મોટી દિલ્હીએ નાની દિલ્હીને બિલ્લી બનાવી દીધી

28 March, 2021 12:04 PM IST  |  Mumbai | Raj Goswami

કાનૂનન આમ આદમી પાર્ટી આમાં કશું કરી શકે એમ નથી. એનો આરોપ છે કે બબ્બે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો દિલ્હીમાં ગજ વાગ્યો નથી અને અરવિંદ કેજરીવાલની રાજનીતિનું મૉડલ સફળ થઈ રહ્યું છે એટલે બીજેપીએ પાછલા દરવાજેથી સત્તા આંચકી લેવાનો કારસો ઘડ્યો છે

મોટી દિલ્હીએ નાની દિલ્હીને બિલ્લી બનાવી દીધી

રાજ ગોસ્વામી
ભારતમાં ચૂંટણીઓ દરમ્યાન અવનવાં સ્લોગન બનાવવાની પરંપરા જૂની છે. પશ્ચિમ બંગાળના ચૂંટણીપ્રચારમાં બીજેપી ‘જય શ્રીરામ’ અને ‘જય બાંગલા’ જેવાં આક્રમક રાષ્ટ્રવાદી સ્લોગન પોકારવામાં વ્યસ્ત હતી, ત્યારે મમતા બૅનરજીના તૃણમૂલ કૉન્ગ્રેસ પક્ષે ‘અબ ખેલા હોબે’ (હવે ખેલ રમાશે) જેવું આમ રમતિયાળ, પણ આમ બંગાળના ફુટબૉલપ્રેમને ઉજાગર કરતું ઉત્સાહી સ્લોગન રમતું કરી દીધું હતું. સ્લોગન એટલું લોકપ્રિય થયું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની એક જાહેર સભામાં એ સ્લોગનને કિક ફટકારતાં કહેવું પડ્યું હતું કે ‘તૃણમૂલ કહે છે ખેલા હોબે, પણ હવે તૃણમૂલ માટે ખેલા શેષ (ખેલ ખતમ). ઇબાર વિકાસ હોબે (હવે વિકાસ થશે).’
સત્તાનો ખેલ
પશ્ચિમ બંગાળમાં સત્તાનો ખેલ બીજેપી માટે કેટલો મહત્ત્વનો છે એ આપણે વાંચ્યું જ છે (દીદીગીરી વિરુદ્ધ મોદીગીરી, 
‘મિડ-ડે’ ૧૪ માર્ચ, ૨૦૨૧). બીજેપી દરેક ચૂંટણીઓને એનું વર્ચસ કાયમ કરવાના અવસર તરીકે જુએ છે. લોકશાહીમાં એમ જ હોય. બધા પક્ષો એમ જ કરતા હોય છે, પણ બીજેપી એનાથી એક કદમ આગળ જઈને ચૂંટણીઓ ન હોય તો પણ સત્તા મેળવવાના અવસર શોધે છે. ઘણી વાર મધ્ય પ્રદેશ જેવાં વિપક્ષી રાજ્યો બીજેપીને સામેથી એવો અવસર આપે છે. રાજસ્થાનમાં એનું પુનરાવર્તન થતું રહી ગયું. મહારાષ્ટ્રમાં મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટને જેટલો સમય લાગે એટલા સમય માટે બીજેપીની સરકાર બની ગઈ હતી, પણ પછી ક્રૅશ લૅન્ડિંગ કરવું પડ્યું. અત્યારે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના સસ્પેન્ડેડ પોલીસ ઑફિસર સચિન વઝેનાં કરતૂતોએ ફરીથી બીજેપીને સત્તાનાં સપનાં જોતી કરી દીધી છે.
બીજી બાજુ નવી દિલ્હીમાં એક બીજો જ ખેલ રમાઈ ગયો. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સંશોધન વિધેયક લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવીને દિલ્હીના ઉપ-રાજ્યપાલને ‘સરકાર’નો દરજ્જો આપી દીધો. હવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (એએપી-આપ) સરકારે ઉપ-રાજ્યપાલને પૂછીને પાણી પીવું પડશે. એવું કહેવાય છે કે અત્યાર સુધી જેમ રાજ્યપાલ રબર-સ્ટૅમ્પ બનીને મુખ્ય પ્રધાન કહે એમ કરતા હતા એમ દિલ્હીમાં હવે મુખ્ય પ્રધાન રાજ્યપાલની જેમ રબર-સ્ટૅમ્પ બની જશે.
ઉપ-રાજ્યપાલ જ સરકાર?
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની તકરાર બહુ જૂની છે, પણ બીજેપીએ આ વિધેયક લાવીને ખેલ જ બદલી નાખ્યો. આ વિધેયક લોકસભામાં પેશ થયું ત્યારે ૧૭ માર્ચે પત્રકાર રવિશ કુમારે ‘અબ દિલ્હી કા ખેલા હોબે?’ નામથી એક લેખમાં રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ના ‘તીતર કે દો આગે તીતર’ ગીતની પેરડી કરીને તેમના આગવા અંદાજમાં કહ્યું હતું...
‘દિલ્હી કે પીછે એક દિલ્હી, દિલ્હી કે આગે એક દિલ્હી, બોલો કિતની દિલ્હી. આગે આગે દિલ્હી, પીછે પીછે દિલ્હી, પીછે પીછે દિલ્હી, આગે આગે દિલ્હી. ભીગી દિલ્હી ભીગી બિલ્લી, ભીગી બિલ્લી ભીગી દિલ્હી. દિલ્હી કે પીછે પડ ગઈ દિલ્હી. ઇચક દિલ્હી, બિચક દિલ્હી, દિલ્હી કે ઉપર દિલ્હી, ઇચક દિલ્હી. દિલ્હી બન ગઈ બિલ્લી, બિલ્લી બિલ્લી બિચક દિલ્હી. એક બિલ્લી કે પીછે દિલ્હી, એક દિલ્હી કે આગે બિલ્લી, બોલો કિતની બિલ્લી. તુમ છોટી દિલ્હી, હમ બડકી દિલ્હી. હમ બડકી દિલ્હી, તુમ છોટકી દિલ્હી. ખુબ ઘુમાઓ જનતા કો, જનતા બન જાય ભીગી દિલ્હી.’
દિલ્હીના ઉપ-રાજ્યપાલને ‘સરકાર’નો દરજ્જો આપી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમજતાં પહેલાં દિલ્હીના ઇતિહાસને પણ જાણવો જરૂરી છે. ૧૯૫૨માં દિલ્હી રાજ્ય હતું. ૧૯૫૬માં એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું ત્યારથી સ્થાનિક કૉન્ગ્રેસ, બીજેપી અને પછી આમ આદમી પાર્ટીના લોકો દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી ઉઠાવતા રહ્યા છે. આમ આદમી પાર્ટી તો સત્તામાં આવી જ હતી, દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવાની માગણી ઉઠાવીને. બીજેપીએ એમાંથી કાયમ માટે હવા કાઢી નાખી છે. જાણકાર લોકો એવું કહે છે કે અરવિંદ કેજરીવાલની સત્તા પર કાપ મૂકીને ઉપ-રાજ્યપાલ મારફત બીજેપી દિલ્હીમાં શાસન કરશે અને થોડાં વર્ષ પછી ઉપ-રાજ્યપાલના હાથે જ દિલ્હીને રાજ્યનો દરજ્જો અપાવશે, જેથી એનું શ્રેય કેન્દ્ર સરકારને જ મળે.
૧૯૯૧માં દિલ્હીને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એ વખતે દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (નૅશનલ કૅપિટલ રીજન) કાનૂન હેઠળ લાવવામાં આવી હતી. કેન્દ્રની મોદી સરકાર આ જ કાનૂનમાં સંશોધન કરતું વિધેયક લાવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ વિધેયક મારફત સરકાર ઉપ-રાજ્યપાલને અબાધિત તાકાત આપી રહી છે અને ચૂંટાયેલી રાજ્ય સરકારને નકામી બનાવી રહી છે. કેન્દ્ર સરકારનો તર્ક એ છે કે આ વિધેયક પાછળ ઉદ્દેશ ૧૯૯૧ના કાનૂનની વિસંગતિઓ દૂર કરવાનો છે. 
કોની કેટલી સત્તા?
અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે જમીન, પબ્લિક ‍ઑર્ડર અને કાનૂન વ્યવસ્થાના અધિકાર ઉપ-રાજ્યપાલ પાસે હતા, જ્યારે બાકીના વિષયો અને કામકાજમાં દિલ્હી સરકારની જવાબદારી હતી, જેમાં ઉપ-રાજ્યપાલ કડીરૂપે ભૂમિકા ભજવતા હતા. ટૂંકમાં ઉપ-રાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચે સત્તાની વહેંચણી થઈ હતી અને એમાં જો અંટસ પડે તો રાષ્ટ્રપતિનો ફેંસલો માન્ય ગણાય. ૨૦૧૪થી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યારથી ઉપ-રાજ્યપાલની સાથે માથાકૂટ વધી હતી અને કોની કેટલી સત્તા છે એનો ફેંસલો કરવા અરવિંદ કેજરીવાલની સરકાર સુપ્રીમ કોર્ટ પાસે ગઈ હતી.
સુપ્રીમ કોર્ટે ૧૯૯૧ના કાનૂનનો જ આધાર લઈને કહ્યું હતું કે જમીન, પબ્લિક ઑર્ડર અને કાનૂન વ્યવસ્થાને બાદ કરતાં તમામ વિષયોમાં સરકારને કાનૂન બનાવવાના અધિકાર છે. એ પછી પણ ઝઘડો ખતમ થયો નહોતો. દિલ્હીમાં લાંબા સમયથી ચાલતા આવતા આ વિવાદને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સંશોધન વિધેયક પસાર કરાવ્યું છે.
આ વિધેયકમાં જોગવાઈ છે કે રાજ્ય કૅબિનેટના કોઈ પણ નિર્ણયને લાગુ કરતાં પહેલાં ઉપ-રાજ્યપાલની ‘સલાહ’ લેવાની રહેશે. વિધાનસભાના પ્રસ્તાવ, એજન્ડા અને નિર્ણયોની ઉપ-રાજ્યપાલને અગાઉથી જાણ કરવાની રહેશે. વિધેયકમાં તેમને વિટો પાવર પણ આપવામાં આવ્યો છે. ઉપ-રાજ્યપાલ સરકારના ફેંસલાને રદબાતલ કરી શકે છે. એવું કહી શકાય કે ઉપ-રાજ્યપાલના અધિકાર મુખ્ય પ્રધાન સમકક્ષ હશે. દિલ્હી વિધાનસભામાં બનાવેલા કોઈ પણ કાનૂનમાં ‘સરકાર’નો અર્થ ઉપ-રાજ્યપાલ થશે. એમાં કોઈ મતભેદ થશે તો રાષ્ટ્રપતિનો ફેંસલો અંતિમ ગણાશે. 
કાનૂનન આમ આદમી પાર્ટી આમાં કશું કરી શકે એમ નથી. એને ચૂંટાયેલી સરકારની સત્તા પર કાપ મૂકવાના નિર્ણયમાં રાજકારણ નજર આવે છે. એનો આરોપ છે કે બબ્બે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો દિલ્હીમાં ગજ વાગ્યો નથી અને અરવિંદ કેજરીવાલની રાજનીતિનું મૉડલ સફળ થઈ રહ્યું છે એટલે બીજેપીએ પાછલા દરવાજેથી સત્તા આંચકી લેવાનો કારસો ઘડ્યો છે. આ વિધેયક પસાર થયું એ પછી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ભારતીય લોકતંત્ર માટે દુખદ દિવસ છે. લોકોને ફરીથી સત્તા સોંપવા માટે અમે સંઘર્ષ કરતા રહીશું. જે પણ અવરોધ આવશે, અમે સારું કામ કરતા રહીશું. કામ ન રોકાશે કે ન ધીમું પડશે.’
કેજરીવાલ ગાલ રાતો રાખે એ સ્વાભાવિક છે, પરંતુ તેમની પાર્ટી માટે આ અસ્તિત્વનો સવાલ છે. તેમણે જેકંઈ મેળવ્યું છે એ દિલ્હીની અંદર જ છે. હમણાં છેલ્લે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં તેમને સરસ સફળતા મળી હતી. એની ખુશી મનાવવા તેઓ સુરત આવ્યા પણ હતા. પાછા ગયા, તો બીજેપીએ દિલ્હી ખૂંચવી લીધી. હવે જો ઉપ-રાજ્યપાલ (અને તેમના મારફત બીજેપીની કેન્દ્ર સરકાર) જો બધાં કામનું શ્રેય લેવાના હોય તો આમ આદમી પાર્ટીનું કામ તો થેલા ઊંચકીને અહીંથી તહીં લઈ જવા સિવાય બીજું શું રહેશે? 
એમ તો દિલ્હી વિધાનસભામાં કોઈ પણ ચૂંટાઈને આવે જો ઉપ-રાજ્યપાલ જ ‘સરકાર’ રહેવાના હોય તો ચૂંટણીઓનો પણ શું મતલબ રહેશે? કેજરીવાલ પાસે બીજો વિકલ્પ એ છે કે તેઓ ઉપ-રાજ્યપાલને મુખ્ય પ્રધાનની જેમ કામ કરવા દે અને પોતે રબર-સ્ટૅમ્પ જેવા રાજ્યપાલ બની જાય તો બધી સરકારી સુવિધાઓ મળતી રહે અને ગુજરાતી બાળવાર્તાઓમાં બને છે એમ, 
‘ખાઈ-પીને મજા કરે.’ 

columnists raj goswami