ગુજરાતી ભાષામાં વિશ્વની બારી ખોલી આ ઑનલાઇન વિશ્વકોશે

02 January, 2022 06:18 PM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટે તૈયાર કરેલો પચીસ ગ્રંથમાં ૨૫,૦૦૦થી વધુ લખાણો અને અંદાજે પોણાબે કરોડ શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી એન્સાઇક્લોપીડિયા હવે ઇન્ટરનેટ પર એક ક્લિકથી ઉપલબ્ધ છે.

ગુજરાતી ભાષામાં વિશ્વની બારી ખોલી આ ઑનલાઇન વિશ્વકોશે

ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટે તૈયાર કરેલો પચીસ ગ્રંથમાં ૨૫,૦૦૦થી વધુ લખાણો અને અંદાજે પોણાબે કરોડ શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી એન્સાઇક્લોપીડિયા હવે ઇન્ટરનેટ પર એક ક્લિકથી ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ઑનલાઇન જ્ઞાનગંગા વહાવવાનું ભગીરથ કાર્ય પહેલવહેલી વાર થયું છે ત્યારે જાણીએ એ તૈયાર કરવામાં કેટલી મુશ્કેલીઆ ેઆવી અને એક મહિનામાં કેટલા લોકો એનો લાભ લઈ ચૂક્યા છે એ

ગૂગલ માહિતી અને જ્ઞાનનો સાગર છે, પણ એમાં મોટા ભાગે અંગ્રેજી ભાષામાં જ બધું મળવાનું. ગુજરાતી ભાષામાં વૈશ્વિક જ્ઞાનનો રસથાળ લોકો સુધી પહોંચાડવાનું કામ ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટ દ્વારા થયેલું. જેના લગભગ ૨૫ ગ્રંથો છે. દાયકાઓની મહેનતે તૈયાર થયેલા આ દળદાર ગ્રંથો જ્ઞાનથી ભરપૂર ચોક્કસપણે છે, પણ આજના મૉડર્ન યુગમાં એને સાચવવાનું, જાળવવાનું અને સતત અપડેટ કરતા રહેવાનું કામ અઘરું હતું. જોકે ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટે એ અઘરા કામને પણ સરળ બનાવી દીધું છે અને ભાષાપ્રેમીઓ માટે આ આખો જ્ઞાનસાગર ઑનલાઇન પીરસી દીધો છે. 
જેને આત્મીયતા સાથે જગન્નાથજીનો રથ કહીને સ્નેહપૂર્વક સંબોધન કરવામાં આવે છે એ ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટે ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં વિશ્વનું બધું જ જ્ઞાન મળી શકે એ માટે સાત-સાત વર્ષ સુધી મહેનત કરીને, ટેક્નિકલ તકલીફો પાર કરીને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. ૨૪,૦૦૦થી વધુ લખાણો ઑનલાઇન કરીને ન માત્ર ગુજરાત કે ભારતનો જ નહીં, વિશ્વભરના અનેકવિધ વિષયો સાથેનો વૈવિધ્યસભર માહિતીનો ભંડાર મૂકીને ગુજરાતીઓની જિજ્ઞાસાને ઑનલાઇન સંતોષ મળે એવી વ્યવસ્થા તૈયાર કરી છે.
આનંદ એ વાતનો છે કે ૭ વર્ષના પરિશ્રમના અંતે તાજેતરમાં લૉન્ચ થયેલા ગુજરાત વિશ્વકોશના આ ડિજિટલ વર્ઝનને વિશ્વભરના ગુજરાતીઓએ પોંખ્યો છે અને આવકાર્યો છે. આપણી પોતાની ગુજરાતી ભાષામાં જ દુનિયાભરની અનેકવિધ માહિતી ઉપલબ્ધ થતાં આ ઑનલાઇન જ્ઞાનગંગામાં લોકોએ ડૂબકી મારવાની શરૂઆત કરી દીધી છે અને ગયા વર્ષે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ઑનલાઇન થયા બાદ હજી માંડ એક મહિનો થશે ત્યાં તો દેશ-વિદેશના એક લાખથી વધુ લોકો એને સર્ચ કરી ચૂક્યા છે.
સચરાચરનું જ્ઞાન ગુજરાતીમાં
ગુજરાત વિશ્વકોશ અને એના ડિજિટલ વર્ઝન વિશે વાત કરતાં અમદાવાદ સ્થિત ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી પદ્‍મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે, ‘ગુજરાતનો પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ એવી કલ્પના પદ્‍મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરની હતી અને તેઓએ ૬૭ વર્ષની ઉંમરે આ કામ શરૂ કર્યું હતું. હું શરૂઆતથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. એ સમયે ગુજરાતમાં વિદ્યાનો પ્રેમ ધરાવતા અધ્યાપકો, આચાર્યો, સંતો, વિજ્ઞાનીઓએ મદદ કરી હતી એટલે આને અમે અમારી ભાષામાં જગન્નાથજીનો રથ કહીએ છીએ. ભગવાન જગન્નાથજીનો રથ સૌકોઈ ખેંચે એમ અમારે ત્યાં વિજ્ઞાની પણ હોય, વિદ્વાન પણ હોય, સંશોધક પણ હોય, શ્રેષ્ઠી પણ હોય અને સંત પણ હોય. એટલે આ બધા લોકો સાથે ગુજરાતમાં એક પ્રજામાંથી ઊભી થયેલી આ સંસ્થા છે. લોકોના ગુજરાતી ભાષાના પ્રેમથી ગુજરાતી ભાષામાં ખેડાણ કરે એટલે દુનિયાના બધા વિષયો આવી જાય. ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથ તૈયાર કરતાં બાવીસ વર્ષ થયાં. એ ઉપરાંત ૧૦ બાળ વિશ્વકોશ અને ૧૦૦થી વધારે પુસ્તકો પબ્લિશ કર્યાં છે. એક તબક્કે મને એમ થયું કે વિશ્વકોશને ઑનલાઇન મૂકવો જોઈએ. મરાઠીમાં વિશ્વકોશ છે જેને સરકારે સઘળી સહાય કરી. બંગાળ, ઉડિયા અને હિન્દીમાં પણ એન્સાઇક્લોપીડિયાયા છે, ગુજરાતીમાં નહોતો એટલે મને વિચાર ઉદ્ભવ્યો કે પોતાની ભાષામાં વિશ્વની બારી ખોલી આપવી જેમાં સચરાચરનું જ્ઞાન આવે.’ 
સાત વર્ષની સઘન મહેનત
ગુજરાતી વિશ્વકોશને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લઈ જવા માટે કરેલા પ્રયાસો વિશે વાત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે, ‘વિશ્વકોશને ઑનલાઇન કરવા માટે છેલ્લાં ૭ વર્ષથી અમારી મહેનત ચાલી હતી. અમારી ટીમમાં પૂર્વીન દેસાઈ, અનુરાગ ઝવેરી, દક્ષેશ પટેલ, લક્ષ્મણ ગલસર, જ્યોતિ ધંધૂકિયા, કલ્પેશ પાટડિયા, સ્ટેલા ક્રિશ્ચિયન, હની શાહ અને અલકા મહેતા હતાં જેઓ ટેક્નૉલૉજી સાથે સુસંગત હતાં. રોજ આઠ-આઠ કલાક કામ કરતાં હતાં. આ કામ કરવામાં મહેનત તો હતી જ, પરંતુ તકલીફો પણ આવી. સૌથી વધુ તકલીફ ટેબલ બનાવવામાં પડી. નાનાં બૉક્સ મૂકવામાં તકલીફ પડી. કેમેસ્ટ્રી અને મૅથેમૅટિક્સમાં ઇક્વેશનમાં તકલીફ પડી. ગુજરાતીમાં ફોન્ટ મેળવવા અને ગોઠવવા એમાં થોડી વધારે મહેનત પડી, પણ આ બધી તકલીફોને પાર કરીને ૭ વર્ષના અંતે ૨૪,૦૦૦થી વધુ લખાણ ઑનલાઇન પર અમે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ; જેમાં ગુજરાતી ભાષામાં ૮૩૬૦ માનવિદ્યાના એટલે કે આર્ટ્સના, ૮૦૮૩ વિજ્ઞાનના, ૭૬૪૦ સમાજવિદ્યાના, ૭૬૪૭ લઘુ ચરિત્રો, ૫૦૬૩ વ્યાપ્તિ લેખો એટલે કે લંબાણથી લખાયું હોય એવા મોટા લેખો અને ૨૦૪૬ અનુવાદિત લેખો, ૧૨,૦૦૦ ચિત્રો હવે ગુજરાતના લોકો માટે ઑનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં છે. ૧,૭૩,૫૦,૦૦૦ શબ્દસંખ્યા થઈ છે. ગુજરાતી ભાષામાં વિશ્વનું સઘળું જ્ઞાન મળી શકે એવો આ પ્રયાસ થયો છે, જેમાં ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટેક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ, ગુજરાત વિશે, ભારત વિશે અને વિશ્વના જુદા-જુદા વિષયનાં લખાણો છે. આમાં તમને ઉમાશંકર જોષી મળે અને પુ. લ. દેશપાંડે પણ મળે. શેક્સપિયર મળે અને સત્યજિત રે વિશે પણ જાણવા મળે. આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર, વનસ્પતિમાં થતા રોગની માહિતી પણ મળે. રડાર, સોમનાથ, કેરી કે પછી દેડકા વિશે પણ જાણવા માગતા હો એના સહિત દુનિયાનું તમામ જ્ઞાન ગુજરાતી ભાષામાં પહેલી વાર ઉપલબ્ધ કરાવવાનું કાર્ય થયું છે. તમે gujarativishwakosh.org ટાઇપ કરશો એટલે ઑનલાઇન ગુજરાતી વિશ્વકોશના ગ્રંથ જોઈ શકશો. વિષય, વ્યક્તિ અને લેખથી સર્ચ કરી શકાય એ રીતની સુવિધા ઉપલબ્ધ છે. આ બધી કાર્યવાહી થયા બાદ એને અપગ્રેડ કરવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે.’  
દેશ-વિદેશથી રિસ્પૉન્સ
આ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિશ્વકોશ ઑનલાઇન થયા પછી ઘણા બધા દેશોમાં એને સર્ચ કરવામાં આવ્યો છે એ વિશે વાત કરતાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રે કાર્યરત પૂર્વીન દેસાઈ કહે છે, ‘અત્યાર સુધી ૬૦,૦૦૦ લોકોએ ગુજરાત વિશ્વકોશને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર સર્ચ કર્યા છે. ભારત ઉપરાંત યુએસ, યુકે, ઑસ્ટ્રેલિયા, નેધરલૅન્ડ્સ, ફ્રાન્સ, સિંગાપોર સહિતના દેશોમાંથી લોકોએ સર્ચ કર્યું છે. વિવિધ આર્ટિકલ્સ, ખસખસની વનસ્પતિ, વ્યક્તિગત સત્યાગ્રહ, દીવાની કાયદો એટલે શું, પ્રેમાનંદ, આદિવાસીઓનો ઇતિહાસ, ઔષધ, ખોખો રમત સહિતના વિષયો સર્ચ થયા છે.’
ગુજરાત વિશ્વકોશ ઑનલાઇન થયો એને આવકારતાં સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભિખેશ ભટ્ટ કહે છે, ‘ગુજરાતી ભાષામાં આટલું બધું મટીરિયલ્સ કદાચ પહેલી વાર ઉપલબ્ધ થયું હશે. જ્ઞાનસાગર કહી શકાય એવી આ મોટી ઘટના છે. ગુજરાતીમાં આ સુલભ જ્ઞાનકોશ છે. દુનિયાભરની લાઇબ્રેરીઓ વિશે પણ જાણકારી મળી રહે છે. ધીરુભાઈ ઠાકરના સપના પર ઑનલાઇન વિશ્વકોશ એ વિશેષ કલગી છે.’ 
ડૉ. કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં તેમની ટીમે આપણા સુધી ગુજરાતી ભાષામાં વિધવિધ માહિતી ઉપલબ્ધ કરાવી છે ત્યારે કમ્પ્યુટર, લૅપટૉપ કે પછી મોબાઇલમાં સાહિત્ય, સંસ્કૃતિ, લેખકો, વ્યક્તિઓ સહિત દુનિયાભરની માહિતી હવે તમે તમારી આંગળીના ટેરવે જોઈ શકો છો.

કૉલેજની હૉસ્ટેલના રસોઈગૃહમાં વિશ્વકોશની શરૂઆત

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના ૧૯૮૫ની બીજી ડિસેમ્બરે થઈ હતી. અમદાવાદમાં આવેલી એચ. એલ. કૉમર્સ કૉલેજ હૉસ્ટેલના કમ્પાઉન્ડમાંના રસોઈગૃહમાં મોટા ચૂલાઓ અને જમવા માટેની પાટલીઓની વચ્ચે ગુજરાત વિશ્વકોશનું કામ શરૂ થયું હતું. આજે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ગુજરાત વિશ્વકોશનું બિલ્ડિંગ છે જેને વેલ પ્લાન સાથે ડેવલપ કર્યું છે. 
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલા ગુજરાત વિશ્વકોશ વિશે ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે, ‘અત્યાર સુધી ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથ બહાર પાડ્યા છે. ગિજુભાઈ બધેકાની ઇચ્છા હતી કે બાળકોનો વિશ્વકોશ હોય એટલે  બાળ વિશ્વકોશના ૧૦ ગ્રંથ બહાર પાડ્યા અને અત્યાર સુધીમાં ૧૦૦ જેટલાં પુસ્તકો પણ પબ્લિશ કર્યાં છે. ‘વિશ્વવિહાર’ માસિક પબ્લિશ કરીએ છીએ અને વિદેશમાંથી પબ્લિશ થતું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ હવે અહીંથી પ્રગટ થાય છે. સંસ્થામાં બે થિયેટર છે જેમાં સાહિત્ય, નાટય, ચર્ચા, સંગીત સહિતના કાર્યક્રમો થાય છે. અહીં લાઇબ્રેરી છે, લેખકો માટે ખાસ ક્યુબ બનાવ્યાં છે જેમાં બેસીને કાર્ય થઈ શકે છે. લલિતકલા કેન્દ્ર, પ્રદર્શન હૉલ, ત્રણ કૅમેરા સાથે અદ્યતન સ્ટુડિયો પણ છે; જ્યાં મેકએપ-રૂમ, ચેન્જિંગ-રૂમ,ઇન્સ્ટ્રુમેન્ટ-રૂમ, ઑડિયો–વિડિયો એડિટિંગ-રૂમ ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા વિવિધ ૬ વ્યાખ્યાનશ્રેણી ચાલે છે. કલાક્ષેત્રે ધીરુભાઈ ઠાકરને સવ્યસાચી સારસ્વત અવૉર્ડ ઉપરાંત જીવન શિલ્પી અને જીવન ઉત્કર્ષ અવૉર્ડ પણ આપવામાં આવ્યા છે. ધીરુબહેન પટેલની પ્રેરણાથી બહેનો માટે ‘વિશ્વા’ નામે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.’ 
સંસ્થા સમયપાલનને વરેલી છે એની વાત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે, ‘અમારો નિયમ એવો છે કે સમયસર કાર્યક્રમ શરૂ કરવો. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે કાર્યક્રમ મોડા શરૂ થાય છે, પણ અમે સમયસર કાર્યક્રમ શરૂ કરીએ છીએ. વક્તાને પણ અમે કહીએ છીએ કે સમયસર નહીં આવો, કાર્યક્રમ ચાલુ થઈ જશે. આમ કરીએ તો જ ડિસિપ્લિન આવે.’ 
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આગામી પ્લાનિંગ વિશે ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે, ‘અત્યારે અમે નારીકોશ કરી રહ્યા છીએ. ૧૮૫૭ પછીનું સ્ત્રીઓનું ઉત્થાન જોવા મળે છે. નારીકોશમાં વિદ્વાન, રાજકારણીથી માંડીને સામાન્ય સ્ત્રી જેમણે અસામાન્ય કામ કર્યું હોય એવી સ્ત્રીઓની વાત આમાં આવશે એટલો મોટા નારીકોશ બનશે. બૃહદ નાટ્યકોશ પણ ચાર ભાગમાં પ્રગટ થશે. આ ઉપરાંત અમે વિજ્ઞાનકોશનુ કામ કરી રહ્યા છીએ.’ 

columnists shailesh nayak