પંદર પ્રકારનાં પેઇન્ટિંગ્સ શીખવે છે આ આર્ટ ટીચર

07 December, 2021 04:27 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વર્ષો બાદ હાથમાં પેન્સિલ અને બ્રશ પકડનારાં વિલે પાર્લેનાં મીરા નાગડાએ ઑનલાઇન ક્લાસિસ દ્વારા બે હજારથી વધુ લોકોને પેઇન્ટિંગ્સની અવનવી ટેક્નિક્સ શીખવી બેસ્ટ આર્ટ ટીચરનું સન્માન મેળવ્યું

પંદર પ્રકારનાં પેઇન્ટિંગ્સ શીખવે છે આ આર્ટ ટીચર

છેલ્લાં દોઢ-બે વર્ષમાં ટાઇમપાસ માટે ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા પેજ પર શૅર થયેલાં કલરફુલ પિક્ચર્સથી અનેક આર્ટિસ્ટોના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો છે. વિલે પાર્લેમાં રહેતાં ૩૩ વર્ષનાં મીરા નાગડા પણ એમાંનાં એક છે. નવરાશની પળોમાં પેઇન્ટ કરેલાં ચિત્રોને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ એટલીબધી ઇન્ક્વાયરી આવી કે અનાયાસે તેમનું આ પૅશન સ્મોલ સ્ટાર્ટઅપ બની ગયું. આટલા ઓછા સમયમાં બે હજાર કરતાં વધુ લોકોને ઑનલાઇન ડ્રૉઇંગ શીખવી તેમણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા એટલું જ નહીં, બેસ્ટ ટીચરનું સર્ટિફિકેટ પણ મળી ગયું. આ બધું કઈ રીતે શક્ય બન્યું? ચાલો જાણીએ. 
અનુભવ કામ આવ્યો
ડ્રૉઇંગ આવડતું હતું પરંતુ પારિવારિક જવાબદારીના કારણે વર્ષો પહેલાં છૂટી ગયું હતું. કોવિડ દરમિયાન એટલોબધો સમય હતો કે કરવાનું શું? ચાલો પેઇન્ટિંગ્સ બનાવી ફોટો ક્લિક કરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીએ. બસ, આટલું જ વિચાર્યું હતું. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં મીરા કહે છે, ‘મારા શૅર કરેલા પેઇન્ટિંગ્સના ફોટો જોઈને સર્કલમાંથી કેટલાક લોકોએ પૂછપરછ કરી. એ વખતે બધાની પાસે નિરાંત હતી અને લોકો કંઈક ઍક્ટિવિટી શોધતા હતા. ખાસ કરીને હાઉસવાઇફ અને યંગ મૉમને ડ્રૉઇંગ શીખવામાં વધુ રસ હતો. ટૅલન્ટને પ્રમોટ કરવાની સાથે એમાંથી આર્થિક બેનિફિટ્સ મેળવવાની તક ઝડપી ઑનલાઇન ક્લાસિસ સ્ટાર્ટ કરી દીધા. વાસ્તવમાં મોટિવેશન અને સપોર્ટની જરૂરત પણ હતી. મારા હસબન્ડ વિશાલનો સ્કૂલ ઍન્ડ ટ્રાવેલ બૅગ્સ, બ્રૅન્ડેડ ક્લચિસ, પર્સ વગેરેનો બિઝનેસ છે. લૉકડાઉનમાં શૉપ્સ બંધ હતી અને આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઝીરો થઈ ગઈ હતી. આપણી પાસે સેવિંગ હોય, પરંતુ તમામ બચત ખર્ચાઈ જાય તો તકલીફ થાય. ડ્રૉઇંગ ક્લાસિસથી આર્થિક ટેકો મળતાં ઉત્સાહ વધ્યો. ટીચિંગ ફીલ્ડનો જૂનો અનુભવ હોવાથી વર્કશૉપ હૅન્ડલ કરવામાં બહુ વાંધો નહોતો આવ્યો. જોકે ટેક્નૉલૉજીનું જ્ઞાન ઓછું હતું તેથી ઑનલાઇન ક્લાસિસ શરૂ કરવા હસબન્ડે ઘણી હેલ્પ કરી. સાથે મળીને કંઈક નવું શરૂ કરીએ ત્યારે ઑટોમૅટિકલી લાઇફમાં બધું પૉઝિટિવ થવા લાગે. કૉર્પોરેટ વર્કશૉપ, કિડ્સ વર્કશૉપ, મંડલા પેઇન્ટિંગ્સ એમ જુદી-જુદી કૅટેગરીમાં ક્લાસ લઈ બે હજાર જેટલા લોકોને ડ્રૉઇંગ શીખવ્યું છે અને હજી આ સિલસિલો ચાલે છે.’ 
ખાસિયત શું છે?

ડ્રૉઇંગ અને કલરિંગ સાથે જોડાયેલી તમામ ઍક્ટિવિટી અને આર્ટ ફૉર્મ મને અટ્રૅક્ટ કરે છે એમ ઉત્સાહ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘મંડલા, પૉપઆર્ટ, થ્રી-ડી ઇલ્યુઝન, મધુબની, ચારકોલ, વારલી પેઇન્ટિંગ્સ, બૉટનિકલ લાઇન આર્ટ, કવ્વાલી ડૂડલ, ઝેનડૂડલિંગ, ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ, પિક્સલ, ગોન્ક ફોક, હૅન્ડ લેટરિંગ, ડૉટિંગ વગેરે આર્ટ સ્ટાઇલ આવડે છે. એમાંથી કેટલીક નાનપણમાં શીખી હતી, પરંતુ રી-સ્ટાર્ટ કોવિડ દરમિયાન કર્યું. કલરિંગ પાર્ટ માટે પણ દરેક મીડિયમ યુઝ કરું છું. વાસ્તવમાં હું સેલ્ફ-લર્નર છું. જેમ-જેમ ડ્રૉઇંગ કરતી ગઈ નવી-નવી ટેક્નિક્સ આવડવા લાગી. આમ તો દરેક સ્ટાઇલની પોતાની ખાસિયત હોય છે, પરંતુ મારી અંગત વાત કરું તો મંડલા આર્ટ ફેવરિટ છે. આ સ્ટાઇલને તમે સ્ટ્રેસબસ્ટર કહી શકો. રિલૅક્સેશન અને થેરપી માટે આવનારા લોકોને હું મંડલા આર્ટ શીખવાની ભલામણ કરું છું. અનેક લોકોને એનાથી ફાયદો થયો છે. સાત વર્ષથી પાંસઠ વર્ષની ઉંમરના લોકોને આર્ટ શીખવામાં રસ પડે છે. સ્ટાર્ટ કર્યું ત્યારે મહિલાઓની સંખ્યા વધુ હતી. આજે નેવું ટકા વિદ્યાર્થીઓ સ્કૂલ ગોઇંગ કિડ્સ છે. જોકે વીક-એન્ડ વર્કશૉપમાં આજે પણ દરેક એજ ગ્રુપના વિદ્યાર્થીઓ છે. શરૂઆતમાં દિવસના ચાર કલાક ડ્રૉઇંગ અને પેઇન્ટિંગ્સ પાછળ વિતાવતી હતી. હાલમાં ઑનલાઇન ક્લાસિસ ઉપરાંત રાતના સમયે એક કલાક ડ્રૉઇંગ કરું છું.’

બેસ્ટ ટીચરનું સર્ટિફિકેટ પણ મળ્યું 

લગભગ દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બે હજાર જેટલા લોકોને ચિત્રો દોરતાં અને રંગો પૂરવાની ટેક્નિક્સ શીખવી એ બાબતની નોંધ પણ લેવાઈ એવી માહિતી શૅર કરતાં મીરા કહે છે, ‘અત્યાર સુધી માત્ર ઑનલાઇન ક્લાસિસ જ લીધા છે. આટલા બધા લોકોને રૂબરૂ મળ્યા વિના આ કળા શીખવવી એ અચીવમેન્ટ કહેવાય. ટીચર્સ ડેના થોડા દિવસ પહેલાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર જુદા-જુદા આર્ટ્સ ટીચર્સને મોટિવેટ કરવા જાણીતી સંસ્થાએ નૉમિનેશન મગાવ્યાં હતાં. મારી એક ફ્રેન્ડના સજેશનથી મેં પણ ફૉર્મ ભર્યું. ક્રૉસચેક કર્યા બાદ મને બેસ્ટ આર્ટ ટીચર તરીકે સન્માનિત કરવામાં આવી હતી. જોકે આ તમામ પ્રક્રિયામાં પણ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો રોલ રહ્યો છે.’

columnists Varsha Chitaliya