વર્કિંગ વિમેનનું બદલાઈ રહ્યું છે માઇન્ડસેટ

03 May, 2022 11:47 AM IST  |  Mumbai | Varsha Chitaliya

અહેવાલ મુજબ આગામી બે વર્ષમાં વધુ ને વધુ મહિલાઓ નોકરી છોડશે અથવા નવી નોકરીની તલાશ કરતી જોવા મળી શકે છે. જૉબ માર્કેટના આ બદલાવનાં કારણોની ખણખોદ કરીએ

વર્કિંગ વિમેનનું બદલાઈ રહ્યું છે માઇન્ડસેટ

પૅન્ડેમિક દરમિયાન વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરી છોડી હતી. મહિલાઓમાં આ સ્થિતિ હજી ચાલુ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અહેવાલ મુજબ આગામી બે વર્ષમાં વધુ ને વધુ મહિલાઓ નોકરી છોડશે અથવા નવી નોકરીની તલાશ કરતી જોવા મળી શકે છે. જૉબ માર્કેટના આ બદલાવનાં કારણોની ખણખોદ કરીએ

આજે કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં મહિલાએ પોતાની કાબેલિયત પુરવાર ન કરી હોય. વિમેન એમ્પાવરમેન્ટના જમાનામાં નોકરિયાત મહિલાઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી હતી. એમાં કોવિડ નામના દાનવે બ્રેક મારી દીધી હોય એવો રિપોર્ટ સામે આવ્યો છે. ડેલોઇટના ‘વુમન@વર્ક ૨૦૨૨ : અ ગ્લોબલ આઉટલુક’ના અહેવાલ અનુસાર સ્ટ્રેસ અને કામકાજના કલાકોને કારણે અનેક મહિલાઓએ નોકરી છોડવાની ઇચ્છા દર્શાવી છે. કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરી છોડી દીધી હતી. મહિલા કર્મચારીઓમાં આ સ્થિતિ હજી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ સૂચવે છે કે આગામી બે વર્ષમાં ઘણી મહિલાઓ નવી નોકરી શોધશે. ગ્લોબલ આઉટલુકના સર્વેમાં લગભગ ૫૬ ટકા મહિલાઓએ તેમના તનાવનું સ્તર એક વર્ષ અગાઉ કરતાં હાલમાં વધારે હોવાનું જણાવ્યું હતું. આશરે ૪૦ ટકા મહિલાઓ સક્રિયપણે નવી નોકરીની તલાશમાં હોવાનું રિપોર્ટ કહે છે ત્યારે કામકાજના સ્થળે આવેલા આ બદલાવનાં કારણોની ખણખોદ કરીએ. 
મૉનોટોની નથી જોઈતી
મીડિયા, એન્ટરટેઇનમેન્ટ અને ફાઇનૅન્સ સેક્ટરના હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મૅનેજર તરીકે કામ કરવાનો નવ વર્ષનો અનુભવ ધરાવતાં ઘાટકોપરનાં પૂજા સાંગાણી કહે છે, ‘જૉબ ક્વિટ કરવી એ પર્સનલ ચૉઇસ છે. મહિલા કર્મચારીઓ નોકરી છોડવા માગે છે એવા રિપોર્ટમાં દમ નથી. પૅન્ડેમિક દરમિયાન મેલ અને ફીમેલ બન્નેએ નોકરીઓ છોડી છે અથવા નવી નોકરીની શોધખોળ કરી છે. ઉપરોક્ત ડેટા જેન્ડર બાયસ નથી. વર્તમાન સિનારિયોની ચર્ચા કરતાં પહેલાં હું બે વર્ષ પાછળ જઈશ. ૨૦૧૯-’૨૦માં અમે લોકોએ ૩૦ કેમ્પસ હાયરિંગ કર્યું હતું જેમાં ૬૪ ટકા મહિલાઓ હતી. મહિલા કર્મચારીઓને હાયર કરવાનું પ્લાનિંગ નહોતું. સ્કિલ, ટૅલન્ટ અને અનુભવના આધારે તેમને રિક્રૂટ કરવામાં આવી હતી. અત્યારે પણ આ ડેટા લગભગ સરખો છે. મૉડરેટર તરીકે સમયાંતરે વેબિનાર અને સેમિનારના માધ્યમથી ઇન્ડિયાનાં જુદાં-જુદાં વિમેન બિઝનેસ હેડ અને વિમેન લીડર્સ સાથે ઇન્ટરૅક્શન કર્યા બાદ તારણ નીકળ્યું છે કે પૅશનેટ, ઍમ્બિશિયસ અને કૉન્ફિડન્ટ મહિલાઓ ક્યારેય ક્વિટ કરવાનું વિચારતી નથી. તેઓ ચૅલેન્જિસને ફેસ કરી સૉલ્યુશન શોધવામાં માને છે. કોવિડ બાદ જે બદલાવ આવ્યા છે એનું કારણ સ્ટ્રેસ નથી. વર્કપ્રેશર મેલ અને ફીમેલ બન્નેને હોય છે. મહિલા કર્મચારીની વાત કરીએ તો અત્યાર સુધી ઘર અને ઑફિસ વચ્ચે ભાગદોડમાં જિંદગી નીકળતી હતી. હવે તેમને મૉનોટોનિયસ લાઇફ નથી જોઈતી. તેમને ફૅમિલી અને કિડ્સ માટે સમય આપવો છે. જૉબમાં તેમને ફ્લેક્સિબિલિટી જોઈએ છે. આ તરફ જૉબ માર્કેટમાં પણ અપ્રિશિએશન વધ્યું છે. દરેક ઇન્ડસ્ટ્રી ટેક્નૉલૉજી પર આધારિત હોવાથી આઇટી સેક્ટરમાં મોટા પાયે બદલાવ આવ્યા છે. વર્ષે ચારથી છ લાખની આવક ધરાવતા આઇટી પ્રોફેશનલ્સને અત્યારે પંદરથી ત્રીસ લાખની ઑફર મળી રહી છે. માર્કેટ ઓપન થતાં લોકો નોકરી બદલી રહ્યા છે અથવા નવી નોકરીની શોધ ચાલે છે.’
હાઇબ્રિડ વર્કિંગ મૉડલ
વિદેશની બૅન્કમાં એચઆર લર્નિંગ ડેવલપમેન્ટ ઍનલિસ્ટ તરીકે ફરજ બજાવતાં થાણેનાં હેતા કાપડિયા સત્રા કહે છે, ‘જૉબ માર્કેટમાં સિનારિયો ચેન્જ થયો છે, પરંતુ મહિલા કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે એવા કોઈ ચોક્કસ આંકડા અમારી પાસે આવ્યા નથી. મારા મતે મહિલાઓ નોકરી છોડી નથી રહી, પણ વધુ સારી તકની શોધમાં છે. આજે બધી ઇન્ડસ્ટ્રીમાં ડાઇવર્સિટી ઍન્ડ ઇન્ક્લુઝનની ટકાવારી વધી ગઈ છે. મહિલા કર્મચારીઓ એનો ભરપૂર લાભ લઈ રહી છે. મેં પોતે પણ કોવિડ પિરિયડમાં જૉબ ચેન્જ કરી છે. બીજું, ઇન્ડિયામાં હાઇબ્રિડ વર્કિંગ મૉડલને લોકો સ્વીકારતા થયા છે. આ કન્સેપ્ટમાં અઠવાડિયાના અડધા દિવસોમાં ઘરેથી અને બાકીના દિવસોમાં વર્કપ્લેસ પર જઈને કામ કરવાનું હોય છે. મહિલાઓ આવી જૉબ પ્રિફર કરવા લાગી છે. જૉબ-શિફ્ટિંગનાં બીજાં પણ અનેક કારણો છે. મોટી અને જાણીતી કંપનીઓએ જૉબ પોર્ટલ ખોલી નાખતાં નોકરીની તકો વધી છે. લાસ્ટ ટૂ યરથી લોકોને ઇન્ક્રિમેન્ટ અને પ્રમોશન મળ્યું નથી. એચઆરની બેઝિક પૉલિસીની દૃષ્ટિએ જોઈને તો મૅક્સિમમ ૨૦ ટકા વધારો આપી શકાય. બીજી કંપનીમાં જાઓ તો તમને પ્રમોશન મળે અને ઉપરથી ૩૫ ટકા હાઇક મળી જાય છે. અમુક જૉબમાં નેગોશિએટ પણ થાય છે. એચઆરના આ ક્રાઇટેરિયાને કારણે નોકરી બદલનારા લોકોની સંખ્યા વધી રહી છે. મે અને જૂન મહિનો રિક્રૂટમેન્ટનો પીક પિરિયડ કહેવાય છે. વર્ષના એન્ડમાં પણ નોકરી બદલનારા લોકોની સંખ્યા વધી જાય છે. મહિલા કર્મચારીઓના નજરિયાથી જોઈએ તો કોરોનાકાળમાં અનેક મહિલાઓએ સ્ટ્રેસફુલ સમય વિતાવ્યો છે. હવે તેમને લાંબા કલાકો આપવા પડે એવી નોકરી કરવી નથી. વર્ક ફ્રૉમ હોમને તેઓ પ્રાથમિકતા આપી રહી છે. બીજી તરફ અનેક મહિલાઓએ કમબૅક પણ કર્યું છે. આ ગાળામાં જુદા-જુદા કોર્સ શીખીને તેમણે પોતાના પોર્ટફોલિયોનું વેઇટેજ વધાર્યું છે. ઘણી મહિલાઓ સક્રિયપણે નોકરીની શોધખોળ કરતી જોવા મળે છે.’

ઑન્ટ્રપ્રનરનો ટૅગ હવે મહિલાઓને અટ્રૅક્ટ કરે છે

વર્કિંગ વિમેનની સંખ્યા ઘટી રહી છે એમ ન કહી શકાય, કારણ કે આજની મહિલાઓ પગ વાળીને બેસવાની નથી. તેઓ કામ તો કરવાની જ છે. વધુ ને વધુ મહિલાઓ નોકરી છોડવાની તૈયારીમાં છે અથવા નવી નોકરીની શોધમાં છે એવો રિપોર્ટ સાચો છે, પણ એનાં કારણો જુદાં છે એવી વાત કરતાં વડાલાનાં સાઇકોથેરપિસ્ટ નીતા શેટ્ટી કહે છે, ‘હાલમાં મેં એક અહેવાલ વાંચ્યો હતો જેમાં વિમેન ઑન્ટ્રપ્રનરના ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં કોવિડ બાદ વિમેન પ્રોફેશનનો નજરિયો ચેન્જ થઈ ગયો છે. લૉકડાઉન દરમિયાન તેમની ક્રીએટિવિટીને પાંખો મળી છે. આ અરસામાં અનેક મહિલાઓએ સાઇડમાં ક્લાઉડ કિચન સ્ટાર્ટ કર્યાં હતાં. બેકિંગ-ઇન્ડસ્ટ્રી પણ ઝડપથી વિસ્તરી રહી છે. માર્કેટમાં હોમમેડ પ્રોડક્ટ્સની ફુલ ડિમાન્ડ છે. અવેરનેસ વધતાં સ્મૉલ સ્કેલ બિઝનેસને ઘણો ફાયદો થયો છે. એક્સક્લુઝિવ પ્રોફેશન તરફ મહિલાઓનો ઝુકાવ વધતાં નાઇન ટુ ફાઇવની જૉબમાં ઇન્ટરેસ્ટ ઘટ્યો છે. ઑફિસના કામ જેટલી જ એનર્જી અને એફર્ટ બિઝનેસમાં નાખવાથી ઇન્કમ જલદી સ્કેલ થશે એવું માઇન્ડસેટ ડેવલપ થઈ રહ્યું છે. વિમેન ઑન્ટ્રપ્રનરનો ટૅગ પણ તેમને અટ્રૅક્ટ કરે છે. નોકરિયાત મહિલાઓની સંખ્યા ઘટવાનું બીજું કારણ છે મધરહુડ. કોવિડમાં ઘણાં કપલ્સે બેબી પ્લાન કર્યું હતું. સંતાનની જવાબદારીની સાથે કામ કરી શકાય એવી જૉબની શોધ કરે છે. વર્ક ફ્રૉમ હોમની ટેવ પડ્યા બાદ લોકલ ટ્રેનનો કે બસનો પ્રવાસ કરીને ઑફિસ જવાને બદલે નજીકમાં નોકરી જોઈએ છે જેથી ફૅમિલી લાઇફ ડિસ્ટર્બ ન થાય. મહિલાઓએ પોતાના પોર્ટફોલિયોમાં એવા ચેન્જિસ કર્યા છે જેમાં તેમનો વર્કલોડ અને સ્ટ્રેસ-લેવલ ઘટે. આવાં અનેક કારણોસર જૉબ માર્કેટમાં સિનારિયો ચેન્જ થયો છે.’

 પૅશનેટ, ઍમ્બિશિયસ અને કૉન્ફિડન્ટ મહિલાઓ ક્યારેય ક્વિટ કરવાનું વિચારતી નથી. તેઓ ચૅલેન્જિસને ફેસ કરીને સૉલ્યુશન શોધવામાં માને છે.
પૂજા સાંગાણી

columnists Varsha Chitaliya