કૉલમઃબાળકની સામે બેફામ વર્તનાર વાલી, શિક્ષક એક બેઅદબ વ્યક્તિને ઉછેરે છે

09 April, 2019 10:03 AM IST  |  | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

કૉલમઃબાળકની સામે બેફામ વર્તનાર વાલી, શિક્ષક એક બેઅદબ વ્યક્તિને ઉછેરે છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના એક ગામની સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતી એક બાળકીને તેની ટીચરે ‘૮૧’ લખવાનું કહ્યું, પણ પેલી બાળકીને એ લખતાં ન આવડ્યું. એટલે ટીચરનો પિત્તો ગયો. તેણે બાળકીને બન્ને હાથ પર વીસ-વીસ ફૂટપટ્ટી ફટકારી. બાળકી ઘરે ગઈ ત્યારે મા-બાપે તેની હાલત જોઈ અને સ્કૂલમાં ફરિયાદ નોંધાવી અને આ કિસ્સો મીડિયામાં ચમક્યો. આવા સમાચાર વાંચીએ ત્યારે સવાલ થાય કે ખરેખર આપણે એકવીસમી સદીના આધુનિક ભારતમાં છીએ? કમનસીબે આવો સવાલ અવાર-નવાર કરવો પડે એટલી બધી માત્રામાં આવી ઘટનાઓ આજે આપણા દેશમાં બનતી રહે છે. સ્કૂલમાં ટીચર્સ હોય કે ઘરે પેરન્ટ્સ, નાનાં બાળકો એટલે જાણે પોતાના દિમાગનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટેનો એક સહેલો શિકાર! તેમના પર ગુસ્સો કરાય, તેમના પર દાઝ કઢાય, તેમને હડધૂત કરાય, તેમને અપમાનિત કરાય અને મન થાય ત્યારે તેમને પ્રેમ પણ કરાય! આમાંનું કશું જ તેમના કારણે નથી હોતું, બધું જ પોતાની જરૂરિયાત માટે હોય છે. ઘરમાં કે વ્યવસાયમાં કોઈની સાથે કંઈ પ્રૉબ્લેમ થયો હોય, કોઇ કામ ધાર્યા પ્રમાણે ન થયું હોય, ઑફિસનું કામ તેની ડેડલાઇન ચૂકી ગયું હોય કે બીજી કોઈ પણ વાતનું ટેન્શન હોય, મનનો ધૂંધવાટ બાળક પર નીકળે છે. બાળક બિચ્ચારું ઘણી વાર મૂંઝાઈ જાય કે અચાનક આ મમ્મી કે પપ્પાને શું થઈ ગયું! 

એક નાનકડી છોકરી સ્કૂલથી આવીને ઘરમાં રોજની જેમ કિલબિલાટ કરતી રમતી હતી. હૉલ અને બેડરૂમ વચ્ચે દોડાદોડ કરતી હતી. આ તેનો રોજનો ક્રમ હતો. પરંતુ એક દિવસ તેની મમ્મી ઑફિસનું કામ ઘરેથી કરતી હતી. તે બેડરૂમમાં ઑફિસના ફોન પર બિઝી હતી અને નાનક્ડી છોકરી તો મસ્તીમાં રૂમમાં દોડી ગઈ. તેની પાછળ તેની બહેનપણી પણ ગઈ અને એ બન્નેનો કલબલાટ શરૂ થઈ ગયો. અચાનક તેની મમ્મી ફોન મૂકીને તેના પર તાડૂકી અને ફરી અંદર નહીં આવવાની વૉર્નિંગ આપીને બન્નેને રૂમની બહાર કાઢી. બહાર આવીને છોકરી તો પાછી તેની મસ્તીમાં ગાવા-નાચવા લાગી અને તેનો અવાજ રૂમમાં પહોંચી ગયો. મમ્મી ધસમસતી બહાર આવી અને વિકરાળ ચહેરો કરીને સો માણસ સાંભળી શકે એટલા મોટા અવાજે દીકરીને ઠપકો આપવા લાગી કે હવે જો અવાજ આવ્યો છે તો તને લાકડીથી મારીશ! સ્વાભાવિક છે નાનકડી દીકરી તો મમ્મીનું આ ડરામણું સ્વરૂપ જોઈને ધ્રૂજી જ ગઈ. તે રડવા લાગી. એટલે મમ્મીએ વધુ ગુસ્સો કર્યો. એ તો બિચારી આજે ખુશ હતી કે રોજ ઑફિસે જતી મમ્મી આજે ઘરે હતી, પરંતુ મમ્મીના વર્તને તેને કન્ફ્યુઝ કરી દીધી.

આ પણ વાંચોઃ યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ!

આ ઘટનામાં મમ્મીએ અકારણ નાનકડી દીકરી પર આટલો બધો ગુસ્સો કર્યો હતો. એ છોકરીને તો ખબર નહોતી કે મમ્મી અગત્યના ફોન પર છે અને મારા રૂમમાં જવાથી તેને ડિસ્ટર્બ થશે. મમ્મી તેને શાંતિથી એ વાત કહી શકી હોત, પરંતુ પોતાના કામના સ્ટ્રેસમાં મમ્મી તેમ કરવાને બદલે દીકરી પોતાની વાત સમજતી નથી, પોતાનું કહ્યું માનતી નથી એમ માનીને તેના પર તૂટી પડી. તેના એ ઉગ્ર વર્તનની આખી ઘટનાનાં મૂળમાં દીકરીનો વાંક હોય તો એટલો જ હતો કે તેના રોજના નર્દિોષ કિલબિલાટથી આજે મમ્મી ડિસ્ટર્બ થઈ ગઈ હતી! તેને તો બિચારીને એ પણ નહોતું સમજાયું કે રોજ રાત્રે મમ્મી આવતી ત્યારે આવી જ રીતે તે દોડતી સામે જતી અને મમ્મી તેને ભેટી પડતી હોય છે. તો આજે મમ્મીને આ શું થઈ ગયું! સ્કૂલટીચરની બાબતમાં પણ એવું જ થયું હશે. કોઈ બાબતે એ તંગ હશે અને તેમાં સાત-આઠ વરસની બાળકીની એક નાનકડી ભૂલ જોઈ તે તેના પર વરસી પડી હશે.

સવાલ એ છે કે બાળકો નાનાં છે, અસમર્થ છે એટલે આપણે તેમની સાથે બેફામ વર્તી શકીએ? આપણે બાળકોના વાલી કે શિક્ષક છીએ એટલે શું તેમના માલિક છીએ? આપણે ઇચ્છીએ એમ તેમને દાબમાં રાખી શકીએ? તેમની સાથે શિક્ટ સંસ્કારી વર્તન કરવાની જરૂર નથી? બીજાઓની સમક્ષ આપણું જે સારું સૉફિસ્ટિકેટેડ વ્યક્તિત્વ રજૂ થાય છે તે બાળકો સામે પેશ કરવાની જરૂર નથી? કમનસીબે ઘણાં મા-બાપ અને શિક્ષકો એની જરૂર નથી એમ માનતા હોય એવું લાગે છે, પરંતુ ગુજરાતની સ્કૂલના એ શિક્ષકે પેલી બાળકીના અને પેલી વર્ક ફ્રૉમ હોમ કરતી મમ્મીએ તેની દીકરીના મગજમાં અજાણતાં જ એક બિહેવિયર પૅટર્નનાં મનાંકનો (પૅરાડાઇમ્સ) કોતરી દીધાં છે. એ બાળકીઓ મોટી થશે અને પોતાનાંથી નાનાં બાળકોને હૅન્ડલ કરવાનું આવશે ત્યારે ચોક્કસ તેઓ પોતપોતાના દિમાગમાં પડેલાં એ મનાંકનો મુજબ જ વર્તન કરશે. અને એ પરિસ્થિતિ જરાય તંદુરસ્ત નથી. તે શિક્ષિકા અને મમ્મીએ તેમના જીવનમાં તેમના પેરન્ટ્સ કે ટીચર્સ કે કોઈ પણ વડીલો પાસેથી જે વર્તન જોયું અને અનુભવ્યું એ તેમના દિમાગમાં ઝિલાયું હશે એ જ તેમનાં જીવનમાં આવેલાં બાળકો પર બહાર નીકYયું હતું.

આ પણ વાંચોઃ કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

શક્ય છે તેમનાં પેરન્ટ્સના સમયમાં બાળમાનસ અંગે આજના જેટલી જાણકારી અને તે અંગેની વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ નહીં હોય; પરંતુ આજના જમાનામાં એ મબલક માત્રામાં અને સહેલાઈથી મળી શકે તેવાં સાધનોમાં ઉપલબ્ધ છે. જગવિખ્યાત ચિંતક ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘તમારાં બાળકો તમારાં દ્વારા આવ્યાં છે, તમારાથી નથી આવ્યાં.’ ચાર્લ્સ આર્થર નામના જાણીતા પત્રકાર-લેખક કહે છે કે તમારાં બાળકો તમારી સંપત્તિ નથી, તમે તેમનાં માલિકો નથી, તમે બાળકોનાં પોષક, શિક્ષક, સંરક્ષક કે પ્રતિનિધિ હોઈ શકો. તમે તેમનાં માટે જવાબદાર હોઈ શકો, પણ તમે તેમના માલિક તો નથી જ. બાળકની સામે બેફામપણે વર્તનાર દરેક વ્યક્તિ એક બેઅદબ વ્યક્તિને ઉછેરે છે એ વાત દરેક વ્યક્તિએ
યાદ રાખવાની છે, શિક્ષક અને વાલીએ તો ખાસ.

columnists