આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો આવો ઉપયોગ કોઈએ નહીં કર્યો હોય

11 August, 2023 05:33 PM IST  |  Mumbai | Ruchita Shah

તમારા બિઝનેસનો સૌથી મહત્ત્વનો સેગમેન્ટ એટલે સેલ્સ બરાબર? ધારો કે આ સેલ્સ માટે તમારી ટીમને ટ્રેઇન કરનારું કોઈ મળી જાય, માર્કેટમાં તમારો કર્મચારી પગ મૂકે એ પહેલાં જ તેની મજબૂત તૈયારી થઈ ગઈ હોય તો?

હર્ષલ શાહ અને રાહુલ ઘાટલિયા

જુહુમાં રહેતા હર્ષલ શાહ અને ઘાટકોપરના રાહુલ ઘાટલિયાએ કસ્ટમર બનીને તમારા કર્મચારીઓને ટ્રેઇન કરી શકે એવું AI બેઝ્ડ સ્ટાર્ટઅપ કર્યું છે. ફાર્મા અને ફાઇનૅન્સ કંપનીઓએ એનો સફળ પરિણામ સાથે ઉપયોગ પણ શરૂ કરી દીધો છે

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દુનિયા દિન દોગુના અને રાત ચોગુના વિકસી રહી છે. કોઈ પણ કામને સ્માર્ટ્લી કરવાની તક પૂરી પાડતી આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર એની સફળતાનો આધાર રહે છે. જોકે ગુજરાતી તરીકે આપણને પ્રાઉડ થાય એવું એક અનોખું સ્ટાર્ટઅપ મુંબઈના બે ગુજરાતી યુવાનોએ શરૂ કર્યું છે. ભલભલા બિઝનેસમૅનની આંખોમાં ચમક ઉમેરીને તેમના ધંધાને વ્યાપક બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી શકનારું અનોખું સ્ટાર્ટઅપ AI ટેક્નૉલૉજી બેઝ્ડ છે અને એનું નામ છે ‘અવેરોથૉન’. કંપનીઓના સેલ્સ પર પૉઝિટિવ ઇમ્પૅક્ટ પાડતું આ સ્ટાર્ટઅપ શું છે અને કેવી રીતે એનું નામ આવું કેવું છે? કઈ રીતે આવનારાં વર્ષોમાં સેલ્સ ટ્રેઇનિંગમાં ટેક્નૉલૉજીના સંગમથી ક્રાન્તિ લાવી શકનારું છે એ જાણીએ આજે.

અપ ટુ ડેટ તૈયાર

એક સવાલનો જવાબ આપો કે કોઈ પણ કંપનીનો કમાઉ દીકરો કોને ગણવામાં આવે? જવાબ સરળ છે, સેલ્સ એક્ઝિક્યુટિવ; કારણ કે એ ધંધામાં પૈસા લાવે. મૅન્યુફૅક્ચરિંગ યુનિટ માટે માલિકે કંપનીએ પૈસા ખરચવા પડે પરંતુ મૅન્યુફૅક્ચર થયેલો માલ અથવા તો ડિઝાઇન થયેલી સર્વિસ જો વેચાય નહીં તો એ કામ આગળ જ ન વધે. હાર્વર્ડમાં ભણેલા, ઍડ્વોકેટ હોવાની સાથે કૉર્પોરેટ સેગમેન્ટમાં લાંબો અનુભવ લેનારા હર્ષલ શાહને આ વિચાર આવ્યો અને એમાં તેને થયું કે આ દિશામાં કંઈક કામ કરવું જોઈએ, જ્યાં તેને સાથ મળ્યો વેબ ઑન્ટ્રપ્રનર રાહુલ ઘાટલિયાનો. કંપનીને નફો અપાવવાની જવાબદારી જેમના ખભે હોય છે તેમને માટે જો કોઈ સહાયભૂત ટેક્નૉલૉજી ડેવલપ થઈ જાય તો જલસો પડી જાય. આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર રાહુલ અને હર્ષલ મૂળ આઇડિયા અને એના એક્ઝિક્યુશનની વાત કરતાં કહે છે, ‘એઆઇ ટેક્નૉલૉજીની ચર્ચા હવે જોરશોરથી ચાલુ થઈ છે, પરંતુ અમે એના પર ૨૦૧૮માં કામ શરૂ કરી દીધેલું. ટ્રેઇનિંગ સેલ્સમાં મહત્ત્વની બાબત છે પરંતુ મોટા ભાગે નવા એમ્પ્લૉઈઝને ફીલ્ડ પર ગયા પછી જ પ્રૅક્ટિકલ અનુભવ મળે છે અને એમાં જ તે શીખે છે. ફીલ્ડમાં સાચા ક્લાયન્ટ પાસે ટ્રેઇન થવામાં એમ્પ્લૉઈનો સારોએવો સમય બરબાદ થાય છે અને એમાં ઘણી વાર કંપનીને મળી શકનારો પોટેન્શિયલ બિઝનેસ પણ ડિસ્ટર્બ થઈ શકે છે. એક, મેનપાવરનો બગાડ અને બીજો, આવી શકનારા રેવન્યુ પર તરાપ. આ બન્ને પ્રૉબ્લેમ અમે સૉલ્વ કરી શક્યા AI ટેક્નૉલૉજીથી.’

તમારો સેલ્સ એક્ઝિક્યુટિવ તમારી પ્રોડક્ટ વેચવા માટે માર્કેટમાં જાય એ પહેલાં AI ટેક્નૉલૉજીથી એક ડમી ક્લાયન્ટ અમે બનાવ્યો એમ જણાવીને રાહુલ આગળ કહે છે, ‘બહાર ક્લાયન્ટ દ્વારા તેને જે પ્રશ્નો પુછાઈ શકવાના હોય એ બધા જ સવાલો એ ‘ટ્રિનટી’ નામના AI ફૉર્મમાં અમે ઇન્સ્ટૉલ કર્યા. તમારા સેલ્સ એક્ઝિક્યુટિવ પાસે જાણે રિયલ ક્લાયન્ટ બેઠો હોય એવો માહોલ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઊભો થાય. એવા પ્રશ્નો પુછાય અને તેણે પણ એ જ રીતે પ્રેઝન્ટેશન આપવાનું આવે. એના પર તેનો પર્ફોમન્સ અને તેના એરિયા ઑફ ઇમ્પ્રૂવમેન્ટનો એસેસમેન્ટ રિપોર્ટ પણ AI તમને આપે. ક્લાયન્ટના રિસ્પૉન્સ સેલ્સ એક્ઝિક્યુટિવના પ્રેઝન્ટેશન અને જવાબો પર આધાર રાખતા હોય. આ એઆઇ બેઝ્ડ ક્લાયન્ટ ગુસ્સે પણ થાય, પોતાને પ્રોડક્ટ ગમી છે એવા રિસ્પૉન્સ પણ આપે. એનું બેસ્ટ રિઝલ્ટ એ મળે કે જ્યારે તમારો કર્મચારી ઍક્ચ્યુઅલ કસ્ટમર પાસે પહોંચે ત્યારે તેના પોતાના કન્સેપ્ટ ક્લિયર હોય અને તે ક્લાયન્ટ પાસેથી આવનારા દરેક સવાલ માટે સજ્જ હોય.’

જબરો રિસ્પૉન્સ

અત્યારે ‘અવેરોથૉન’ અંતર્ગત ફાઇનૅન્સ અને ફાર્મા આ બે કંપનીઓ માટે ‘િટ્રનિટી’ નામનું એઆઇ મૉડલ બિલ્ડઅપ કરવામાં આવ્યું છે અને બીજા સેક્ટર માટે પણ કામ ચાલું છે. સેલ્સને લગતા લગભગ ચાર લાખ વિડિયોઝ એઆઇ ઍનૅલાઇઝ કરે છે. ફાર્મા અને ફાઇનૅન્સની અગ્રણી બ્રૅન્ડ્સના લગભગ પચાસ હજાર કરતાં વધારે યુઝર્સ ઑલરેડી આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યા છે. હર્ષલ કહે છે, ‘સેલ્સ પર્સન વેબ કૅમેરા થકી ક્લાયન્ટના રિયલ ટાઇમ અનુભવોને કારણે તમારા સેલ્સ એક્ઝિક્યુટિવને અપસ્કિલ પણ કરી શકાય. તેમને દરેક નવી પ્રોડક્ટ વખતે ઓછા સમયમાં વધુ સારી ટ્રેઇનિંગ આપી શકાય. આ પ્રોડક્ટની ઇફેક્ટિવનેસ અત્યારે જે કંપનીઓ એનો ઉપયોગ કરી રહી છે તેમના પર્ફોર્મન્સમાં દેખાય છે. આ AI ટૂલ એટલું સ્માર્ટ છે કે તમે જો તેને ઊઠાં ભણાવતા હો તો એક ક્ષણમાં એ તમને બાય બાય કહી દેશે. એટલે તમારા સેલ્સ એક્ઝિક્યુટિવે એને સિરિયસલી પણ લેવું જ પડે. તમને થોડાક સ્ટૅટિસ્ટિક્સ કહું. અવેરોથૉન પ્રોડક્ટ્સને કારણે સેલ્સમાં ૨૫ ટકાનો વધારો થયો છે, નવા એમ્પ્લૉઈનો ઑનબોર્ડ ટાઇમ ૪૦ ટકા ઘટ્યો છે. તેમની ટ્રેઇનિંગ કૉસ્ટ ૬૦ ટકા ઘટી છે.’

પડકાર શું હતો?

અહીં ઉલ્લેખનીય છે ગ્લોબલી રેકગ્નાઇઝ્ડ સૉફ્ટવેર રેટિંગ પ્લૅટફૉર્મ G2 દ્વારા આ સ્ટાર્ટઅપને હાઇ પર્ફોર્મર કૅટેગરીમાં ૨૦૨૨-’૨૩ના મોસ્ટ પ્રૉમિસિંગ સ્ટાર્ટઅપ તરીકે નવાજાયું છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન દ્વારા પણ આ સ્ટાર્ટઅપને રેકગ્નાઇઝ કરવામાં આવ્યું છે. ટેક્નૉલૉજી બેઝ્ડ સ્ટાર્ટઅપ હોય અને એમાં પણ લર્નિંગ ઍન્ડ ડેવલપમેન્ટ તમારો સેગમેન્ટ હોય તો રસ્તો સરળ તો ન જ હોય. હર્ષલ કહે છે, ‘મારા માટે આ સ્ટાર્ટઅપ બહુ જ ખાસ એટલે પણ છે કે મારા ઘડતરમાં એણે ખૂબ મોટો રોલ અદા કર્યો છે. હું હાર્વર્ડથી ભણીને આવેલો અને આ આઇડિયા પીચ કર્યા પછી રાહુલ મને કામ આગળ વધારવા માટે તો મળી ગયો પરંતુ હવે કામને આગળ વધારવા માટે તમે ક્લાયન્ટને મળો અને એ તમારા કામમાં રસ જ ન લે ત્યારે શરૂઆતમાં ફ્રસ્ટ્રેટ થઈ જતો. મારો ઘણોખરો ઈગો સમાપ્ત થઈ ગયો. હું પોતે પ્રોફેશનલ્સના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. કૉર્પોરેટનો જ મારો અનુભવ હતો અને કૉર્પોરેટમાં કામ કરતા હો ત્યારે તમારી ક્લાયન્ટ મીટિંગ થાય એમાં તમને ઈગો પૅમ્પર કરવાવાળા વધુ મળે. પરંતુ જ્યારે તમે તમારી પોતાની પ્રોડક્ટ આગળ લઈને ચાલતા હો ત્યારે લોકોનો જુદો રવૈયો હોય. શરૂઆતમાં આ બાબતોથી હું ખૂબ ડિસ્ટર્બ થતો. રાહુલ ત્યારે બાજી સંભાળતો. એક હા સાંભળવા માટે તમારે સો વખત ના સાંભળવાની તૈયારી રાખવી પણ પડે એ નિયમ શું શીખ્યો. હું વધુ નમ્ર બન્યો. આજે જ્યારે ચારેય બાજુ અવાજ જ અવાજ છે એમાંથી મધુર સંગીત આઇડેન્ટિફાય કરવાનું અઘરું કામ છે. આ બહુ મહત્ત્વની ટ્રેઇનિંગ છે જે તમને એક જ સિરિયસ નોડ પર શરૂ કરેલું સ્ટાર્ટઅપ શીખવે છે. રાહુલનું ટેક્નૉલૉજિકલ નૉલેજ અને ધીરજ અને મારી સિસ્ટમેટાઇઝ થઈને કામ કરવાની મેથડ એ બન્નેનું અદ્ભુત કૉમ્બિનેશન છે જેથી કામ વધુ સરળ બની ગયું છે. અત્યારે અમારો ટાર્ગેટ છે દુનિયાનું નંબર વન સેલ્સ બેઝ્ડ એઆઇ સિમ્યુલેટર બનવાનું.’

 
આવું નામ?
કંપનીનું નામ અવેરોથૉન પાડ્યું એની પાછળ ખાસ કારણ છે. હર્ષલ અહીં કહે છે, ‘અવેરનેસ એટલે કે જાગૃિત અને મૅરથૉન - આ બે શબ્દનું કૉમ્બિનેશન છે. લર્નિંગ અને ડેવલપમેન્ટ એ કૉન્સ્ટન્ટ પ્રોસેસ છે એટલે જ એનું નામ ‘અવેરોથૉન’ છે.’

columnists ruchita shah