સાયન્ટિસ્ટ બનવા માગતી આ ગર્લના આવિષ્કારનું કહેવું પડે

07 May, 2021 03:42 PM IST  |  Mumbai | Rohit Parikh

કૉન્ટેક્ટલેસ ચીજોનો ટ્રેન્ડ આવ્યો છે ત્યારે ઘાટકોપરની રિષા મહેતાએ ઘર માટે ટચ-ફ્રી ડોરબેલ બનાવી છે. માત્ર ૨૫ રૂપિયાના ખર્ચે એ બનાવેલી નવતર શોધ ઉપરાંત તે ભરતનાટ્યમ, ક્લાસિકલ વોકલ અને માર્શલ આર્ટ્સમાં પણ અવ્વલ છે

સાયન્ટિસ્ટ બનવા માગતી આ ગર્લના આવિષ્કારનું કહેવું પડે

કોરાનાના કપરા કાળમાં નાની વસ્તુઓને ટચ કરતાં પણ આપણે ડરીએ છીએ. લિફ્ટના બટનથી લઈને ઘરની બેલ સુધી ટચ કર્યા બાદ આપણે કોરાના સંક્રમિત ન થઈ જઈએ એ માટે હાથને સૅનિટાઇઝ કરીએ છીએ. આ ઝંઝટમાંથી બચવા ઘાટકોપરની ૧૦ વર્ષની રિષા રાકેશ મહેતાએ એક એવો આવિષ્કાર તૈયાર કર્યો છે જેમાં ફક્ત હાથના પડછાયાથી ડોરબેલ ઑપરેટ કરી શકાય છે. રિષાએ આ આવિષ્કારને ‘ટચ ફ્રી ઑન-ઑફ સ્વિચ ફૉર ડોરબેલ’ નામ આપ્યું છે. તેના આ આવિષ્કારને મેમ્બર્સ ઑફ ઇન્ટરનૅશનલ સ્કૂલ અસોસિએશન તરફથી ફર્સ્ટ પ્રાઇઝ પણ 
મળ્યું છે.
પોતાના ભાઈ ઓમને પોતાનો આદર્શ માનતી રિષા મોટી થઈને રિસર્ચ ફીલ્ડમાં આગળ વધીને સાયન્ટિસ્ટ બનવા ઇચ્છે છે. ઘાટકોપરની યુનિવર્સલ સ્કૂલમાં અભ્યાસ કરતી ‌રિષા મહેતાએ ખૂબ ઓછા સાધનોનો ઉપયોગ કરીને ટચ ફ્રી ડોરબેલ બનાવી છે. તે કહે છે, ‘આજે કોવિડના સમયમાં જો ટેક્નૉલૉજીને સમજીએ અને એનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો આપણે જૂની ઑન-ઑફ સ્વિચને બદલીને ટચ-ફ્રી કરી શકીએ છીએ. આ બહુ સરળ અને સસ્તી છતાં ઉત્તમ ટેક્નૉલૉજી છે. આ ટચ-ફ્રી ઑન-ઑફ સ્વિચ ફક્ત ૨૫ રૂપિયાનાં વિદ્યુત ઉપકરણોથી તૈયાર થઈ શકે છે.’ 
નાની ઉંમરે સિદ્ધિઓ અનેક આ આવિષ્કાર સિવાય પણ રિષાએ બહુ જ નાની ઉંમરમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પહેલા ધોરણથી જ સ્કૂલમાં હંમેશાં ‘એ’ ગ્રેડ લાવતી રિષા બહારની ઑલિમ્પિયાડ પરીક્ષાઓ જેવી કે યુનિફાઇડ કાઉન્સિલની સાઇબર ઑલિમ્પિયાડ તથા મૅથ્સમાં હંમેશાં મેરિટ લિસ્ટમાં રહે છે. આ સંદર્ભમાં રિષાની મમ્મી ગોપી મહેતા માઇક્રોબાયોલૉજિસ્ટ છે અને પપ્પા રાકેશ ડેન્ટિસ્ટ છે. મમ્મી ગોપી કહે છે, ‘હું અને રાકેશ બન્ને સાયન્સ સાથે સંકળાયેલાં છીએ. આથી અમારાં બાળકો પણ વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. જોકે તેને બીજી પણ ઘણી પ્રવૃત્તિઓમાં રસ છે. જુનિયર બ્લૅક બેલ્ટ ધરાવતી રિષાએ ૨૦૧૮માં સ્ટેટ લેવલની માર્શલ આર્ટ્સમાં અને સ્પોર્ટ્સ ફૉર ઑલની કરાટેની હરીફાઈઓમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આ વર્ષમાં જ તેણે ભરતનાટ્યમનો સંપૂર્ણ કોર્સ પૂરો કર્યો હતો. આ સિવાય રિષા ક્લાસિકલ વોકલ સંગીત શીખે છે. અખિલ ભારતીય ગાંધર્વ વિદ્યામંડળની પરીક્ષામાં નાની ઉંમરે રિષાએ ત્રણ પરીક્ષા પાસ કરીને વિશેષ યોગ્યતા મેળવી છે. તેને સિન્ગિંગમાં ઇન્ટર-સ્કૂલ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. આ સિવાય રિષા ડાન્સ અને સિન્ગિંગના પોતાના યુટ્યુબ વિડિયો બનાવે છે. પેઇન્ટિંગમાં ખૂબ જ રસ ધરાવતી રિષાને ઇન્ટરનૅશનલ અને નૅશનલ સર્ટિફિકેટ મળી ચૂક્યાં છે. વાંચનનો તેને બહુ જ શોખ છે અને સાથે તે કવિતાઓ અને વાર્તાઓ પણ લખે છે.’

columnists rohit parikh