27 October, 2025 03:39 PM IST | Mumbai | Jane Borges
ભારત છોડો આંદોલન (તસવીર: મિડ-ડે)
શબ્દોની શક્તિનો કોઈ પાર નથી. શબ્દ ચિનગારી જેવો છે, એ પ્રજ્વલિત થાય તો મોટી ક્રાન્તિ થઈ જાય. સરમુખત્યારો મોટી તોપો કે તલવારોથી જેટલા નથી ડરતા એટલા શબ્દોથી ડરે છે. સૌથી પહેલાં તેઓ વાણી સ્વાતંત્ર્ય પર કાપ મૂકી દે છે.. નેતાજીના બે શબ્દો ‘ચલો દિલ્લી’ કે બાપુના બે શબ્દો ‘ભારત છોડો’ કે જયપ્રકાશ નારાયણના બે શબ્દો ‘કટોકટી તોડો’ કેટલી મોટી ક્રાન્તિ કરી ગયા એ આપણા ઇતિહાસના તાજા પ્રસંગો છે.
વિનોબાની ભૂદાન પ્રવૃત્તિનો જ્યારે મધ્યાહન તપતો હતો ત્યારે જંગલમાંથી પસાર થતાં વિનોબાને એક આદિવાસીએ રોક્યા, ખુલ્લી છરી સાથે તે ક્રોધથી કંપતો હતો. વિનોબાજીએ કહ્યું, ‘અત્યાર સુધી મેં રામનાં ઘણાં સ્વરૂપ જોયાં છે પણ ક્રોધિત અવસ્થામાં રામને કદી નિહાળ્યા નથી. તેં આજે મને તારામાં રહેલા ક્રોધિત રામનાં દર્શન કરાવ્યાં તેથી હું પાવન થયો. એ રામનાં દર્શન કરીને મૃત્યુને ભેટવાનો મને કોઈ રંજ નથી.’ પેલાએ છરી ફેંકી દીધી. આ છે શબ્દોની શક્તિ.
શબ્દો તો સૌની પાસે છે. તમારી પાસે છે, મારી પાસે છે, કમ્પોઝિટર પાસે છે, કવિ પાસે છે, સંત પાસે છે, પ્રિયતમ પાસે છે, પ્રેમિકા પાસે છે, નેતા પાસે છે; પણ એ બધા શબ્દોમાં કેટલો ફેર છે? શબ્દકોશ શબ્દોનું મ્યુઝિયમ છે. કવિતા (સારી કવિતા) શબ્દોની આર્ટ ગૅલરી છે. શબ્દો ગંજીપાનાં બાવન પત્તાં જેવાં છે. તમને બાજી ગોઠવતાં ન આવડે તો જેમ પત્તાંની બાજી હારી જાય એમ શબ્દોનો ઉપયોગ કરતાં ન આવડે તો જિંદગીની બાજી હારી જાઓ એવી શક્યતા છે.
શબ્દોનો ઉપયોગ આપણા લેખકોએ કેવી-કેવી રીતે કર્યો છે એ જોઈએ. નર્મદ અને અખો એક ઘા ને બે કટકા કરે છે. ગોવર્ધનરામ શબ્દોના વનમાં શબ્દોને તપાવે છે, મેઘાણી શબ્દોને સંજીવની પીવડાવે છે, મુનશી શબ્દોને ઇતિહાસના વાઘા પહેરાવીને યાદગાર ગ્રંથોનું સર્જન કરે છે, મીરાબાઈ શબ્દોને કૃષ્ણ બનાવે છે, જ્યોતીન્દ્ર શબ્દોને વિદૂષક બનાવે છે, કાલેલકર શબ્દોની આંખે પ્રકૃતિ આંજે છે. શબ્દોનાં પુષ્પોનો બાગ સુગંધમય તો જ થાય જો આપણામાં બાળકનું મન, સ્ત્રીનું હૃદય, કવિની કલ્પના અને સંતની નેકી હોય નહીંતર શબ્દો તો શેરીઓમાં વસ્ત્રો ઉતારીને બેઠાં જ છે આજના સાહિત્યમાં.
-હેમંત ઠક્કર