રોલ, સાઉન્ડ, કૅમેરા, ઍક્શન...

21 October, 2021 09:44 AM IST  |  Mumbai | JD Majethia

હા, ફાઇનલી સિનેમાઘરો ઍક્શન મોડમાં આવે છે અને આવતી કાલથી એ શરૂ થાય છે. સિનેમાઘરનો આનંદ સાવ જુદો જ રહ્યો છે. એ આનંદથી આપણે ઑલમોસ્ટ દોઢેક વર્ષથી વંચિત રહ્યા છીએ

કપરા સમયમાં મનોરંજન ડૉક્ટર જેવું કામ કરે. ટેન્શન, સ્ટ્રેસ ઓછું કરે અને એનાથી એક આશા જન્મે, તમારા જીવનમાં સારું જ થશે એવી હોપ જન્મે અને એ તમને ઇન્સ્પાયર પણ કરે. આ હીરો-હિરોઇન બધાં ચાલે છે શું કામ, એ વિચાર્યું છે ક્યારેય તમે? તેઓ હંમેશાં આપણને ઇન્સ્પાયર કરે છે એટલે.

‘મારે પિક્ચર જોવા જવું છે...’ 
‘ના, નથી જોવાનું...’ તો કોઈનો જવાબ હશે, ‘નહીં જોઈ શકાય...’
આ અને આવાં ખૂબબધાં કારણો મેં મારી જિંદગીમાં ઘણી વાર સાંભળ્યાં હતાં. પૈસાની કમીથી લઈને સમયને ધ્યાનમાં રાખીને કે પછી ઉંમર નાની હોય એટલે ‘પિક્ચર તારા માટે જોવાલાયક નથી’ જેવાં કારણ પણ એમાં આવી ગયાં. આપણે ટોપિક પર આવીએ એ પહેલાં એક વાત કહું તમને. ફિલ્મ એક જ એવી જગ્યા છે જેને માટે મને ક્યારેય કંપનીની જરૂર નહોતી પડતી, ક્યારેય નહીં. મને એમ થાય કે થિયેટરમાં બેસીને પિક્ચર જ જોવાનું છે તો પછી એકલા જતા રહેવાનું અને મજા કરવાની. પિક્ચર જોતી વખતે મારી સાથે કોઈ બહુ વાતો કરે તો મને એ પણ મજા ન આવે, હું ડિસ્ટર્બ થાઉં. એક ને એક પિક્ચર પાંચ-પાંચ વાર મેં જોયું છે અને એ પછી પણ છઠ્ઠી વાર જો મારે જવાનું બને તો પણ મને બહુ મજા પડતી, પરંતુ હમણાં જો મારી દીકરી મિશ્રી એક જ પિક્ચર બીજી કે ત્રીજી વાર જુએ તો હું તરત તેને વઢું અને કહું પણ ખરો કે આવું એક ને એક પિક્ચર શું જોયા કરવાનું, બીજું જોને એના કરતાં...
મા-બાપ આવાં જ હોય. તેઓ બચ્ચાંઓનું વધારે ધ્યાન રાખવાની કોશિશ કરે. હું પાંચ વાર ફિલ્મ શું કામ જોતો એનું કારણ કહું તમને. મારે સ્કૂલમાં પિક્ચરની વાર્તા કહેવી હોય અને એ કહેવા માટે મારે પિક્ચરમાં હોય એ બધું યાદ રાખવું પડતું. સાચું કહું તો હું તો બહુ રિલિજિયશ્લી પિક્ચર જોતો. બીજી-ત્રીજી વાર જોતો હોઉં ત્યારે તો મને ખબર પણ પડી જતી કે હવે શું થવાનું છે એટલે બને એવું કે પિક્ચરનાં હીરો-હિરોઇન, વિલન કે પછી સાઇડ આર્ટિસ્ટના ડાયલૉગ મનમાં આવે એટલે હું સાથે-સાથે બોલીને અભિનયનો આનંદ પણ ઉઠાવતો એટલે આમ આ પિક્ચર વારંવાર જોવાનો મારો ઇરાદો મલ્ટિપર્પઝ હતો. મોટા થઈ ગયા પછી પરિસ્થિતિ સુધરી. પૈસા કે પરમિશનનો અભાવ ન રહ્યો અને પછી બન્યું પણ એવું કે પ્રોફેશનને લીધે સંબંધો વિસ્તર્યા અને અલગ જ રીતે પિક્ચર્સ સાથે અનુસંધાન જોડાયું. ઘણી વાર મિત્રોની ફિલ્મ જોવાથી ઘણી રીતે આનંદ વધ્યો, તો સાથોસાથ ટ્રાયલ્સ, પ્રીમિયર્સ, ફિલ્મ જોયા પછી ફોન પર થતી વાતો, મેસેજિસ, સોશ્યલ મીડિયા પર કમેન્ટ્સ, ફિલ્મ માટે ઘણી વાર આપવામાં આવતી બાઇટ. આપણે ફિલ્મસ્ટારના કે પછી દિગ્દર્શકના ફૅન હોઈએ અને એમાં એ પિક્ચરની શરૂઆત, ઇન્ટરવલ કે અંતમાં કોઈ આવીને કહે કે એ તમારા વધુ મોટા ફૅન છે. આનંદ જુદો જ મળવાનો શરૂ થયો. ઘરની બાજુમાં આવી વસી ગયેલાં સિનેમાઘરોમાં કૅઝ્‍યુઅલ કપડાં પહેરીને જતા રહેવાનું, સામાન્ય રીતે ટિકિટો મળી જ જાય અને ફેમ-આઇનોક્સમાં તો પાછા બહુ માનથી કહે પણ ખરા કે ‘જેડીભાઈ, ટિકિટ જોઈએ ત્યારે કહેજો.’ 
સાચે જ, કેટકેટલી મજા કરાવી છે આ ફિલ્મોએ આપણને. જીવનનો એક હિસ્સો બની ગયાં આ સિનેમાઘર. મોટા-મોટા કલાકારો અને મોટી ફિલ્મો દિવાળી પર આવે અને સહકુટુંબ કે મિત્રો સાથે જોવા જવાનું. આ પિક્ચર આપણા ફેસ્ટિવલનો આનંદ બદલી નાખતાં પણ પછી અચાનક એવો ફેઝ આવ્યો કે જીવનમાંથી આ આનંદ ઝૂંટવાઈ ગયો અને સિનેમાઘરોમાં જવાનો આખો અનુભવ બદલાઈ ગયો. 
આપણને બધાને ખબર છે કે એવું શા માટે થયું એટલે એ લખીને આર્ટિકલ મોટો કરવાનો કોઈ અર્થ નથી, પણ ભાઈ, અકલ્પનીય હતું કે સિનેમાઘરો બંધ હોય. બહુ બધું બંધ હતું એટલે તરત સમજાઈ ગયું કે હમણાં ચૂપચાપ સહન કરીને બેસી જાઓ. અત્યારે કોઈને એવું લાગતું હશે કે આ જેડીભાઈ સિનેમાની શું વાતો કરે છે. કોવિડને કારણે સ્કૂલ-કૉલેજ, મંદિરો, ખાવાપીવાની દુકાનોથી માંડીને આખી દુનિયા બંધ હતી ત્યારે, સિનેમા?
બિલકુલ સાચી વાત, પણ લોકોએ સમજવું જરૂરી છે કે સિનેમા એક એવો ઉદ્યોગ છે જેમાં મોટા પ્રમાણમાં બીજા નાના-નાના ઉદ્યોગો જોડાયેલા છે. આ એક ઇન્ડસ્ટ્રી થકી બહુ બધા રોજેરોજ કમાણી કરે, રોટલો રળે છે તો એ પણ ન ભૂલવું જોઈએ કે કપરા સમયમાં મનોરંજન એક ડૉક્ટર જેવું કામ કરે. થોડું ટેન્શન, સ્ટ્રેસ ઓછું કરે અને એનાથી એક આશા જન્મે, તમારા જીવનમાં સારું જ થશે એવો હોપ જન્મે અને એ તમને ઇન્સ્પાયર પણ કરે. આ હીરો-હિરોઇન બધાં ચાલે છે શું કામ એ વિચાર્યું છે ક્યારેય તમે? તેઓ હંમેશાં આપણને ઇન્સ્પાયર કરે છે એટલે. આ ઇન્સ્પિરેશન, આ મનોરંજનને લીધે ઘરમાં પણ શાંતિ રહે અને ધ્યાન બીજી દિશામાં તરત ફંટાઈ જાય, પણ સિનેમાઘરો બંધ. અલબત્ત, કહેવું પડશે કે આ બંધ રહેલા ફેસમાં એક નવા જ સિનેમાની વેવ ઊભી થઈ.
ઓટીટી.
આપણને વેબ-સિરીઝની જે આદત લાગી એ ઓટીટીને કારણે, પણ ઓટીટી આગળ વધ્યું અને હવે સિનેમા પણ એ પ્લૅટફૉર્મ પર આવવા માંડ્યાં. 
આપણા મોબાઇલ ફોનથી લઈને ઘરના ટીવીથી અને નાના-નાના ટૅબ્લેટ્સ પર આપણે સિનેમા જોવા માંડ્યા અને એ પણ નવાં, હજી થિયેટરમાં રિલીઝ ન થયાં હોય એવાં. અગાઉ પણ ટીવી પર સિનેમા આવતાં, પણ એ આદત જુદી હતી, હવે તો સીધાં ટીવી પર સિનેમા જોવા મળવા માંડ્યાં, પણ એ એવો આનંદ નથી આપી શકતાં જે મોટાં પિક્ચરનો આનંદ ફેસ્ટિવલ પર સિનેમા-હૉલમાં જઈને આપણે લેતા હતા. સમોસાં અને પૉપકૉર્ન ખાતાં-ખાતાં કે પછી કંઈ ન ખાતાં-ખાતાં, પણ એની મજા જુદી હતી.
આટલા લોકો સાથે બેસીને જોવાનો જે આનંદ હતો અને એમાં પણ એ આનંદમાં આવતો ચેન્જ. કૉમેડી સીન આવે અને ઢગલાબંધ લાફ્ટર સંભળાય. ઍક્શન આવે તો તમારા શરીરમાં પણ લોહી ગરમાટો લઈ લે. થ્રિલર આવે ત્યારે એકદમ પિનડ્રૉપ સાયલન્સ. આખું થિયેટર શાંત અને સ્તબ્ધ, જાણે કે બધું આંખ સામે થઈ રહ્યું છે, પણ આંખ સામે ચાલતી એ ઘટનાને કોવિડ ભરખી ગયો હતો, પણ હવે રાજી થવાના દિવસો આવ્યા છે. હવે એ મજા વધારે દૂર નથી. 
આવતી કાલથી, ૨૨ ઑક્ટોબરથી સિનેમા-હૉલ પાછાં ખૂલવાનાં છે. વચ્ચે થોડા સમય માટે એ ખૂલ્યાં હતાં, પણ પછી ફરીથી બંધ થયાં. લોકોમાં પણ ડર હતો અને અત્યારે પણ જરાતરા તો ડર હશે જ, પણ સરકારે અમુક એવા નીતિનિયમો રાખ્યા છે જેથી કોઈ ત્યાં જઈને એકબીજાને ભૂલથી પણ સંક્રમણ ન આપી બેસે. બે સીટની વચ્ચે જગ્યા રાખવાની છે. તમારી બાજુમાં કોઈ નહીં, તમારા પરિવારનો સભ્ય પણ નહીં અને એમ છતાં મોટા હૉલનો આનંદ મળવાનો. 
ભલે અત્યારે નીતિનિયમો હોય, સમય જતાં મોટા સિનેમા-હૉલનો દોર પાછો આવશે, ધીમે-ધીમે પણ આવશે અને એ જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. બુધવારે જ્યારે આ લખું છું ત્યારે મુંબઈમાં લોએસ્ટ કેસ છે અને એક પણ ડેથ નથી. આવું સેફ વાતાવરણ ઘણા વખતે જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં પણ હવે રાહત છે અને એટલે જ આ વાતાવરણ વચ્ચે ધીમે-ધીમે મોટી ફિલ્મોની રિલીઝ શરૂ થશે. આવતી કાલથી સિનેમા-હૉલ ખૂલશે અને દિવાળીના દિવસોમાં મોટાં પિક્ચરો પણ રજૂ થશે અને એ પછી ફરી પાછા સિનેમા-હૉલ ભરાયેલા રહેવા માંડશે. આપણે ફરી પાછા એ જ આનંદમાં આવી જઈશું અને આ ઉદ્યોગ ફરી પાછો રિવાઇવ થશે. કોવિડના સમયમાં સૌથી વધારે હેરાનગતિ સહન જો કોઈએ કરી હોય તો એ આ ઉદ્યોગે કરી છે. બંધ પણ સૌથી પહેલાં અને ચાલુ થવાની પ્રક્રિયામાં સૌથી છેલ્લે. ભગવાનને બસ એક જ પ્રાર્થના કે હવે કોઈ વિકટ પરિસ્થિતિ ન આવે.
જરાય નહીં, કારણ કે જીવનમાં બધું જરૂરી છે, મનોરંજન પણ. 

columnists JD Majethia