ભોગવે તેની ભૂલ : જો મોટું મન રાખીને આ વાતને વિચારો તો કહેવાઈ જાય, સાચી વાત છે

09 May, 2022 11:03 AM IST  |  Mumbai | Manoj Joshi

જો સંબંધો અને લાગણીઓનું મહત્ત્વ જીવનમાં યથાવત્ રાખવું હોય તો. ઘણી વખત ઘણાં ઘરમાં, અત્યારના સમયમાં તો મોટા ભાગના ઘરમાં પરિવારના સભ્યો જ બાળકોને શીખવે છે કે શું કામ જતું કરવાનું, આ તારો હક છે.

મિડ-ડે લોગો

આમ તો આ એક નાનકડી પુસ્તિકાનું ટાઇટલ છે, પણ ટાઇટલ બહુ સરસ છે. સંબંધોને કાયમી ધોરણે ટકાવી રાખવા માટે અને સંબંધોમાં પરસ્પરની ઉષ્માને અકબંધ રાખવા માટે આ ટાઇટલ એકદમ ઉચિત છે અને એ ઉચિત ટાઇટલને સૌકોઈએ સમજી અને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે. 
ભોગવે તેની ભૂલ. 
ઘણા લોકો ભૂલ કરે છે અને ભૂલ કર્યા પછી પણ તે પોતાની મસ્તફકીરીમાં જીવ્યા કરે છે. તેને કોઈ વાતની અસર નથી થતી. પોતાની ભૂલને લીધે નોકરી છૂટી હોય તો પણ તે પોતાની જ ભૂલને સમજવા માટે કે એને શોધવા માટેનો કોઈ પ્રયાસ નથી કરતો. સંબંધ તૂટે પછી એ સંબંધોની ગેરહાજરીને પણ ક્યાંય અનુભવવા રાજી નથી હોતું કે પછી લાગણી સાથેના વ્યવહારમાં ઓટ આવી જાય તો પણ એ ઓટ તરફ જોવાનો કે પછી એ ઓટનો અનુભવ કરવાનો કોઈ સઘન પ્રયાસ તેના તરફથી નથી થતો.
ભોગવે તેની ભૂલ.
મા-દીકરાના સંબંધોને જુઓ તો દેખાશે કે જ્યારે પણ તકલીફો અને વાંધાઓ પડે છે ત્યારે ભોગવવાનું માના પક્ષે જ આવે છે અને મા જ બધું સહન કરે છે. આંસુ પણ મા જ સારે અને સારી આઇટમ રાંધ્યા પછી એ ખાવા માટે દીકરો ઘરમાં નથી એ વાત પણ માને જ સતાવે. ભોગવે તેની ભૂલ. કોઈ કહેશે કે ભોગવવું શું કામ, સહન શું કામ કરવું, શું કામ જતું કરવું, પણ હું કહીશ કે ના, ભોગવવું પણ જરૂરી છે, સહન કરવું પણ આવશ્યક છે અને જતું કરવું પણ એટલું જ જરૂરી છે. જો સંબંધો અને લાગણીઓનું મહત્ત્વ જીવનમાં યથાવત્ રાખવું હોય તો. ઘણી વખત ઘણાં ઘરમાં, અત્યારના સમયમાં તો મોટા ભાગના ઘરમાં પરિવારના સભ્યો જ બાળકોને શીખવે છે કે શું કામ જતું કરવાનું, આ તારો હક છે. મોઢામોઢ કહી દેવાનું, સાંભળીને આવતા નહીં રહેવાનું. આ સલાહ બહારના અને અજાણ્યા પૂરતી વાજબી હોઈ શકે, પણ ઘરના અને સંબંધોમાં જોડાયેલી વ્યક્તિ માટે જો આ સલાહ આપવામાં આવે તો સંપૂર્ણ ગેરવાજબી છે અને અયોગ્ય છે. શૌર્યવાન પ્રજાનું સર્જન આ રીતે ન થાય. 
આ રીતે અર્જુન ન જન્મે, આમ તો દુર્યોધન જન્મે અને દુર્યોધનનું ઘડતર જ આ રીતે થાય. જે સમયે તમે તમારાં સંતાનોને જતું નહીં કરવાનું શીખવો છો કે પછી તે જતું ન કરે એ સમયે તમે ચૂપ રહો છો એ સમયે તમારી અંદરનો ધૃતરાષ્ટ્ર જાગી જાય છે એવું ધારી લેવું. જો તમે ધૃતરાષ્ટ્ર હો તો અને તો જ તમે તમારા બાળકને દુર્યોધન અને દુઃશાસનનું રૂપ આપવા તત્પર હો અન્યથા તમે સંબંધોમાં એ સમજાવી જ શકો કે ભોગવે તેની ભૂલ, તું સૌને હસતા રાખ એ જ તારું કુળ અને જે આ કુળ સાથે, એ ગુણ સાથે આગળ વધે છે તેણે જ પોતાનો સંસાર વાજબી રીતે સાર્થક પુરવાર કર્યો છે. સંસારને સાર્થક પુરવાર કરવા માટે પણ એ સમજવાની જરૂર છે કે જો શૌર્યવાન પ્રજાનું સર્જન થાય. 

columnists manoj joshi