Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 7

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 7

26 May, 2019 12:41 PM IST |
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 7

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


નવલકથા

ગતાંક-



સંજય નામની વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારી ભગવાન પૃથ્વી ઉપર એક સામાન્ય માણસ બનીને આવે છે. સંજયને જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો ત્યાં રહેલી એક ભોળી નર્સની સાથે ઈશ્વરનો સંવાદ થાય છે. નર્સ ઈશ્વર ઉપર નિર્દોષ આક્ષેપ કરે છે કે ભગવાન ફક્ત મોટા માણસોનું જ સાંભળે છે, અને ગરીબ કે પછી નાના માણસોનું નહીં... વાત વાતમાં ભગવાન સંજયને ઈશ્વરના અસ્તિવને સ્વીકારવાની વાત કરે છે.


સંજયને ઝાઝી સમજણ નથી પડતી, પણ તેને એ વાતનો આનંદ છે કે ઈશ્વર એની વાત સાંભળીને પૃથ્વી ઉપર આવ્યા છે... આ દરમ્યાન ભગવાન બારીની બહાર જુએ છે અને સંજયને નીચે ઘટેલી ઘટના યાદ આવે છે...

હવે આગળ


ઈશ્વરને બારીની બહાર જોતા જોઈને સંજયને યાદ આવે છે કે નીચે કોઈ નિર્દોષને માર પડી રહ્યો છે.

તરત જ ઈશ્વરને કહે છે કે આ જુઓ, હમણાંનો તાજો દાખલો... આમ તો મેં નાનપણથી એમ જ સાંભળ્યું છે કે ઈશ્વર ન્યાયપ્રિય છે અને એ હંમેશાં ન્યાય જ કરે... તો આ હમણાં થયું એ શું? આ જુઓ તો ખરા પેલા માળીને વગરવાંકે કેટલો માર પડ્યો? અને જેણે ખરેખર પૈસા લીધા છે એ તો એય મજાના વાપરતો હશે...

હવે બોલોને આમાં અમારે શું સમજવાનું?

નીચે જોઈ રહેલા ઈશ્વરના મુખ ઉપર એ જ સ્મિત અકબંધ હતું.

સંજયે તેમનું ધ્યાન પોતાની તરફ ફેરવવા ફરી સહેજ મોટેથી કહ્યું, ‘ઓ બૉસ... આ રહી ઘટના મારી નજરની સામે જ... એકદમ તાજી અહીંથી જ સમજાવવાનું ચાલુ કરો.’

બારીમાંથી ધ્યાન હટાવી ખાટલાની બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસી ઈશ્વરે તેને પૂછ્યું, ‘તેં સૌથી પહેલાં શું જોયું?’

સંજયે એકીશ્વાસે કહેવાનું ચાલું કર્યું, ‘આ પાછળના બગીચાની બાજુમાં આવેલા પાર્કિંગમાં એક ગાડી આવીને ઊભી રહી... એમાંથી એક ડૉક્ટર નીકળ્યા, તેમનું નામ તો હું નથી જાણતો, પણ તે ઉતાવળમાં હોય તેમ લાગ્યું. અંદર જતી વખતે તેમના ખિસ્સામાં રહેલું પાકીટ પડી ગયું, જે કોઈ સાવ સામાન્ય માણસના હાથમાં આવી ગયું. તેણે એમાંથી પૈસા કાઢી એને બગીચામાં ફેંક્યું અને આ ડૉક્ટર અને તેના માણસોએ પેલા માળીને ચોર માની ઢીબી નાખ્યો.’

તેને એકીશ્વાસે બોલતો સાંભળી બાજુમાં રહેલી બૉટલમાંથી પાણી કાઢી ભગવાને ગ્લાસ સંજયની સામે ધર્યો... આટલી બધી કાળજી લેનાર ઈશ્વર કોઈ નિર્દોષ માણસ સાથે આવું કઈ રીતે કરી શકે! એમ વિચારતાં વિચારતાં તેણે ગ્લાસ હાથમાં લીધો.

ઈશ્વર તરત જ બોલ્યા, ‘કોણ દોષી?

કોણ નિર્દોષ? એ નક્કી કરવાનો કોઈ માપદંડ હોય કે નહીં?’

સંજયને થયું, આ તો તકલીફ. જે વિચારીએ છીએ એ પણ સાંભળી જાય છે. અને આ પણ તેમણે સાંભળ્યું જ...

ઈશ્વરે બેડની સામેની દીવાલ ઉપર એક ઇશારો કર્યો. ત્યાં તો સામી રહેલી દીવાલ એક સ્ક્રીનમાં ફેરવાઈ ગઈ અને ત્યાં પેલા ડૉક્ટરને કોઈ વ્યક્તિ સાથે વાત કરતા તેણે જોયા, જેમાં વીમો પાસ કરાવવા માટે ખોટા કમ્પ્લીટ ડિસેબિલિટીના સર્ટીફિકેટનો સોદો તે કરી રહ્યા હતા. અંતે આ ખોટા કામના તેમને પેલા માણસે વીસ હજાર ચૂકવ્યા, જે પાકીટમાં મૂકી તે ગાડીમાં બેસી બીજો એક આવો જ સોદો કરવા આ હૉસ્પિટલ તરફ આવવા નીકળ્યા, જ્યાં પાર્કિંગમાં બગીચા પાસે તેમનું પાકીટ પડી ગયું.

વાતને વચ્ચે રોકતા ઈશ્વર બોલ્યા, ‘અનીતિનો પૈસો ક્યારેય ટકી શકતો નથી... એ પૈસો માણસની પાસે રહેલી નીતિના પૈસાને પણ પોતાની સાથે ખેંચી જાય છે. આમ જ્યારે એ માણસે ડૉક્ટરના પાકીટમાંથી પૈસા કાઢ્યા ત્યારે તેમાં પેલા ૨૦ હજાર ઉપરાંત બીજા ૫ હજાર હતા, જે પણ તેણે લઈ લીધા.’

સંજય તરત જ બોલ્યો, પણ એ તો તેણે ખોટું...

તેને વચ્ચેથી અટકાવતાં ઈશ્વરે આંગળીનો ઇશારો સામે સ્ક્રીન પર બની ગયેલ દીવાલ ઉપર કર્યો.

જે માણસે પેલા પૈસા કાઢ્યા હતા તે માણસ ડૉક્ટરની કૅબિનની બહાર નીકળતો દેખાયો. સામે ખૂબ જ સામાન્ય કપડાં પહેરેલી તેની પત્ની તેને પૂછી રહી હતી કે શું થયું? ગમે તે રીતે પોતાનાં આંસુ આંખોમાં ખેંચી રાખીને તેણે કહ્યું કે ઝૂંપડી અને લારી બન્ને વેચ્યાં પછી પણ ૨૫ હજાર ખૂટે છે... અને જો બપોર સુધીમાં ૨૫ હજારની વ્યવસ્થા ન થઈ તો આપણા દીકરા ધનિયાનું ઑપરેશન નહીં થાય. દીકરાના મૃત્યુ અને જીવન વચ્ચે ૨૫ હજારની ખોટ હતી. રડતી પત્નીને દિલાસો આપતાં તેણે કહ્યું કે કાનજી પર વિશ્વાસ રાખ. તેણે દીકરો આપ્યો છે તો જિવાડશે પણ એ જ... એ ચૂપચાપ હૉસ્પિટલના કોરિડોરમાં આવેલા મંદિરમાં જઈ ટગર ટગર ભગવાનની મુરતને જોવા લાગ્યો...

આ વખતે સંજયની આંખો પણ ભીની થઈ... તક ઝડપતાં ઈશ્વર બોલ્યા... આ નરસિંહ મહેતાના સમયથી ચાલ્યું આવે છે, મારામાં આંધળો વિશ્વાસ કરનારા એટલો વિશ્વાસ કરે છે કે પછી મારે દોડવું પડે છે.

એટલે મેં જ તેને પ્રેરણા આપી કે જા ભાઈ, હૉસ્પિટલના પાછળના ભાગમાં જા... અને ત્યાં તેને પેલું પાકીટ મળ્યું.

આ ઘટના પાછળ ઈશ્વરનો સંકેત હશે એ તો સંજયે વિચાર્યું જ નહોતું... પણ ત્યાં જ તેના મગજમાં એક ચમકારો થયો... તેણે કહ્યું કે ‘પણ ચોરી..?’

ઈશ્વરને તો જાણ હતી જ કે આ આમ પૂછવાનો જ છે એટલે તેમણે તેને ચિત્રગુપ્તના ચોપડાની ફાઈલમાં રહેલું જમા-ઉધારવાળું ખાતું બતાવ્યું. ગયા જન્મમાં જુઠ્ઠું બોલીને આ જ ડૉક્ટરે પેલા ગરીબ માણસ પાસેથી ૨૫ હજાર રૂપિયા લીધા હતા. એ વખતે એ શાહુકાર હતો અને પેલો ડૉક્ટર તેનો નોકર..

સંજયે જોયું તો હમણાં થોડી વાર પહેલાં જ ચિત્રગુપ્તે બન્નેનાં ખાનાંમાં જમા-ઉધારની એન્ટ્રીઓ સુલટાવી હતી..

ઈશ્વરની સિસ્ટમ સમજવામાં સંજયને મજા પડી... મનમાં બહુ બધા પ્રશ્નો આવી રહ્યા હતા, પણ જાણીજોઈને વિચારોને ટાળ્યા... પણ તોય એક પ્રશ્ન તો થયો જ કે પણ આ બધામાં પેલા બિચારા માળીનું શું? તેણે તો કારણ વગરનો જ માર ખાધો ને?

ઈશ્વરને તો ખબર હતી જ કે આ પ્રશ્ન ઊઠવાનો છે... એટલે તેમણે આ વખતે પોતે બનાવેલી દીવાલવાળી સ્ક્રીનની જગ્યાએ સાચા ટીવી સામે ઇશારો કરીને કહ્યું કે આ ચાલુ કરી ન્યુઝ ચૅનલ મૂક..

ઈશ્વરને ન્યુઝ ચૅનલ જોઈને શું કરવું છે એમ વિચારી તેણે રિમોટ વડે ટીવી ઑન કર્યું.

લગભગ દરેક ન્યુઝ ચૅનલ ઉપર એક જ સમાચાર હતા કે ફલાણી જગ્યાએ આપેલું જૂનું બાંધકામ ધરાવતા મકાન ઉપર એની બાજુમાં રહેલા બ્રિજનો એક ભાગ ધસી પડતા એક ધડાકા સાથે તૂટી પડ્યું છે... સદ્ભાગ્યે ઘરમાં કોઈ જ ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી...

સંજયે પ્રશ્નસૂચક નજરે ઈશ્વરની સામે જોયું.. ભગવાને હસીને વાત આગળ વધારી કે પેલો નીચે જેને માર પડ્યો એ માણસનું નામ છે નવીન રામી. આ તેનું ઘર હતું.. આ ઘટનાની થોડી વાર પહેલાં તેની શિફ્ટ પતી અને એ વખતે હૉસ્પિટલમાંથી નીકળતી વખતે પેલા ઝાડ નીચે મૂકેલું પોતાનું ટિફિન લેવા એ બગીચામાં આવ્યો. મારી જ પ્રેરણાથી તેની નજર પેલા પાકીટ ઉપર પડી. એ તો લઈને એને અંદર રિસેપ્શન ઉપર જમા કરાવવા જતો હતો. જો એમ કરત તો તે વહેલો ઘરે પહોંચી ગયો હોત.. પણ એનું જીવન બાકી હતું. એટલે પેલા લોકોએ તેને રોક્યો અને તેને થોડો માર પડ્યો, પણ એનો જીવ બચી ગયો.

ઈશ્વરની સિસ્ટમ આટલી જોરદાર હશે એમ તો કોઈ દિવસ તેણે વિચાર્યું જ નહોતુ. તર્ક માણસને સમજણના સમુદ્રમાં પણ લઈ જાય છે અને કોઈ વખત ખોટી દલીલોના દરિયામાં પણ ફેંકી દે છે...

સંજયના મગજમાં તર્ક ઊભો થઈ રહ્યો હતો કે જીવ બચ્યો, પણ માર તો ખાવો પડ્યો. ત્યારે તરત જ હસતાં હસતાં ઇશ્વરે કહ્યું કે ફરી પાછો કર્મોનો સિદ્ધાંત સમજાવતો ચિત્રગુપ્તનો ચોપડો બતાડવો પડશે કે શું?

સંજયને તરત જ સમજાયું કે પૈસાની જેમ આની પણ લેતીદેતી નોંધાતી હશે... ગયા જન્મમાં તેણે કોઈ નિર્દોષને ફટકાર્યો હશે એટલે વળી પાછું આ વખતે સરભર...

છતાંય એના મનમાં થયું કે ભગવાન ગમે તે કહે, પણ કંઈક તો સિસ્ટમમાં લોચો છે જ... ચાલો માન્યું કે એનો જીવ બચાવ્યો પણ ચોરનું લેબલ તો એને લાગી જ ગયું ને?

જેની સિસ્ટમને સ્વયં સમજણ પણ સમજી શકી નથી એની સિસ્ટમ એક સામાન્ય માણસ સમજવા જાય તો આમ જ થાય ને?

જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચેની ઉક્તિ સાચી કરવાનો સમય ભગવાન માટે હતો... તેમણે નીચેની તરફ ઇશારો કર્યો...

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 6

આ ઝઘડાની વચ્ચે પેલો ગરીબ માણસ પૈસા લઈને પાછો આવ્યો, કારણ કે હૉસ્પિટલના ચીફ ડૉક્ટરને એની પરિસ્થિતિની જાણ થતાં તેણે તેના દીકરાની સઘળી ફી માફ કરી ટ્રીટમેન્ટ કરવાનું જણાવ્યું. એની સઘળી વાત સાંભળી સૌ એ પેલા માળીની માફી માગી... ડૉક્ટરને પણ આ ગરીબ દર્દીની આંખમાં આસું જોયા પછી કદાચ ઈશ્વરકૃપાએ શુ સૂઝ્યું કે એણે એ ૨૫ હજાર રૂપિયા હૉસ્પિટલના ગરીબ દર્દીઓની ફ્રી ટ્રીટમેન્ટ માટે દાન કરી દીધા...

ઈશ્વરે સંજયની સામે જોઈ પૂછ્યું, શું ખબર પડી?

સંજયે હાથ જોડતાં કહ્યું કે જે થાય છે તે સારા માટે... પહેલી નજરે સારું કે ખરાબ કંઈ પણ દેખાય છે તે આખરે તો આપનું જ ચક્કર હોય છે... બરોબર ને?

ઈશ્વર એનો જવાબ આપે ત્યાં તો બન્નેના કાનમાં અવાજ સંભળાયો હવે અહીં જ રહેવું છે કે બહાર પણ નીકળવું છે? (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2019 12:41 PM IST | | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK