સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 42

09 June, 2019 12:04 PM IST  |  | ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 42

સરદાર: ધ ગેમ-ચેન્જર

મહારાજા સાહિબ, હું અહીં તમારા રાજ્યના હિતચિંતક તરીકે આવ્યો છું નહીં કે વાઇસરૉય કે ભારતના પ્રતિનિધિ તરીકે.

જૂન ૧૯૪૭ની એક ખુશનુમા સવારે માઉન્ટબૅટન કાશ્મીરના મહેલના બગીચામાં મહારાજા હરિસિંહ સાથે લટાર મારી રહ્યા હતા. કાશ્મીરની સુંદરતા વિશે માઉન્ટબૅટને ઘણું સાંભળ્યું હતું. પરંતુ મહારાજા હરિસિંહના ભવ્ય મહેલમાંથી દેખાતા પહાડો અને કાશ્મીરના નયનરમ્ય દૃશ્યને તેમ જ ગુલાબ ભવનના નામને સાર્થક ઠરાવતા આ મહેલના વિશાળ બગીચામાં લહેરાતા ગુલાબોએ માઉન્ટબૅટનનું મન પણ મોહી લીધું.

દેશના બે ભાગલા કરવાનો અને રજવાડાંઓને હિન્દુસ્તાન, પાકિસ્તાનમાં જોડાવા કે પછી સ્વતંત્ર રહેવાની આઝાદી આપતો માઉન્ટબૅટનનો પ્લાન રજૂ થઈ ચૂક્યો હતો. અન્ય રાજ્યોની જેમ કાશ્મીરના મહારાજાએ પણ નક્કી કરવાનું હતું કે તેમણે હિન્દુસ્તાન, પાકિસ્તાન સાથે રહેવું છે કે સ્વતંત્ર.

જોકે કાશ્મીરની સ્થિતિ ભૌગોલિક રીતે અન્ય રાજ્યોથી બહુ અનોખી હતી. એની એક તરફની સરહદ પર તિબેટ, બીજી બાજુ ચીન અને અફઘાનિસ્તાનની સરહદ હતી. આમ તો આ રાજ્યમાં મુસ્લિમ બહુમતી હતી, પણ દક્ષિણ તરફનો ભાગ તેમ જ જમ્મુમાં હિન્દુઓ અને પૂર્વ તરફ બૌદ્ધોની વસ્તી મોટી સંખ્યામાં હતી. આ વિલક્ષણતાને લીધે જ અન્ય રાજ્યો કરતાં માઉન્ટબૅટનને કાશ્મીરની વધુ ચિંતા હતી. ઉપરાંત જવાહરલાલ નેહરુનું કાશ્મીરનું વળગણ પણ તેઓ જાણતા જ હતા. મિત્રને રાજી રાખવા તેઓ કાશ્મીર હિન્દુસ્તાન સાથે જોડાય એવા પ્રયાસોમાં હતા. આમ પણ તેમણે સરદારને બધાં જ સફરજનો કરંડિયામાં ભરી આપવાનો વાયદો કર્યો જ હતો.

અમારાં ધનભાગ્ય કે તમારી મહેમાનગતિ કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો. આશા છે કે સ્વતંત્ર કાશ્મીર પણ તમારું યજમાન બનવાનું સદ્ભાગ્ય પામશે.

કાશ્મીરના મહારાજા હરિસિંહે લાગ જોઈને પોતે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાને બદલે સ્વતંત્ર રહેવા માગે છે એ ઇચ્છા પ્રદર્શિત કરી દીધી.

મહારાજા તરીકે તમે આઝાદ રહેવા માગો છો એ હું સમજી શકું છું પણ એ તમારા માટે કદાચ સંભવ નહીં બને.

શા માટે નહીં? મારી પ્રજા હિન્દુ કે મુસ્લિમ નહીં, કાશ્મીરી છે. જો બ્રિટનની નામદાર સરકારના આશીર્વાદ હશે તો અમારું ભાવિ અમે નક્કી કરી શકીશું. મહારાજ હરિસિંહ આઝાદી ગુમાવવાના નામથી જ વિહ્વળ થઈ ગયા.

બ્રિટિશ સરકારની નીતિ અનુસાર તેઓ કોઈ પણ રજવાડાને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા નહીં આપી શકે. અમે બ્રિટિશરો તો બે મહિનામાં ચાલ્યા જઈશું. ત્યાર પછી તમારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન સાથે જ નવી ગોઠવણ કરવી પડશે. ૧૫ ઑગસ્ટ પહેલાં જ તમે આ બન્ને દેશમાંથી કોની સાથે જોડાવું એનો નિર્ણય લઈ લો એ તમારા હિતમાં છે. જે દેશ સાથે તમે જોડાશો એ કાશ્મીરની સુરક્ષાની જવાબદારી નિભાવશે.

મને ન મિ. ઝીણામાં ભરોસો છે ન મિ. નેહરુમાં. ઝીણા ઝનૂની છે અને નેહરુને રાજાઓ નાપસંદ છે.

તમારે પ્રજાની પસંદગી-નાપસંદગીનો વિચાર પણ કરવો પડશેને મહારાજાસાહિબ! જો તમે બહુમતીનો વિચાર કરો તો તમારે પાકિસ્તાનમાં જોડાવું પડશે. જોકે મિ. નેહરુ અને મિ. પટેલ વતી હું તમને એટલી ખાતરી આપી શકું કે તેઓ તમારા નિર્ણયનો આદર કરશે.

હિન્દુસ્તાનના આખરી વાઇસરૉયની વાત સાંભળીને મહારાજા હરિસિંહને સ્વતંત્ર કાશ્મીરનું સપનું જાણે નજર સામે જ વિલીન થતું હોય એવો અહેસાસ ઘડીભર માટે થયો. પરંતુ હજી તેમની ઉમ્મીદ મરી પરવારી નહોતી.

હું તમારા સૂચન પર વિચાર કરીશ અને મારા દીવાનનો અભિપ્રાય પણ લઈશ. આપણે ત્રણેય આવતી કાલે તમારા જતાં પહેલાં આ વિશે વિગતવાર વાતચીત કરી લઈશું.

બગીચામાં આંટો મારી લીધા પછી મહારાજા હરિસિંહ પોતાના માનવંતા મહેમાન સાથે મહેલમાં પ્રવેશ્યા.

બીજા દિવસની મીટિંગમાં મહારાજાને ભારતમાં જોડાવા વિશે સમજાવવાનો પ્રયાસ કરવાનો માઉન્ટબૅટનનો દાવ અધૂરો રહી ગયો. મહારાજાએ આવી કોઈ મીટિંગ યોજી નહીં. હિન્દુસ્તાનમાં કે પાકિસ્તાનમાં જોડાવું અથવા સ્વતંત્ર રહેવું ત્રણેયમાંથી કોઈ પણ નિર્ણય પર ન પહોંચી શકેલા મહારાજા હરિસિંહને ત્રિશંકુ જેવી સ્થિતિમાં મૂકીને માઉન્ટબૅટન દિલ્હી રવાના થઈ ગયા.

€ € €

થૅન્ક યુ સો મચ ફૉર ટેકિંગ ટાઇમ આઉટ ટુ લંચ વિથ અસ, સર (અમારી સાથે ભોજન માટે સમય ફાળવવા માટે અમે તમારા આભારી છીએ).

વાઇસરૉય હાઉસ ખાતે આવેલા પોતાના માનવંતા મહેમાનને આવકારતાં લૉર્ડ માઉન્ટબૅટને બ્રિટિશ શિષ્ટાચાર મુજબના શબ્દો કહ્યા.

સર, વાઇન લેવાનું પસંદ કરશો?

વાઇસરૉયના સ્ટાફના વડા લૉર્ડ ઇસમેએ મહેમાન રાજવી ખુરશી પર બિરાજ્યા કે તરત જ મહેમાનગતિ કરતાં પૂછ્યું.

વાઇસરૉયના મહેમાનના મોં પર સ્મિત આવી ગયું અને તેમણે ડોકું ધુણાવ્યું. જુલાઈ મહિનાની દિલ્હીની ત્રાહિમામ પોકારાવી દે એવી ગરમીમાં વાઇન શબ્દ જ ઠંડક આપનારો અને આહ્લાદક લાગ્યો. જે કાર્ય તેમને સોંપવામાં આવ્યું હતું એ એટલું મુશ્કેલ અને મહાકાય હતું કે એ તનાવે તેમને થકવી દીધા હતા. આવા સમયે વાઇનની ઑફર તેમને વરદાન જેવી લાગી, જેને નકારવાનો પ્રશ્ન જ ઊભો થતો નહોતો.

વાઇનની ચુસકીઓ લેતાં-લેતાં માઉન્ટબૅટન અને તેમના આ મહેમાન જમ્યા. જમતી વખતે ક્રિકેટથી માંડીને બ્રિટનના રાજવીઓ તેમ જ હિન્દુસ્તાનની રાજકીય પરિસ્થિતિની વાતો ચાલતી રહી. ભોજન પતી ગયા બાદ બન્ને જણ વાઇસરૉય હાઉસના વિશાળ સોફા પર ગોઠવાયા. થોડી જ વારમાં સફેદ અને લાલ પોશાકમાં સજ્જ ભારતીય ચાકર સોનાની કિનારવાળી પ્લેટમાં સિગારનું બૉક્સ લઈને હાજર થયો. માઉન્ટબૅટને એક સિગાર મહેમાનને આપી અને બીજી પોતાના બે હોઠ વચ્ચે દબાવી. તરત જ ચાકરે સિગારેટ લાઇટર વડે પહેલાં મહેમાનની અને પછી માઉન્ટબૅટનની સિગાર સળગાવી આપી. ચાકર રવાના થયો એટલે માઉન્ટબૅટને એક કશ લઈને ધુમાડાનો ગોટો હવામાં છોડ્યો. સોફામાં સહેજ ટટ્ટાર થઈને બેઠા પછી તેમણે પૂછ્યું, તમે ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. એક જ રાષ્ટ્રને બે દેશમાં વહેંચવા માટેની સરહદોની રેખા ખેંચવી એ કંઈ નાનીસૂની વાત નથી. એ પણ આટલા ટૂંકા સમયમાં.

માઉન્ટબૅટને તેમને બિરદાવતાં કહ્યું.

થૅન્ક યુ મિ. વાઇસરૉય, પરંતુ મારું કામ હજી પૂરું નથી થયું. કેટલાક નિર્ણયો લેવાના બાકી છે. રૅડક્લિફે જવાબ આપ્યો.

ગુરદાસપુર... જે કારણસર તેમણે આ ભોજન ગોઠવ્યું હતું એના પર માઉન્ટબૅટન ધીમેકથી આવ્યા.

હિમાલયની તળેટીમાં આવેલું, રાવી અને બિયાસ નદીની વચ્ચોવચ વસેલું ગુરુદાસપુર આમ તો પૂર્વ પંજાબમાં આવેલો એક સામાન્ય જિલ્લો હતો, પરંતુ હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે મુલ્કમાં વહેંચાઈ રહેલા આ રાષ્ટ્રમાં હવે એનું સ્થાન બહુ પેચીદું બની ગયું હતું, કારણ કે એ પૂર્વ પંજાબમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની બરાબર નીચે હતું. ગુરુદાસપુર જો ભારતના હિસ્સામાં આવે તો દરેક મોસમમાં જમ્મુ અને કાશ્મીર સાથે હિન્દુસ્તાન જોડાયેલું રહી શકે. પરંતુ જો એ પાકિસ્તાનમાં જાય તો એ હિન્દુસ્તાનને જમ્મુ અને કાશ્મીરથી વિખૂટું પાડી દે. આ સંજોગોમાં કાશ્મીરના મહારાજા પર પાકિસ્તાન દબાણ કરીને તેમને પોતાની સાથે જોડાઈ જવાની ફરજ પાડી શકે. આમ પણ પાકિસ્તાનમાંનો ક કાશ્મીરનો જ તો હતો! પ પંજાબનો પ, અ અફઘાનનો અ, ક કાશ્મીરનો ક, સ સિંધનો સ અને સ્તા બલુચિસ્તાન માટે હતો. આ બધાને જોડીને પાકિસ્તાન નામકરણ થયું હતું.

માઉન્ટબૅટનને આનો જ ડર હતો. તેમના પરમ મિત્ર જવાહરલાલ નેહરુના પૂર્વજોની ભૂમિ કાશ્મીર માટેના તેમના તીવ્ર અનુરાગથી માઉન્ટબૅટન અજાણ નહોતા જ. હિન્દુસ્તાનને કાશ્મીર મળવાની સંભાવના રહે એવું તે ઇચ્છતા હતા, પણ વાઇસરૉય હોવાને કારણે તેઓ સર સિરિલ રૅડક્લિફ પર સીધું દબાણ કરી શકે એમ નહોતા. એટલે જ લૉર્ડ ઇસમેને તેમણે ખાસ આજે આ લંચ ગોઠવવાનું સૂચન કર્યું હતું.

ગુરદાસપુરમાં મુસ્લિમોની બહુમતી છે એટલે મારા પ્રમાણે તો એ પાકિસ્તાનમાં જ જવું જોઈએ પણ એ નિર્ણય એટલો આસાન પણ નથી. રૅડક્લિફ વધુ આરામથી સોફાના બૅકરેસ્ટને અઢેલીને બેઠાં. વાઇન અને ભરપેટ ભોજનને કારણે થોડીક સુસ્તી આવી ગઈ હતી.

હું જાણું છું કે ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે, પણ એ સિવાયની પરિસ્થિતિઓ પણ તમે લક્ષ્યમાં લેતા જ હશો. રૅડક્લિફ પાસે જે કરાવવા માગતા હતા એ માટેનાં પાસાં ફેંકતાં માઉન્ટબૅટને સલૂકાઈથી કહ્યું.

કેવી પરિસ્થિતિ? રૅડક્લિફે ગરદન સહેજ નીચી કરી નબળી આંખ પરના ગોળ કાચવાળાં ચશ્માંને સરખા કરતાં પૂછ્યું.

ગુરદાસપુરમાં સિખોની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે. સિખ લોકોના ભાગે બહુ સહન કરવાનું આવશે, કારણ કે તેઓ હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વહેંચાઈ જવાના છે. લાહોર તો પાકિસ્તાનને આપી જ દેવાયું છે.

હા, પણ અમૃતસર હિન્દુસ્તાન પાસે જ છે.

જો ગુરદાસપુર પાકિસ્તાન પાસે જશે તો અમૃતસર ત્રણ બાજુએથી પાકિસ્તાનથી ઘેરાઈ જશે અને તો પછી એ હંમેશ માટે એક એવો ટાપુ બની જશે જેના પર ક્યારેય પણ ત્રાટકી શકાય. માઉન્ટબૅટને તર્ક આપતાં કહ્યું.

મને તમારી કાળજી સમજાય છે. આજે સાંજે જ્યારે હું ફરી વાર નકશો લઈને બેસીશ ત્યારે તમારી વાત ધ્યાનમાં લઈને નિર્ણય કરીશ.

એ રાત્રે જ્યારે રૅડક્લિફે સિખ વસ્તીને લક્ષ્યમાં લઈને ગુરદાસપુરને ભારતની સરહદની આ પાર રાખ્યું ત્યારે તેમને કદાચ ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે માઉન્ટબૅટને કેવી કાબેલિયતથી તેમની વિચારસરણીને પ્રભાવિત કરી હતી.

€ € €

ચલચિત્રમાં પડદા પર ચિત્રો બદલાય એનાથી પણ વધુ ઝડપથી પરિસ્થિતિ પલટાઈ રહી હતી. હિન્દુસ્તાનના ઘણા રાજવીઓની જેમ મહારાજા હરિસિંહ પણ અસમંજસમાં હતા. સરદારના કાને જ્યારે આ વાત આવી ત્યારે તેમણે મહારાજાને એક પત્ર લખ્યો.

માય ડિયર મહારાજાસાહેબ,

મને દિલગીરી છે કે તમારા મનમાં કૉન્ગ્રેસ વિશે બહુબધી ગેરસમજ છે. હું તમને ખાતરી આપવા માગું છું કે અમને રજવાડાંઓ સાથે કોઈ ઝઘડો નથી. પંડિત જવાહરલાલ નેહરુ પોતે કાશ્મીરના છે... તે ક્યારેય તમારા શત્રુ હોઈ ન શકે. તમારું રાજ્ય જે મુશ્કેલ અને નાજુક સ્થિતિમાં મુકાયું છે એ હું સમજી શકું છું, પણ એક સાચા મિત્ર તરીકે અને કાશ્મીરના હિતચિંતક તરીકે હું નિ:શંકપણે કહીશ કે કાશ્મીરનું હિત તાત્કાલિક ભારતીય ગણરાજ્ય સાથે અને બંધારણ સભામાં જોડાવામાં છે. હિન્દુસ્તાન તમારી પાસેથી ફક્ત એટલું જ ઇચ્છે છે કે તમે આ નિર્ણય જલદીથી લઈ લો. એંસી ટકા ભારત સરહદની આ તરફ છે.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 41

તમારો વિશ્વાસુ
વલ્લભભાઈ પટેલ.

મહારાજાએ આ પત્રનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. ૧૫મી ઑગસ્ટ હિન્દુસ્તાન માટે આઝાદી લઈને આવી પહોંચી. આ તબક્કે એક એવી વિશિષ્ટ ઘટના બની કે સરદારનો જમ્મુ અને કાશ્મીર તરફનો અભિગમ સદંતર બદલાઈ ગયો. (ક્રમશ:)

columnists weekend guide