સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 44

23 June, 2019 10:56 AM IST  |  મુંબઈ | ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 44

સરદાર: ધ ગેમ-ચેન્જર

જવાહર કહે છે કે ‘શેખ અબદુલ્લાને જેલમાંથી છોડાવવા માટે મારે મહારાજા હરિ સિંહને કહેવું જોઈએ. તેને લાગે છે કે મહારાજા અને દીવાન મહાજન મારી વાત માનશે.’ સરદારે કહ્યું, એક રીતે તેમની વાત સાચી પણ છે, કારણ કે શેખ અબદુલ્લાની નૅશનલ કૉંગ્રેસની પણ સહાયતા અનિવાર્ય છે. મુસ્લિમ વસ્તીનો સહકાર ન હોય તો મહારાજા માટે મુશ્કેલી સર્જા‍ઈ શકે.’

વી. પી. મેનને ફોડ પાડીને વાત કરતાં કહ્યું, ‘જવાહર પણ આવું જ કહે છે, પરંતુ કોણ જાણે કેમ, મને આ શેખ અબદુલ્લા પર બહુ ભરોસો બેસતો નથી. જોકે અત્યારના સંજોગોમાં બીજો કોઈ વિકલ્પ પણ નજરે પડતો નથી.’

જવાહરલાલ નેહરુ માટે કાશ્મીર અને તેમના કાશ્મીરી મિત્ર શેખ અબદુલ્લા વળગણ બની ગયા હતા. શેખ અબદુલ્લાએ કાશ્મીરમાં લોકશાહી સરકાર સ્થાપવા માટે ૧૯૩૦માં મુસ્લિમ કૉન્ફરન્સની સ્થાપના કરી હતી, પરંતુ પછીથી તેમને લાગ્યું કે જો આખા રાજ્ય પર વર્ચસ જમાવવું હશે તો માત્ર મુસ્લિમોના પ્રતિનિધિ થવું પૂરતું નથી. ૧૯૩૮માં શેખ અબદુલ્લાએ મુસ્લિમ કૉન્ફરન્સનું નામ નૅશનલ કૉન્ફરન્સ કરી નાખ્યું. આ નામ બદલવાનો પહેલો ફાયદો એ થયો કે તેમને ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સની સ્વીકૃતિ મળી, જેના વડા જવાહરલાલ નેહરુ હતા. આમ ૧૯૩૮થી નેહરુ અને શેખ વચ્ચે ભાઈબંધી થઈ. ૧૯૪૬માં શેખ અબદુલ્લાએ કાશ્મીરના મહારાજાની વિરુદ્ધમાં કાશ્મીર છોડો આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે મહારાજાએ તેમને અને નૅશનલ કૉન્ફરન્સના અન્ય નેતાઓને જેલમાં નાખી દીધા હતા. પોતાના આ મિત્રને છોડાવવા માટે નેહરુ સ્વંય કાશ્મીર ગયા હતા, પણ મહારાજાએ તેમને પણ જેલમાં નાખ્યા. આને કારણે મહારાજા અને કૉંગ્રેસ વચ્ચે અંટસ પડી ગઈ હતી. જવાહરલાલે તેમના આ દોસ્તને જેલમાંથી છોડાવવા માટે અગાઉ પણ અનેક પ્રયત્ન કર્યા હતા. હવે જ્યારે પાકિસ્તાન કાશ્મીર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે એવી ખબર મળી ત્યારે આ સંજોગોનો લાભ લઈ તેઓ શેખ અબદુલ્લાને છોડાવવા માગતા હતા. સરદારના શબ્દને મહારાજા ટાળશે નહીં અને શેખ અબદુલ્લાને છોડી દેશે એવી નેહરુને ખાતરી હતી. તેમની વિનંતીને માન આપીને સરદારે કાશ્મીરના મહારાજાને વિનવણી કરી કે શેખ અબદુલ્લાને જેલમાંથી મુક્ત કરો. મહારાજાએ તેમની આ વિનંતી માન્ય રાખી.

જેલમાંથી મુક્ત થયા બાદ તરત જ શેખ અબદુલ્લાએ મહારાજા હરિ સિંહને એક પત્ર લખ્યો.

નામદાર મહારાજસાહેબની સેવામાં,

...ભૂતકાળની ઘણી ખેદજનક ઘટનાઓનું કારણ મુખ્યત્વે ગેરસમજ હતી, જે જાણીબૂજીને તમારા ભૂતપૂર્વ દીવાન રામચંદ્ર કાક દ્વારા સર્જવામાં આવી હતી.

ભૂતકાળમાં જે કંઈ બન્યું એ છતાં હું આપ નામદારને કહેવા માગું છું કે મારા કે મારી પાર્ટીના મનમાં તમારા કે કાશ્મીરની રાજગાદી અથવા વંશ તરફ વફાદારીનો જ ભાવ ધરાવતા હતા... હું આપ નામદારને મારો અને મારા સાથીઓનો પૂર્ણપણે વફાદારીપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપું છું...

આપ નામદારનો સૌથી આજ્ઞાંકિત પ્રજાજન

એસ. એમ. અબદુલ્લા.

સરદારનું નૅશનલ કૉન્ફરન્સના વડા અને નેહરુના પરમ મિત્ર શેખ અબદુલ્લા વિશેનું અનુમાન સાચું પડી રહ્યું હતું. મહારાજા હરિ સિંહના એક વખતના કટ્ટર વિરોધી એવા શેખ અબદુલ્લાએ સત્તા માટે કાચિંડાની જેમ રંગ બદલીને મહારાજાની કદમબોશી કરવા માંડી હતી.

€ € €

‘ગુડ મૉર્નિંગ મિ. જિન્નાહ...’ ૨૪મી ઑગસ્ટ, ૧૯૪૭ના જુમ્મા (શુક્રવાર)ની સવારે લશ્કરી યુનિફૉર્મમાં સજ્જ પાકિસ્તાની સૈન્યના બ્રિટિશ લશ્કરી સચિવ કર્નલ વિલિયમ બર્નીએ કરાચીના ફ્લૅગસ્ટાફ હાઉસના દીવાનખંડમાં મહમ્મદ અલી જિન્નાહનું અભિવાદન કર્યું.

‘વેરી ગુડ મૉર્નિંગ કર્નલ. હાઉ આર યુ ડુઇંગ?’ જિન્નાહે પ્રત્યુત્તરમાં કહ્યું.

‘આઇ ઍમ ફાઇન સર. હાઉ અબાઉટ યુ?’

‘આઇ ઍમ નૉટ ઇન બેસ્ટ ઑફ માય હેલ્થ ધિઝ ડેઝ. ડોક્ટરને લાગે છે કે મને આરામની જરૂર છે. મેં તમને એના માટે જ બોલાવ્યા છે.’

‘સર્ટનલી સર. હું તમારા માટે શું કરી શકું?’ કર્નલે બ્રિટિશ અંગ્રેજીમાં પૂછ્યું.

‘હું સપ્ટેમ્બરમાં બે મહિના માટે કાશ્મીર આરામ કરવા જવા માગું છું. એ માટે તમે વ્યવસ્થા કરી શકો?’ જિન્નાહના શબ્દો ભલે વિનંતીભર્યા હતા, પણ સૂર આદેશનો હતો.

‘માય પ્લેઝર સર...’ શિસ્તબદ્ધ લશ્કરી અધિકારી તરીકે કર્નલ બિર્નીએ જવાબ આપ્યો.

પાકિસ્તાનના કાયદે-આઝમ ધરતી પરની જન્નત ગણાતા કાશ્મીરમાં પ્રકૃતિના સાંનિધ્યમાં આરામ ફરમાવવા જઈ શકે એ માટે કર્નલ તરત જ આદેશનું પાલન કરવા શ્રીનગર જવા રવાના થયા. પોણા ભાગની મુસ્લિમ વસ્તી ધરાવતું કાશ્મીર વિભાજન પછી પાકિસ્તાન સાથે જ જોડાશે એ અંગે જિન્નાહથી માંડીને મુસ્લિમ લીગના છેલ્લી હરોળના નેતાઓ સુધીમાંના કોઈને આશંકા નહોતી. આ જન્નત પાકિસ્તાનના વાલિદની જાગીર છે એવું તેઓ માનતા હતા. છેલ્લા કેટલાય મહિનાઓની શારીરિક અને માનસિક દોડધામે જિન્નાહને થકવી દીધા હતા. ક્ષયરોગે નાગની માફક તેમનો ભરડો લઈ લીધો હતો. જિન્નાહે કાશ્મીરમાં પહાડોની સૂકી હવામાં આરામ કરવાનું નક્કી કર્યું હતું.

કાશ્મીરથી પાછા ફરીને કર્નલ વિલિયમ બર્નીએ કરાચીમાં કાયદે-આઝમ સમક્ષ જે બયાન કર્યું એનાથી જિન્નાહને આંચકો લાગ્યો.

‘આઇ ઍમ અફ્રેઇડ મિ. જિન્નાહ, પણ હું માનું છું કે તમારે કાશ્મીર જવાનો વિચાર માંડી વાળવો જોઈએ.’ કર્નલે રજૂઆત કરતાં કહ્યું.

‘કેમ, શું થયું?’ જિન્નાહે એક આંખ પર પહેરેલો મોનોકોલ કાઢીને પૂછ્યું.

‘મહારાજા હરિ સિંહ તમને કાશ્મીરની ધરતી પર એક સામાન્ય પ્રવાસી તરીકે પણ પગ મૂકવા નહીં દે.’

‘તમે કહેવા શું માગો છો કર્નલ...’ જિન્નાહનો અવાજ તીખો થઈ ગયો.

‘એ જ કે મહારાજા હરિ સિંહ પાકિસ્તાનમાં નહીં, પણ હિન્દુસ્તાનમાં જોડાય એવી સંભાવના વધુ જણાઈ રહી છે.’

કર્નલની વાત સાંભળીને જિન્નાહ સ્તબ્ધ થઈ ગયા. પાકિસ્તાનથી ૪૮ કલાકમાં જ એક જાસૂસ શ્રીનગરના ગુલાબભવનમાં પહોંચી ગયો. તે જાસૂસે આપેલી માહિતી બાદ કાશ્મીર પોતાના ગજવામાં છે એવી જિન્નાહ અને મુસ્લિમ લીગની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ.

લિયાકત અલીએ તાબડતોબ લાહોરમાં એક બેઠક બોલાવી, જેમાં પાકિસ્તાની સૈન્યના ચુનંદા મુસ્લિમ અધિકારીઓ અને તેમના વિશ્વાસુ સાથીઓ હતા.

‘કાશ્મીરની ગરીબ મુસ્લિમ પ્રજા પરેશાન જ છે. આપણે પૈસા અને હથિયાર આપીને તેની પાસે બળવો કરાવીએ. આ કરવામાં થોડાક મહિનાઓ વીતી જશે. એ દરમ્યાન ૪૦થી ૫૦ હજાર કાશ્મીરીઓ શ્રીનગર પર ઊતરી જશે અને મહારાજાને પાકિસ્તાન સાથે ભળવાની ફરજ પાડશે.’ ખુરાંફાતી કર્નલ અકબર ખાને સૂચન કર્યું. આ સૂચન લિયાકત અલી સહિત બધાના ગળે ગોશ્તના સૂપની જેમ ઊતરી ગયું.

બીજું સૂચન આવ્યું સરહદ પ્રાંતના મુખ્ય પ્રધાન અબ્દુલ કય્યમ ખાન કશ્મીરીનું. તેઓ સરહદ પ્રાંતના પઠાણોનો ઉપયોગ કરવા માગતા હતા. આ પઠાણો ઊંચા, કદાવર અને સશક્ત હતા. આ પઠાણોને જો લૂંટ ચલાવવા મળે તો તેઓ રાજીના રેડ થઈ જાય એમ હતા. આ દેહાતી પઠાણોને તાલીમ આપીને શ્રીનગર પર વાર કરવા મોકલવાનું આ મહામૂલું સૂચન તરત સ્વીકારી લેવામાં આવ્યું.

‘યાદ રહે ઇસ ખુફિયા મીટિંગ મેં કહા ગયા એક લબ્ઝ ભી ઇન દીવારોં કે બહાર નહીં જાના ચાહિએ...’ લિયાકત અલી ખાને હાજર રહેલા દરેક શખસને તાકીદ કરી. કોઈ પણ બ્રિટિશ અધિકારીને આ વાતની ગંધ પણ આવી જાય તો આખો પ્લાન ચોપટ થઈ જાય એ તેઓ સારી રીતે જાણતા હતા.

ત્રણ દિવસ બાદ પેશાવરના એક ખખડધજ મકાનના ભોંયરામાં પઠાણ નેતાઓનું એક જૂથ પાકિસ્તાનના મેજર ખુરશીદ અનવરની આગેવાની નીચે ભેગું થયું. ખુરશીદ અનવરને હિન્દુસ્તાન સામે ખુન્નસ હતું, કારણ કે હિન્દના લશ્કરમાંથી તેની લાંચ લેવા માટે હકાલપટ્ટી થઈ હતી.

‘કાશ્મીર કા નમકહરામ હરિ સિંહ હમારે કાફરો કે સાથ જુડને જા રહા હૈ. આજ હમારે કશ્મીરી મુસલમાન ભાઈઓ કો હમારી જરૂરત હૈ. ક્યા હમ લોગ ઇસ જેહાદ મેં ઊતરને સે પિછે હટેંગે? આજ પૂરા ઇસ્લામ આપ સબ પઠાનો કી તરફ ઉમ્મીદ કી નજરોં સે દેખ રહા હૈ. હમ ચાહતેં હૈં કિ તુમ લોગ સબ કશ્મીર કી સડકો પર, બાજારોં મેં ઊતર જાઓ ઔર લૂંટ લો ઉન કાફિરો કો...’ હલકટવૃતિ ધરાવતો ખુરશીદ સારી રીતે જાણતો હતો કે આ પઠાણોને જેહાદ કરતાં લૂંટમાં વધુ રસ પડવાનો છે. લૂંટના નામથી જ ઉત્તેજિત થઈ ગયેલા પઠાણોને હથિયારો અને ‘સત્તુ’નો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો. સત્તુ એટલે સૂકા રોટલા, ગોળ, ચણા, મકાઈ અને ખાંડ પીસીને બનાવેલો ભુક્કો. દિવસમાં ત્રણેક વાર આ ભુક્કાનો ફાકડો પાણી કે ચા સાથે મારી લઈ પઠાણો આખો દિવસ ખેંચી કાઢતા હતા. થોડા જ દિવસોમાં પેશાવરની બજારોમાં સત્તુ આઉટ ઑફ સ્ટોક થવા માંડ્યું.

‘મને લાગે છે કે કશુંક રંધાઈ રહ્યું છે...’ સરહદ પ્રાંતના ગવર્નર સર જ્યૉર્જ કનિંગહામે ફોન પર કહ્યું.

‘તમને એવું શા માટે લાગી રહ્યું છે?’ સામે છેડેથી પાકિસ્તાનના કમાન્ડર ઇન ચીફ લેફ્ટેનન્ટ જનરલ સર ફ્રેન્ક મેર્સવીએ પૂછ્યું.

‘છેલ્લા કેટલાક દિવસોથી પઠાણોનાં ધાડાં પેશાવરમાં આવી રહ્યાં છે. ‘અલ્લાહો અકબર’ના નારાથી આખું શહેર ગુંજી રહ્યું છે. મારા સિવાય કદાચ બધા જ જાણે છે કે આ પઠાણો ક્યાં જવાના છે.’ કનિંગહામે માહિતી આપી.

આ ફોન આવ્યો ત્યારે જનરલ મેર્સવી પાકિસ્તાન માટે લશ્કરી સરંજામ મેળવવા માટે લંડન જવાની તૈયારીમાં હતા. જોકે તેઓ જાણતા નહોતા કે સરકાર તેમને આ સમયગાળા માટે દૂર હટાવવા માગતી હતી. પાકિસ્તાન કાશ્મીર પર હુમલો કરે ત્યારે આ બ્રિટિશ અધિકારી ૬૦૦૦ માઈલ દૂર લંડનમાં બેઠા હોય એ માટેનો કારસો ગોઠવાયો હતો.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 43

કનિંગહામે આપેલી માહિતી બાદ મેર્સવીએ પૂછપરછ કરી તો સરહદ પ્રાંતના મુખ્ય પ્રધાન અબ્દુલ કય્યમ ખાન કશ્મીરી અને વડા પ્રધાન લિયાકત અલી બન્નેએ ખાતરી આપી હતી કે પાકિસ્તાનનું આવું કોઈ સત્તાવાર આયોજન નથી. આવું કંઈ થશે તો પાકિસ્તાન સરકાર તે ચલાવી પણ નહીં લે. આ ખાતરી મળ્યા બાદ લેફ્ટનન્ટ જનરલ સર ફ્રેન્ક મેર્સવી લંડન જવા રવાના થયા.

તેઓ લંડનની ધરા પર પગ મૂકે એ પહેલાં પાકિસ્તાને તેના ગુપ્ત આયોજનને અંજામ આપવાનું શરૂ કરી દીધું. (ક્રમશ:)

columnists weekend guide