દુઃખની વાત એ નથી કે તમે કોઈને પ્રેમ નથી કર્યો, દુઃખની વાત એ છે કે તમને કોઈએ પ્રેમ નથી કર્યો

26 March, 2023 04:04 PM IST  |  Mumbai | Sairam Dave

વૅલેન્ટાઇન્સ ડેની રાતથી બીજા વૅલેન્ટાઇન્સ ડેની રાહ જોતા જુવાનિયાઓને આ વાત સમજાઈ જાય તો સાચે જ જિંદગી આખી વૅલેન્ટાઇન્સ ડે જેવી રંગબેરંગી બની જાય

પ્રતિકાત્મક તસવીર

પ્રેમ એ બસમાં પ્રવાસ કરવા જેવો છે અને લગ્ન એ વિમાનમાં પ્રવાસ કર્યા જેવો છે. ફરક સમજી ગ્યાને! બસમાંથી ઊતરી શકો છો! મોહબ્બતનો એકરાર બે હજારની નોટ જેવો હોય છે. બન્નેને એવી શંકા રહે છે કે ક્યાંક નકલી ન હોય!

લોકસાહિત્યમાં દિવસ પ્રમાણે કોઈ દી’ પ્રેમનું ટાઇમટેબલ હોય નહીં, પણ આ મેળો બેટો ગ્યા મહિને વૅલેન્ટાઇન્સ ડે ગ્યો ત્યારથી બધાય આવતા વરહના વૅલેન્ટાઇનની વાતું કરવા માંયડા છે.

પ્રેમ માટે બે લાઇન બહુ સરસ કહેવાઈ છે...
પ્રેમ-પ્રેમ સબ કહે, પ્રેમ ન જાનત કોઈ 
જગત જો પ્રેમ કો જાની લિયે, તો જુદા રહત ન કોઈ 
આથી પણ વધુ સુંદર એક દુહો છે. કવિ ભુદર જોશી લખે છે...
પ્રેમના પ્રાગવડ હેઠ કૈંક પ્રીતાળુ પોઢી ગિયા,
ઓલ્યા રાંકા રોતા રિયા, ઈ તો ભૂંડે મોઢે ભુદરા! 

મારી દૃષ્ટિએ આ જગતમાં ‘આઇ લવ યુ’ એ બહુ મહત્ત્વનું વાક્ય નથી. આ વાક્ય તો ગમે ઈ છોકરો ગમે ઈ છોકરીને કહી શકે, પણ ‘આઇ લવ યુ ટૂ’ ઈ બહુ જ મહત્ત્વનું વાક્ય છે દોસ્તો, કારણ કે આ બીજું તો નસીબવંતા આશિકોને જ સાંભળવા મળે છે.

એક છોકરા-છોકરીનું બ્રેક-અપ થઈ ગયું. છોકરાએ પૂરા વિવેક સાથે છોકરીને કહ્યું, ‘બકા, મને બીજી છોકરી મળી ગઈ છે એટલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે છૂટાં પડીએ?’ 
આ સાંભળીને છોકરીએ ‘માઝી સટકલી’ની જેમ સટાક કરતો લાફો છોકરાને વળગાડ્યો. છોકરો તો હેબતાઈ ગ્યો, ‘અરે યાર, આર યુ સિરિયસ વિથ મી? તું મને આટલોબધો પ્રેમ કરે છે?’
છોકરીએ કહ્યું, ‘પ્રેમવાળીના. અઠવાડિયા પહેલાં આ કહેવાયને? ગયા અઠવાડિયે જ મેં એક છોકરાને ના પાડી. નહીંતર આપણે બેય છુટ્ટા થઈ જાતને? હવે જ્યાં સુધી મને કોઈ ઑફર ન કરે ત્યાં સુધી કન્ટિન્યુ કર...’

જ્યારે આપણે પ્રેમમાં રાહ જોઈએ છીએ ત્યારે સમય ઝડપથી જતો નથી, પરંતુ આપણું પ્રિય પાત્ર આપણી સાથે હોય છે ત્યારે ઈ જ સમય માળો બેટો પાછો રોકાતો પણ નથી. કુટુંબમાં દીકરો જન્મે ત્યારે આખું કુટુંબ તેનાં વખાણ કરતું હોય છે કે બચુડાનું નાક અસલ તેના પપ્પા જેવું છે, આંખો અસલ દાદા જેવી છે, મોઢું કાકા જેવું લાગે છે, હાથ અને નખ તો મમ્મી જેવા જ જોઈ લ્યો! કુટુંબના દરેક મેમ્બર આગંતુકને પોતાની સાથે સરખાવીને પોતાનું વહાલ પ્રગટ કરે, પરંતુ જેવો ઈનો ઈ જુવાન બચુડો પ્રેમમાં પડે અને કો’કની છોકરી લઈને ભાગી જાય ત્યારે આખું કુટુંબ રાડારાડ કરી મૂકે કે આ બચુડો કોના જેવો થ્યો, કુટુંબની આબરૂ માથે બટ્ટો લગાવ્યો? 

લે કેમ? 

હવે કહોને કે આંખ મારા જેવી છે, હાથ કાકા જેવા છે...

એક વાત યાદ રાખજો કે આબરૂ આવે ત્યારે જ સહિયારી સૌની અને જાય ત્યારે પોતપોતાની હોય છે. પ્રેમ માત્ર આંધળો નહીં, બહેરો પણ હોય છે. મારા મતે પ્રેમ એ ‘મિલ જાએ તો મિટ્ટી અને ખો જાએ તો સોના’ જેવી હકીકત છે. આપણને જે નથી મળતું એનો જ વસવસો અને એની જ કિંમત આપણને હોય છે. નહીંતર તો પ્રેમલગ્ન કર્યા પછી ડિવૉર્સ થાવા નો જોઈને? હીર-રાંઝા, શીરી-ફરહાદ, રોમિયો-જુલિયટ, ખીમરો-લોડર, દેવરો-આણલદે, શેણી-વિજાણંદની લવ-સ્ટોરીઓ આજ સુધી અમર છે! સીક્રેટ એ કે તેમણે પ્રેમ જ કર્યો હતો, લગન નહોતાં કર્યાં.

બહુ ઓછા લોકોને ખબર હોય એવી એક નાજુક પ્રેમકથાની નાનકડી વાત આજ કરવી છે. હિમાચલ પ્રદેશમાં આ વાત ખૂબ પ્રસિદ્ધ છે. હિરણ્યકશિપુની બહેન હોલિકા જેને આપણે વિલન તરીકે જ ઓળખીએ છીએ એ હોલિકાનાં પ્રેમલગ્ન ઇલોજી સાથે નક્કી થયાં હતાં. ફાગણની પૂર્ણિમાના દિવસે ઇલોજી જાન લઈને હોલિકાને પરણવા આવતો હતો, પરંતુ લગ્નના આગલા દિવસોમાં હિરણ્યકશિપુએ હોલિકા માથે પ્રહલાદને મારી નાખવાનું દબાણ કર્યું. હોલિકાને અગ્નિદેવતાનું વરદાન હોવાથી જો હોલિકા પરણી જાશે તો પછી પ્રહલાદથી પોતાનો છુટકારો નહીં થાય એમ માનીને સગા ભાઈએ બહેનનાં લગ્નને રોકવાની પણ ધમકી આપી. અંતે લાચાર પ્રિયતમા હોલિકા પ્રહલાદને લઈને સળગતી હોળીમાં બેસી ગઈ. ઇતિહાસ આપ જાણો છો. વહેલી સવારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ ને પ્રહલાદ બચી ગયો. બરાબર ઈ જ સમયે ઇલોજી વ૨ઘોડો લઈને આવી પહોંચ્યો. પોતાની પ્રિય પત્નીની રાખ જોઈ ઈલોજી માનસિક સંતુલન ગુમાવી બેઠો. આજીવન લગ્ન ન કર્યાં અને પાગલ પ્રેમીની જેમ આખી જિંદગી પ્રેમ માટે ઝૂરી-ઝૂરીને મર્યો. હિમાચલના લોકો આજે પણ ઇલોજી અને હોલિકાની પ્રણયગાથાને યાદ કરે છે.

પ્રેમમાં એક પાગલપન હોય છે કે પાગલપન જ પ્રેમ હોય છે એ મને આજ સુધી સમજાયું નથી, પણ એટલું જરૂર કહીશ કે જીવનમાં ક્યારેય કોઈનું દિલ ન તોડવું; કારણ કે ઈ એક જ હોય છે. હા, હાડકાં તોડવાં; કારણ કે ઈ ૨૦૦ ને ૬ હોય છે! 

કોઈ પણ વ્યક્તિ જીવનમાં બે જ વાર બદલાય છે.

– જ્યારે કોઈ તેના જીવનમાં આવે છે ત્યારે અને જ્યારે કોઈ તેના જીવનમાંથી જાય ત્યારે! પ્રેમ એ બસમાં પ્રવાસ કરવા જેવો છે અને લગ્ન એ વિમાનમાં પ્રવાસ કર્યા જેવો છે. ફરક સમજી ગ્યાને! બસમાંથી ઊતરી શકો છો! મોહબ્બતનો એકરાર બે હજારની નોટ જેવો હોય છે. બન્નેને એવી શંકા રહે છે કે ક્યાંક નકલી ન હોય!

કોઈ કહેતું હોય કે પ્રેમને પૈસા સાથે સંબંધ નથી તો એની સાથે હું સહેજ પણ સહમત નથી, કારણ કે તો પછી છોકરીઓને સપનામાં ‘રાજકુમાર’ જ કેમ આવે છે? કેમ કોઈ છોકરીને વડાપાંઉવાળો કે ટ્રેનમાં ટિફિન આપતો યુવાન કે રિક્ષા ચલાવીને પરસેવો પાડતો જુવાન દેખાતો નથી! આજકાલની છોડિયું પેલાં બૅન્ક-બૅલૅન્સ ચેક કરે છે અને પછી પ્રેમમાં પડે છે. ઘટના એકની એક હોય છે, પણ રીઍક્શનમાં લોકલ ઇફેક્ટ હંમેશાં વરતાય છે. મુંબઈના સી-લિન્કના કાંઠે એક છોકરાએ છોકરીના ગાલ પર ગુલાબ વહાલથી માર્યું ઈ ભેગી છોકરી શરમાઈને બોલી, ડાર્લિંગ, યુ આર નૉટી! સેમ-ટુ-સેમ ઘટના પંજાબમાં બની. છોકરીએ છોકરાને કહ્યું, તુસ્સી બડે રોમૅન્ટિક હો જી! ઈ જ ગુલાબ રાજકોટના આજી ડૅમના અંતરિયાળ કાંઠે છોકરાએ છોકરીને માર્યું ઈ ભેગી છોકરીએ ખચકાવીને કીધું કે ડોબા જેવા, આવા વાંદરવેડા કરાય? આંખ્યમાં ગુલાબ લાગ્યું!

મારા જે કોઈ જુવાન દોસ્તો જો આ કૉલમ વાંચતા હોય તો તેમને મારે એટલું જ કહેવું છે કે કોઈને પ્રેમ કરવા માટે ધમપછાડા કરવા કરતાં કંઈક એવી લાયકાત મેળવો, કોઈ એવી સિદ્ધિ મેળવો કે તમને પ્રેમ કરવા માટે બીજા ધમપછાડા કરે. જીવનનું લક્ષ્ય નક્કી કરો. પહેલાં કંઈક બનીને બતાવો યાર. એ પછી જીવનનો દરેક દિવસ વૅલેન્ટાઇન્સ ડે જ થઈ જાશે. દુ:ખની વાત એ ન હોવી જોઈએ કે તમે કોઈને પ્રેમ નથી કર્યો દોસ્તો, દુઃખની વાત તો એ હોવી જોઈએ કે તમને કોઈ પ્રેમ નથી કરતું!

columnists