અરીસાના ઓરડામાં પણ માણસ કાચ સાથે અથડાઈ જાય છે

15 April, 2019 04:34 PM IST  |  | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

અરીસાના ઓરડામાં પણ માણસ કાચ સાથે અથડાઈ જાય છે

આપણે સૌ જાણીએ છીએ કે જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. આથી જ ઘણી વાર બીજી રીતે કહેવામાં આવે છે કે જીવનમાં જો કંઈ નિશ્ચિત હોય તો એ અ નિશ્ચિત જ છે. ઘણી વખત બધું સ્પષ્ટ લાગતું હોવા છતાં ઘટના ધારવા કરતાં વિપરીત બનતી હોય છે. ચોમાસામાં ઘણા લોકોને છત્રી સાથે રાખવાનું ગમતું નથી. આથી તેઓ આકાશ ભણી નજર કરીને વાદળાંના આધારે વરસાદનો વરતારો કરવા લાગે છે, પરંતુ એ વરતારો કામે આવતો નથી. વાદળાં ભેગાં થતાં અને વરસાદ પડતાં વાર લાગતી નથી. અમુક પરીક્ષાઓમાં કે ઇન્ટરવ્યુમાં ઉમેદવારને એમ જ લાગતું હોય છે કે પોતાનો નંબર લાગી જશે, પરંતુ પરિણામ અપેક્ષા કરતાં ઊંધું આવતું હોય છે.

આપણી બધી ધારણાઓ આપણા પોતાના આકલન પર આધારિત હોય છે. દરેકને એમ જ લાગતું હોય છે કે પોતે ખોટો ઠરી શકે નહીં. આપણે ફક્ત પોતાનું નહીં, બીજાઓ માટે પણ આકલન કરતા હોઈએ છીએ. આપણે પોતાની જાતને સર્વોપરી માનીએ છીએ અને એવી દૃઢ માન્યતા ધરાવીએ છીએ કે આપણું જજમેન્ટ ખોટું પડી શકે નહીં.

બધા સાચા જ હોય તો પછી ખોટું કોણ? આપણે કલ્પનાસૃષ્ટિમાં મહાલતા હોઈએ છીએ. આથી જ્યારે આપણે ખોટા ઠરીએ અથવા કોઈ ભૂલ કરીએ ત્યારે તેની જવાબદારી સ્વીકારવા તૈયાર થતા નથી અને દોષનો ટોપલો બીજાઓ પર ઢોળી દઈએ છીએ.

સંજોગો, લોકો, નિયમો અને ધોરણો પણ સમય જતાં બદલાઈ જતાં હોય છે. આપણે પરિવર્તનોની ધારણાના આધારે પોતાના નિર્ણયો લીધા હોઈ શકે છે, પરંતુ એ પરિવર્તનો કદાચ આવે પણ નહીં. દા. ત. ઘણા વિદ્યાર્થીઓ બારમા ધોરણના માર્ક્સને દસમાના માર્ક્સ જેટલું મહત્વ આપતા નથી. તેનું કારણ એ છે કે બારમાના માર્ક્સને બદલે અલગ અલગ પ્રોફેશનલ વિષયોના અભ્યાસ માટે એન્ટ્રન્સ પરીક્ષાના માર્ક્સના આધારે પ્રવેશ આપવામાં આવે છે. જો બારમાની પરીક્ષા પૂરી થયા બાદ નિયમોમાં ફેરફાર આવી જાય અને બારમાના માર્ક્સના આધારે પ્રવેશ આપવાનું શરૂ થઈ જાય તો? તો પગ નીચેથી જમીન સરકી જાય.

કૅપિટલ માર્કેટમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે ભાવિ ધારણાઓ અને વર્તમાન સ્થિતિ બન્ને અગત્યની હોય છે. માત્ર સંભવિત ભાવિ સ્થિતિના આધારે નિર્ણયો લેવામાં આવે તો ગરબડ થઈ શકે છે. ઘણી વાર અનપેક્ષિત સુધારો થઈ જતો હોય છે અને ઘણી વાર પ્રગતિની ગાડી ઊંધે પાટે ચડી જતી હોય છે. સારામાં સારી શૈક્ષણિક સંસ્થામાંથી નબળા વિદ્યાર્થીઓ બહાર પડે અને સાવ સામાન્ય સંસ્થામાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાસ થાય એવું પણ બનતું આપણે જોયું છે.

ઉચ્ચ શિક્ષણ પામેલા સંચાલકો પણ કંપનીને બરોબર ચલાવી શક્યા ન હોય, જ્યારે સાવ નવો નિશાળિયો કંપનીને પ્રગતિના પથ પર લઈ જવામાં સફળ નીવડ્યો હોય એવા પણ દાખલા છે. ખેલકૂદમાં પણ અચ્છા-અચ્છા ખેલાડીઓ નબળો દેખાવ કરે છે. કહેવત પણ છે કે સારો તરવૈયો પણ ડૂબી જતો હોય છે.

રોકાણ કરતી વર્તમાન સ્થિતિ ભલે સારી લાગતી હોય, ભવિષ્યમાં શું થશે તેની કોઈને ખબર હોતી નથી. આઇએલઍન્ડએફએસની કટોકટી, સરકારી બૅન્કોનો નૉન-પરફોર્મિંગ ઍસેટ્સનો મુદ્દો, ડીએચએફએલના શંકાસ્પદ આંતરિક વ્યવહારો, જેટ ઍરવેઝની નાણાભીડ, એસ્સાર સ્ટીલનો ધબડકો વગેરે તેનાં ઉદાહરણ છે.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 1

દરેક સંજોગ પર સતત નજર રાખવી પડતી હોય છે. બધું પારદર્શક અને સ્પષ્ટ દેખાતું હોય એવા અરીસાઓથી ભરેલા ઓરડામાં માણસ કાચ સાથે અથડાઈ જતો હોય તો પછી બીજી કોઈ સ્થિતિની વાત જ ક્યાં કરવી!

(લેખક CA, CFP અને FRM છે)

columnists