આ ભૂલકાંઓએ સ્કેટિંગ થકી મેળવ્યું ગિનેસ બુકમાં સ્થાન

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Varsha Chitaliya

દેશનાં વિવિધ રાજ્યોના જુદી-જુદી વયના ૩૯૮ સ્કેટર્સે કર્ણાટકના શિવગંગા સ્ટેડિયમમાં એક અનોખો રેકૉર્ડ બનાવ્યો. એમણે ૯૬ કલાક નૉન-સ્ટૉપ સ્કેટિંગ કરીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું . આ સિદ્ધિમાં મુંબઈના ગુજરાતી સ્કેટર્સે કઈ રીતે હિસ્સેદારી નોંધાવી એ જાણીએ

આ ભૂલકાંઓએ સ્કેટિંગ થકી મેળવ્યું ગિનેસ બુકમાં સ્થાન

સ્કૂલ ગોઇંગ કિડ્સમાં એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટી તરીકે સ્પોર્ટ્સ અને ડાન્સ પૉપ્યુલર છે. મુંબઈમાં ઠેર-ઠેર ખૂલી ગયેલા ક્લાસિસમાં બધા જ બૅચ ફુલ હોય છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો છેલ્લાં થોડાં વર્ષથી સ્કેટિંગ શીખવાનો ક્રેઝ વધ્યો છે. શરૂઆતમાં ફોર વ્હીલ, ત્યાર બાદ ઇનલાઇન સ્કેટ, સ્કેટિંગ બોર્ડ એમ વિવિધ પ્રકારે પ્રશિક્ષણ લઈ આ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરી શકાય છે. કેટલાંક પ્રતિભાશાળી બાળકો લાંબા કલાકો સુધી સ્કેટિંગમાં સંતુલન જાળવી રાખે છે. કાંદિવલી, બોરીવલી, અંધેરી, મુલુંડ, ઘાટકોપર સહિત મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં રહેતાં ગુજરાતી બાળકોએ પોતાની આ ટૅલન્ટનો પરચો બતાવી ગિનેસ બુકમાં નામ નોંધાવ્યું છે. ચાલો આપણે તેમની સિદ્ધિને બિરદાવીએ.    
રેકૉર્ડ બનાવ્યો | નજીકના ભૂતકાળમાં કર્ણાટકના બેલગામસ્થિત શિવગંગા રોલર સ્કેટિંગ ક્લબ અને રોટરૅક્ટ દ્વારા રિલે સ્કેટિંગમાં રેકૉર્ડ બનાવવાના ઇરાદાથી એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સ્કેટર્સ ગ્રુપે ભાગ લીધો હતો. જુદી-જુદી વયજૂથના સ્કેટર્સે ૯૬ કલાક નૉન-સ્ટૉપ સ્કેટિંગ કરી ગિનેસ બુકમાં ભારતને સ્થાન અપાવ્યું છે. ઇન્ડિયા રોલર સ્કેટ્સ (આઇએનડીઆરએસ)ના મુંબઈનાં કોચ ભામિની શાહ અને રાજ સિંહના માર્ગદર્શનમાં ગુજરાતી બાળકોએ પણ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાની હિસ્સેદારી નોંધાવી છે. આ સંદર્ભે વાત કરતાં રાજ સિંહ કહે છે, ‘રિલે સ્કેટિંગમાં રેકૉર્ડ બનાવવા માટે દેશભરની સ્કેટિંગ ક્લબમાંથી ૩૯૮ સ્કેટર્સ આવ્યા હતા. મુંબઈનાં ઘણાં ગુજરાતી બાળકોએ ઉત્સાહ સાથે એમાં ભાગ લીધો હતો જેમાંથી ૨૮ બાળકો અમારી ક્લબનાં હતાં. ૨૮ મેથી ૩ જૂન સુધી સળંગ સ્કેટ્સ કરવાનું હતું. દરેક ગ્રુપને વારાફરતી એક કલાકનો ટાઇમ સ્લૉટ આપવામાં આવ્યો હતો. એક ગ્રુપ સ્કેટિંગ કરી લે એટલે તરત બીજા ગ્રપુને સ્ટાર્ટ કરી દેવાનું. સવારે ચાર વાગ્યે, રાતના એક વાગ્યે, બપોરે ત્રણ વાગ્યે સ્કેટિંગ કરવાની તૈયારી હોવી જોઈએ. દરેક ગ્રુપને ચોવીસ કલાકમાં ત્રણ સ્લૉટ ફાળવવામાં આવ્યા હતા. રેકૉર્ડ બનાવવા માટેની ઇવેન્ટમાં એજ લિમિટ નથી હોતી. અમારા ગ્રુપમાં ત્રણ બાળકો છ વર્ષથી નીચેની ઉંમરનાં હતાં તોય તેમણે પૂરા કૉન્ફિડન્સ સાથે આપેલા ટાઇમ સ્લૉટમાં સ્કેટિંગ કર્યું હતું. ​ગિનેસ બુકના વહીવટકર્તાઓએ વિદેશમાં બેસીને લાઇવ વિડિયો જોઈ રેકૉર્ડ થયો હોવાની જાણકારી આપી હતી.’
પ્રેશર ન હોય | અમારી ઍકૅડેમીના વિદ્યાર્થીઓ આખું વર્ષ ડેડિકેશન સાથે પ્રૅક્ટિસ કરતા હોય છે. અમે તેમને જુદી-જુદી ઇવેન્ટ અને કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેમનો કૉન્ફિડન્સ વધે. જોકે સ્પર્ધા અને રેકૉર્ડ બનાવવાના હેતુથી આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં તફાવત છે એવી વાત કરતાં તેઓ આગળ કહે છે, ‘કૉમ્પિટિશનમાં જીતવાનું પ્રેશર હોય છે જ્યારે નૉન-સ્ટૉપ રેકૉર્ડ માટેની ઇવેન્ટમાં માનસિક દબાણ હોતું નથી. કદાચિત કોઈ વિદ્યાર્થી સ્કેટિંગ કરતાં થાકી જાય તો ઇવેન્ટને અસર થતી નથી. આવી ઇવેન્ટ માટે સિલેક્શન નથી હોતું. જેમને ભાગ લેવો હોય તેઓ નામ નોંધાવી શકે છે એટલી માહિતી શૅર કરી હતી. અમારી ક્લબમાં કાંદિવલી-બોરીવલીના વિદ્યાર્થીઓ વધુ છે. સ્કેટો મોટો ઇવેન્ટમાં ભાગ લેવા માટે તેઓ એટલા ઉત્સાહી હતા કે સવારે ચાર વાગ્યે ઊઠીને પ્રૅક્ટિસ કરવા ક્લબમાં પહોંચી જતા. કયા વિદ્યાર્થીઓએ કેટલા કલાક સ્કેટિંગ કર્યું એ મહત્ત્વનું નથી. તેઓ સક્સેસફુલ થયા એ તેમની જીત છે.’

વિક્રમ બનાવવામાં ભાગ લેનારી સ્કેટરનાં પેરન્ટ શું કહે છે? 

સ્કેટો મોટો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરનારી કચ્છી સમાજની છ વર્ષની પિયાંશીનાં મમ્મી મીનાક્ષી કહે છે, ‘પિયાંશી ત્રણ વર્ષની એજથી સ્કેટિંગ શીખે છે. ટૂંક સમયમાં તે સ્ટેટ અને નૅશનલ લેવલની કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા લાગી. ઘણાં ઇનામો પણ મેળવ્યાં છે. રેકૉર્ડ બનાવવા માટે ઇવેન્ટ થવાની છે એવી જાણ થઈ ત્યારથી તે ઘણી એક્સાઇટેડ હતી. આ એજમાં ટાઇમ સ્લૉટ પ્રમાણે જાતે ઊઠી જતી. અમને ફોટો પાડવાની અને વિડિયો ઉતારવાની મનાઈ હોવાથી એણે કુલ કેટલા કલાક સ્કેટિંગ કર્યું એની સચોટ જાણકારી નથી પરંતુ પૂરું કર્યું એનો આનંદ છે.’

columnists Varsha Chitaliya