તમારી હેરગ્રૂમિંગ કિટમાં આટલું તો હોવું જ જોઈએ

02 August, 2021 12:28 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વાળની સ્ટાઇલને લઈને તમે પણ પઝેસિવ હો તો અહીં આપેલી મોસ્ટ પૉપ્યુલર પ્રોડક્ટ્સમાંથી તમારી જરૂરિયાત મુજબ બેસ્ટ સિલેક્ટ કરી લો

તમારી હેરગ્રૂમિંગ કિટમાં આટલું તો હોવું જ જોઈએ

અત્યાર સુધી એવું કહેવાતું કે મહિલાઓને સુંદર કેશ જોઈએ અને પુરુષોને માથામાં વાળ બચે એમાં આનંદ થાય. જોકે હવે એવું રહ્યું નથી. હેરસ્ટાઇલ સરસ હોય તો પુરુષોની પર્સનાલિટી વધુ ખીલે છે એવું તેઓ સ્વીકારતા થયા છે. વર્ષે અંદાજે ૧૬૬ બિલ્યન ડૉલરના ગ્લોબલ મેન્સ પર્સનલ ગ્રૂમિંગ બિઝનેસમાં ફેશ્યલ પ્રોડક્ટ્સ ઉપરાંત માથાના વાળ માટે વપરાતી જેલ, સ્પ્રે, શૅમ્પૂ, કન્ડિશનર, સીરમ વગેરે આઇટમનો ફાળો મહત્ત્વનો છે. હેરસ્ટાઇલિંગ માટે પઝેસિવ પુરુષોએ કઈ પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ એ ચાલો જાણીએ.
ચૉઇસ ઇઝ ધેર  |  માર્કેટમાં પુરુષોની હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સની વાઇડ રેન્જ અવેલેબલ છે એવી માહિતી આપતાં વિનોદના હુલામણા નામે ઓળખાતા મીરા-ભાઈંદરના હેરસ્ટાઇલિસ્ટ રાજેશ ટાક કહે છે, ‘જુદાં-જુદાં ફંક્શન્સ ધરાવતી હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ તમારા વાળને હોલ્ડ કરવા માટે છે. સામાન્ય રીતે દરેક પ્રોડક્ટમાં નૉર્મલ, સ્ટ્રૉન્ગ ઍન્ડ એક્સ્ટ્રા સ્ટ્રૉન્ગ એમ ત્રણ શ્રેણી હોય છે. ઘણાબધા વિકલ્પો સામે હોય ત્યારે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેસ્ટ પ્રોડક્ટ સિલેક્ટ કરવી.’ 
હેર જેલ  |  પુરુષો માટેની હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સમાં જેલ મુખ્ય છે. એનો હેતુ હેરને હોલ્ડ કરીને વેટ લુક આપવાનો છે. જેલ તમારા વાળને મનગમતી સ્ટાઇલમાં સેટ કરવાની સાથે વાળને હાઇડ્રેટ પણ રાખે છે. હથેળીમાં જેલ લઈ સૂકા વાળમાં અપ્લાય કરીને મનગમતું સ્ટાઇલિંગ કરો. સારી બ્રૅન્ડની જેલ બે કલાક વાળને હોલ્ડ કરી શકે છે. પાર્ટી-લુક માટે પર્ફેક્ટ પ્રોડક્ટ છે.
મૂજ  |  ઘણા પુરુષોને વેટ લુક પસંદ નથી, પણ સ્ટાઇલિંગ જોઈએ છે. વાળને ઉપરની તરફ સ્ટેબલ રાખવા તેઓ બ્લો ડ્રાય કરે છે. જોકે પંદર-વીસ મિનિટમાં વાળ ફરીથી હતા એવા થઈ જાય છે. સૂકા વાળ પર મૂજ અપ્લાય કરી બ્લો ડ્રાય કરવાથી સ્ટાઇલને લાંબો સમય સુધી હોલ્ડ કરી શકાય છે. ફોમ જેવી દેખાતી આ પ્રોડક્ટને પહેલાં હથેળીમાં કાઢી લો. પછી કાંસકા વડે વાળમાં સેશન ટૂ સેશન અપ્લાય કરો. બે મિનિટ રહેવા દો જેથી વાળ સુકાઈ જાય. વાળમાં બ્લો ડ્રાય કરવાનું પસંદ કરો છો તો મૂજ તમારા માટે બેસ્ટ ચૉઇસ છે.
હેર વૅક્સ  |  હેર વૅક્સ પ્રૉપર હોલ્ડ માટે છે. એમાં મેટ, પોમેડ, સ્ટાઇલિંગ પેસ્ટ જેવી ઘણી વરાઇટી છે. શૉર્ટ હેરમાં સ્પાઇક રાખવાના શોખીન પુરુષોને ગમે એવી આ પ્રોડક્ટ છે. વૅક્સને લગાવવાની રીત જુદી છે. એને હાથેળીમાં લઈ, રબ કરી બે મિનિટ મુઠ્ઠી વાળી દો. શરીરની ગરમીથી મેલ્ટ થઈ જાય પછી વાળમાં અપ્લાય કરવું. 
હેર સ્પ્રેે  |   કોઈ પણ પ્રોડક્ટ વાપર્યા બાદ છેલ્લે વાળમાં સ્પ્રે કરો. વિધાઉટ પ્રોડક્ટ માત્ર બ્લો ડ્રાય કરીને પણ સ્પ્રે કરી શકાય છે. થોડે દૂરથી સ્પ્રે કર્યા બાદ વાળને ટચ કરવાની જરૂર રહેતી નથી. તમારી હેરસ્ટાઇલ લૉન્ગ લાસ્ટિંગ એટલે કે આખા દિવસ માટે સેટ થઈ જાય છે.
સીરમ  |  ઉપરની પ્રોડક્ટ ઑકેઝનલી વાપરવા માટે છે. વારંવાર વાપરશો તો વાળ પાતળા થઈ જશે અને ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડશે. સીરમનો ઉપયોગ રોજની લાઇફમાં કરી શકો છો. આજકાલ માથામાં તેલ લગાવવું કોઈને ગમતું નથી. સીરમ તમારા વાળને તેલ જેવું પોષણ આપશે. શૅમ્પૂ અને કન્ડિશનર કર્યા બાદ ડી-ટેન્ગલ થઈ ગયેલા વાળમાં સીરમ લગાવવાથી વાળ ચમકીલા બને છે. પુરુષોના વાળ માટે એક ડ્રૉપ સીરમ પૂરતું છે. 

 જેલ, વૅક્સ, સ્પ્રે અને મૂજ જેવી હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સને ઑકેઝનલી વાપરવી જોઈએ. પર્ફેક્ટ લુક આપતી આ ચીજોથી વાળ પાતળા થાય છે અને ડેન્ડ્રફ થઈ શકે છે. હા, સીરમ તમે રોજ વાપરી શકો છો
રાજેશ ટાક, હેરસ્ટાઇલિસ્ટ 

Varsha Chitaliya columnists