, દર્શકો પણ આ પ્રોફેસરના પ્રેમમાં પડી ગયા હતા. ઊંચો-પડછંદ વિનોદ ખન્ના કાળી ફ્રેમનાં ચશ્માં અને કોટ-ટાઇમાં સાચે જ આકર્ષક પ્રોફેસર લાગતો હતો. રાજ કપૂર, દિલીપકુમાર, દેવ આનંદ અને રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન વચ્ચે વિનોદ ખન્ના સૅન્ડવિચ થઈ ગયો એટલે બાકી તેનામાં સ્ટારડમ અને ઍક્ટિંગ બન્નેનું જબરદસ્ત મિશ્રણ હતું. એ સંસ્કારી પણ એટલો જ હતો. એટલે જ બૉલીવુડની ઉંદર-દોડથી ત્રાસીને મનની શાંતિ માટે રજનીશની આશ્રમમાં જતો રહ્યો હતો. તેની સહકલાકાર તનુજા એક જગ્યાએ કહે છે, ‘એ આલતુ-ફાલતુ નહોતો. તેની વાતોમાં કચરો નહોતો. માનસિક રીતે મળતો આવતો હોય તેવા સહકલાકાર સાથે સંવાદ કરવાની અલગ જ મજા છે.’
‘ઇમ્તિહાન’ની બીજી યાદગાર ચીજ તેનું ગીત ‘રુક જાના નહીં તૂ કહીં હાર કે’ હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતમાં એમ તો લતા મંગેશકરના કંઠે ગવાયેલું શૃંગારરસથી ભરપૂર ‘રોઝ શામ આતી થી મગર ઐસી ન થી’ પણ બેહદ મધુર હતું, પણ કિશોરકુમારના અવાજમાં ગવાયેલું મોટિવેશનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કિશોરનાં ઘણાં ગીતો બેહદ પ્રેરણાદાયી સાબિત થયાં છે. એમાં આ તો વિશેષ હતું, કારણ કે એમાં જીવનના વિવિધ સંઘર્ષોમાં થાક્યા-હાર્યા વગર આગળ વધતા રહેવાની વાત હતી.
ગીત એકદમ સાદું હતું, પણ શ્રોતાઓને એમાં ખુદની જિંદગી નજર આવતી હતી એટલે એ પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યું છે. શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપુરી મોટા ભાગે સામાજિક નિસબતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાન’માં તેમણે જીવનની અત્યંત વ્યક્તિગત ફિલોસૉફી પેશ કરીને ચાહકોને અચંબિત કરી દીધા હતા. 
ફિલ્મની શરૂઆત પ્રમોદ કૉલેજ જૉઇન કરવા માટે જતો હોય છે ત્યાંથી થતી હોય છે. તે અમીર બાપની ઇચ્છા વિરુદ્ધ તેમની દોલતને ઠુકરાવીને ૫૦૦ રૂપિયાની નોકરી કરવા નીકળ્યો હોય છે. પ્રમોદ કહે છે, ‘મૈં કિસી ભી ઐસે પેડ કી છાયા મેં નહીં રહ સકતા જિસકી છાયા મુઝે ધૂપ સે દૂર રખને કે બજાય ઉજાલોં સે દૂર રખે.’ 
બાપ તેને રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રમોદ ઘર છોડીને નીકળી જાય છે. તેની પીઠ પાછળ બાપ બોલે છે, ‘રુક જાઓ, પ્રમોદ... લૌટ આઓ, બેટે.’
એ ઓપનિંગ દૃશ્યમાં વિનોદ ખન્ના મહાભારતના અર્જુન જેવો લાગે છે, જેની પીઠ પાછળ બાપનું આક્રંદ છે અને જેની નજર સામે આદર્શ મહાવિદ્યાલયનો રસ્તો છે. એમાં મજરૂહ સુલતાનપુરી જાણે અર્જુનના કૃષ્ણ હોય એમ લખે છે :

સાથી ન કારવાં હૈ
યે તેરા ઇમ્તિહાં હૈ
યૂં હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંઝિલ તુઝકો ઇશારે
દેખ કહીં કોઈ રોક નહીં લે તુઝ કો પુકાર કે
ઓ રાહી, ઓ રાહી...

મજરૂહ સુલતાનપુરી મોટા ભાગે સામાજિક નિસબતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાન’માં તેમણે જીવનની વ્યક્તિગત ફિલોસૉફી પેશ કરીને અચંબિત કરી દીધા હતા.

જાણ્યું-અજાણ્યું...

 ફિલ્મના નિર્દેશક મદન સિંહા ફિલ્મની રિલીઝ પહેલાં જ અવસાન પામ્યા હતા
 ફિરોઝ ખાને પણ ‘ટુ સર, વિથ લવ’ પરથી ‘અન્જાન રાહેં’ નામની ફિલ્મ બનાવી હતી 
 ‘રુક જાના નહીં’ ગીત ફિલ્મમાં ત્રણ વખત આવે છે
 વિનોદ ખન્ના અને તનુજાએ આ એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું
 પૂરી ફિલ્મનું શૂટિંગ નાશિક પાસે દેવલાલીમાં થયું હતું
 બિન્દુને આ ફિલ્મમાં બેસ્ટ સહાયક ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો

columnists raj goswami