ધી પૅન્ડેમિક પિરિયડ:સમય મળ્યો છે વધુ બળવત્તર બનવાનો, વધુ બળકટ બનીને ઊભરી આવવાનો

12 January, 2022 07:34 PM IST  |  Mumbai | Manoj Joshi

આ વખતે એ ખોટી નીતિનો અમલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને મનમાંથી જે કોવિડનો ભય નીકળી ગયો છે એને ફરી પાછો પ્રસ્થાપિત કરી ઘરમાં બેસી, નવું શીખવાની તક ઝડપી લેવાની છે.

પ્રતીકાત્મક તસવીર

ધીમે-ધીમે જે પ્રકારનું વાતાવરણનું સર્જન થાય છે એ જોતાં ખરેખર મનમાં ને મનમાં વિષાદ પ્રસરવો શરૂ થઈ ગયો છે, પણ એવું ન કરતા. ભલે કોવિડ ફરી એક વાર ન્યુઝપેપરની હેડલાઇન પર આવી ગયો હોય અને ભલે કોવિડ ફરી એક વાર ન્યુઝ-ચૅનલની દરેક કૅપ્સ્યૂલમાં ટૉપ પર હોય. ભલે આસપાસમાં સૌકોઈ પાસેથી કોરોનાના સમાચાર આવતા હોય અને ભલે ખબર પડતી હોય કે ‘એક્સ’ને પણ કોરોના આવ્યો અને ‘વાય’ભાઈને પણ કોરોના આવ્યો. તમારે સ્વસ્થ રહેવાનું છે અને સ્વસ્થતા સાથે તમારે આગળ વધવાનું છે. આગળ વધવાનું છે અને મળેલા આ સમયને વધુ બળવત્તર અને વધુ બળકટ બનાવવાનો છે. જો એ કરી શક્યા તો જ તમે આફતને અવસરમાં ફેરવી શક્યાનો આનંદ માણી શકશો અને તમારા ભવ‌િષ્યને વધુ તેજસ્વી બનાવી શકશો.
પહેલા લૉકડાઉનને બહુ સારી રીતે જોવામાં આવ્યું હતું. અમુક ફૅમિલીએ એને વેકેશનના રૂપમાં જોયું હતું, તો અમુક પરિવાર એવો પણ હતો જેણે એકબીજાની સાથે એ આખા સમયગાળાને ખૂબ આનંદ અને ઉલ્લાસ વચ્ચે પસાર કર્યો હતો, પણ બીજા લૉકડાઉન કે પછી બીજી વખત આવેલા અનઑફિશ્યલ એવા લૉકડાઉનમાં એ વાત નીકળી ગઈ હતી અને એ જ ખોટી નીતિ હતી. આ વખતે એ ખોટી નીતિનો અમલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને મનમાંથી જે કોવિડનો ભય નીકળી ગયો છે એને ફરી પાછો પ્રસ્થાપિત કરી ઘરમાં બેસી, નવું શીખવાની તક ઝડપી લેવાની છે.
કોવિડના આ પૅન્ડેમિક દરમ્યાન અઢળક લોકો એવા હતા જેમણે આર્થિક ઉપાર્જનના અનેક નવા રસ્તા શોધ્યા અને અનેક નવી દિશાઓ ખોલી. થૅન્ક્સ ટુ કોવિડ. આ એ નીતિ છે જે નીતિને મહામારી પણ તોડી ન શકે. આ એ હિંમત છે જેને દુનિયાનો કોઈ વાઇરસ છીનવી ન શકે. આફત આવી છે એ રીતે જોવાને બદલે આ સમયને એવી રીતે જુઓ કે નવો અવસર આવ્યો છે અને આ નવા અવસરમાં જે નવું કરવા મળે, શીખવા મળે એ દિશામાં આગળ વધો. ઑનલાઇન ક્લાસનો લાભ લઈ શકાતો હોય તો લેજો અને નવું શીખવાની તક ઝડપી લેજો. ઘરમાં જ નવું શીખવા મળે તો એનો પણ લાભ લેજો. નવું વાંચવા મળે તો વાંચજો અને જોવા મળે તો જોજો, પણ નવું કશું કરજો અને નવું કશું ન થઈ શકે તો પરિવાર સાથે માણવા મળેલા આ સમયને અવસર ગણીને એને ઉત્સવની જેમ ઊજવજો. બહારની આફત બહાર જ રહેશે, પણ એની સાથોસાથ એ મનમાં પણ નહીં પ્રવેશે. આ એ તબક્કો છે જે તબક્કામાં તમને તમારી જાત સાથે રહેવાની તક મળવાની છે. જો એવી તક મળે તો જાતને એમાં રોપી દેજો અને નવું વ્યક્તિત્વ હાંસલ કરવાની દિશામાં મહેનત કરજો. રડવાની કે પછી મોંકાણ માંડવાની કોઈ આવશ્યકતા નથી. ના, તમારી જે હાલત છે એ જ હાલત કરોડપતિની છે અને એ અવસ્થા અત્યારે અબજોપતિની પણ છે એટલે એવું બિલકુલ ન ધારતા કે ઈશ્વરનું આ રૌદ્ર રૂપ છે. ના, આ સામાન્ય રૂપ જ છે અને એટલે જ એ સૌકોઈને સરખી માત્રામાં દેખાય છે. બહેતર છે, તમે એ સ્વરૂપનો સકારાત્મક લાભ લો અને છો એનાથી બહેતર બનીને બહાર આવો.

columnists manoj joshi