ઈશ્વરોલૉજી - પ્રકરણ - 8

02 June, 2019 11:42 AM IST  |  | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 8

ઈશ્વરોલૉજી

‘હવે અહીં જ રહેવું છે કે બહાર પણ નીકળવું છે?’

સુમધુર રણકો બન્નેના કાનમાં સંભળાયો... ભગવાન અને સંજય બન્નેની આંખો દરવાજા તરફ ગઈ તો મા લક્ષ્મી એક સામાન્ય ભારતીય ગૃહિણી સ્વરૂપે ઊભાં હતાં. કોઈ જ આભૂષણ કે શણગાર વગર પણ અમોઘ સુંદરતા તેમની આભામાં અનુભવાતી હતી.

માતાજીને પણ આમ સાથે આવેલાં જોઈ સંજયની ખુશીનો પાર ન રહ્યોં. તેણે બે હાથ જોડી તેમને પ્રણામ કર્યા. આ આખીયે ઘટના હજી પણ કોઈ સ્વપ્ન તરીકે ચાલી રહી હોય એમ તેને લાગ્યું.

માતાજીએ ખૂબ જ પ્રેમાળ રીતે ફરી પૂછ્યું, ‘હવે અહીં જ રહેવું છે કે બહાર પણ નીકળવું છે?’

ઈશ્વરે તરત જ જવાબ આપ્યો કે ‘સંજય ધારે તો હમણાં જ બહાર, પણ તેણે જ કોઈ ચમત્કાર કરવાની ના પાડી છે.

સંજયે બે હાથ જોડીને કહ્યું કે ‘સ્વયં વિષ્ણુ અને લક્ષ્મીજી મારી વાત સાંભળીને મારી સામે સાવ સામાન્ય માણસ બનીને ઊભાં રહ્યાં છે, હવે આનાથી વધારે ચમત્કાર તો કયો હોઈ શકે? અને રહી વાત સાજા થવાની તો તમારી ઉપસ્થિતિ જ કોઈને સારા કરી દેવા માટે પૂરતી છે.

‘તો પછી શું વિચાર્યું જઈશું?’ ભગવાને બન્ને હાથ હૉસ્પિટલના બેડની ધાર ઉપર મૂકતા સહેજ ઝૂકીને પૂછ્યું.

અને ત્યાં જ પાછળથી અવાજ આવ્યો... ‘કોણ... ક્યાં જાય છે?’

હાથમાં ટિફિન અને પાણીનો જગ લઈને અંદર પ્રવેશતી સંજયની પત્નીની નજર કયારેય ન જોયેલાં અજાણ્યા પુરુષ અને સ્ત્રી તરફ હતી. ટિફિન બેડની બાજુના ખાનામાં ગોઠવતાં બન્નેની તરફ એક આર્ટિફિશ્યલ સ્માઇલ આપી તેણે આંખના ઇશારે સંજયને આ બન્ને કોણ છે... અહીં શું કરે છે? અને તમે તેમને ઓળખો છો? એવા અનેક પ્રશ્નો એક પણ શબ્દ બોલ્યા વગર પૂછી નાખ્યા.

સ્વર્ગમાં ભગવાનની સામે બોલતી વખતે એ જેટલો મૂંઝાયો નહોતો એટલો તે અત્યારે પત્નીની સામે બોલતાં મૂંઝાયો. હજી કશું બોલવા જાય એ પહેલાં ભગવાને તેમની સામે હાથ જોડીને પૂછ્યું,

‘કેમ છો ભાભી? મારું નામ ઈશ્વરભાઈ લક્ષ્મીપ્રસાદ ગગનવાસી. હું સંજયભાઈનો દૂરનો ભાઈ છું અને આ મારી પત્ની પદ્મજા ગગનવાસી. આજે જ સંજયભાઈના ભરોસે આ શહેરમાં આવ્યો અને જાણ થઈ કે સંજયભાઈ તો અહીં હૉસ્પિટલમાં છે એટલે સીધાં અહીં જ આવ્યાં.

પત્નીએ ક્યારેય ન જોયેલાં અને ન સાંભળેલાં દૂરનાં સગાંને પરાણે સ્માઇલ આપ્યું, પણ મનમાં બળતરા થઈ કે એક તરફ આ હૉસ્પિટલના ખર્ચા અને ધક્કા... એમાં આ વણજોઈતા મહેમાન. ભગવાન મારી કસોટી કરવા જ બેઠો છે.

તેના મનમાં ચાલતી વાત સાંભળી ગયેલાં લક્ષ્મીજીથી અનાયાસ બોલી ઉઠાયું કે એ તો તેમની ટેવ જ છે.

પત્નીના વિચાર તૂટ્યા. એને થયું કે આ બહેન શું બોલે છે? એટલે તેણે કહ્યું, ‘શેની? શેની ટેવ છે તેમને?’

ઈશ્વરે બાજી સાચવી... ‘કંઈ નહીં ભાભી, આમ અજાણતાં ટપકી પડવાની મારી ટેવ છે. એમ કહે છે તે. હવે તમારી જ વાત કરો ને... આ એક તરફ તમને હૉસ્પિટલની દોડમદોડ અને બીજી બાજુ અમારા જેવા મહેમાન આમ અચાનક જ તમારે ત્યાં ટપકી પડે, આગળથી કોઈ પણ પ્રકારની જાણ વગર તો તમને કેવું લાગે?’

પત્નીએ ખોટેખોટું સ્માઇલ જાળવી રાખતાં કહ્યું, ‘ના... ના. હોતું હશે. મહેમાન તો ભગવાન જ કહેવાય.’

પત્નીનો ગુસ્સો જાણી ગયેલો સંજય બોલ્યો, ‘ભગવાન જ છે, આપણા માટે તે ભગવાન જ છે. આ તને ખબર છે, આ લોકો કોણ છે?’

બેડની બાજુમાં મૂકેલી ખુરશી ઉપર બેસતાં ભગવાને તેનો હાથ ધીમેથી દબાવ્યો, ‘ભાઈ બીજું કોણ? હમણા તો તેં ભાભીને ઓળખાણ આપી કે ભાઈ છે પછી બીજી વખત કેમ પૂછે છે?’ ઈશ્વરનો ઇશારો કશું જ નહીં બોલવાનો હતો.

ઇશારો જાણીને સંજયે મનોમન જ પૂછ્યું કે પણ ભગવાન, આને શું કહીશું? આ મોંઘવારીમાં આવા સમયે બે અતિથિ તેને પોસાસે નહીં.

હજી ભગવાન કશું બોલે એ પહેલાં તો માતાજીએ જાણે કશું યાદ આવ્યું હોય એમ કહ્યું,

‘અને હા... ખાસ તો અમે કેમ આવ્યાં છીએ એ તમને કહેવાનું જ રહી ગયું. આ ભાભી અમે તમારી જ રાહ જોતાં હતાં. આપણે બે પેઢીએ સગાં થઈએ. અમારા ગામમાં અમારી બાપદાદાની જમીન હમણાં જ વેચાઈ. મારા સસરા કહેતા હતા કે એ જમીનમાં તમારો પણ ભાગ ખરો. હવે છો આપણે એકબીજાને મળતા ન હોઈએ, પણ કોઈના હકનું આપણાથી થોડું રાખી મુકાય એટલે આ તમારા ભાગના પાંચ લાખ તમને આપવા આવ્યાં હતાં.

આમ બોલતાંની સાથે જ પોતાની સાથે રહેલી પર્સમાંથી માતાજીએ એક કોથળી વીંટાળેલી નોટોનું બંડલ કાઢ્યું. આમ અચાનક જ પોતાની સામે આટલા બધા રૂપિયા જોઈને તેની પત્ની અવાચક થઈ ગઈ. બે મિનિટ પહેલાં માથે પડેલાં આ અજાણ્યા દૂરનાં સગાં તેને પોતાની અંગત વ્યક્તિઓ કરતાં પણ વધુ પાસે અને વહાલાં લાગ્યાં. તેણે રૂપિયા હાથમાં લઈ માથે મૂકતા કહ્યું કે ‘હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર.’

માતાજીએ તરત જ મનોમન ભગવાનને કહ્યું, ‘લ્યો મદદ હું કરું અને જશ બધો તમને.’ બન્ને જણના ચહેરા પર પેલું અદ્ભુત સ્મિત તરવર્યું.

સંજયને માતાજીએ બાજી સંભાળ્યાનો આનંદ થયો, પણ આ રૂપિયા તેની પત્નીએ લીધા એ બાબતે તેને સંકોચ થયો એટલે તેણે કહ્યું કે ‘ના, આવી કોઈ બાબત મને નથી ખબર કે આવી કોઈ બાપદાદાની અમારી જમીન છે એટલે આ રૂપિયા અમે ન લઈ શકીએ.’

તેની પત્નીને થયું કે આ માણસને મૂંગા રહેતાં કેમ નહીં આવડતું હોય?

ભગવાને તરત જ બે હાથ જોડતાં કહ્યું કે ‘કોને કયારે... કયાં કેટલું આપવું અને કોની પાસેથી ક્યારે કેટલું લેવું એ બધું ભગવાનને ખબર જ હોય છે એટલે તમે ચિંતા ન કરો અને લઈ લો. એનો હિસાબ ભગવાન તેમના ચોપડામાં રાખશે જ.’

સંજય હજી દલીલ કરવા જાય એ પહેલાં માતાજીએ કહ્યું કે ‘તમે ચિંતા ન કરશો. આ તમારું જ છે.

અને તેની પત્ની તરફ ફરીને કહ્યું કે ‘ભાભી અમે નીકળીએ. હજી તો અમારે રહેવાની વ્યવસ્થા જોવાની છે. થોડા વધારે દિવસ આ શહેરમાં રોકાવું છે એટલે હોટેલ કરતાં કોઈ ઘર જ ભાડે શોધી લઈએ.’

પત્નીએ તરત જ કહ્યું કે ‘હોતું હશે? આમ તમારા ભાઈનું ઘર હોય અને તમે ભાડે રહો એ કેમ કરીને ચલાવી લેવાય? ભગવાનની કૃપાએ અમારે ઘરે બે માળ છે અને ઉપરનો માળ તમારા માટે જ છે. ચાલો હું તો કહું છું અત્યારે જ તમારો સામાન લઈ લો.

સંજય મનોમન વિચારવા લાગ્યો કે ‘પૈસો સ્વભાવ બદલાવી શકવાની તાકાત ધરાવે છે, પણ આટલી જલ્દી અને જોરદાર એની અસર થાય છે તેની ખબર નહોતી.

ભગવાને લક્ષ્મીજીની સામે જોઈને કહ્યું કે ‘શું કહો છો પદ્મજા, હવે જઈશું?’

‘હવે પદ્મજાભાભીને શું પૂછો છો? મે એક વાર કહ્યું ને કે તમારે અમારે ત્યાં જ આવવાનું છે અને ન આવો તો તમને મારા લાલજીના સમ.’ સંજયની પત્નીએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો.

ભગવાનની સામું જોઈને સંજયે પૂછ્યું, ‘શું કહો છો, સમમાં માનો છો?’

ભગવાને કહ્યું કે ‘આમ તો માણસને સૌથી વહાલી વ્યક્તિના સમ આપીને કામ કરાવવાનું સદીઓથી ચાલતું આવ્યું છે. સમ શબ્દ સાંભળતાં એ કામ માણસ કરે જ છે, કારણ કે તેનું મૂળ કારણ માણસની અંદર રહેલો તે વ્યક્તિ માટેનો પ્રેમ હોય છે. સમ પાળે નહીં તો જે તે વ્યક્તિને નુકસાન થશે એમ માનીને લોકો એને અનુસરે છે એટલે મારા મતે તો સમ એ બીકનો વિષય નથી, પણ કોઈ ઉપર મૂકેલ ગજબનો વિશ્વાસ અને પ્રેમ છે. તમારી પત્નીનો લાલજી ઉપરનો પ્રેમ એટલો છે કે હવે લાલજીને કારણે મારે તેમના સમ પાળવા પડશે.’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 7

લક્ષ્મીજીએ પણ હામાં હા ભેળવી. પત્નીએ ટિફિન કાઢીને પાંચ લાખ ભરેલી કોથળી એમાં સરકાવતાં ઉત્સાહથી કહ્યું, ‘ચલો ત્યારે...’

સંજય હજુ કશું બોલવા જાય ત્યાં તો ત્રણેય જણ રૂમની બહાર નીકળ્યાં.

બહાર નીકળતાં સહેજ પાછું જોઈને ભગવાને સંજયને આંખ મારી.

સંજયને બરોબર ખ્યાલ આવી ગયો કે ભગવાને તેમની લીલા અહીં પણ ચાલુ કરી દીધી... અને ત્યાં જ દરવાજેથી ડૉ. વાસુદેવ હાંફળાફાંફળા અંદર આવ્યા. તેમના હાથમાં કોઈ કાગળ હતા.

કાગળને સામે ધરતાં તેમણે કહ્યું, ‘તમે કયા પ્રકારના માણસ છો? આ શું?’ (વધુ આવતા અંકે...)

columnists weekend guide