બાગબાનનો અવતાર

14 May, 2022 07:30 AM IST  |  Mumbai | Raj Goswami

વીસ વર્ષ પછી અમિતાભે હેમા માલિની સાથે એ કરી. એવી રીતે મોહન કુમારે ‘અવતાર‘ માટે અમિતાભ બચ્ચનને સાઇન કર્યો હતો, પણ કોઈક કારણસર પાછળથી એ રાજેશ ખન્નાને ઑફર કરી

૧૯૬૯થી ૧૯૭૩ વચ્ચે રાજેશ ખન્નાએ સળંગ ૧૫ હિટ ફિલ્મો આપી. એ સુવર્ણયુગ પછી તુમાખી અને અશિસ્તના કારણે તેની ફિલ્મો પિટાવા લાગી.

યોગાનુયોગ કેવો કે બી. આર. ચોપડાની ‘બાગબાન’ દિલીપકુમાર કરવાના હતા, પરંતુ રાખીએ ના પાડી એટલે ફિલ્મ લટકી ગઈ અને વીસ વર્ષ પછી અમિતાભે હેમા માલિની સાથે એ કરી. એવી રીતે મોહન કુમારે ‘અવતાર‘ માટે અમિતાભ બચ્ચનને સાઇન કર્યો હતો, પણ કોઈક કારણસર પાછળથી એ રાજેશ ખન્નાને ઑફર કરી

આવતી કાલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. માનવ જાતિના વિકાસમાં પરિવારની વ્યવસ્થાએ કેટલી મોટી ભૂમિકા ભજવી છે અને પશ્ચિમમાં, ખાસ કરીને યુરોપ-અમેરિકામાં જે રીતે સંયુક્ત કુટુંબની પ્રથા ખતમ થઈ રહી છે એ વિશે જાગૃતિ ફેલાવવા માટે, સંયુક્ત રાષ્ટ્રસંઘ દરે વર્ષે ૧૫ મેના ઇન્ટરનૅશનલ ડે ફૉર ફૅમિલીઝ ઊજવે છે. 
ભારતમાં પરિવારની વ્યવસ્થા ઘણી મજબૂત છે. જોકે આધુનિકીકરણ, શહેરીકરણ અને મૂડીવાદી વિકાસની મહત્ત્વાકાંક્ષાઓના પગલે આપણે ત્યાં પણ ન્યુક્લિયર એટલે કે વિભક્ત કુટુંબોનું ચલણ વધી રહ્યું છે અને સંયુક્ત કુટુંબની પ્રથામાં સ્ટ્રેસ આવી રહ્યું છે. હિન્દી ફિલ્મો બહુધા સંયુક્ત કુટુંબની પ્રથાનું સેલિબ્રેશન છે. બહુમતી હિન્દી ફિલ્મો પરિવારના વિષયની આસપાસ ફરે છે અને એટલે જ ફિલ્મોને ખાધું, પીધું અને મોજ કરવાનું પારિવારિક મનોરંજન કહેવાય છે. 
જોકે ભારતીય સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં જેમ તિરાડો પડી છે એવી રીતે અમુક ફિલ્મોએ પણ એ ફૉલ્ટલાઇનને બખૂબી ઝીલી છે. એમાં બે ફિલ્મો અલગ તરી આવે છે : ૧૯૮૩માં આવેલી ‘અવતાર’ અને ૨૦૦૩માં આવેલી ‘બાગબાન’. બન્નેમાં સ્વાર્થી અને સંવેદનહીન બાળકો તેમનાં બુઝુર્ગ મા-બાપ સાથે તુચ્છ રીતે વ્યવહાર કરે છે. બન્નેનો એકસમાન પ્રશ્ન હતો : તમે પરિવાર પર નિર્ભર રહી શકો? બન્ને ફિલ્મો જે-તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની કારકિર્દીના અંત તરફની સૌથી મોટી બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. 
બન્ને ફિલ્મોનું ભાવનાત્મક તત્ત્વ એટલું બધું મજબૂત હતું કે ઘણા બુઝુર્ગ દર્શકોએ ફિલ્મો જોયા પછી તેમના મકાન અને સંપત્તિની માલિકી પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો જેથી તેમનાં બાળકો તેમને ઘરમાંથી કાઢી ન મૂકે. વીસ વર્ષના અંતરે આવી હોવા છતાં બન્ને ફિલ્મોએ દેશના હજારો પરિવાર સાથે ગજબનો લગાવ ઊભો કર્યો હતો. એ જ એની સફળતાનું કારણ હતું. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે કોઈને આશા નહોતી કે રોમૅન્ટિક સ્ટાર ખન્ના અને ઍન્ગ્રી યંગ મૅન બચ્ચનને આવા ‘બિચારા’ રોલમાં જોવાનું કોઈ પસંદ પણ કરશે, પરંતુ બન્ને ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. એનું એકમાત્ર કારણ વિષયની સુંદર માવજત અને બન્ને સ્ટારનો સંવેદનશીલ અભિનય. 
‘બાગબાન’નો વિચાર તો ‘અવતાર’ કરતાં પણ જૂનો હતો. નિર્માતા-નિર્દેશક બી. આર. ચોપડાએ દિલીપકુમારને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવી હતી. દિલીપકુમારે હા પણ પાડી હતી, પરંતુ તેમની સામે કોણ હિરોઇન હશે એની સ્પષ્ટતા નહોતી થઈ. દિલીપકુમારની સમકાલીન મીનાકુમારી અને નર્ગિસ જીવિત નહોતી અને રાખીએ કામ કરવાનું બંધ કર્યું હતું. એ પછી ચોપડા ‘મહાભારત’ સિરિયલમાં વ્યસ્ત થઈ ગયા એટલે એ ફિલ્મ લટકી પડી અને તેઓ નિવૃત્ત થયા ત્યારે પિતાના સન્માનમાં તેમના પુત્ર રવિ ચોપડાએ અમિતાભ અને હેમા માલિની સાથે એને પૂરી કરી હતી. 
ચોપડાસાહેબને આ ફિલ્મનો વિચાર ૧૯૬૦ના દાયકામાં યુરોપના પ્રવાસ દરમિયાન આવ્યો હતો. તેઓ કોપનહેગનમાં જે હોટેલમાં રોકાયા હતા એની બાજુમાં એક રિટાયરમેન્ટ હોમ (વૃદ્ધાશ્રમ) હતું. તેઓ હોટેલની બાલ્કનીમાંથી પાડોશમાં બંગલાઓ બહાર બેઠેલા-ટહેલતા બુઝુર્ગ લોકોને જોતા હતા. ૬૦ના દાયકામાં કોઈ પણ ભારતીયને એકલા-અટુલા વૃદ્ધોને જોઈને કુતૂહલ થાય. ચોપડા સામાજિક મુદ્દાઓ પરની ફિલ્મો માટે જાણીતા હતા. તેમને આ લોકો કોણ હશે અને કેમ અહીં રહેતા હશે એવો વિચાર આવેલો અને  થોડા દિવસ પછી તેમનો પરિચય ત્યાંના એક વૃદ્ધ યુગલ સાથે થયો અને તેમની સાથે વાતોએ વળગ્યા. એમાં ખબર પડી કે તેમનાં દીકરા-વહુઓ અને પૌત્રોએ તેમને ત્યજી દીધા છે. આટલી વાત પરથી તેમને થયું કે આના પરથી એક સુંદર પારિવારિક-સામાજિક ફિલ્મ બને. 
ચોપડાસાહેબનો દીકરો રવિ ચોપડા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘બાગબાન પરિવારની વાર્તા હતી. બાળકો તેમનાં મા-બાપને મોટી ઉંમરે ત્યજી દેતાં હોય એવી ફરિયાદો એ જમાનામાં શરૂ થઈ હતી અને પછી તો એ સમસ્યા વકરતી ગઈ હતી. ડૅડી એનું નિર્દેશન કરવાના હતા, પરંતુ ટીવી સિરીઝમાં વ્યસ્ત થઈ ગયા. પાછળથી મેં એને બી. આર. ફિલ્મ્સની કમબૅક ફિલ્મ તરીકે બનાવવાનું નક્કી કર્યું. ડૅડ ત્યારે બીમાર હતા એટલે મેં નિર્દેશન કર્યું.‘
સિનિયર ચોપડાએ ૧૯૭૩માં એની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને રવિને વાત કરી. રવિ ત્યારે સાયરા બાનુ અભિનીત ‘ઝમીર’ ફિલ્મનું શૂટિંગ કરતો હતો. એમાં એક દિવસ એનું શૂટિંગ સાયરા બાનુના પાલી હિલ બંગલોના બગીચામાં ગોઠવાયું હતું. એ વખતે સિનિયર ચોપડાએ દિલીપકુમારને કહ્યું હતું, તમારા માટે મારી પાસે એક વિષય છે. એ વખતે ‘બાગબાન’ની થોડીક વાત આગળ વધી પણ પછી અટકી પડી.   
‘બાગબાન’ની એક નાનકડી મુશ્કેલી એ હતી કે એની પહેલાં ‘અવતાર’ આવી ગઈ હતી. ઘણા લોકોને એવું લાગ્યું હતું કે ‘બાગબાન’ની પ્રેરણા ‘અવતાર’ હતી. રવિ ચોપડાને પણ આ સવાલ કાયમ પુછાતો હતો. એ કહે છે, ‘‘બાગબાન’ 
‘અવતાર’ કરતાં તદ્દન જુદી ફિલ્મ હતી. મારી ફિલ્મમાં અમિતજી અને હેમાજીના રોમૅન્ટિક સંબંધ પર ભાર વધુ હતો, જ્યારે ‘અવતાર’માં પિતા તેનાં બાળકો સામે વેરની વસૂલાત કરે છે. મારી ફિલ્મમાં વેર નથી.’
‘બાગબાન’ અને ‘અવતાર’ના હીરો એ રીતે જુદા પડે છે. ‘બાગબાન’નો પિતા રવિ મલ્હોત્રા પ્રમાણમાં બિચારો અને અસહાય નજર આવે છે, જ્યારે ‘અવતાર’નો અવતાર ક્રિષન ગર્વિષ્ઠ અને જિદ્દી છે. ઘણા લોકોએ ‘અવતાર’ સાથે તાદાત્મ્ય અનુભવ્યું હતું, કારણ કે મોટા ભાગના પિતાઓ જાતમહેનતથી આગળ આવેલા હોય છે અને બાળકોને પણ એ રીતે પગ પર ઊભા રાખે છે. એટલે એ કોઈનાં દયા-દાન કે પ્રેમના મોહતાજ નથી હોતા. 
બીજું, ઍન્ગ્રી યંગ મૅન અમિતાભને બિચારા પિતાની ભૂમિકામાં જોવાનું થોડું અજુગતું લાગતું હતું, જ્યારે કાકાના વ્યક્તિત્વમાં અસલ જીવનમાં પણ અહંકાર હતો એટલે તે અવતાર ક્રિષનની ભૂમિકામાં એકદમ ફિટ થઈ ગયો હતો. 
૧૯૬૯થી ૧૯૭૩ વચ્ચે રાજેશ ખન્નાએ સળંગ ૧૫ હિટ ફિલ્મો આપી હતી. એ તેનો સુવર્ણયુગ હતો. એ પછી તુમાખી અને અશિસ્તના કારણે તેની ફિલ્મો પિટાવા લાગી હતી. એ આખો દાયકો પડતીનો હતો. એ નબળા દોરમાં ખન્નાએ ૧૯૭૯માં તામિલ હિટ ફિલ્મ ‘દીપમ‘નો સહારો લીધો અને આર. કૃષ્ણમૂર્તિ નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘અમરદીપ‘થી કમબૅક કર્યું. શબાના આઝમી સાથેની આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. 
૧૯૮૩માં મોહન કુમાર નામના નિર્દેશકે ખન્નાને ‘અવતાર’ ઑફર કરી હતી. મોહન કુમાર અગાઉ ‘આપ તો ઐસે ન થે’, ‘આપબીતી’, ‘અમીર ગરીબ’, ‘આપ આએ બહાર આયી’, ‘અમન’, ‘આપ કી પરછાઇયાં’, ‘આયી મિલન કી બેલા’, ‘આસ કા પંછી’ (તેમની બધી ફિલ્મોનાં નામ ‘અ‘થી શરૂ થતાં હતાં) બનાવી ચૂક્યા હતા. પાછળથી તેમણે ૧૯૮૬માં ખન્ના અને સ્મિતા પાટીલ સાથે ‘અવતાર‘ જેવી જ ‘અમૃત’ ફિલ્મ બનાવી હતી. 
યોગાનુયોગ કેવો કહેવાય કે ‘બાગબાન’ ફિલ્મ દિલીપકુમાર કરવાના હતા પણ સંજોગોવશાત એ અમિતાભના ખોળામાં આવી પડી. એવી રીતે ‘અવતાર’ ફિલ્મ માટે મોહન કુમારે અમિતાભને સાઇન કર્યો હતો પણ છેવટે એ ફિલ્મ રાજેશ ખન્નાએ કરી.
રાજેશ ખન્ના પર ‘ડાર્ક સ્ટાર : ધ લોન્લીનેસ ઑફ બીઇંગ રાજેશ ખન્ના’ નામનું જીવનચરિત્ર લખનાર પત્રકાર ગૌતમ ચિંતામણિ એવો દાવો કરે છે કે  મોહન કુમારે ‘અવતાર’ ફિલ્મ માટે અમિતાભને સાઇન કરી લીધો હતો, પરંતુ કાકાને ત્યાં પાર્ટીમાં તેમને શું વિચાર આવ્યો કે બચ્ચનને પડતો મૂકીને કાકાને મોટર મેકૅનિક અવતાર ક્રિષનની ભૂમિકામાં લીધો. ખન્નાની ગબડતી કારકિર્દી માટે ‘અવતાર’ જડીબુટ્ટી સમાન સાબિત થઈ. ૧૯૭૩ પછી બૉક્સ-ઑફિસ પર કાકાની એ સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ હતી. 
‘અવતાર’ અને ‘બાગબાન’ એના સ્ટાર પાવરના કારણે લોકોમાં ચર્ચાનો વિષય રહી હતી, પરંતુ બુઝુર્ગ પેરન્ટ્સની ઉપેક્ષાની વાત છે તો ૧૯૭૬માં રવીના ટંડનના પિતા રવિ ટંડને ‘ઝિંદગી‘ નામની ફિલ્મમાં આવો જ વિષય છેડ્યો હતો. એમાં રઘુ શુક્લા (સંજીવ કુમાર) તેની પત્ની સરોજિની (માલા સિંહા), બે પુત્રો, એક પુત્રી અને એક ભત્રીજા સાથે રહે છે. રઘુ નિવૃત્ત થવાનો હોય છે ત્યારે તેનો પરિવાર ખુશ થાય છે, નિવૃત્તિના નાણાકીય લાભ ઘરને મળશે. પરંતુ રઘુ એવું કહીને બધાને નિરાશ કરી એ છે કે તેણે એ પૈસાથી દેવું ચૂકતે કર્યું છે.
એમાં એક છોકરો મુંબઈ જાય છે અને કહે છે કે તે માત્ર માતા સરોજિનીને જ સાથે રાખી શકશે, જ્યારે બીજો દીકરો કહે છે કે તેનો પગાર જ એટલો ઓછો છે કે માત્ર પિતા રઘુને સમાવી શકશે (‘બાગબાન’માં આવી જ વહેંચણી હતી). આ રીતે મા-બાપ અલગ પડે છે. 
‘ઝિંદગી’, ‘અવતાર’ અને ‘બાગબાન’ ત્રણેમાં પારિવારિક મૂલ્યોના પતનની કહાની હતી, એમાં દીકરાઓ વિલન તો હતા જ પરંતુ આધુનિક સમાજનાં લાલચ, સ્વાર્થ અને કથિત સામાજિક સ્ટેટસનાં દૂષણ પણ હતાં.
એ લાગણી ‘બાગબાન’માં રવિ મલ્હોત્રાના શબ્દોમાં આ રીતે વ્યક્ત થઈ હતી, ‘એક બાપ અગર અપને બેટે કી ઝિંદગી કા પહલા કદમ ઉઠાને મેં ઉસકી મદદ કર સકતા હૈ...તો વહી બેટા અપને બાપ કે આખરી કદમ ઉઠાને મેં ઉસે સહારા ક્યૂં નહીં દે સકતા?’

જાણ્યું-અજાણ્યું
 મોહન કુમારને લોકો પૂછતા હતા કે ‘અવતાર’માં ગુલશન ગ્રોવરને કેમ લીધો તો એ કહેતા કે એનું નાક જોઈને એવું લાગે કે એ સો રૂપિયામાં મા-બાપને વેચી દેવો એવો છે.
 ‘અવતાર’ જોયા પછી ઘણાં વૃદ્ધ યુગલોએ તેમનું વસિયતનામું બદલી નાખ્યું હતું.
 ‘અવતાર’નું નામ પહેલાં (શબાના આઝમીના પાત્ર પરથી) ‘રાધા’ રાખવામાં આવ્યું હતું.
 ‘બાગબાન’માં અમિતાભ અને હેમા વીસ વર્ષ પછી ભેગાં થયાં હતાં. અગાઉ તેઓ ‘નાસ્તિક’માં સાથે હતાં.
 ‘બાગબાન’માં સલમાન ખાનવાળી આલોક રાજની ભૂમિકા શાહરુખ ખાનને ઑફર થઈ હતી. એ પછી સની દેઓલને પણ એ ઑફર થયો હતો.
 ‘મૈં યહાં તુમ વહાં’ ગીતની પહેલી લાઇન બી. આર. ચોપડાએ લખી હતી.

columnists raj goswami