મેડલની સેન્ચુરી ફટકારી લીધી છે આ લિટલ સ્કેટરે

05 August, 2022 08:46 PM IST  |  Mumbai | Varsha Chitaliya

માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઇનલાઇન સ્કેટિંગમાં ૧૦૩ વિનિંગ મેડલ જીતનારા બોરીવલીના ક્રિશ શાહને આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા માટે સુવર્ણલક્ષ્ય નૅશનલ સ્પોર્ટ અવૉર્ડ મળ્યો છે

મેડલની સેન્ચુરી ફટકારી લીધી છે આ લિટલ સ્કેટરે

જૂન-જુલાઈમાં નૅશનલ લેવલની સ્કેટિંગ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ અને એક ગોલ્ડન ફ્રેમ જીતવાની સાથે બોરીવલીના ક્રિશ આશિષ શાહ પાસે ૧૦૩ વિનિંગ મેડલ થઈ ગયા છે. માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઇનલાઇન સ્કેટિંગમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનારા ક્રિશને સ્કેટિંગમાં રસ કઈ રીતે પડ્યો, કેવી-કેવી સ્પર્ધામાં ભાગ લીધો છે તેમ જ તેની સ્પોર્ટ્સ જર્નીમાં કેવા ઉતાર-ચડાવ આવ્યા છે એ જાણીએ. 

ઢગલાબંધ મેડલ
કાંદિવલીની ગુંડેચા એજ્યુકેશન ઍકૅડેમીમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા ક્રિશે જુદી-જુદી ઇવેન્ટમાં મળીને ૪૪ ગોલ્ડ, ૩૦ સિલ્વર અને ૨૯ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે એવી માહિતી આપતાં તેનાં મમ્મી ભામિની શાહ કહે છે, ‘આ બધા વિનિંગ મેડલ છે. પાર્ટિસિપેટ કર્યું હોય એનાં સર્ટિફિકેટ્સ અને ગ્રુપ ઇવેન્ટના મેડલ તો કાઉન્ટ જ નથી કર્યાં. ૧૨ જૂને ખોપોલીમાં આયોજિત RGOI  (રૂરલ ગેમ્સ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા) નૅશનલ ચૅમ્પિયનશિપમાં બે સિલ્વર મેડલ જીતવાની સાથે તેની સેન્ચુરી પૂરી થઈ. ત્યાર બાદ ત્રીજી જુલાઈના આયોજિત સ્પર્ધામાં ફર્સ્ટ પોઝિશન પર પહોંચી જતાં ત્રણ ગ્રામની ગોલ્ડન ફ્રેમ મળી છે. ભૂતકાળમાં ભુતાનમાં આયોજિત ઇન્ટરનૅશનલ સ્પર્ધા જીતી આવ્યો છે. પોતાના સ્પોર્ટ્સના ફીલ્ડમાં રિમાર્કેબલ અચીવમેન્ટ્સ માટે આપવામાં આવતો સુવર્ણલક્ષ્ય નૅશનલ સ્પોર્ટ અવૉર્ડ પણ મળ્યો છે. ક્રિશ ​લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ અને રિલે સ્કેટિંગમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર છે.’

હાર્ડવર્કિંગ
કોવિડનાં બે વર્ષ ઇવેન્ટ નહોતી થઈ એને બાદ કરતાં આ સિદ્ધિ મેળવતાં ક્રિશને લગભગ સાત વર્ષ લાગ્યાં છે. તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પેરન્ટ્સે સ્કેટિંગ શીખવા મોકલ્યો હતો. ભામિનીબહેન કહે છે, ‘સ્કૂલ ફ્રેન્ડ્સથી ઇન્સ્પાયર્ડ થઈને તેણે સ્કેટિંગ શીખવાની જીદ કરી હતી. સ્પોર્ટ્સમાં દિલચસ્પી હોવાનું પ્રતીત થતાં બાકાયદા તાલીમ માટે મોકલવાનું શરૂ કર્યું. ચારેક મહિનાની બેઝિક પ્રૅક્ટિસમાં જમ્પ કરતાં જોઈ સરે તેનું નામ સ્વિમિંગ બૉય રાખ્યું. સ્વિમિંગમાં ડાઇવ કરીએ એવી રીતે તે સ્કેટિંગમાં કૂદકા મારતો. ત્યાર બાદ શૂઝ સ્કેટિંગમાં રબર કૅટેગરી અને સ્પીડ વ્હીલ શીખ્યો. આ કૅટેગરીમાં ત્રણેક સ્પર્ધામાં ભાગ લીધો હશે. ખૂબ જ ઓછા સમયમાં ઇનલાઇન સ્કેટિંગમાં આવી જતાં ક્રિશની સ્પોર્ટ્સ જર્ની ઇન્ટરેસ્ટિંગ બની ગઈ. જુદી-જુદી રેસમાં પાર્ટિસિપેટ કરી શકે એ માટે અમે લોકોએ પણ ખાસ્સી દોડાદોડી શરૂ કરી દીધી. બહારગામની સ્પર્ધામાં ઘણી વાર જૈન ફૂડ ન મળે ત્યારે પણ ક્રિશે પોતાનો સ્ટૅમિના જાળવી રાખ્યો. સ્કૂલનો પણ ઘણો જ સપોર્ટ રહ્યો છે. ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર રેસમાં દસ કે પંદર રાઉન્ડ મારવાના હોય એવી સ્પર્ધામાં વધુ ભાગ લીધો છે. મોટા ભાગની સ્પર્ધા તેણે સાડાત્રણ મિનિટની અંદર પૂરી કરી છે.’

ફાઇટિંગ સ્પિરિટ
સેન્ચુરી પૂરી કરવા માટે મેં સખત મહેનત કરી છે. સ્પોર્ટ પર્સન જેવી સમજદારી દાખવતાં ક્રિશ કહે છે, ‘શરૂઆતની ઘણી રેસમાં એક-એક ડગલા માટે હારી ગયો છું. સ્કેટિંગની ભાષામાં એને વન વ્હીલ ડિફરન્સ કહેવાય. હારી જાઉં એટલે મમ્મીને વળગીને રડવા લાગું. ક્યારેક પોતાની પર ગુસ્સો આવી જાય. જોકે સર હંમેશાં કહેતા કે તૂ લંબી રેસ કા ઘોડા હૈ. પેરન્ટ્સ પણ મોટિવેટ કરતા રહે. હાર્યા બાદ બમણા જોશથી પ્રૅક્ટિસ સ્ટાર્ટ કરી દઉં. સવારે સાડાચાર વાગ્યે ઊઠીને સ્કેટિંગ ક્લાસમાં જાઉં. બે કલાકની પ્રૅક્ટિસ બાદ ફટાફટ યુનિફૉર્મ પહેરી સ્કૂલમાં પહોંચી જાઉં. કૉમ્પિટિશન હોય ત્યારે એક્સ્ટ્રા પ્રૅક્ટિસ કરું. સ્ટૅમિના બિલ્ટ કરવા ઘરમાં સાઇક્લિંગ કરું છું. પપ્પાએ જિમમાં હોય એવી સાઇકલ લઈ આપી છે. અમારું ઘર સેવન્થ ફ્લોર પર છે. સ્ટ્રેંગ્થ વધારવા દિવસમાં બે વાર દાદરા ચડ-ઊતર કરવાનું રાખ્યું છે. સ્કૂલમાં પણ સ્ટેરકેસનો જ ઉપયોગ કરું છું. જેમ-જેમ લેવલ વધે સ્ટૅમિના વધારવો પડે તેથી ફિટનેસ રૂટીન સ્કિપ નથી કરતો.’
સ્કૂલ ચાલુ હોય ત્યારે સ્ટડીઝની સાથે સ્કેટિંગની પ્રૅક્ટિસ માટે પણ સમય ફાળવવાનો હોવાથી ક્રિશને ફ્રેન્ડ્સ સાથે રમવાનો સમય મળતો નથી. જોકે વેકેશનમાં બધી કસર પૂરી કરી લે છે. બૉલથી રમવાવાળી દરેક આઉટડોર ગેમ તેને પસંદ છે. ક્રિકેટ ફેવરિટ ગેમ છે. 

સ્કૂલનો સપોર્ટ
આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત સ્પર્ધામાં થયેલા ઍક્સિડન્ટ વિશે વાત કરતાં ક્રિશ કહે છે, ‘એક સ્પર્ધામાં ભાગ લેવા ગોવા ગયો હતો. એક્ઝામ નજીક હતી પરંતુ કૉમ્પિટિશનમાં કંઈક નવું હોવાથી એક્સાઇટમેન્ટ હતું. સ્પર્ધાના નિયમ પ્રમાણે સ્કેટિંગ કરતાં-કરતાં એક પૉઇન્ટ પર આવી ખુરશી પર બેસવાનું હતું. મ્યુઝિકલ ચૅર જેવી ગેમ હતી. ખુરશી પર બેસવા જતાં સ્લિપ થઈ ગયો. સ્પીડના કારણે થોડો ઘસડાયો અને ખુરશીનો પાયો છાતીમાં વાગી જતાં ઈજા થઈ. મુંબઈ આવ્યા પછી ડૉક્ટરે દોઢ મહિનો બેડ-રેસ્ટ કરવાની સલાહ આપી. ફાઇનલ એક્ઝામનાં પેપર લખી શકું એવી પરિસ્થિતિ નહોતી. ટીચર્સે મમ્મી પેપર લખી શકે એવી વ્યવસ્થા કરી આપી હતી. રૂટીનમાં પણ ટીચર્સનો ખૂબ સપોર્ટ મળે છે. અર્લી મૉર્નિંગ સ્કેટિંગની પ્રૅક્ટિસને ધ્યાનમાં લઈ સ્કૂલમાં એક કલાક લેટ આવવાની પરમિશન મળી છે.’

columnists Varsha Chitaliya