બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

25 January, 2022 05:47 PM IST  |  Mumbai | Ruchita Shah

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

નાનપણમાં ઘણાને થ્રિલર, ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મો, બુક્સ વાંચવાનો શોખ હોય છે. પરંતુ એ શોખથી પ્રેરાઈને ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગી એવા ફૉરેન્સિક સાયન્સનો ડિપ્લોમા કોર્સ કરી નાખે એવા કેટલા લોકોને તમે ઓળખો છો? વેલ, ગુજરાતી યુવતી અલોકી દોશી એમાંની એક છે. આમ તો અલોકીએ ક્લિનિકલ રિસર્ચ માસ્ટર્સ કર્યું છે પણ બાવીસ વર્ષની ઉંમરે એટલે કે આજથી લગભગ બારેક વર્ષ પહેલાં તેણે સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં યોજાઈ રહેલા ફૉરેન્સિક સાયન્સના વિજ્ઞાનને લગતા એક ડિપ્લોમા કોર્સને જૉઇન કર્યો. માત્ર મજા કે શોખ ખાતર કરેલા આ કોર્સે આજે એની અનોખી ઓળખ ઊભી કરી છે. શું કરે છે તે? ફૉરેન્સિક સાયન્સ શું છે અને એનાથી સામાજિક સ્તર પર તે શું બદલાવ લાવવાના પ્રયાસો કરી રહી છે એ વિષય પર વાત કરીએ. 
માત્ર શોખ હતો | છેલ્લાં દસ વર્ષથી બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવી રહેલી અને જય હિન્દ, ઝૅવિયર્સ જેવી મુંબઈની કૉલેજોમાં પણ ફૉરેન્સિક વિજ્ઞાન વિષય પર લેક્ચર આપી ચૂકેલી અલોકી કહે છે, ‘કોઈને ફૅન્ટસી ગમે, કોઈને રોમૅન્સના વિષયોનાં પુસ્તકો ગમે પણ મને ઇન્વેસ્ટિગેશનનાં પુસ્તકો વાંચવાં ગમતાં. દવાઓ લૉન્ચ થાય એ પહેલાં એના પર રિસર્ચ થાય એ રીતનો ક્લિનિકલ રિસર્ચનો મારો એમએનો અભ્યાસ ચાલુ હતો. એ દરમ્યાન અનાયાસ એક કૉલેજમાં ફૉરેન્સિક સાયન્સનો એક ડિપ્લોમા કોર્સ થઈ રહ્યો છે એવું બ્રૉશર મારા હાથમાં આવ્યું અને મેં નક્કી કરી લીધું કે હું એ કોર્સ કરીશ. ફૅમિલીએ પણ લકીલી મારો સપોર્ટ કર્યો. કોર્સ પૂરો કરીને હું તો પાછી ભણવામાં પડી અને જેવું મારું માસ્ટર્સ પૂરું થયું એમ મારાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી તો ભણવાનું છૂટી ગયું. જૉબ પણ શક્ય નહોતી. એ સમયે ફરી એક વાર ફૉરેન્સિક સાયન્સના મારા પૅશનને મેં ટીચિંગના માધ્યમે જીવવાનું શરૂ કર્યું.’

અનુભવોથી શીખી | અલોકીએ સારીએવી કંપનીઓમાં કામ કર્યું છે. અત્યારે પણ તે એક કંપનીમાં ફૉરેન્સિક્સ ફૉર ફન નામના એક વર્ટિકલની હેડ છે અને ફૉરેન્સિક સાયન્સ વિશે બાળકોને ટ્રેઇન કરી રહી છે. તે કહે છે, ‘બાળકોની નિરીક્ષણક્ષમતા, બાળકોની રીઝનિંગ સ્કિલ્સ, મેમરી, લૉજિક, બાળકોનું ક્રિટિકલ થિન્કિંગ, કૉન્સન્ટ્રેશન જેવી ઘણીબધી સ્કિલ્સ ડેવલપ કરવામાં આ વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નાનાં બાળકોને ક્રાઇમ સીન સૉલ્વ કરવાનો હોય તો કેવી ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એ અમે શીખવતાં હોઈએ છીએ. આજે જ્યારે ક્રાઇમ હજાર પ્રકારના થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની ટ્રેઇનિંગ બાળકોને આવનારા સમય માટે સજ્જ કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.’
કલ્પના જ નહોતી | હું બાળકોને ફૉરેન્સિક સાયન્સ ભણાવીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું એમ જણાવીને અલોકી કહે છે, ‘આ માત્ર મારો શોખ હતો. ઘરમાં રહીને કંઈક તો કરું એમ વિચારતાં પાર્ટટાઇમ લેવલે આ કામ શરૂ કર્યું. આજે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્કૂલમાં ભણાવવાની જે મજા આવે છે એનું વર્ણન કરી શકું એમ નથી. બસ મજા પડી ગઈ છે આ બધામાં મને. લગ્નને અગિયાર વર્ષ થઈ ગયાં. સાડાપાંચ વર્ષનો મારો દીકરો છે. ઘર અને બાળકને સંભાળતાં-સભાળતાં હું મારી હૉબીને લગતું કામ કરું છું અને એને ભરપૂર એન્જૉય પણ કરું છું.’

columnists ruchita shah