ઈશ્વરોલૉજી - પ્રકરણ - 1

નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક | Apr 14, 2019, 15:46 IST

ચિંતાને પહેલી જ વાર સ્વર્ગમાં એન્ટ્રી મળી હોય પછી એ કસર છોડે?

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 1
ઈશ્વરોલૉજી

આ ચિંતા સ્વર્ગમાં ચારેકોર પોતાનું સામ્રાજ્ય ફેલાવી શકી હતી, ધરતી ઉપરથી આવેલા એક તુચ્છ મનુષ્યના કારણે... અને થોડી જ વારમાં તો એની અસર છેક વિષ્ણુલોક સુધી પહોંચી હતી. ત્યાંના દ્વારપાળો જય અને વિજયથી લઈને અંદર રહેલા શેષનાગ સુધી સૌના મનમાં એક જ પ્રશ્ન ઘૂઘવતો હતો,

હવે ભગવાન શું કરશે? અને જો પેલા માણસની આપેલી ચૅલેન્જ ભગવાન સ્વીકારી લેશે તો?

ચિંતા હંમેશાં નાની વસ્તુનો મોટો પડછાયો બતાવવામાં કામયાબ નીવડતી હોય છે. સામાન્ય માણસને ચિંતા થાય તો એ જુદા-જુદા ભગવાનોને યાદ કરે...

પણ અહીં તો આ જ જુદા-જુદા ભગવાનોને ચિંતા થઈ છે કે હવે ભગવાન વિષ્ણુ શું કરશે?

અને આ બધાથી દૂર યમલોકના સ્પેશ્યલ ક્વૉટર્સમાં મલમલના ગાદલામાં ફેલાઈને નસકોરાં બોલાવતા સંજય સંતુરામ જોષીને ખ્યાલ સુધ્ધાં નહોતો કે પોતે એવું તે શું કહ્યું છે કે બ્રહ્મલોકથી વિષ્ણુલોક સુધી સઘળા ટેન્શનમાં આવી ગયા છે.

કોઈ અવળી પરિસ્થિતિમાં પણ માણસ બેફિકરીથી ઘસઘસાટ સૂઈ શકતો હોય તો ક્યાંક એ સાચો હોવો જોઈએ, કયાંક ગાંડો!

અઠ્યાવીસેઅઠ્યાવીસ નરકના વૈદ્યો એટલે કે દ્વારપાળોમાં એક જ ચર્ચા ચાલતી હતી કે યમદેવના બન્ને કૂતરા કબૂર્રવ અને શ્યામ ગઈ કાલ રાતથી જોર જોરથી રડી રહ્યા છે... નક્કી કશુંક ખોટું થવા જઈ રહ્યું છે.

આમ તો કહેવાય છે કે જેમાં કુંઠા એટલે રોકટોક ન હોય તેનું નામ વૈકુંઠ. જ્યાં કોઈ બંધન ન રહે એ વૈકુંઠ... જ્યાં અમથેઅમથો પણ આનંદ અનુભવાય, ઉત્સાહ અને ઉમંગ આવનારના રોમેરોમમાં રેડાય અને જ્યાં ઉત્સવોની રોજેરોજ હાજરી ભરાય એ વૈકુંઠ... પણ આજે પૃથ્વી પરથી આવેલા એક મનુષ્યના શબ્દોએ એવી અસર કરી કે વૈકુંઠમાં વ્યગ્રતા સિવાય બીજું કશું નથી અનુભવાતું.

સામાન્ય રીતે ગ્રહો માણસને નડે, આજે એક માણસ ગ્રહોની સાથોસાથ ત્રણે લોકને નડી રહ્યો હતો. ગ્રહોની અસર ઓછી કરવા માટે જુદાં-જુદાં રત્નો અને વિધિઓ માણસે શોધી રાખી હતી પણ માણસ નડે તો કઈ વિધિ કરવી એનો ખ્યાલ સુધ્ધાં કોઈ ગ્રહને આવ્યો નહોતો.

આ તરફ એ માણસ જ્યાં સૂતો હતો ત્યાં તેની સેવામાં બેઠેલો યુવાન યમદૂત આસ્તેય અંદરથી દુખી-દુખી થઈ ગયો હતો. સૃષ્ટિની શરૂઆતથી લઈને આજ સુધીના ઇતિહાસમાં એવી એક પણ ઘટના નથી બની જેમાં કોઈ માણસને તેના મૃત્યુના સમય પહેલાં જ યમલોકમાં લાવી દેવાયો હોય.

તેને યાદ આવ્યું કે સદીઓ પહેલાં એક નચિકેતા નામનો નાનકડો છોકરો તેના પિતાના શ્રાપને કારણે સદેહે યમપુરી સુધી પહોંચી ગયેલો. ત્રણ દિવસ સુધી બહાર ઊભો રહેલો અને પછી યમદેવે તેને પાછા જવાની વિનંતી કરી. પાછો જવા કંઈકેટલીય લાલચો આપી, પણ એ નાનકડા ચતુર છોકરાએ તો યમવિદ્યા શીખવાની જીદ કરી અને આખરે તે જાણીને ગયો હતો, પરંતુ એ વખતે પણ તેને યમલોકમાં સદેહે તો અંદર નહોતો જ આવવા દીધો.

અહીં તો મેં કેટલી મોટી ભૂલ કરી નાખી. કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર એક માણસને તેના મૃત્યુના સમય કરતાં વહેલો અહીં લઈ આવ્યો. લઈ આવ્યો તો લઈ આવ્યો, પણ પછી છેક શ્રીહરિ સુધી તે માણસ પહોંચી ગયો અને હું કશું જ ન કરી શક્યો. આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક તો મારો જ વાંક છેને!!

અને એ માણસને બોલવાનું તો ભાન છે જ નહીં. ભૂલ મારી છે એટલે મને ગમે તેમ બોલે એ માની શકાય. અરે, યમદેવને પણ કદાચ અકળાઈને કશું કહી દે તોય ઠીક, પણ આ માણસ ભગવાનની સામે આવડી મોટી વાત કરી નાખે અને મારાથી કશું જ ન થાય!!!

સામે ભગવાનની કૃપા અને દયા તો જુઓ, આવતી કાલે તેની ચૅલેન્જનો જવાબ આપે નહીં ત્યાં સુધી તેની રહેવાની ઉત્તમ વ્યવસ્થા ભગવાને જ કરવાનો આદેશ આપ્યો અને આ જબરા માણસને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું ધ્યાન રાખવાનું પણ પાછું મારે માથે જ સોંપ્યું.

આમ વિચારતાં-વિચારતા- આસ્તેયે નાનકડી બારીમાંથી અંદર એ માણસ શું કરે છે એ જોવા ડોકિયું કર્યું. અંદર જોયું તો તે ઘસઘસાટ ઊંઘતો હતો.

તેને જોઈ આસ્તેયના મનમાં પ્રશ્ન થયો કે ઈશ્વરનું અપમાન કરીને કોઈ સૂઈ કેમ શકે?

અને પછી મનમાં થયું કે આખરે તો માણસ છેને... તે કંઈ પણ કરી શકે. વચન, વાણી અને વર્તનથી પોતાના જન્મદાતાને ગમે તેમ બોલવાનું તો તેના લોહીમાં છે. તેને કોઈ ફરક ન પડે કે હેરાન મા-બાપ થાય છે કે હરિ.

આ તરફ લક્ષ્મીજીને નિશ્ચિંત જોઈ તેમની સખી સમ્યા ચિંતા કરે છે કે આમ કોઈ પણ આવીને ઈશ્વરને કોઈ પણ પ્રકારની ચૅલેન્જ આપે અને ઈશ્વર બધાં કામ પડતાં મૂકી તેની ચૅલેન્જ સ્વીકારે તો ઈશ્વરનું મહત્વ કેટલું રહેશે? આમ તો કાલ ઊઠીને કોઈ પણ માણસ આવીને ભગવાનને કોઈ પણ પ્રકારની ચૅલેન્જ આપવાની શરૂઆત કરશે તો શું તમે અને શ્રીહરિ લોકોની ચૅલેન્જ જ પૂરી કરતા રહેશો?

મા હિરણ્યમયીએ હસીને કહ્યું કે પડકારની પરિભાષા આહ્વાન હોય, પણ એ ઉશ્કેરણી બનીને આવે ત્યારે વિવેકની વાણીએ વાત કરાય... શ્રીહરિ જેકંઈ કરશે કે કહેશે એમાં વેદોનો વિવેક હશે.

આજે તમે ચિંતા કરો છો, પણ સહેજય વિચારો તો ખરા કે જો શ્રીહરિની પોતાની સંમતિ ન હોય તો એક ધરતી પરનો માણસ આમ સદેહે યમલોક અને ત્યાંથી છેક વિષ્ણુલોક સુધી પહોંચી શકે ખરો?

જે મનુષ્યજાત અમારી મનોહર મૂર્તિ જોઈને મોહમાં સરી પડે છે, ઘણી વાર અમારી મૂર્તિની સામે અરજ કરવા ઘણુંબધું નક્કી કરીને ઘરેથી મંદિર સુધી આવે છે અને અમારી મૂર્તિ માત્રને જોતાં સઘળું ભૂલી જાય છે તે માણસ સ્વયં જનાદર્ને અને મારી સામે ઉપસ્થિત હોવા છતાં આટલો અચળ રહીને વાત કેવી રીતે કરી શકે?

જે ઈશ્વરના ગુણ ગાવામાં સરસ્વતીને શબ્દો ખૂટતા હોય તેની સામે અસ્ખલિત રીતે બોલી શકવાની તાકત એ સામાન્ય માણસમાં કઈ રીતે આવી શકે? એનો મતલબ કે એ માણસ અહીં ભૂલથી નથી આવી ગયો. નક્કી ભગવાન પોતાની કોઈ નવી લીલા કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ બોલતાં જ એક પ્રસંગ યાદ આવતાં લક્ષ્મીજીનું મોં મલકાઈ ગયું. ઉત્સાહથી તેમણે સખીઓને કહ્યું કે હમણાં થોડા દિવસ પહેલાં જ ઈશ્વરે મને સહજ ભાવે પૂછ્યું હતું કે દેવી ગરુડ ઉપર મારી પાછળ બહુ બેઠા, સ્કૂટર ઉપર પાછળ બેસીને ફરવાનો અનુભવ લીધો છે કદી?

અને મેં બહુ જ સહજતાથી જવાબ આપ્યો હતો કે વિષ્ણુ સ્કૂટર ચલાવે તો લક્ષ્મી તેમની પાછળ બેસેને! એ દિવસે અમે બન્ને ખૂબ હસ્યા હતા. હવે મને કશુંક સમજાઈ રહ્યું છે.

અને આમ બોલીને મા લક્ષ્મી તો હરખાઈ ગયાં, પણ સખીને ઝાઝી સમજણ ન પડી.

આ તરફ ત્રણેય લોકના દેવોની પણ આ જ હાલત હતી.

પુણ્ય કરીને સ્વર્ગમાં આવેલા જીવો, તેમની સેવા કરતી અપ્સરાઓ અને તામિસ્ત્રથી લઈને સૂચિમુખ સુધીના ઘોર, સુઘોર અને મહાઘોર નર્કમાં પણ પાપીઓને ડંડા મારતા કે પછી લાલચોળ સોયા ઘુસાડતા યમદૂતોમાં અંદર-અંદર એકબીજાને એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો હતો,

હવે ભગવાન શું કરશે? શું ખરેખર એ માણસની ચૅલેન્જ ઈશ્વર સ્વીકારશે?

(વધુ આવતા અંકે...)

હવે ભગવાન શું કરશે? અને જો પેલા માણસની આપેલી ચૅલેન્જ ભગવાન સ્વીકારી લેશે તો?

ચિંતા હંમેશાં નાની વસ્તુનો મોટો પડછાયો બતાવવામાં કામયાબ નીવડતી હોય છે. સામાન્ય માણસને ચિંતા થાય તો એ જુદા-જુદા ભગવાનોને યાદ કરે... પણ અહીં તો આ જ જુદા-જુદા ભગવાનોને ચિંતા થઈ છે કે હવે ભગવાન વિષ્ણુ શું કરશે?

જે ઈશ્વરના ગુણ ગાવામાં સરસ્વતીને શબ્દો ખૂટતા હોય તેની સામે અસ્ખલિત રીતે બોલી શકવાની તાકત એ સામાન્ય માણસમાં કઈ રીતે આવી શકે? એનો મતલબ કે એ માણસ અહીં ભૂલથી નથી આવી ગયો. નક્કી ભગવાન પોતાની કોઈ નવી લીલા કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ બોલતાં જ એક પ્રસંગ યાદ આવતાં લક્ષ્મીજીનું મોં મલકાઈ ગયું. ઉત્સાહથી તેમણે સખીઓને કહ્યું કે હમણાં થોડા દિવસ પહેલાં જ ઈશ્વરે મને સહજ ભાવે પૂછ્યું હતું કે દેવી ગરુડ ઉપર મારી પાછળ બહુ બેઠા, સ્કૂટર ઉપર પાછળ બેસીને ફરવાનો અનુભવ લીધો છે કદી?

અને મેં બહુ જ સહજતાથી જવાબ આપ્યો હતો કે વિષ્ણુ સ્કૂટર ચલાવે તો લક્ષ્મી તેમની પાછળ બેસેને! એ દિવસે અમે બન્ને ખૂબ હસ્યા હતા. હવે મને કશુંક સમજાઈ રહ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK