દવા-દાનનું અનોખું અભિયાન ઉપાડ્યું છે આ સિસ્ટર્સે

13 May, 2022 10:44 AM IST  |  Mumbai | Varsha Chitaliya

વડાલાની અનુષ્કા અને જાહ્‍નવી મહેતાએ મેડિસિન બૉક્સમાં નકામી પડી રહેતી દવાઓને ઘરે-ઘરેથી કલેક્ટ કરી આર્થિક રીતે પછાત દરદીઓ સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. આ કામ તેઓ કઈ રીતે પાર પાડે છે એની પ્રેરણાત્મક વાતો જાણીએ

નર્સને કિટ આપતી અનુષ્કા મહેતા

ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી દવાઓ આર્થિક રીતે પરવડે એમ ન હોવાથી અનેક લોકો મેડિકલ સ્ટોરનો દાદરો ચડવાનું ટાળે છે. દવાખાનામાંથી આપેલી ગોળીઓથી ચલાવી લેવાની મજબૂરીના કારણે તેઓ વધુ બીમારીમાં પટકાય છે. બીજી તરફ એક્સપાયરી ડેટ સુધી દવાઓને સાચવી રાખવાની ટેવના કારણે અનેક લોકોના ઘરમાં દવાઓનો ઢગલો જોવા મળે છે. છેલ્લે આ દવાઓ મોટા ભાગે કચરાના ડબ્બામાં જ જતી હોય છે. શું વપરાયા વગરની પ્રિસ્ક્રિપ્શન દવાઓને જરૂરિયાતમંદ દરદીઓ સુધી પહોંચાડી શકાય? જવાબ છે હા! વડાલાની ટીનેજ સિસ્ટર્સ અનુષ્કા મહેતા અને જાહ્નવી મહેતાએ નકામી પડી રહેલી દવાઓને ઘરે-ઘરેથી કલેક્ટ કરી આર્થિક રીતે પછાત દરદીઓ સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. આ અનોખા સેવાકાર્યની શરૂઆત કઈ રીતે થઈ અને આ કાર્યને તેઓ કઈ રીતે પાર પાડે છે એ જાણીએ.
વિચાર વહેતો થયો
કૅથીડ્રલ ઍન્ડ જૉન કેનન સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની અનુષ્કા ત્રણેક મહિના અગાઉની વાત યાદ કરતાં કહે છે, ‘અમે ઘર શિફ્ટ કરી રહ્યાં હતાં. પૅકિંગ ચાલતું હતું એ દરમિયાન દવાનું બૉક્સ હાથમાં આવ્યું. મેં જોયું તો ઘણીબધી મેડિસિન વપરાયા વિનાની પડી હતી. કેટલીક સ્ટ્રિપ્સમાંથી માંડ એકાદ ટૅબ્લેટ યુઝ થઈ હશે. એક્સપાયરી ડેટ ચેક કરી તો દવાઓ ઉપયોગી લાગી. નકામી દવાઓને ડસ્ટબિનમાં નાખી દેવા કરતાં જરૂરિયાતમંદને આપી દેવાથી આપણા મની વેસ્ટ ન થાય અને દરદીના પૈસા પણ બચી જાય. ખણખોદ કરતાં જાણવા મળ્યું કે મુંબઈમાં કેટલીક હૉસ્પિટલો, દવાખાનાં અને એનજીઓ છે જ્યાં એક્સપાયરી ડેટ દૂર હોય એવી મેડિસિન ડોનેટ કરી શકાય છે. અમારા ઘરમાંથી બિનજરૂરી દવાઓ નીકળી એવી જ રીતે દરેકના ઘરમાં આમ બનતું હશે. અમને રિયલાઇઝ થયું કે મેડિસિન ડોનેશન માટે લોકોમાં જાગરૂકતા લાવવી જોઈએ. અનાયાસે આવેલા વિચારમાંથી ‘હેલ્પ મેડિકેટ’ નામથી ઝુંબેશ શરૂ થઈ. આ પ્રોગ્રામ હેઠળ અમે વડાલા, ચેમ્બુર, ઘાટકોપર, સાયન વગેરે વિસ્તારની ‌સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈને અનયુઝ્ડ મેડિસિન કલેક્ટ કરી વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને હૉસ્પિટલોમાં દાન કરીએ છીએ.’
કાર્યપદ્ધતિ
હેલ્પ મેડિકેટ કઈ રીતે કામ કરે છે એની જાણકારી આપતાં અનુષ્કા કહે છે, ‘મેડિસિન ડોનેટ કરવી છે એ બાબત અમે ક્લિયર હતાં. જોકે કોઈ પણ નિર્ણયને પ્રૅક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા જહેમત ઉઠાવવી પડે. સૌથી પહેલાં અમારી સોસાયટીમાં ગૂગલ ફૉર્મ રોલઆઉટ કર્યું. મેડિસિન ડોનેટ કરવાની ઇચ્છા હોય એ ફૉર્મમાં દવાઓની વિગત ભરીને તૈયાર રાખે એવી રિક્વેસ્ટ કરી. બધાના ઘરે જઈને ફૉર્મ સાથે મેડિસિન કલેક્ટ કરી. આડોશીપાડોશીનો રિસ્પૉન્સ મળતાં ઉત્સાહ વધ્યો. ત્યાર બાદ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સને આ ઝુંબેશમાં જોડાવાની ભલામણ કરી. વૉટ્સઍપ મેસેજના કારણે કામ સરળ થઈ ગયું.’
બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની જાહ્નવી વાતનો દોર હાથમાં લેતાં કહે છે, ‘દવાઓ પૅકેટમાં આવે છે અને પ્રિસ્ક્રાઇબ્ડ ડોઝનો ઉપયોગ કર્યા પછી અથવા પ્રિસિપ્લાનમાં ફેરફારની સાથે બાકીની દવા એક્સપાયર ન થાય ત્યાં સુધી આપણાં ઘરોમાં પડી રહે છે. કેમિસ્ટવાળા વધેલી દવાઓ પાછી લેતા નથી તેથી આ દવાઓનું દાન કરીને તમે સેવાનું કાર્ય કરી શકો છો. આમાંથી કેટલીક દવાઓ નિયમિત ધોરણે વપરાય છે જ્યારે કેટલીક દવાઓ મહિનાઓ સુધી અથવા કાયમ માટે ઉપયોગ વિના પડી રહે છે. બિનજરૂરી દવાઓને ઘરમાં રાખી મૂકવાના બદલે દાન કરો એવું અમે લોકોને સમજાવીએ છીએ. અનેક લોકોએ મોંઘા ભાવની દવાઓ ડોનેટ કરી છે. ઘણી વાર એક ઘરમાંથી ત્રણેક હજાર રૂપિયાની દવાઓ મળી હોવાના દાખલા છે. આ અભિયાન અમે સાપ્તાહિક ધોરણે ચલાવીએ છીએ.’
સ્થળ ફિક્સ કર્યાં
પેરન્ટ્સ ભાવિન અને મીરા મહેતાના માર્ગદર્શનથી બન્નેએ મેડિસિન કિટ આપવા માટેનાં સ્થળો ફિક્સ કર્યાં. આ સંદર્ભે વાત કરતાં અનુષ્કા કહે છે, ‘મમ્મી-પપ્પાએ સમજાવ્યું કે કિટ બનાવીને વૃદ્ધાશ્રમમાં આપી આવો એવું ન ચાલે. દવાઓ રૉન્ગ હાથમાં ન જવી જોઈએ એની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. દરદીને કઈ દવા આપવાની છે, એનો ડોઝ, કેટલા દિવસ લેવાની છે વગેરે ડૉક્ટર જ જણાવી શકે. અમે બન્ને બહેનો કેટલીક જગ્યાએ વિઝિટ કરીને નર્સ અથવા ડૉક્ટર અવેલેબલ હોય છે કે નહીં એની તપાસ કરી આવી. નર્સના હાથમાં કિટ સોંપી દઈએ. તેઓ દરદીની જરૂરિયાત પ્રમાણે ફ્રીમાં ડિસ્ટ્રિબ્યુટ કરે. હાલમાં સાયનમાં આવેલા માનવ સેવાસંઘ અને સાલ્વેશન આર્મી ચિલ્ડ્રન હોમમાં મેડિસિન કિટ આપીએ છીએ.’

 હેલ્પ મેડિકેટ ઝુંબેશ થકી કલેક્ટ થયેલી દવાઓ હાલમાં માનવ સેવાસંઘ અને સાલ્વેશન આર્મી ચિલ્ડ્રન હોમમાં આપવામાં આવે છે. 

columnists Varsha Chitaliya