આ સાયન્ટિસ્ટે બૅક્ટેરિયાથી બચાવે એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

21 September, 2021 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેમિસ્ટ્રીમાં ડૉક્ટરેટ કરનારાં વિલે પાર્લાનાં ડૉ. પ્રેરણા ગોરડિયાનું લક્ષ્ય છે હાનિકારક કેમિકલનો ઉપયોગ બને એટલો ટાળીને કુદરતનું સંવર્ધન અને લોકોની સુરક્ષા થાય. તેમના આઇડિયાને પ્રતિસાદ પણ સારો મળ્યો છે

ડૉ. પ્રેરણા ગોરડિયા

ગુજરાતી મહિલાઓ વિજ્ઞાનમાં રસ ધરાવે અને એમાં સફળ કારકિર્દી પણ બનાવે એવા કિસ્સાઓ તમને પ્રમાણમાં ઓછા જોવા મળશે. વિલે પાર્લેમાં રહેતાં ડૉ. પ્રેરણા ગોરડિયા એ રીતે ઘણી મહિલાઓ માટે પ્રેરણારૂપ હતાં જ. જોકે મહિલાઓને ઇન્સ્પાયર્ડ કરી શકે એવી બીજી એક મહત્ત્વની સિદ્ધિ તેમણે હાંસલ કરી છે. હસબન્ડના સપોર્ટથી તેમણે પોતાની એક કંપની શરૂ કરી છે જે એન્વાર્યમેન્ટ ફ્રેન્ડ્લી પ્રોડક્ટ બનાવે છે. કેમિકલના તેમના નૉલેજનો ઉપયોગ કરીને બૅક્ટેરિયા, ફંગસ વગેરેથી બચાવી શકાય એવી નૉન-હાર્મફુલ ટેક્નૉલૉજી તેમણે શોધી છે અને એના પર તેમણે નાના પાયે કામ પણ શરૂ કરી દીધું છે. એક્સપોઝરમી પ્રાઇવેટ લિમિટેડ-આ નામ હેઠળ તેમણે શરૂ કરેલી કંપની મૂળભૂત રીતે શું કામ કરે છે અને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા પ્રેરણાબહેનને કેવી રીતે મળી એ વિશે વાત કરીએ.

નેચર માટે પ્રેમ

મુંબઈમાં જ જન્મેલાં, ઊછરેલાં પ્રેરણા સોંથાલિયાએ બાવીસ વર્ષની ઉંમરે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં જઈને કેમિસ્ટ્રી વિષયમાં પીએચડીની ડિગ્રી લીધી છે. એ પછી ઘણી ઇન્ટરનૅશનલ કંપનીઓમાં તેમણે એક્સપર્ટ ઍડ્વાઇઝર તરીકે કામ કર્યું. એક અમેરિકન કંપનીના આઇઆઇટી મુંબઈમાં ચાલતા પ્રોજેક્ટને તેઓ લીડ કરી રહ્યાં હતાં અને લગભગ એક ડઝનથી વધારે પીએચડી ડૉક્ટરોની ટીમ હતી. તેઓ કહે છે, ‘વિજ્ઞાનમાં પહેલેથી જ રસ અને કેમિસ્ટ્રી હંમેશાં મને તાજ્જુબ પમાડનારો વિષય લાગ્યો છે. જોકે અત્યાર સુધી કેમિસ્ટ્રીના માધ્યમે કેમિકલ્સનો દુરુપયોગ થતો હોય એ પણ હું જોઈ શકતી હતી. આપણા શરીરને, આપણા એન્વાયર્નમેન્ટને હાનિકારક નીવડે એવાં કેમિકલ્સનો ઉપયોગ ન થાય અને નેચરફ્રેન્ડ્લી કેમિકલ્સથી કામ લઈ શકાય એ વિષય પર જાતે-જાતે ખૂબ શોધખોળ કરવાના પ્રયાસ કર્યા છે. નસીબ એટલું સારું કે મારા વર્ક પ્રોફાઇલને કારણે ઘણા નિષ્ણાત અને વિદ્વાન સ્તરના રિસર્ચરો સાથે પણ કામ કરવાનો અવસર મળ્યો. મટીરિયલ સાયન્સ, લાઇવ સાયન્સ, એનર્જી સાયન્સ, થ્રી-ડી પ્રિન્ટિંગ જેવા અઢળક વિષય પર કામ કર્યું. મારો સૌથી પહેલો પ્રયાસ આપણે જે પાણી પી રહ્યા છીએ એમાં બૅક્ટેરિયાનું પ્રમાણ માપી શકે એ પ્રકારના સેન્સર બનાવવાનો હતો. એમાં પૅન્ડેમિકે દસ્તક આપતાં કામ થોડા સમય માટે અટકી ગયું, પછી રિયલાઇઝ થયું કે આ જ તો શ્રેષ્ઠ સમય છે આ પ્રકારની ટેક્નૉલૉજીને વિકસાવવાનો. ફંગસ, વાઇરસ, બૅક્ટેરિયા જેવા કેટલાક માઇક્રોબ્સ છે જેના પર હવે ઍન્ટિબાયોટિક પણ કામ નથી કરી રહી. આ પ્રકારના જીવાણુઓ મોટા ભાગનાં ઇન્ફેક્શન અને એની સાથે સંકળાયેલા રોગો માટે જવાબદાર છે. વિજ્ઞાન પાસે એ જવાબ હું શોધી રહી હતી કે એ ઉત્પન્ન જ ન થાય એવુ તેમના માટે નેગેટિવ એન્વાયર્નમેન્ટ ક્રીએટ કરી શકાય ખરું? ઍન્ટિ-માઇક્રોબિયલ્સ ટેક્નૉલૉજીનું સર્જન આ જ વિચાર પરથી થયું છે.’

ભારતીય જીવનશૈલી મૂળમાં

નાનપણથી પર્યાવરણ માટે કંઈક કરવાનો વિચાર હતો જ. એમાંથી જ તેમને આ સ્ટાર્ટઅપ આઇડિયા સ્ફુર્યો. એમાં તેમણે આપણી પ્રાચીન પદ્ધતિને ધ્યાનમાં લીધી. ડૉ. પ્રેરણા કહે છે, ‘ઍન્ટિમાઇક્રોબિયલ્સના વિજ્ઞાનને આપણી પ્રાચીન પદ્ધતિમાં સદીઓથી ફૉલો કરાય છે. જેમ કે તાંબું, પિત્તળ, કાંસું જેવી ધાતુ આપણે ત્યાં પરંપરામાં વર્ષોથી વપરાતી આવી છે એની પાછળનાં વિવિધ કારણોમાંથી એક કારણ એની ઍન્ટિ- બૅક્ટેરિયલ ક્વૉલિટી પણ છે. બહુ જ સૂક્ષ્મ સ્તરે આ પ્રકારની ધાતુના અમુક કણોનું રાસાયણિક પ્રક્રિયાના માધ્યમે કન્વર્ઝન કરીને એમાંથી કેટલીક પ્રોડક્ટ તૈયાર કરી છે. આ પ્રોડક્ટ અને ટેક્નૉલૉજીની ઇફેક્ટિવનેસનો ભારતની ટૉપ લૅબોરેટરીમાંથી વૅલિડેશન પણ લીધું છે. આ ટેક્નૉલૉજી બૅક્ટેરિયાના ગ્રોથને રોકે, એને જન્મવા જ ન દે જેથી વસ્તુઓ બગડે નહીં, ખાવાપીવાની વસ્તુઓ લાંબા સમય સુધી ટકે, ચામડામાંથી કે કપડામાંથી દુર્ગંધ ન આવે, એસી અને કૂલરમાં નાખો તો હવાને બૅક્ટેરિયા-ફ્રી રાખે. એ સિવાય આઇઆઇટી મુંબઈમાં છેલ્લાં વીસ કરતાં વધારે વર્ષથી રિસર્ચ કરી રહેલા ડૉ. મુખરજી નામના એક રિસર્ચરે પોતાના વર્ષોના સંશોધન પછી કોઈ પણ લિક્વિડમાં રહેલા બૅક્ટેરિયાના પ્રમાણને સેન્સર દ્વારા જાણી શકાય એ પ્રકારની ટેક્નૉલૉજી ડેવલપ કરી છે. અત્યારે બૅક્ટેરિયાનું કન્ટેમિનેશન જાણવા માટે કલ્ચરિંગ કરવું પડે એ એક જ પદ્ધતિ છે. આ સેન્સરથી તરત જ કન્ટેમિનેશનનું લેવલ જાણી શકશે. હવે આ પ્રોડક્ટને માર્કેટમાં લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’

તાંબું, પિત્તળ, કાંસું જેવી ધાતુ આપણે ત્યાં વર્ષોથી વપરાય છે એનું એક કારણ એની ઍન્ટિ- બૅક્ટેરિયલ ક્વૉલિટી પણ છે.

હાનિકારક બૅક્ટેરિયાથી રક્ષણ મેળવવા માટે આપણે હાનિકારક કેમિકલ્સ તરફ વળ્યા. જોકે હવે એ બૅક્ટેરિયાને જન્મવા જ ન દે એવી ટેક્નૉલૉજીને અપનાવવાનો સમય છે.

- ડૉ. પ્રેરણા ગોરડિયા

હાર્મલેસ હાઇજીન

ડૉ. પ્રેરણાને બે સંતાનો છે. પરિવારનું પણ ધ્યાન રાખી શકે એ માટે તેમણે પોતાના ઘરથી દસ મિનિટના અંતરે જ પોતાની કેમિસ્ટ્રી લૅબ બનાવી છે. મલ્ટિપલ જવાબદારીઓ સાથે નિભાવતાં તેઓ કહે છે, ‘ટેક્નૉલૉજીથી જીવનને બદલી શકાય છે. જીવનશૈલીને સુધારી શકાય છે. હાઇજીન પણ હાર્મલેસ હોય એ અમારું ધ્યેય છે. ભારત જેવા પૉપ્યુલેશનની દૃષ્ટિએ વિશાળ દેશમાં તો ટેક્નૉલૉજીથી જ જનજીવનનું સ્તર ઊંચું લાવવાનો એક પર્યાય છે. અત્યારે અમારી પાસે લગભગ પંદર પેટન્ટ છે. આ ટેક્નૉલૉજી માટે ઘણી મલ્ટિનૅશનલ કંપનીએ અમારો અપ્રોચ કર્યો છે. અત્યારે પોતાના સેવિંગ્સ પર જ આખું કામ શરૂ કર્યું છે એટલે સેલ્સ વિના કંપનીને આગળ વધારવી મુશ્કેલ છે જેથી અમુક પેટન્ટના રાઇટ્સ કંપનીઓને આપ્યા છે. પરંતુ ભારત માટેના રાઇટ્સ નથી આપ્યા. અમુક પ્રોડક્ટ્સ એવી છે જેને ભારતીય જનતા માટે મિનિમમ દરે મળે એવા પ્રયાસો ભવિષ્યમાં કરવાના છે. એ સિવાય અત્યારના કૉમ્પિટિટિવ વર્લ્ડમાં ઓછી કૅપિટલમાં મોટું કામ કરવું અઘરું છે. સેલ્સ અને માર્કેટિંગનું બજેટ નહીં હોવાથી ધીમે-ધીમે ગાડી પાટે ચડી રહી છે. જ્યારે ઇચ્છાશક્તિ મજબૂત હોય ત્યારે રસ્તાઓ આપમેળે નીકળી જતા હોય છે એ બાબત ડગલે ને પગલે મેં મારા જીવનમાં જોઈ છે. મને યાદ છે કે બાવીસ વર્ષની ઉંમરે હું ભારતથી અમેરિકા એકલી જઈ રહી હતી ભણવા માટે ત્યારે મારી પાસે માત્ર ૫૦૦ ડૉલરની મૂડી હતી. એ પછી પણ હું ત્યાં રહી, પીએચડીની ડિગ્રી મેળવી. ઘણીબધી સ્કૉલરશિપના આધારે ભણી. અત્યારે પણ અમારી ટેક્નૉલૉજી અને આઇડિયાથી જ ટકી જઈશું એ વિશ્વાસ છે. ૪૨ની ઉંમરે આટલું મબલક ઇન્વેસ્ટમેન્ટ માગી લેતી કંપની શરૂ કરવાનો વિચાર અને એ પણ અત્યારના લોકો સમજી ન શકે એ પ્રકારની ટેક્નૉલૉજિકલ બાબતમાં વેન્ચર કરવું અઘરું હતું. લોકો માટે હાસ્યાસ્પદ બાબત હતી. જોકે એક વર્ષમાં જે સ્તર પર પહોંચ્યા છીએ એ મારી કલ્પના કરતાં તો વધુ બહેતર છે. એટલે જ હું ક્યારેય હાર નથી માનતી અને મારી દૃષ્ટિએ દરેક મહિલા હોય કે પુરષ, પોતાની અંદરની શક્તિ અને તીવ્ર ઇચ્છાશક્તિને ક્યારેય સેકન્ડ પ્રાયોરિટીમાં ન રાખવી. તો જ અને તો જ જીત તમારાં કદમ ચૂમશે.’

columnists ruchita shah