ધી પૅન્ડેમિક પિરિયડ : બેદરકારી હજી પણ અકબંધ છે અને એ જ વાતની શરમ છે

10 January, 2022 07:54 PM IST  |  Mumbai | Manoj Joshi

ખરેખર એ પ્લાનિંગમાં તેમના પેરન્ટ્સ પણ કશું કહેવા કે રોકવાની માનસિકતા ધરાવતા નથી. કોનો વાંક કાઢવાનો, પેરન્ટ્સનો કે પછી આવું પ્લાનિંગ કરતા યંગસ્ટર્સનો?

પ્રતીકાત્મક તસવીર

આપણે બેશરમ છીએ. ખરેખર અને સાચે જ.
બેદરકારી એ સ્તરે હજી પણ અકબંધ છે કે આપણને એવું જ લાગે કે બધા એવું જ માને છે કે તેના નામે તો જાણે અમરપટ્ટો છે. તેને કશું થવાનું નથી અને તેને કશું થાય નહીં. સામાન્ય શરદી અને તાવ વચ્ચે પણ તે વિનાસંકોચ બહાર ફરે છે અને કોઈ પણ જાતની ચીવટ રાખ્યા વિના. સૉરી ટુ સે, પણ આવું માનનારાઓમાંથી મોટા ભાગના યંગસ્ટર્સ છે એ પણ કહેવું પડે એમ છે. આજે આપણે ત્યાં અનેક યંગસ્ટર્સ એવા છે જેઓ હવે બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. ખરેખર એ પ્લાનિંગમાં તેમના પેરન્ટ્સ પણ કશું કહેવા કે રોકવાની માનસિકતા ધરાવતા નથી. કોનો વાંક કાઢવાનો, પેરન્ટ્સનો કે પછી આવું પ્લાનિંગ કરતા યંગસ્ટર્સનો?
ડરવાનું નથી જ નથી, પણ ડરને મનમાંથી હાંકી પણ નથી કાઢવાનો. બીક નથી રાખવાની, પણ બીકનો ફજેતો પણ નથી કરવાનો. ભય ક્યાંય પાસે ન આવે એનું ધ્યાન રાખવાનું છે, પણ સાહેબ, ભયને ભોંયતળિયે દાટી પણ નથી દેવાનો. અત્યારની આ જે પરિસ્થિતિ છે એમાં કોઈએ એવું નથી ધારવાનું કે આ સમય તો મજા કરવાનો છે. ના, તમારી મજા કોઈકની સજા બની જશે તો રડવા જેવા નહીં રહો અને જો એવી નોબત ન આવવા દેવી હોય તો ખરેખર હજી પણ સમજીને ઘરમાં પડ્યા રહો. બહુ જરૂરી છે. 
અત્યારે આડકતરી રીતે પણ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ મિની લૉકડાઉન જેવા સંજોગો ઊભા કરી રહી છે અને એને માટે ક્યાંય રાજકીય કાવાદાવાને વચ્ચે લાવવાની જરૂર નથી. આ વખતે પરિસ્થિતિ બગડી શકે એમ હતી, પણ હજી સુધી અવસ્થા સચવાયેલી છે, જેનું કારણ છે વૅક્સિન. ભલું થજો દેશવાસીઓનું કે મોટા ભાગના લોકોના શરીરમાં એકેક ડોઝ લાગી ગયો છે જેને લીધે રાતોરાત હૉસ્પિટલ માટે ભાગાભાગી કરવી પડે એવા દિવસો નથી આવ્યા, પણ એ નહીં જ આવે એવું કોઈ કહી શકે એમ નથી. ડિટ્ટો એવી જ રીતે, જેવી રીતે તમારી પાસે અમરપટ્ટો છે એવું કોઈ કહી ન શકે. બહેતર છે કે જરા સમજો અને શાણપણ સાથે આગળ વધો. 
જો તમને ક્યાંય એવું લાગતું હોય કે તમને કશું નથી થવાનું તો એક વખત કોવિડમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની હાલત જઈને ચેક કરી આવજો. જો તમને એવું ક્યાંય લાગતું હોય કે તમને કશું થવાનું નથી તો જઈને એક વાર એવી ફૅમિલીને મળી આવજો જેણે પહેલી અને બીજી વેવ વખતે પોતાના વહાલસોયા ગુમાવ્યા છે અને એવી વ્યક્તિઓને પણ મળી આવજો જેને મનોમન ખબર છે કે પોતાના વહાલસોયાને કોવિડ આપવાનો અપજશ પોતાના શિરે છે. 
સમયને માન હોય અને સમયને વાજબી રીતે સાચવવાનો હોય. જો તમે સમયને સાચવી ન શકો તો સમય તમને નહીં સાચવે. આજ સુધી, ૨૦૨૦ પહેલાં તમને કોઈ રોકટોક કરવામાં નહોતી આવી, તમે તમારી મરજી મુજબ ફરવાનું અને વેકેશન કરવાનું પ્લાનિંગ કરતા જ હતા તો પછી આ સમયે તમને કરવામાં આવતી મનાઈને શું કામ અવગણો, કેવી રીતે અવગણી શકો? સમજો, સમજશો તો આજના આ સમયની નઝાકત સચવાયેલી રહેશે. અન્યથા એવો અફસોસ ભોગવવો પડશે કે પોતાનો જ ચહેરો મિરરમાં જોવાનું પણ મન નહીં થાય.

columnists manoj joshi