એક તપશ્ચર્યાથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કેવી રીતે સંભવી શકે?

09 February, 2025 06:57 PM IST  |  Mumbai | Chandrakant Sompura

શિવજીએ સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ શ્રીયંત્ર તૈયાર કરાવીને કહ્યું કે જે કોઈ શ્રીયંત્રનું સ્થાપન કરશે તે સૌને સુખ અને સમૃદ્ધિ મળશે

શ્રીયંત્ર

શ્રીયંત્રની વાત પછી આપણે વાત કરીશું શ્રીયંત્ર મંદિરની, પણ એ પહેલાં શ્રીયંત્રની કેટલીક વાતો જે હજી બાકી છે એના વિશે વાત કરી લઈએ.

શ્રીયંત્ર માટે અલગ-અલગ બે કથાઓ સાંભળવા મળી છે. એ બે કથા પૈકી એક પૌરાણિક કથા ગયા રવિવારે તમારી સાથે શૅર કરી, હવે વાત કરવાની છે અન્ય એક કથાની જે શ્રીયંત્રના ઉદ્ભવની વાત કરે છે. કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ કૈલાશ માનસરોવર પર મહાદેવ માટે કઠોર તપશ્ચર્યા કરી હતી. વર્ષો સુધી ચાલેલી એ તપશ્ચર્યા પછી મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે શંકરાચાર્યજીને વરદાન માગવાનું કહ્યું. શંકરાચાર્યજીએ તો પોતાના કલ્યાણાર્થે એ તપશ્ચર્યા કરી જ નહોતી, તેમણે તો વિશ્વકલ્યાણ માટે એ તપશ્ચર્યા કરી હતી એટલે તેમણે મહાદેવ પાસે વરદાન માગ્યું કે વિશ્વકલ્યાણનો ઉપાય બતાવો, જેનાથી વિશ્વઆખું સુખમય જીવન જીવે.

મહાદેવ માટે એ વિટંબણા હતી, કારણ કે તપશ્ચર્યા કોઈ એક કરે અને એનું ફળ જગતઆખાને આપવામાં આવે એવું કઈ રીતે શક્ય બને? મંદિરે જે જાય, જે ભગવાનને ભજે તેને ભગવાન ફળે. હા, એવું બની શકે કે કોઈની શારીરિક લાચારી હોય અને તે મંદિર ન જઈ શકે તો તેમના વતી કોઈ દર્શન કરી આવી શકે; પણ જે સક્ષમ છે, જેનું શરીર કામ કરે છે તેના વતી અન્ય કોઈ દર્શન કે પૂજા કેમ કરી શકે છે. મંદિરે નથી જતા તો પછી તેને ફળ કેવી રીતે આપી શકાય? મહાદેવે પોતાની મજબૂરી વર્ણવી એટલે શંકરાચાર્યજીએ ચોખવટ કરી કે મને જો કંઈ આપવું હોય તો આ વરદાન આપો, અન્ય કશું મને જોઈએ નહીં.

કહે છે કે શંકરાચાર્યજી તો પોતાની તપશ્ચર્યા પૂરી કરીને ઊભા થઈ ગયા અને મહાદેવની ચરણરજ લઈને ચાલવા માંડ્યા. પણ આ તો ભોળાનાથ, તે કેવી રીતે પોતાના ભક્તને ખાલી હાથ જવા દે એટલે તેમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને શંકરાચાર્યની ઇચ્છા પૂરી કરતાં તેમને સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ શ્રીયંત્ર તૈયાર કરવાનું સૂચવ્યું અને કહ્યું કે જે કોઈ શ્રીયંત્રનું સ્થાપન કરશે તે સૌને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળશે અને વિશ્વકલ્યાણના માર્ગ પર ચાલશે. મહાદેવે સ્પષ્ટતા સાથે કહ્યું કે જગતને ક્યારેય સુખ પ્રાપ્ત ન થાય, પણ જે શ્રીયંત્રની પૂજા કરશે તેને સાર્વત્રિક લાભ થશે. જે પ્રકારનું શ્રીયંત્ર તૈયાર કરવાનું તેમણે સૂચવ્યું હતું એ શ્રીયંત્ર પરમબ્રહ્મ સ્વરૂપિણી આદિ પ્રકૃતિમયી દેવી ભગવતી મહાત્રિપુર સુંદરીનું આરાધનાસ્થળ છે, કારણ કે શ્રીયંત્રમાં રહેલું ચક્ર જ દેવીનું નિવાસસ્થાન અને તેમને લઈ આવવાનું કામ કરતા રથનું ચિહ્‍ન છે. નિયમિત પૂજન થતા શ્રીયંત્રમાં દેવી સ્વંય મૂર્તિવાન બનીને બિરાજમાન હોય છે. અનેક શાસ્ત્રોમાં શ્રીયંત્રનો ઉલ્લેખ માત્ર શક્તિના પ્રતીક તરીકે જ નહીં, પણ જ્યામિતીય સ્વરૂપ તરીકે પણ કરવામાં આવ્યો છે તો આ શ્રીયંત્રને શિવ-શક્તિના સ્વરૂપ તરીકે પણ સન્માનિત કરવામાં આવે છે.

culture news columnists religion gujarati mid-day mumbai