દુનિયા આખીને સતાવે છે ડ્રગ્સનો ઓછાયો

10 October, 2021 02:42 PM IST  |  Mumbai | Aashutosh Desai

બૉલીવુડમાં કેટલી હદે આ નશો પ્રવેશી ગયો છે એની વાતો તો બહુ થઈ, પણ આજે જાણીએ આ ડ્રગ્સનાં મૂળિયાં ક્યાં છે? વિશ્વના કયા દેશોમાંથી એનો વેપલો થાય છે અને કઈ રીતે એ આખી દુનિયામાં પૅરૅલલ ઇકૉનૉમી તરીકે રાજ કરે છે એની વાત

દુનિયા આખીને સતાવે છે ડ્રગ્સનો ઓછાયો

એમ છતાં દુનિયાની કોઈ સરકાર આ ગંદા ધંધાને નાથી નથી શકી. હાલમાં આર્યન ખાન અને એ પહેલાં અનેક જાણીતી સેલિબ્રિટીઝ ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈને ચર્ચામાં આવી ચૂકી છે. બૉલીવુડમાં કેટલી હદે આ નશો પ્રવેશી ગયો છે એની વાતો તો બહુ થઈ, પણ આજે જાણીએ આ ડ્રગ્સનાં મૂળિયાં ક્યાં છે? વિશ્વના કયા દેશોમાંથી એનો વેપલો થાય છે અને કઈ રીતે એ આખી દુનિયામાં પૅરૅલલ ઇકૉનૉમી તરીકે રાજ કરે છે એની વાત

ગોલ્ડન ટ્રાયેન્ગલ અને ગોલ્ડન ક્રિસેન્ટની વચ્ચે ભૌગોલિક દૃષ્ટિએ સૅન્ડવિચ તરીકે રહેતા ભારતમાં ‘ડ્રગ્સ’ નામના રાક્ષસે પોતાનો પગપેસારો ન કર્યો હોત તો નવાઈ લાગત! કુલ વૈશ્વિક વેપારના લગભગ બે ટકા જેટલો વેપાર જે ચીજનો થાય છે એનું નામ છે ડ્રગ્સ. અફઘાનિસ્તાનમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા પાશવી રાજકારણથી લઈને આતંકવાદ સુધી અને અમેરિકાની શૅડો ઇકૉનૉમીથી લઈને વેનેઝુએલાના પ્રેસિડન્ટ સુધીના અનેક મોટા રાજકારણીઓને કઠપૂતળી માત્ર બનાવી મૂકનાર ચીજનું નામ છે ડ્રગ્સ. આપણે જેટલું જાણીએ છીએ, સમજીએ છીએ અને વિચારીએ છીએ એના કરતાં ક્યાંય વિશેષ અને મોટું સ્વરૂપ ધરાવતી ચીજનું નામ છે ડ્રગ્સ. એ જ્યાં ઊગે છે ત્યાં એક લાખ રૂપિયે કિલો હોય છે અને ભારત જેવા વિશ્વના બીજા દેશોમાં પહોંચતા ૩ કરોડ રૂપિયે કિલો થઈ જાય છે.
શાહરુખ ખાનનો દીકરો આર્યન એક ક્રૂઝ પાર્ટીમાં ગયો જ્યાં તે ભોળો અને નિર્દોષ છોકરો (કદાચ!) અજાણતાંમાં ડ્રગ્સ લેતાં અને રાખતાં પકડાઈ ગયો. બિચારો! બસ, ત્યારથી આ ડ્રગ્સ અને એના વિશેની વાતો કે લેખોનો એટલો ભરપૂર મારો ચાલ્યો છે કે હવે કોઈ બૉલીવુડ, કૉર્પોરેટ્સ કે સ્પોર્ટ્સ જેવી ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોવા વિશેની વાત પણ કરે તો ચહેરા પર કંટાળો અને થાક ઊતરી આવે. ‘બસ કર ભાઈ હવે, આ એકની એક વાતથી કંટાળ્યા છીએ’ એમ કહેવાનું મન થઈ જાય. ચિંતા નહીં કરતા અમે કોઈ એવી કંટાળાજનક વાત લઈને નથી આવ્યા. આપણે તો આજે એ વિશે વાત કરવી છે કે આ કુતૂહલ જગાવતી અને બેહદ નુકસાનકારક એવી નશીલી ચીજ આપણને જેટલી ભયાનક દેખાય છે એટલી વિશ્વના વેપારીઓને, રાજકારણને અને અર્થતંત્રને ભયાનક દેખાતી નથી. ઊલટાની જેટલી વધુ ભયાનક છે એટલી જ વધુ ‘લોકપ્રિય’ હોય એવું જણાય છે. ખબર છે કે એ હાનિકારક છે અને છતાં એનો અબજોનો વેપલો થાય છે. 
આશરે ૪૫૦થી ૭૦૦ બિલ્યન ડૉલરનું ડ્રગ્સ માર્કેટ છે. આફ્રિકાના ગીની-બિસાઉ જેવા કેટલાક દેશોની જીડીપી કરતાં બમણું ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે. આફ્રિકાના આવા ગરીબ દેશોમાં જ્યાં એક પોલીસ અધિકારીનો માસિક પગાર આશરે ૯૩ ડૉલર જેટલો હોય છે. મતલબ કે એક કિલો કોકેનની કિંમતના માત્ર બે ટકા.
નશેડીઓ એક વર્ષમાં આશરે ૪૫૦થી ૫૦૦ ટન જેટલું હેરોઇન કન્ઝ્યુમ કરે છે. એમાંથી ૮૦થી ૧૦૦ ટન જેટલું અફીણ મ્યાનમાર, લાઓસ અને થાઇલૅન્ડ પ્રોડ્યુસ કરે છે, જ્યારે બાકીના ૪૦૦ ટન એકમાત્ર અફઘાનિસ્તાન પ્રોડ્યુસ કરે છે. માત્ર અમેરિકામાં જ વાર્ષિક ૧૫૦ બિલ્યન ડૉલરનું ડ્રગ્સ વેચાય છે. તો વિશ્વ કક્ષાએ ડ્રગ્સનું માર્કેટ કેટલું મોટું હશે? અંદાજે ૩૮૦ બિલ્યન ડૉલર. મતલબ કે વર્લ્ડ ડ્રગ્સ માર્કેટનું ૪૦ ટકા જેટલું ડ્રગ્સ કન્ઝમ્પ્શન અમેરિકન નશેડીઓ કરતા હોય છે. 
આવા ધોમધખતા બિઝનેસને કઈ સરકાર ના કહેશે? કયો દેશ માત્ર દેખાડા ખાતર નહીં પરંતુ વાસ્તવમાં રોકવાનો પ્રયત્ન કરશે? ‘સિંઘમ’નો ડાયલૉગ છેને કે પોલીસ ચાહે તો કોઈ મંદિરના દરવાજેથી એક ચંપલ પણ ચોરી નહીં શકે. એ જ રીતે વિશ્વના કોઈ પણ દેશની સરકાર જો એક વાર ચાહે તો કોઈની હિંમત નથી કે આ ઝેરનો કણ પણ તેના દેશમાં પ્રવેશી શકે. જોકે આંખ આડા કાન એ કમાણીનો ખૂબ સરળ રસ્તો છે. એટલે એને બંધ કરવાનો દેખાડો થાય છે, સાચા પ્રયત્નો નહીં. 
ગોલ્ડન ટ્રાયેન્ગલ 
ભારતના પાડોશી દેશ મ્યાનમાર, લાઓસ અને થાઇલૅન્ડ આ ત્રણ દેશની સરહદો બે નદીના સંગમ પર ભેગી મળે છે. મેકાન્ગ અને રૂઅક નદીના આ સંગમ પર મળતી ત્રણ દેશની સરહદોવાળા વિસ્તારને માફિયાઓની ડિક્શનરીમાં ગોલ્ડન ટ્રાયેન્ગલ તરીકે ઓળખવામાં આવે છે. મ્યાનમાર વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી વધુ અફીણનું ઉત્પાદન કરતો દેશ છે. છતાં આખા વિશ્વમાં જેટલું અફીણ વેચાય છે એના માત્ર ૨૦ ટકા જેટલું અફીણ જ મ્યાનમારથી આવે છે. મતલબ કે બાકીના ૮૦ ટકા જેટલું અફીણ વિશ્વના પહેલા ક્રમાંકે આવતા દેશમાંથી આવતું હશે એ નક્કી. 
ગોલ્ડન ટ્રાયેન્ગલને અફીણ પ્રોડક્શન રીજન તરીકે ગણાવવામાં આવે છે. મ્યાનમાર એ મુખ્ય પ્રોડક્શન હબ છે, જ્યારે લાઓસ અને થાઇલૅન્ડ ઉત્પાદિત થયેલા અફીણના સપ્લાયર અથવા કહો કે ફેસિલિટેટર તરીકે કામ કરે છે. મ્યાનમારમાં થતી ખેતીમાં અફીણની ખેતી એ મહત્ત્વની ખેતી છે. અહીંથી ગેરકાયદે અફીણ (ઓપીઅમ)નો મોટા ભાગનો હિસ્સો દરિયાઈ માર્ગે હૉન્ગકૉન્ગ સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે હૉન્ગકૉન્ગ દ્વારા અફીણ વૈશ્વિક બજારમાં પ્રવેશે છે. ઘણી બધી બૅન્કો, જુગારખાનાં, દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ અને ડ્રગ્સ. હૉન્ગકૉન્ગ એક આ નશાના વ્યાપારને ફેલાવવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. હૉન્ગકૉન્ગથી નીકળતો આ રસ્તો મહદંશે ત્રણ રીજનને ડ્રગ્સ પૂરું પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે - ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને એશિયા. 
ગોલ્ડન ક્રિસેન્ટ
ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આ ત્રણ પાડોશી દેશોના સમૂહને ડ્રગ માફિયાઓની ડિક્શનરીમાં ગોલ્ડન ક્રિસેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણે દેશોમાં અફઘાનિસ્તાન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવનારો દેશ છે. વિશ્વમાં સૌથી વધુ ઓપીઅમ અફઘાનિસ્તાનમાં ઊગે છે, વપરાય છે અને વ્યાપાર થાય છે. અને કેમ ન હોય? અફીણની ખેતી રોકડિયો પાક છે. ‘એક હાથ દે, એક હાથ લે’ જેવો બિઝનેસ છે. આથી ખેડૂતોને તરત પૈસા મળતા હોવાને કારણે તેઓ પણ અફીણની ખેતી કરવી પસંદ કરે છે. વિચાર કરો કે જે અફીણ અફઘાનિસ્તાનમાં આશરે એક લાખ રૂપિયે કિલો વેચાય છે એ જ અફીણ ઘૂમતું-ઘૂમતું જ્યારે બીજા દેશોમાં ગેરકાયદે પ્રવેશે છે ત્યારે ત્યાં, તે દેશોમાં આશરે ૩ કરોડ રૂપિયે કિલો વેચાય છે. આવો અધધધ નફો જે ધંધામાં મળતો હોય એ ધંધો કરવા કે કરવા દેવા કોણ ના પાડે? એમાંય જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ખુવાર થઈ ચૂકેલા દેશોની ઇકૉનૉમી તો આવા કાળા ધંધાઓને કારણે જ ચાલતી કે ટકી રહી છે.
૧૯૯૦ની સાલ પછી જ્યારે કોલ્ડ વૉરનો અંત આવ્યો ત્યારે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન જેવા અનેક દેશોની બૉર્ડર બાયલેટરલ ટ્રેડ્સ માટે ખોલી નાખવામાં આવી અને દેશો વચ્ચે ટ્રેડ અને કસ્ટમ ઍગ્રીમેન્ટ્સ થવા માંડ્યાં. બધા દેશોએ એ સ્વીકાર્યું કે ભેગા મળી ચીજવસ્તુઓનો વ્યાપાર કરીશું તો જ વિકાસ સાધી શકાશે. આ રીતની ઉદાર વ્યાપારનીતિને કારણે ચીનથી લઈને સેન્ટ્રલ એશિયા અને રશિયા સુધીના અનેક દેશોને ખુલ્લી બૉર્ડર્સ મળી ગઈ અને નશીલા બિઝનેસને ખીલવા માટે મોકળું મેદાન મળી ગયું. અફઘાનિસ્તાનમાં થતું અફીણ ઈરાન અને પાકિસ્તાન થઈને ચીન અને રશિયા સુધી જવા માંડ્યું. 
આમ ભારતની એક તરફ છે ગોલ્ડન ટ્રાયેન્ગલ અને બીજી તરફ છે ગોલ્ડન ક્રિસેન્ટ. આ બંનેની વચ્ચે સૅન્ડવિચ એવા ભારતમાં ક્યારેક મુન્દ્રા પોર્ટ પર તો ક્યારેક મુંબઈમાં, ક્યારેક ગોવામાં તો ક્યારેક દિલ્હીમાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોવાના સમાચાર મળતા રહે છે.
મલેશિયા હબ 
મલેશિયા એ કોઈ ડ્રગ પ્રોડ્યુસિંગ કન્ટ્રી નથી છતાં ૨૦૧૬માં ૧૮૮ મિલ્યન, ૨૦૧૭માં ૧૯૮ મિલ્યન અને ૨૦૧૮માં તો અધધધ આશરે ૩૩૮ મિલ્યનનું ડ્રગ્સ પકડાયું હતું. વાસ્તવમાં મલેશિયા એક ટ્રાન્ઝિટ કન્ટ્રી છે. ગોલ્ડન ટ્રાયેન્ગલથી આવતા ડ્રગ્સ માટે મલેશિયા એક ડિસ્ટ્રિબ્યુટર તરીકેનું કામ કરે છે. શા માટે મલેશિયા? કેમ કે મ્યાનમાર, લાઓસ અને થાઇલૅન્ડથી આવતા ડ્રગ્સને એક સેફ પાસ આપવો ખૂબ જરૂરી છે. હવાઈ માર્ગે દિવસે-દિવસે ચેકિંગ એટલું વધવા માંડ્યું છે કે મોટા જથ્થામાં હેરાફેરી આ માર્ગે શક્ય નથી. આથી દરિયાઈ માર્ગ અને ધોરી માર્ગ શ્રેષ્ઠ વિકલ્પ છે જે માટે બંગાળની ખાડીનો ઉપયોગ થાય છે. ક્યારેક ફ્રોઝન ફિશ તો ક્યારેક લાકડું, ક્યારેક શોપીસ તો ક્યારેક કૉસ્મેટિક્સ આવાં અલગ-અલગ કન્ટેનર્સ દ્વારા મોટાં-મોટાં શિપમેન્ટ્સ મલેશિયા સુધી પહોંચે છે, જ્યાંથી મોટા ભાગનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ થાય છે. હૉન્ગકૉન્ગ, કોરિયા, જપાન જેવા એશિયાઈ દેશોમાં જતાં કન્ટેનર્સમાં આ કેફી દ્રવ્ય છુપાવીને લઈ જવામાં આવે છે અને અહીંથી જ નાના ટ્રેડર્સથી લઈને સપ્લાયરોનું ડિસ્ટ્રિબ્યુશન પણ શરૂ થઈ જાય છે. નાના પૅકિંગમાં કે પાર્સલમાં વિશ્વના બીજા અનેક દેશો સુધી મલેશિયા, થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ જેવા હબ દ્વારા ડ્રગ્સ પહોંચે છે. એમાં મુખ્યત્વે હોય છે અફીણ. 
કોલમ્બિયા અને કોકા
કોલમ્બિયા જેવા દેશમાં અનેક વાર છાપામાં કે ટીવીમાં એવા સમાચાર વાંચવા કે જોવા મળે છે કે કોલમ્બિયન પોલીસ દ્વારા આખેઆખી ખેતીનો નાશ કરી નાખવામાં આવ્યો અથવા રેઇડ પાડીને આખા પાકને બાળી નાખવામાં આવ્યો. કોકા. કોલમ્બિયામાં ઊગતું સફેદ સોનું એટલે કોકા. મુખ્યત્વે દક્ષિણ કોલમ્બિયા કોકાની ખેતીનું હબ છે. જંગલોની વચ્ચે રહેતા કેટલાય પરિવારો જંગલમાં ગેરકાયદે કોકાની ખેતી કરતા હોય છે. કોલમ્બિયન સરકાર વર્ષોથી આ ખેતી રોકવાના અનેક પ્રયત્નો કરી રહી છે છતાં એને સફળતા મળી નથી અને કદાચ ક્યારેય મળવાની પણ નથી, કારણ કે જે ક્લાસમાં શિક્ષક માત્ર હેડમાસ્તરની આંખમાં ધૂળ નાખવા માટે જ છોકરાઓને પાઠ ભણાવવાનો ડોળ કરતા હોય તે ક્લાસનું ક્યારેય સારું પરિણામ નહીં જ આવી શકે. કંઈક એવી જ પરિસ્થિતિ કોલમ્બિયામાં છે. કોકાના પાકનો નાશ કરવા માટે પહેલાં અહીં સરકાર પ્લેન દ્વારા કેમિકલ્સનો છંટકાવ કરતી હતી, પરંતુ એને કારણે બીજા પાકોને, જંગલને પણ મોટું નુકસાન થતું હતું. આથી કોકા વિનાશનો આ વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ સરકારે એક વૈકલ્પિક ખેતીનું પ્રલોભન મૂક્યું. જે ખેડૂતો ફળો, શાકભાજી અને ધાન્યની ખેતી કરશે તેમને ઇનામ તરીકે તગડું વળતર આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. જોકે ખેડૂતે ઉગાડેલાં ફળો કે શાકભાજીઓને શહેર સુધી, બજાર સુધી લઈ જવાનું શું? રસ્તા નામે શૂન્ય, ટ્રાન્સપોર્ટેશન નામે એથી પણ મોટું શૂન્ય. મતલબ કે પાંચ રૂપિયામાં વેચાય એવું એક પાઇનૅપલ ઉગાડ્યું હોય તો એને વેચવા લઈ જવા સુધીનો ખર્ચ જ ચાર રૂપિયા થઈ જતો હતો. જ્યારે એ જ ખેડૂતને કોકાનો પાક ક્યાંય બહાર વેચવા નહોતું જવું પડતું. ખરીદદાર જાતે આવીને પાક લઈ જાય અને પૈસા આપી જાય. આ બધાથી ઉપરની મજાક, સરકાર વૈકલ્પિક ખેતી કરનાર ખેડૂતને પ્રોત્સાહન માટે જેટલું વળતર આપે છે અના કરતાં વધુ તો તેને કોકાની ખેતીના એક પાકમાંથી મળી રહે છે. 
મતલબ કે કોલમ્બિયા જે સમયે વિશ્વને એમ કહી કે દેખાડી રહ્યું હોય કે અમે કોકાની ખેતીને નષ્ટ કરી રહ્યા છીએ, ખેતી કરનારને સજા આપી રહ્યા છીએ એ જ સમયે પીઠ તરફ હાથ રાખીને પોતાના દેશની પ્રજાને ઇશારો કરી રહી હોય છે કે ‘લગે રહો!’ હા, બરાબર સમજ્યા તમે. જે રીતે પાકિસ્તાન આપણી સામે આતંકવાદ રોકી રહ્યું હોવાનું નાટક કરે છે, બરાબર એ જ રીતે. 
કોલમ્બિયામાં ઊગતા કોકા પ્લાન્ટ્સનાં પત્તાંઓને અને ડાળખીઓને તોડી લઈને એને નાના ટુકડાઓમાં કાપીને ભેગા કરવામાં આવે છે. એને એક કેમિકલ સાથે ગરમ કરી બોળી રાખી પેસ્ટ બનાવવામાં આવે છે. એ પેસ્ટ ઠંડી પડતાં એક મોટા ઠોસ ટુકડામાં પરિવર્તિત થઈ જાય છે. બસ, આવા ટુકડાઓને કેમિકલ લૅબમાં લઈ જવામાં આવે છે જ્યાં એના પર અનેક કેમિકલ પ્રોસેસ થાય છે અને બ્રાઉન કલરનો એ ઠોસ ટુકડો એક સફેદ પાઉડરમાં પરિવર્તિત થઈ જાય છે. આ સફેદ પાઉડર એટલે સફેદ સોનું, કોકેન.     
કોકેન કાર્ગો
કોલમ્બિયામાં બનેલું કોકેન માયામી અને મેક્સિકો પહોંચે છે દરિયાઈ માર્ગે. દક્ષિણ ફ્લૉરિડાના દરિયાકાંઠે ‘ધ ઇકૉલૉજિકલ’ તરીકે ઓળખાતો વિસ્તાર ૧૦,૦૦૦ નાના આઇલૅન્ડ્સનો સમૂહ છે. અહીં ઠેર-ઠેર મૅન્ગ્રોવ્સ ઊગી નીકળ્યાં છે, જેનો ફાયદો ડ્રગ સ્મગલરો ભરપૂર ઉઠાવે છે. માયામીને કોકેન કાર્ગો તરીકે ઓળખાવતા સ્મગલરો આ ૧૦,૦૦૦ આઇલૅન્ડને પોતાનું સેફ હાઉસ ગણીને ડ્રગ્સ લઈ આવે છે અને મૅન્ગ્રોવ્સની વચ્ચે છુપાઈ જાય છે. ત્યાંથી ડ્રગ્સ નામની આ બલા આખા અમેરિકામાં પહોંચે છે. 
બીજું કોકેન કાર્ગો છે મેક્સિકો. માયામી અને મેક્સિકો આ બંને નામો કોઈ એક વ્યક્તિને કારણે વધુ જાણીતા થયાં હતાં એ છે પાબ્લો એસ્કોબાર. કોલમ્બિયામાં જન્મેલો, પાબ્લો કોકેન કિંગ તરીકે જાણીતો થયો અને તેનું ડ્રગ કાર્ટેલ માયામી, મેક્સિકો અને વેનેઝુએલામાં ઍક્ટિવ હતું. 
બીજી તરફ વેનેઝુએલા ઈરાન માર્ગે આવેલું અફઘાન ઓપીઅમનું હબ છે. બન્યું હતું એવું કે ૨૦૦૭થી ૨૦૧૨ના ગાળામાં કોનવીઅસ ઍરલાઇન જથ્થાબંધના હિસાબે ડ્રગ્સ, કૅશ અને માણસો ઈરાનથી ઉઠાવીને વેનેઝુએલા લાવવા માંડી. આ સમયને આજે પણ ‘ઍરોટેરર’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા સાથેની દુશ્મનાવટને કારણે વેનેઝુએલા અને ઈરાન બંને દોસ્ત બની ગયાં અને બંને વચ્ચે અનેક ટ્રીટીઓ સાઇન થવા માંડી. આ સમય દરમિયાન ઍરોટેરરની ફ્લાઇટ દર અઠવાડિયે ઈરાનથી વેનેઝુએલા ઊપડતી હતી. હેઝબુલ્લા અને વેનેઝુએલા પ્લેનનો ઉપયોગ રીતસર ડ્રગ, વેપન્સ, કૅશ અને માણસો સપ્લાય કરવા માટે થવા માંડ્યો હતો. આ રીતે વેનેઝુએલા ઈરાનથી આવતા ડ્રગ્સનું હબ બની ગયું અને અહીંથી યુરોપ, અમેરિકા, આફ્રિકાના અનેક દેશોમાં ડ્રગ્સ સપ્લાય થવા માંડ્યું. 
શા માટે અંત નથી આવતો 
ડ્રગ્સનો બિઝનેસ વાસ્તવમાં વિશ્વભરમાં ચાલતી એક પૅરૅલલ ઇકૉનૉમી છે, શૅડો ઇકૉનૉમી છે. ૨૦૦૮માં જ્યારે લેહમરન ક્રાઇસિસનો સમય આવ્યો હતો ત્યારે અમેરિકાની મોટી-મોટી બૅન્કિંગ સિસ્ટમ સહિત વિશ્વના બીજા દેશોમાં પણ કેટલીયે બૅન્કો હતી જે દેવાળું કાઢે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી, કારણ કે બૅન્કો પાસે લિક્વિડિટી નહોતી, નાણાં નહોતાં. એ સમય દરમિયાન ડ્રગ્સનો બિઝનેસ એકમાત્ર એવો બિઝનેસ હતો જેની પાસે જબરદસ્ત લિક્વિડિટી હતી, રોકડા પૈસા હતા. બૅન્કોએ પોતાનું અસ્તિત્વ બચાવી લેવા માટે આવા ડ્રગ્સ ડીલરોનાં ખાતાં ખોલવા પડ્યાં અને તેમની પાસે જેટલા બને એટલા વધુ કૅશ પૈસા લઈ બૅન્કના ખાતામાં જમા કરાવવા પડ્યા હતા, જેને કારણે બૅન્કો પાસે ફરી એક વાર લિક્વિડિટી ઊભી થાય અને ફાઇનૅન્શિયલ સિસ્ટમ ટકી રહે. એક લાખ રૂપિયાનું અફીણ ગ્રાહક સુધી પહોંચતાંમાં ૩થી ૪ કરોડ રૂપિયે કિલો થઈ જતું હોય અને ૨૦૦૦ ડૉલર પ્રતિ કિલોનું કોકેન ૧,૦૦,૦૦૦ ડૉલર પ્રતિ કિલો થઈ જાય ત્યારે આ બિઝનેસ વિશ્વઆખાને ખૂબ મોટા પ્રમાણમાં લિક્વિડિટી પૂરી પાડે છે, ફૉરેન કરન્સીની આપ-લે કરાવી આપે છે અને ઘણા નાના દેશોને જરૂર પડ્યે ફન્ડિંગ પણ પૂરું પાડી આપે છે. એટલું જ નહીં, આ ઝેર વેચીને ઊભાં થયેલાં કાળાં નાણાં આતંકવાદને ફન્ડિંગ કરવામાં પણ ખૂબ મોટો ભાગ ભજવે છે અને આપણાથી એ વાત હવે છૂપી નથી કે આતંકવાદ એ હવે એક બિઝનેસ બની ચૂક્યો છે. તો જ્યારે એક બિઝનેસ આખા દેશની સરકારને બીજા બિઝનેસ ચલાવવામાં મદદ કરી શકે એટલું પોટેન્શિયલ ધરાવતો હોય ત્યારે એને બંધ કઈ રીતે કરાવી દેવાય.
તમારાં-મારાં સંતાનો બગડે, મરે, સમાજ સડી જાય, નમાલો અને નશેડી થઈ જાય એ બધાથી કોઈ દેશ, કોઈ સરકાર, કોઈ બિઝનેસમૅન કે કોઈ બિઝનેસને કોઈ જ ફરક પડતો નથી. તેમને માત્ર તેમના બિઝનેસ સાથે લેવા-દેવા છે. અમેરિકાએ તો આ આખી સિસ્ટમ સામે એ રીતે આંખ આડા કાન કરી લીધા છે કે ડ્રગ રીહૅબિલિટેશન સેન્ટર્સમાં જ ધોમધખતો ડ્રગ્સનો બિઝનેસ ચાલે છે. એટલું જ નહીં, આ બિઝનેસ સામે ઘૂંટણિયે આવી ગયેલા વિકસિત દેશ અમેરિકાએ ઘણા ઓછી અસર કરનારા અથવા માઇલ્ડ ડ્રગ્સને કાનૂની મંજૂરી આપી લીગલ કરી નાખ્યાં છે.

અધધધ કમાણી કઈ રીતે?
એક મેક્સિકન ડ્રગ ડીલર કોલમ્બિયાથી ૨૦૦૦ ડૉલરમાં એક કિલો કોકેન ખરીદે છે જે એક ઈંટ જેવા ઠોસ ટુકડા સ્વરૂપમાં હોય છે. ડીલર મેક્સિકો આવી આ કોકેનની ઈંટને તોડીને ટુકડાઓ કરી નાખે છે અને અમેરિકાની બૉર્ડર પર એ જ કોકેન ૧ કિલોના ૩૦,૦૦૦ ડૉલર જેટલી કિંમતમાં વેચાય છે. એ જ ટુકડાઓનો ત્યાર બાદ પાઉડર બને છે અને ન્યુ યૉર્ક જેવાં શહેરોમાં પર ગ્રામ વેચાવાનું શરૂ થાય છે. અહીં સુધી પહોંચતાં ૨૦૦૦ ડૉલરનું એક કિલોવાળું કોકેન ૧,૦૦,૦૦૦ ડૉલરમાં એક કિલો જેટલું મોંઘું થઈ ચૂક્યું હોય છે. આટલા ઝડપી અને આટલા મોટા પૈસા જવલ્લે જ કોઈ વ્યાપારધંધામાં હશે. આ જ એક મોટું કારણ છે કે મોટા ભાગના દેશોની સરકાર, સરકારી સંસ્થાઓ અને પોલીસ સુધ્ધાં આંખ આડા કાન કરવામાં જ શાણપણ સમજે છે.

એક થિયરી એવી પણ છે કે અફીણનો રોકડિયો પાક કમાવી આપતા અફઘાનિસ્તાનમાં હાલ જે ચાલી રહ્યું છે એની પાછળના રાજકારણનું સાચું કારણ તો અફીણના ધંધામાં દેખાતો અધધધ નફો છે. 

18 Million
આખા વિશ્વમાં આશરે આટલા લોકો કોકેન જેવા ડ્રગ્સનું સેવન કરે છે. એમાં બ્રિટન, સ્પેન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા મુખ્યત્વે છે. 
2300
માત્ર ભારતમાં જ છેલ્લાં બે વર્ષમાં આટલી વ્યક્તિઓનાં ડ્રગ્સને કારણે મૃત્યુ થયાં.

columnists bollywood news bollywood bollywood gossips