આ ૪ આદતો છે જરૂરી

28 January, 2022 07:29 PM IST  |  Mumbai | Harsh Desai

લાઇફ વધુ સરળ, સેફ અને સિક્યૉર બનાવવી હોય તો લેટેસ્ટ ટેક્નોલૉજી અને ગૅજેટ્સનો ઉપયોગ વખતે દરેક યુઝરે કેટલીક પૉઝિટિવ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે

આ ૪ આદતો છે જરૂરી

ટેક્નૉલૉજી લાઇફને વધુ સરળ બનાવે છે તો એટલી જ ખતરનાક પણ બનાવે છે. આથી જ્યારે પણ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતા હો ત્યારે યુઝર્સે પોતાની સેફટી, સિક્યૉરિટી રહે અને સરળતા પણ રહે એ માટેનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. એનાથી યુઝર્સનું કામ સરળ તો બને જ છે, પરંતુ તેની લાઇફ એટલી જ સેફ અને સિક્યૉર પણ રહે છે. તો આ વિશે કેટલાક પૉઇન્ટ જોઈએ.
ટૂ-સ્ટેપ-ઑથેન્ટિકેશન | ટૂ-સ્ટેપ-ઑથેન્ટિકેશનની મદદથી યુઝર્સ હૅકર્સથી બચી શકે છે અને પોતાનું કોઈ પણ અકાઉન્ટ સિક્યૉર કરી શકે છે. મોટા ભાગે તમામ બૅન્ક ટૂ-સ્ટેપ-ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોર્સ કરે છે, પરંતુ યુઝર્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી પર્સનલ ઍપ્લિકેશનમાં પણ ટૂ-સ્ટેપ-ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકે છે. દરેક ઍપ માટે આ પ્રોસેસ અલગ-અલગ હોય છે. વૉટ્સઍપમાં યુઝર્સ દ્વારા એક પિન સેટ કરવાનો હોય છે તો ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્સમાં યુઝર્સ એસએમએસ દ્વારા પોતાના નંબર પર વન-ટાઇમ-પાસવર્ડ મેળવી શકે છે. ઍન્ડ્રૉઇડ યુઝર્સ ગૂગલ ઑથેન્ટિકેટરનો ઉપયોગ કરી શકે છે, જ્યારે આઇફોન યુઝર એની સાથે બિલ-ઇન પાસવર્ડ મૅનેજરનો પણ વન-ટાઇમ પાસવર્ડ માટે ઉપયોગ કરી શકે છે.
સ્ક્રીન ટાઇમ ટ્રેકિંગ | એક વાર સોશ્યલ મીડિયા પર બેસી ગયા તો એનો ઉપયોગ કેટલા સમય સુધી થાય એની કોઈ ગૅરન્ટી નથી રહેતી. ઘણી વાર એવું થાય છે કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં એટલા મશગૂલ હોય કે સમયનું ધ્યાન નથી રહેતું. કોઈનો ફોન અથવા તો નોટિફિકેશન આવે ત્યારે યુઝરનું ધ્યાન એમાંથી હટે છે. આ માટે સ્ક્રીન ટાઇમ ટ્રેકિંગ ખૂબ જ જરૂરી છે. એ માટે પહેલેથી કઈ ઍપ્લિકેશન માટે ૨૪ કલાકમાં કેટલો સમય ફાળવવો એ નક્કી કરી રાખવું. આમ કરવાથી ડિવાઇસ ઑટોમૅટિકલી યુઝર્સને ટાઇમ લિમિટ માટે જણાવતું રહેશે. આઇફોનમાં સ્ક્રીન ટાઇમ અને ઍન્ડ્રૉઇડમાં ડિજિટલ વેલબીઇંગ ફીચર આપવામાં આવ્યું છે. લાઇફને વધુ પ્રોડક્ટિવ બનાવતું આ ફીચર છે.
નોટ્સ અને રિમાઇન્ડર | ઑફિસ દરમ્યાન અથવા તો દિવસ દરમ્યાન ઘણાં એવાં કામ હોય છે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ૨૪ કલાકમાં કરવાનાં હોય છે. આ માટે સૌથી બેસ્ટ ઉપાય નોટ્સ અને રિમાઇન્ડરનો ઉપયોગ કરવાનો છે. દરેક ફોન અથવા તો લૅપટૉપમાં આ ફીચર હોય છે. દિવસ દરમ્યાન જ્યારે કોઈ કામ યાદ આવે તો એને નોટ્સમાં લખી દેવું. આમ કરવાથી કામ વધુ ઑર્ગેનાઇઝ્ડ થાય છે અને એ થયું કે નહીં એના પર પણ વધુ ધ્યાન રહે છે. કોઈ ક્વોટ યુઝર્સને પસંદ આવી ગયો તો એને એ નોટ્સમાં લખી શકે છે અને જરૂર પડ્યે એનો ઉપયોગ કરી શકે છે. જ્યારે પણ કોઈ ગૅજેટ્સનો ઉપયોગ કરતા હો ત્યારે એની સાથે રિલેટેડ ન હોય એવું કામ યુઝર ઘણી વાર ભૂલી જતો હોય છે અને એ જ કામ યાદ અપાવવા માટે નોટ્સ અને રિમાઇન્ડર ખૂબ જ ઉપયોગી બને છે.
કામ પર ફોકસ | ટેક્નૉલૉજી કામને જેટલી સરળ બનાવે છે એટલું જ ધ્યાન ભટકાવે પણ છે. યુઝર્સ કામના સમયે પણ જો તેના સોશ્યલ મીડિયા પર ધ્યાન આપતો રહે તો તેનું કામ ચોક્કસ સમયમાં જોઈએ એવા રિઝલ્ટ સાથે નથી થતું. એક વાર ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું તો વૉલ અને રીલ્સ જોવામાં ક્યાં પંદર મિનિટ પસાર થઈ જાય એનું ધ્યાન નથી રહેતું. આથી યુઝર્સ જ્યારે પણ કામ કરવા બેસે ત્યારે તેણે ધ્યાનભંગ કરતી વેબસાઇટ અથવો તો ઍપ્લિકેશનથી દૂર રહેવું જોઈએ. આ માટે આઇફોનમાં ફોકસ નામનું એક ફંક્શન છે જેની મદદથી ચોક્કસ સમય માટે જરૂરી જ નોટિફિકેશન અથવા તો કૉલ સ્ક્રીન પર દેખાય છે. ઍન્ડ્રૉઇડમાં પણ આવી ફૅસિલિટી છે. લૅપટૉપ માટે પણ આવી ઘણી ફ્રી અને સબસ્ક્રિપ્શન આધારિત ઍપ્લિકેશન છે જે દરેક ડિવાઇસને સિન્ક કરે છે અને યુઝર્સને કામ પર ફોકસ કરવામાં મદદ કરે છે.

columnists harsh desai