મુંબઈના આ જૈન યુવા સિંગરોએ તો કમાલ કરી

31 August, 2024 12:20 PM IST  |  Mumbai | Ruchita Shah

ભક્તિસંગીતના સૂરો સાથે યુવા પેઢીને ધર્મમય બનાવવામાં સફળતા સાથે આગળ વધી રહેલા આ જૈન યુવા સિંગરો

જૈન યુવા સિંગર્સ

પોતાની ઝળહળતી કારકિર્દીને બાજુ પર રાખીને ભક્તિસંગીતને જીવનનિર્વાહ બનાવનારા અને ગીતો લખવા, ગાવા અને બનાવવામાં જ રત એવા આ સિંગરોને સાંભળવા માટે હજારોની સંખ્યામા યંગસ્ટર્સ ભેગા થાય છે તો સોશ્યલ મીડિયા પર પણ તેમના લાખોમાં ફૉલોઅર્સ છે. આજે પર્યુષણનો પહેલો દિવસ છે ત્યારે મળીએ મુંબઈના કેટલાક સેલિબ્રિટી ગાયકોને જેમણે ભક્તિસંગીતના માધ્યમથી જૈન સમાજના યુવા વર્ગને એકજુટ કરવામાં અને સંકટમાં રહેલાં જૈન તીર્થોને બચાવવામાં જનઆંદોલનને જુદા જ સ્તરે પહોંચાડવાનું કામ કર્યું છે. સંગીતની અને ભક્તિની શક્તિથી ધાર્મિક ચેતનાને ઉજાગર કરી રહેલા આ કલાકારો પાસેથી જાણીએ જૈનિઝમમાં આવી રહેલા મ્યુઝિકલ રેવલ્યુશન વિશે

માનવજીવનના ઇતિહાસમાં સંગીતનું અદકેરું મહત્ત્વ રહ્યું છે. જન્મથી લઈને મરણ સુધીના જીવનના વિવિધ તબક્કે સંગીત સાથે આપણો નાતો જોડાયેલો છે. પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ સંગીતનું મહત્ત્વ અને સંગીતની આપણા પર થતી અસરોથી પેટ ભરીને ચર્ચા કરે છે. સંગીત સાધના છે, સંગીત ધ્યાન છે, સંગીતમાં હીલિંગ પાવર છે અને એટલે જ મ્યુઝિક થેરપીથી ઇલાજ થાય. સંગીત જનચેતનાને એકત્રિત કરીને એને દિશા ચીંધવાનું, માંહ્યલાને જગડાવાનું કામ કરે છે. દેશને આઝાદી અપાવવામાં દેશભક્તિનાં ગીતો થકી દેશદાઝને જ્વલંત રાખવાનું કામ થયું છે એટલે જ દરેક રાષ્ટ્ર પાસે પોતાનું રાષ્ટ્રગીત છે. સંગીત સંગઠિત કરે છે, સંગીતથી ક્રાંતિ સંભવ છે. કંઈક એવી જ ક્રાંતિ ભક્તિ સંગીત દ્વારા જૈન પરંપરામાં છેલ્લાં થોડાંક વર્ષમાં યુવાપેઢીએ લાવી છે એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. ગિરનાર તીર્થ હોય કે અંતરિક્ષજી-એના બચાવમાં યુવા પેઢીએ જે અગ્રણી ભૂમિકા ભજવી એની પાછળ એ તીર્થ અને ત્યાં બિરાજમાન પરમાત્મા પર રચાયેલાં મધુર ગીતોએ બહુ મોટી કમાલ કરી હતી. મજાની વાત એ છે કે સંગીતના માધ્યમથી દરેક વયજૂથમાં ધર્મ પ્રત્યે અનુરાગ જગાવવાનું અને ધર્મના સંસ્કારોમાં તેમને સ્થિર કરવાનું અનોખું કામ પણ યુવાનો જ કરી રહ્યા છે. જૈનોની ભક્તિ સંગીતની દુનિયામાં દેકારો બોલાવનારા અને સેલિબ્રિટી સ્ટેટસ સાથે લાખો લોકોના હૃદયમાં ભક્તિનું ઘેલું લગાડનારા મુંબઈના છ જાણીતા સિંગરો સાથે આજે ગુફ્તેગૂ કરીએ. તેમના જીવનમાં સંગીતનો પ્રવેશ કેવી રીતે થયોથી લઈને ભક્તિ સંગીતના ફ્લેવરમાં આવેલા બદલાવો અને એની સાથે સર્જાયેલી કેટલીક કન્ટ્રોવર્સીઓ વિશેના તેમના વિચારો પણ જાણીએ. 

નાના બાળકથી લઈને વડીલો સુધી સૌ છે આ સ્ટાર સિંગરના ચાહક

જૈનમ વારિયા

બોરીવલીમાં રહેતા અને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ગીતો ગાનારા, ત્રીસેક જેટલાં ઓરિજિનલ કમ્પોઝિશન તૈયાર કરનારા જૈનમ વારિયાના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. ઇન ફૅક્ટ, યુટ્યુબ પર તેમની ઑફિશ્યલ ચૅનલ જોશો તો એક-એક ગીતોને લાખોમાં વ્યુઝ મળેલા છે. જેમ કે તેમનું ખૂબ જ પૉપ્યુલર થયેલું ગીત ‘તું ખૂબ મને ગમે છે મારા વહાલા પ્રભુ’ ગીતને ૪૩ લાખ વ્યુઝ મળ્યા છે. આ જ ગીતને બીજી જુદી-જુદી યુટ્યુબ ચૅનલોએ પણ પોતાની ચૅનલ પર અપલોડ કર્યું છે અને એના પણ વ્યુઝ જોશો તો લાખોમાં મળશે. કૉમર્સમાં ગ્રૅજ્યુએટ થનારા જૈનમે MBA પણ કર્યું છે. પિતાની સાથે થોડાક સમય માટે હીરાબજારમાં કામ કરનારા આ યુવાનને નાનપણથી જ સંગીતનો શોખ હતો. છેલ્લાં તેર વર્ષથી પ્રોફેશનલી સિંગિંગ કરતા જૈનમની સંગીતની યાત્રા શરૂ કેવી રીતે થઈ એની વાત કરતાં તે કહે છે, ‘પૅશન ક્યારે પ્રોફેશન બની ગયું એ મને પણ યાદ નથી. બોરીવલીના દૌલતનગરમાં અમારા દેરાસરમાં થતા ભક્તિગીતોના કાર્યક્રમમાં હું નિયમિત જતો. મને ગાવાનો શોખ હતો. અમારે ત્યાં પીયૂષભાઈ સ્તુતિ અને સ્તવનો ગાતા અને હું મંત્રમુગ્ધ થઈ જતો, આંખો ભીની થઈ જતી. સાંભળવાની યાત્રા ગાવામાં પરિવર્તિત થઈ. લગભગ દસ-બાર વર્ષ સેવાના ભાગરૂપે જ્યાં આમંત્રણ મળે ત્યાં ગાવા જતો અને પછી પ્રોફેશનલી ગાવાનું શરૂ કર્યું અને બસ એ યાત્રા આજ સુધી અવિરત છે.’
પાંચ વર્ષની શાસ્ત્રીય સંગીતની ટ્રેઇનિંગ લેનારા જૈનમે સંકલ્પ કર્યો છે કે માત્ર જૈન પરંપરાનાં ધાર્મિક ગીતો જ ગાવાનાં અને એ સિવાયના કોઈ પણ કાર્યક્રમમાં ન ગાવું. તે કહે છે, ‘મારા ગુરુદેવ મુનિરાજ શ્રી જ્ઞાનબોધિ વિજયજીમહારાજની પ્રેરણા રહી અને મેં સંકલ્પ કર્યો કે પ્રભુએ જે આપ્યું એ પ્રભુને જ સમર્પિત. અને સાચું કહું તો મારા જીવનમાં પણ ભક્તિ સંગીતના ઉમેરા પછી ઘણા બદલાવો આવ્યો છે. પહેલાં ચૌવિહાર નહોતો કરતો, પણ હવે એ કમ્પલસરી થઈ ગયું છે જીવનમાં. સંભવ હોય ત્યાં સુધી ઉકાળેલું પાણી જ પીઉં છું. મને જોઈને મારા પરિવારમાં પણ ધર્મના આચરણની વૃદ્ધિ થઈ છે. મારા જન્મદાત્રી માતા જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે ખૂબ ભક્તિમય હતાં. જોકે મારા જન્મ સમયે તેમનું નિધન થયું. પછી મને ઉછેરનારાં મારાં બીજાં મમ્મી તરફથી પણ ધર્મના સંસ્કારો અને વાતાવરણ મળ્યું. એટલે જ હું પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે મને કંઠ મારાં પ્રથમ માતાએ આપ્યો અને એમાં ભાવ ભરવાનું કામ મારાં બીજાં મમ્મીએ કર્યું.’
પ્રસિ​દ્ધિ અને લોકચાહના વચ્ચે લોકોના જીવનમાં આવેલા બદલાવો જૈનમભાઈને સ્પર્શી જાય છે. તેઓ કહે છે, ‘કાર્યક્રમ દરમ્યાન અને યુટ્યુબના માધ્યમે એવા અઢળક અનુભવો થાય છે જે મારા પોતાના જીવનને બદલાવ તરફ લઈ જઈ રહ્યા છે. એક દિક્ષાર્થી ભાઈ મળેલા જેમણે કહેલું કે તમારાં ગીતો સાંભળતાં-સાંભળતાં મન સંસારમાંથી ઊઠી ગયું અને સંયમ તરફ પ્રયાણ કર્યું. શબ્દોની અને સંગીતની આ તાકાત હોઈ શકે એનો અજંપો થાય છે. મારા પોતાના જીવનમાં પણ આગળ કહ્યું એમ ખૂબ બદલાવો આવ્યા છે. નિયમિત મહાત્માને મળવાનું થતું હોય, ભક્તિગીતો ગાતાં-ગાતાં જે ભાવો જન્મતા હોય એનું વર્ણન અસંભવ છે.’‍

CAમાંથી સિંગર બનવાની યાત્રામાં લોકો તરફથી એટલો પ્રેમ મળ્યો કે પાછળ વળીને જોયું નથી

દેવાંશ દોશી

મલાડમાં રહેતા દેવાંશ દોશીને દર વર્ષે લગભગ બસો-અઢીસો કાર્યક્રમ માટે ઑફર આવે, પરંતુ સમયના અભાવે ના કહેવી પડતી હોય છે. લગભગ દોઢસો પોણાબસ્સો ગીતો પર કામ કરી ચૂકેલા દેવાંશભાઈનું મ્યુઝિક પૅશન હતું. તેઓ કહે છે, ‘હું સ્કુલમાં હતો ત્યારે દેરાસરના મંડળમાં નાની-મોટી ભક્તિમાં ભાગ લેતો. મ્યુઝિકનો શોખ હતો એટલે જ મારે એ. આર. રહેમાન ઇન્સ્ટિટ્યૂટમાંથી મ્યુઝિક ડિરેક્શનનો કોર્સ કરવો હતો, પણ એ સમયે એટલે લગભગ દસ-બાર વર્ષ પહેલાં મ્યુઝિશ્યનનું આટલું મહત્ત્વ નહોતું. સોશ્યલ મીડિયા આટલું ઍક્ટિવ નહોતું. ભણવામાં સારો હતો એટલે CA થઈ ગયો, પણ અંદરખાને રહેલો સિંગરનો જીવ ભક્તિગીતોના માધ્યમે ભાવ સાથે ગીતોનો શોખ પૂરો કરી લેતો. જોકે દેરાસરની ભક્તિમાં કામચલાઉ સિંગિંગ ક્યારે જીવનનું અનિવાર્ય અંગ બની ગયુ એ યાદ નથી.’ દેવાંશનાં કેટલાંક ગીતોએ સોશ્યલ મીડિયા પર જબરી લોકપ્રિયતા મેળવી છે. જેમ કે નેમ-રાજુલ પરના તેમના ગીતને જુદી-જુદી ચૅનલો પર મળીને લગભગ ચાલીસ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. સિં​ગિંગ સાથે મ્યુઝિક કમ્પોઝિશન પણ કરતો દેવાંશ મ્યુઝિકમાં આવેલા બદલાવ વિશે કહે છે, ‘સો ટકા આજના ભક્તિ સંગીતનાં લિરિક્સ અને મ્યુઝિકમાં બદલાવ આવ્યો છે. મ્યુઝિક ઍડ્વાન્સ થયું છે, પણ સાથે ભાવોની પણ વૃ​દ્ધિ થઈ છે. આજના સિંગર્સ જે ગાય છે એમાં ઇન્ડો વેસ્ટર્નનાં ફ્યુઝન તમને સંગીતમાં જોવા મળશે. જેને કારણે જ કદાચ બહુબધા યંગસ્ટર્સ ધર્મ સાથે જોડાયા છે. બદલાયેલા સંગીતના પ્રકારે અંતરિક્ષજી અને ગિરનાર તીર્થરક્ષાના કાર્યને વેગ આપવામાં, યુવાનોને એમાં જોડવામાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. માત્ર ભારતમાંથી જ નહીં, પણ દુનિયાભરમાંથી જૈનો દ્વારા ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાવાના શરૂ થયા અને એને કારણે તેમના જીવનમાં, પરમાત્મા પ્રત્યેની તેમની પ્રીતિમાં વધારો થયો છે એવાં ફીડબેક અમને સતત મળી રહ્યાં છે. સૉન્ગ સાંભળ્યું એટલે નવ્વાણું યાત્રા કરવાની ઇચ્છા થઈ, સૉન્ગ સાંભળ્યું એટલે મહારાજસાહેબ પાસે જવાની ભાવના થઈ જેવા લોકોના પ્રતિભાવો સાંભળીએ ત્યારે વર્થ લાગે કે આપણે સાચી દિશામાં છીએ.’

જૈન સંગીતના વિશ્વમાં સોથી વધુ ગીત ગાનારા આ યુવાનને એક ગીતે સુપરસ્ટાર બનાવી દીધો

પારસ ગડા

ગોરેગામના જવાહરનગરમાં રહેતા પારસ ગડાને હવે ઓળખાણની જરૂર નથી રહી. નેમરસ આટલું બોલતાં જ લગભગ દરેક જૈન તેમને ઓળખી જશે. યુટ્યુબ પર ૭૫ લાખ કરતાં વધુ વ્યુઝ મેળવનારા આ ગીતના લેખક, કમ્પોઝર અને સિંગર પારસે દસેક વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને છેલ્લાં બારેક વર્ષથી પ્રોફેશનલ મ્યુઝિશ્યન તરીકે સક્રિય છે. શાસનસેવાને પોતાના જીવનનું ધ્યેય સમજતા પારસ ગડા કહે છે, ‘નાનપણથી ગાવાનો શોખ હતો. મમ્મીને પણ સંગીત પ્રિય એટલે તેમના જ સંસ્કાર મારામાં ઊતર્યા છે. જોકે પરિવારમાં એ સમયે ધર્મનો એવો માહોલ નહોતો. મને યાદ છે કે નાનપણમાં મેં કંદમૂળ પણ ખાધું છે અને રાત્રિભોજન પણ કર્યાં છે. જોકે જવાહરનગર સંઘની પાઠશાળામાં જવાનું શરૂ કર્યું અને મારા જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો એવું કહી શકું. મારા સંઘનો એ રીતે મારા પર ખૂબ ઉપકાર છે. એ દરમ્યાન જ આજે જેઓ પૂજ્ય હેમશેખર મહારાજસાહેબ તરીકે સંયમજીવન પાળી રહ્યા છે એ ત્યારે સંસારમાં બચુભાઈ તરીકે હતા અને તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. મારા માટે તેઓ જ મારા ગુરુ છે. સંગીતમાં આગળ વધવામાં તેમનું પ્રોત્સાહન ખૂબ કામ લાગ્યું તો સાથે જ ધર્મ પ્રત્યેની રુચિમાં પણ તેમનો અને પાઠશાળાનો બહુ મોટો રોલ છે. શરૂઆતનાં વર્ષોમાં મોટા સિંગરોના પ્રોગ્રામ હોય ત્યારે બચુભાઈ મને ગાવા માટે સ્ટેજ પર મોકલી દેતા અને બસ એમ જ શીખતો ગયો.’ અહીં ઉલ્લેખનીય છે કે સોથી વધુ ગીતો ગાઈ ચૂકેલા પારસે ક્યારેય સંગીતની કોઈ ટ્રેઇનિંગ લીધી નથી. દુનિયાભરમાં પ્રોગ્રામ કરતો આ યુવાન દરરોજ સવાર-સાંજનું પ્રતિક્રમણ અચૂક કરે છે. એટલે સુધી કે ટ્રેનના પ્લૅટફૉર્મ પર, ઍરપોર્ટ પર એમ ઠેકઠેકાણે તેણે શો પૂરો કરીને રાતે ૧૧ વાગ્યે પણ પ્રતિક્રમણ કર્યું છે. નિયમિત ઉકાળેલું પાણી વાપરતો અને હવે તેના ગુરુમહારાજ પાસે વર્ષમાં બે-ત્રણ મહિના સ્વાધ્યાય અને શાસન સેવાનાં કામોમાં સક્રિય પારસે ઇતિહાસ સર્જનારા નેમરસની રચના કેવી રીતે કરી એ પણ જાણવા જેવું છે. પારસ કહે છે, ‘મારી ઇચ્છા એવી હતી કે હું ભગવાન નેમનાથને કંઈક અર્પણ કરું. શું કરવું એ સમજાતું નહોતું. એક ગીત રચવું હતું, જેમાં હું અને પ્રભુ એકરૂપ થઈ ગયા હોઈએ. એમાં જ નેમનાથ ભગવાનના નામમાંથી ‘નેમ’ અને મારા નામ પારસમાંથી છેલ્લા બે અક્ષર ‘રસ’ લઈને નેમરસ શબ્દ કૉઇન કર્યો અને પછી તો મનમાં જ ધૂન બની ગઈ અને ગીત તૈયાર થઈને સંગીત પણ આપ્યું.’ અકાઉન્ટ્સ ઍન્ડ ફાઇનૅન્સમાં ગ્રૅજ્યુએટ થનારા પારસ શાહ બિઝનેસ-પરિવારમાંથી આવે છે અને અભ્યાસ કર્યા પછી પિતાના બિઝનેસમાં જોડાવાની તૈયારીઓ કરવાની હતી એને બદલે અત્યારે તો તેના પ્રત્યેક શ્વાસમાં સેવા, સંગીત અને શાસનનાં કાર્યોની જ ધૂન સવાર છે. 

પ્રભુભક્તિની અનોખી અલખ જગાડનારા આ સિંગર પોતાના ત્રેવીસ વર્ષના અનુભવ પછી આજના સંગીત વિશે શું કહે છે?

પીયૂષ શાહ

ભક્તિસંગીતમાં મધુરતા અને ભાવુકતાથી છલોછલ કરીને નવીનતા ઉમેરવાનું અને છતાં ધર્મના મૂળભૂત પાયાના સિદ્ધાંતો સાથે કોઈ પણ જાતનું કૉમ્પ્રોમાઇઝ કર્યા વિના લોકોના હૃદયને ઝંકૃત કરવાનું શ્રેય જાય છે પીયૂષ શાહને. જેમ આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ગાયક કુણાલ દેઢિયાએ ‘તું મને ભગવાન એક વરદાન’ ગીતથી લોકોના હૃદયમાં પ્રભુભક્તિની જ્યોતને વધુ જ્વલંત કરવાનું કામ કર્યું એવી જ રીતે છેલ્લાં ત્રેવીસ વર્ષમાં ઑથેન્ટિસિટીને અસર પહોંચાડ્યા વિના અનેકને ભક્તિના રંગમાં રંગવાનું કામ પીયૂષભાઈએ કર્યું છે. સંગીતની યાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે પીયૂષભાઈ કહે છે, ‘દોલતનગરમાં મંડળ લેવલ પર ભક્તિ કરતો. મમ્મી-પપ્પા બન્નેને સંગીતનો શોખ હતો એટલે કદાચ એ જ રીતે સંગીત મને વારસામાં મળ્યું છે. શરૂઆતનાં વર્ષોમાં સેવા અને ભક્તિભાવથી સંગીત સાથે જોડાયેલો હતો. પછી ધીરે-ધીરે એ જ મારું કામ અને એ જ મારું જીવન બની ગયું. સંગીત સતત પરમાત્માની પ્રતીતિ કરાવનારું હોય છે.’

અઢળક ભક્તિગીતોમાં પોતાનો અવાજ, સંગીત સાથે ભાવોના પ્રાણ પૂરતા પીયૂષભાઈ ગાય ત્યારે લોકો ભાન ભૂલીને પ્રભુભક્તિમાં લીન થઈ જતા હોય છે. માત્ર ગીતો ગાવાનું જ નહીં પણ હવે ગીતો બનાવવાનું, સંગીત આપવાનું કામ પણ સુપેરે કરી રહેલા પીયૂષભાઈ છેલ્લા બે દાયકામાં ભક્તિ સંગીતમાં આવેલા બદલાવ વિશે કહે છે, ‘પહેલાં અને હમણાંની ભક્તિમાં ઘણો ફરક છે. પહેલાં અમારો એકમાત્ર શુદ્ધ આશય હતો પ્રભુના રંગમાં સા​​​ત્ત્વિકતાને બરકરાર રાખીને રંગાઈ જવું. ભાવની પ્રાધાન્યતા હતી. દેરાસરના પવિત્ર માહોલમાં પ્રભુની આંખોમાં આંખો પરોવીને ભગવાન સાથે તાદાત્મય સાધવાનો નિષ્ઠાવાન પ્રયાસ થતો. ગાનાર પણ પ્રભુની ભક્તિમાં લીન હોય અને સાંભળનારા પણ પ્રભુમય બની ચૂક્યા હોય. મોટા ભાગના લોકો એકતાન થઈને પરમાત્માની આંખોમાં આંખ મિલાવીને જાણે વાતો કરી રહ્યા હોય. અમે એ પ્રયાસ કરતા કે આપણા શબ્દો અને સૂર માધ્યમ બનીને ભક્ત અને ભગવાનના મિલનમાં સેતુ બને. આજે જે નવા કલાકારો છે એ ક્યાંક ભક્તિનો એ એસેન્સ ચૂકી જાય છે એવું ફીલ થતું હોય છે. સો ટકા તેમનો આશય સારો છે અને બદલાતા સમય સાથે કદાચ ઓવો બદલાવ આવ્યો છે.’

પૉલિથિનના બિઝનેસમાંથી પ્રભુભક્તિનાં ગીતોને સંપૂર્ણ સમર્પિત થયેલા આ સિંગરની વાત ન્યારી

ભાવિક શાહ 

મુલુંડમાં રહેતા કૉમર્સ ગ્રૅજ્યુએટ ભાવિક અતુલભાઈ શાહનો પહેલા પોતાનો બિઝનેસ હતો. ભગવાન પ્રત્યે પ્રેમ અને સંગીત પ્રત્યેની અનહદ રુચિ સિંગિંગ તરફ લઈ જશે એની કલ્પના પણ નહોતી એમ જણાવીને ભાવિક કહે છે, ‘નાનપણમાં અમારે ત્યાં ચાલતા સિમંધર જિન ભક્તિમંડળમાં હું શ્રોતા તરીકે જતો. મને ભક્તિગીતો સાંભળવા ગમતાં. સંગીત માણતાં-માણતાં ક્યારે કોણે હાથમાં માઇક પકડાવી દીધું અને ક્યારે શ્રોતામાંથી ગાયક બની ગયો એ ધ્યાન જ નથી. સંગીતે મારા જીવનને જબરું બદલ્યું છે. અફકોર્સ, ઘરમાં પહેલેથી જ ધાર્મિક વાતાવરણ હતું, પરંતુ એમાં ધર્મ પ્રત્યેના મારા અનુરાગને વધુ સજ્જડ કરવાનું કામ સંગીતે કર્યું. ક્યાંય સંગીતની ઑફિશ્યલ ટ્રેઇનિંગ નથી લીધી, જે શીખ્યો છું એ સાંભળી-સાંભળીને. અત્યાર સુધી ૩૫૦થી વધુ જગ્યાએ પ્રોગ્રામ આપી ચૂક્યો છું. ભરપૂર કામ છે અને બિઝનેસમાંથી આવક થતી એથી વધુ જ પ્રભુ આપી દે છે. ભક્તિ સંગીતને કારણે વધુ સંતોષ અને ધર્મ પ્રત્યેની આત્મીયતા સાથે જીવતો થયો છું. મનમાં ધર્મનો માહોલ અકબંધ રહે છે. ડાઇવર્ટ થવાનો મોકો નથી મળતો. પવિત્રતા જળવાયેલી રહે છે. ધાર્મિક કાર્યક્રમોને કારણે સતત સારા વક્તા, સારા શ્રાવકોનો સંપર્ક, શાસન પ્રત્યેનો રાગ વધારે દૃઢ થયો.’

‘મુ​શ્કિલ ડગર છે, લાંબો સફર છે’ અને ‘મન મોહી લીધું ગિરનારે’- લાખો લોકોએ જેને પ્રેમથી વધાવી લીધાં છે એવાં આ બે ગીતો સહિત કુલ ત્રીસેક જેટલાં નવાં ગીતો રેકૉર્ડ કરનારો ભાવિક સંગીતમાં આવેલા બદલાવ વિશે કહે છે, ‘આજકાલના જૈન સિંગર પોતે પણ આચરણમાં સારા છે. તેઓ પૈસા કમાવવા સિંગિંગમાં નહોતા આવ્યા એટલે તેમના કાર્યક્રમમાં તમને ભાવોની પ્રાધાન્યતા જોવા મળશે. ગાનારી વ્યક્તિ જો પોતે પણ આચારસંપન્ન હશે અને ભાવુકતા સભર હશે તો એ અસર સાંભળનારાઓને પણ ફીલ થશે. તમે જોશો તો છેલ્લાં પાંચેક વર્ષમાં ઘણાંબધાં નવાં ગીતો, નવી ધૂન પણ બની છે.’

જૈન કૉન્સર્ટના નામે થતા ભક્તિ કાર્યક્રમો, ગીતોમાં વપરાઈ રહેલા છીછરા શબ્દો અને ફિલ્મી ધૂનની બેઠી ઉઠાંતરીના વિરોધ પર કરીએ વિચાર

હર્ષિત શાહ

જૈન ધર્મના કેટલાક નવા સિંગરો દ્વારા પીરસવામાં આવી રહેલા ભક્તિ સંગીતનાં કેટલાંક ગીતોમાં શાલીનતાનો અભાવ છે અને આજના સમય મુજબ કેટલાક યુવા સિંગર્સ દ્વારા વધુ લોકો સુધી પહોંચવા અને યુવાનોને આકર્ષવા માટે જૈન કૉન્સર્ટની શરૂઆત કરાઈ છે એ દિશામાં તેમનો ભરપૂર વિરોધ થયો છે. જેમ કોઈ ફિલ્મી સિંગરની કૉન્સર્ટ હોય એમ ધર્મનાં ગીતોની કૉન્સર્ટ કરો તો એનો મૂળ ભાવ જ મિસિંગ થઈ જતો હોય છે એવી દલીલ સમાજના એક વર્ગ દ્વારા કરવામાં આવી રહી છે અને બની રહેલાં નવાં ગીતોના લિરિક્સમાં પ્રયોજાતા છીછરા શબ્દપ્રયોગ અને ફિલ્મી ગીતોની ટ્યુનની બેઠી ઉઠાંતરીને કારણે જૈન ભક્તિ સંગીતની ગરિમાને ઠેશ પહોંચી છે. ભગવાન માટે અમુક પ્રકારની શબ્દાવલીનો પ્રયોગ તેની પવિત્રતાને ડૅમેજ કરનારા છે. કૉન્સર્ટના નામે લોકોને ભેગા કરીને કરાતા ભક્તિ જલસામાં હકીકતમાં યુવા વર્ગ ભક્તિનો સાચો અર્થ સમજાવવાથી વંચિત રહી જાય છે. આજકાલ ભક્તિગીતના નામે થતી કૉન્સર્ટ અને એમાં પીરસવામાં ‍આવતાં ગીતો એ ફાસ્ટ ફૂડ કલ્ચરનું પ્રતિનિધિત્વ કરનારા અને સત્ત્વહીન છે એવું પણ વિરોધીઓ કહી રહ્યા છે.

બીજી બાજુ આ પ્રકારની ભક્તિ-કૉન્સર્ટ કરનારાઓનો દાવો છે કે જે યુવાનો સાવ જ ધર્મથી વિમુખ થઈ ગયા હતા એ આ કૉન્સર્ટ શબ્દથી આકર્ષાઈને મોટી સંખ્યામાં ભક્તિની દિશામાં એક ડગલું માંડે છે અને બે કલાકની કૉન્સર્ટમાં મકસદ માત્ર તેમને ગીતો સંભળાવવાની કે ઝુમાવવાની નથી હોતી, સંસ્કરણ પણ આપવાનો હોય છે. ઘણાને આ કૉન્સર્ટ દરમ્યાન ઍન્કર દ્વારા કરાવવામાં આવતી સંવેદનામાં વ્યસન છોડવા માટે પણ કન્વીન્સ કરાયા છે તો પરધર્મમાં લગ્ન કરી શકનારાં બહેનોને પણ ધર્મવિમુખ થતાં અટકાવવામાં પણ આ પ્રકારનાં આયોજનોથી સફળતા મળી શકે છે. આ એ વર્ગ છે જે બૉલીવુડના સિંગર્સની કૉન્સર્ટમાં જવા માટે તોતિંગ પૈસા આપવા તૈયાર હોય અને પહેલી વાર તેમને જૈન સંગીતની વિશેષતા સમજાવવા માટે કૉન્સર્ટ શબ્દ પ્રયોગ કરીને કડવી દવાને મીઠી મીઠાઈમાં સંતાડીને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગીતોમાં વપરાતા છીછરા શબ્દના આક્ષેપ વિશે કેટલાક યુવા સિંગર્સ માને છે કે આજે બોલચાલની ભાષાના શબ્દો ગીતોમાં નથી એટલે જ લોકો એને રિલેટ નથી કરી શકતા. એ પ્રકારના શબ્દોથી તરત જ લોકો કનેક્ટ થઈ જાય છે અને એટલે જ અમુક અંગ્રેજી શબ્દપ્રયોગવાળાં ગીતો ખૂબ જ પૉપ્યુલર થયાં છે. સાથે જ જે ધૂન અથવા સંગીત પહેલેથી જ જાણીતું હોય એને જો સારા લિરિક્સમાં બાંધીને રજૂ કરવામાં આવે તો તરત જ લોકો તેનાથી જોડાઈ જતા હોય છે.

જૈન ભક્તિ સંગીતનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમાંથી નષ્ટ થઈ રહેલું ઠરેલપણું ઘણાને ચિંતા ઊપજાવી રહ્યું છે તો એમાં આવેલી નવીનતાને કારણે ખેંચાઈ રહેલી યુવા પેઢી ઘણાને આનંદ પણ આપી રહી છે. બન્ને પક્ષના વિચારો જાણ્યા પછી નિચોડમાં એટલું જ કહી શકાય કે સંતુલન મહત્ત્વનું છે. દેરાસરમાં ભગવાનની આંખમાં આંખ પરોવીને થતી ભક્તિમાં જ્યારે જગ્યાની સાંકડાશને કારણે વધુ લોકોને સમાવવા અઘરા લાગે ત્યારે ડોમ કે ઓપન ગ્રાઉન્ડમાં પણ ભગવાનની પ્રતિમા મૂકીને એ માહોલ ઊભો કરી શકાય. ફોકસ પર જેની ભક્તિ માટે ભેગા થયા છો એ ભગવાન હોય ન કે ગીતો ગાઈ રહેલા સિંગર.

એક સિંગરે વાત-વાતમાં કહ્યું કે જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે કોઈ ફિલ્મી ગીતની ધૂનની ઉઠાંતરી એ અદત્તાદાન એટલે કે ચોરી કહેવાય અને એટલે જ તેણે નિશ્ચય કર્યો છે કે લોકોને આકર્ષવા તે આ પ્રકારના ચોરીના પાપમાં નહીં પડે અને પોતે પોતાની ઓરિજિનલ ધૂન અને સંગીત પર જ ધ્યાન આપશે. એક સિનિયર સિંગરે એવું પણ કહ્યું કે ઉચિત શબ્દપ્રયોગનો સ્તર જો અત્યારે નહીં સચવાય તો આવનારી પેઢી અત્યારથીય ઊતરતા સ્તર પર જશે. આજે જે જૈન સંગીતમાં અગ્રણી રોલ અદા કરી રહ્યા છે તેમણે આ બધાનું વિશેષ ધ્યાન રાખવાનું છે. ભક્તિમાં ઝટપટ પૉપ્યુલારિટી માટે શૉર્ટકટ લેવા જતાં ખોટી દિશાએ ચઢી જવાય જેનાથી લાભને બદલે નુકસાન જ થવાનું. વાતમાં દમ તો છે જ.

ભક્તિગીતોના રંગમાં રંગાયા પછી જીવનમાં એવા બદલાવો આવ્યા જેની કલ્પના નહોતી

ભિવંડીમાં વર્ધમાન સંસ્કારધામના નેજા હેઠળ ચાલતા સંઘના બૅન્ડમાં આઠ વર્ષની ઉંમરે જોડાયા પછી ૧૪ વર્ષની ઉંમરે હર્ષિત શાહના હાથમાં માઇક હતું. ભક્તિ સંગીતમાં થયેલા પોતાના ગ્રોથ માટે જૈન સિંગરોમાં અગ્રણી નામ ગણાતું જતીન બીડ અને મમ્મીને ગુરુ માનતો હર્ષિત કહે છે, ‘મારાં મમ્મીને ભક્તિ સંગીત પ્રત્યે ખૂબ જ ભાવુકતા સાથેનું જોડાણ હતું. હું એમાં આગળ વધુ એ માટે તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. ઈશ્વરે કંઠ સારો આપ્યો હતો એમાં જતીનભાઈ જેવા ગુરુ મળી ગયા. તેમની સાથે કાર્યક્રમમાં જતો અને પછી તો પોતે પણ ગાવા માંડ્યો. લગભગ આઠ વર્ષથી ગાઉં છું અને પંદરથી વધુ ઓરિજિનલ ગીતો ગાયાં છે.’

કૉમર્સ ગ્રૅજ્યુએટ હર્ષિતે એકાદ વર્ષ એક કંપનીમાં જૉબ પણ કરી છે. ત્યારના અને આજનામાં જમીન આસમાનનો ફરક છે એમ જણાવીને હર્ષિત કહે છે, ‘ગ્રૅજ્યુએટ થયા પછી માત્ર સિંગર હોવું પૂરતું નહોતું. સમાજ એને ઍક્સેપ્ટ નહોતું કરતો. એક વર્ષ જેમતેમ જૉબ કરી, પણ મને પોતાને કિક નહોતી મળતી એટલે કામ છોડીને ફુલટાઇમ સિંગર બની ગયો. જ્યાં સુધી ભક્તિગીતોમાં નહોતો ત્યાં સુધી તો રાત્રિભોજન, કંદમમૂળ ખાવાનું જેવી બાબતો હતી, પણ પછી બધું જ છૂટી ગયું. હવે જીવનભરનાં ચૌવિહાર છે. દરરોજ ભગવાનની પૂજા કરું છું. મારી લાઇફ પણ અદ્ભુત રીતે બદલાઈ ગઈ. હવે ધારો કે કોઈ માથા પર ગન મૂકે અને કહે કે કંદમૂળ ખા અન્યથા મારી નાખીશ તો હું મરવાનું પસંદ કરું, પણ કંદમૂળ તો ન જ ખાઉં. સંગીત એક ચમત્કાર જ છે ખરેખર. એમાંય પ્રભુભક્તિનું સંગીત તો નેક્સ્ટ લેવલ છે.’

columnists mumbai news mumbai jain community indian classical music indian music ruchita shah